આજનો મોર્નિંગ મંત્ર. – ડો. શરદ ઠાકર.

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

સિદ્ધયોગની સાધનામાં એક પછી એક પડાવ પાર કરીને સાધક જ્યારે અંતરાત્માની પૂર્ણ તૃપ્તિ સમીપ આવી પહોંચે છે એ પછી એનું ચિત્ત દિવસ અને રાત આનંદમાં જ રહે છે. સાધક આનંદમાં ભોજન કરે છે, આનંદમાં હરે-ફરે છે, આનંદમાં ઊંઘે છે, એનું વાણી-વર્તન અને વ્યવહાર આનંદમય બની જાય છે. આ આનંદ બહારથી આવેલો કૃત્રિમ આનંદ નથી હોતો પણ એની ભીતરમાંથી ઊઠેલી સચોટ અનુભૂતિના કારણે હોય છે. એના મનના બધા ક્લેશો ઓગળી જાય છે. સાધક નિર્દ્વંદ સુખ ભોગવે છે. આ અવસ્થાને સચ્ચિદાનંદમય અવસ્થા કહે છે. આપણાં શાસ્ત્રોમાં સત્- ચિત્-આનંદ અવસ્થાને સાધનાની અંતિમ ફળશ્રુતિ માની છે.
માત્ર સાત જ દિવસ પહેલાં આરંભાયેલી આ મોર્નિંગ મંત્ર યાત્રા હજારો ભાવકો સુધી પ્રસરી ગઇ છે. હિંદુ, જૈન, કિશ્ચિયન તથા અન્ય ધર્મો અને સંપ્રદાયોના ધર્મપુરુષો પણ રસપૂર્વક એને બિરદાવી રહ્યા છે.
ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ, સમર્થ કવિ શ્રી યોસેફભાઇ મેકવાન પણ એમના ફીડબેક્સ આપતાં રહે છે. ગઇ કાલે જ એમણે ફોન પર કહ્યું, ‘શરદભાઇ, આજકાલ મારામાં એક નવો ફેરફાર જોવા મળ્યો છે. હું કશા જ કારણ વગર ખૂબ પ્રસન્નચિત્ત રહું છું. તમારી ફિલોસોફીમાં એને સચ્ચિદાનંદ કહે છે. અમારી કિશ્ચિયાનિટીમાં એવું માનવામાં આવે છે કે જો તમે કોઇ દેખીતા કારણ વિના પ્રસન્ન રહેતા હો તો સમજી લેજો કે આ વિશાળ જગતમાં કોઇક તમારા માટે પ્રાર્થના કરતું હશે.’
કેટલી સરસ વાત! બધા ધર્મો અંતે તો એક જ સારબિંદુ તરફ દોરી જાય છે.
–ઓમ નમઃ શિવાય–
તા. 18-6-2020
*ડો. શરદ ઠાકર*

TejGujarati