એક છોકરી નો જ્યારે જન્મ થાય છે ત્યારે એક માતાપિતા કેટલા ખુશ હોય છે.એને કેટલા લાડકોડથી ઉછેરે છે. એને જમાના પ્રમાણે ભણાવે છે.એ ઘર એને પોતાનું લાગવા લાગે એટલી સમજણી થાય ત્યાંજ તેના માટે મુરતિયો શોધવાનું ચાલુ થઈ જાય છે.જોકે આજના સમયમાં એટલો સુધારો આવ્યો છે કે છોકરાનું ઘર, ભણતર તો માતાપિતા ધ્યાનમાં રાખે છે.જો એકબીજા ને પસંદ પડે તો વેવિશાળ નક્કી થાય છે.એ દિવસથી છોકરીને સમજાઈ જાય છે કે હવે આ ઘર એનું નથી.માતાપિતા પોતાના આખા જીવનની બધી મૂડી ખર્ચ કરીને પોતાની લાડકીનાં લગ્ન કરે છે.પોતાની એક દીકરીના લગ્નમાં કોઈ કસર રહી જાય એ માતાપિતાને કેમ પોસાય?ખૂબ ધામધૂમથી તેના લગ્ન કરે છે. પણ ત્યારે એક છોકરી એ ઘરથી વિખૂટી પડી જાય છે.પછી ક્યારેય એ ઘર વિશે એવું નથી કહી શકતી કે આ મારું ઘર છે.જ્યાં એ જન્મી,મોટી થઈ, એ ઘર લગ્ન બાદ તેનું પિયર કહેવાશે.એનું પોતાનું ઘર નહીં.લગ્ન કરી સાસરે આવશે અને તેનું સરનામું બદલાશે. સાસરે આવીને અજાણ્યાં લોકોને પોતાના બનાવશે.કોકના ઘરને પોતાનું સમજી એ ઘર માટે બધુ જ કરી છૂટશે.પણ જો તે ઘર પર હક કરશે તો ઘરના સાચા માલિકો તરત કહેશે કે આ તારું ઘર નથી.ઘરમાં જ્યારે ઝગડો થશે તો તેને કહેવાશે કે ઘર માંથી નીકળી જા. ત્યારે તેને યાદ આવશે કે આખી જિંદગી જે ઘરને પોતાનું સમજ્યું એ તો એના સસરા કે પતિનું છે,એનું નથી.
તો એક સ્ત્રીનું પોતાનું ઘર કયું?
