*ક્યારે ઉંમર થઇ કહેવાય???*
બચપણને બહુ યાદ કરાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય
જુના શોખો સમેટાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય
ફોનબૂકમાં નવા મિત્રોના જેટલાં નંબર ઉમેરાય છે
એથી વધારે ઓછા થાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય
એ રંગીલા યૌવનની રૂડી રંગીલી સખીઓને…
બહેન કહીને સંબોધાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય
સમય, કુટુંબ, શરમ, સંકોચ અથવા તબિયત કે અણઆવડત
બહાના કાઢવામાં વપરાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય
એક જમાનામાં જે આપણા માટે ઊડી તે અફવાઓ
ધીમે ધીમે બંધ થઈ જાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય
જીવનની સીધી સાદી વાતો કે જે સહુને સમજાય
તે આપણને નહીં સમજાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય
આપણા નબળા સર્જન પણ સહુ પ્રેમથી સાંભળીને ઉપર
ખોટી તાળી પાડી જાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય
‘મસાજ’ માટે કરવામાં જે આવતી’તી તે સઘળી સર્ચ
‘સમાજ’માં પલટાતી જાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય
વર્ષોથી પોતાને માટે વાપરવા સંઘરેલો સમય
ઈશ્વર ની ભક્તિ લઇ જાય ને! ત્યારે ઉંમર થઈ કહેવાય.
– *મુકુલ ચોકસી*