આગામી વિશ્વ યોગ દિવસ ૨૧ જૂન : યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી તરીકે ઉજવાશે. – વિનોદ રાઠોડ.

ગુજરાત ભારત સમાચાર

*૧૪ મી જૂન થી એક સપ્તાહ યોગ અંગે જન જાગૃતિ વધારતા વિવિધ કાર્યક્રમો સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પરથી યોજાશે*

*મુખ્ય મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને રાજ્ય યોગ બોર્ડ ની બેઠક*

*કોરોના ના આ સંક્રમણ કાળ માં વિશ્વ આખું રોગ પ્રતિકારક શકિત વધારવા ભારતીય સંસ્કૃતિની વિશ્વને અમૂલ્ય ભેટ યોગ પ્રાણાયમ તરફ વળ્યું છે*

*ગુજરાતમા યોગ પ્રાણાયામ ના વ્યાપક પ્રસાર માટે સૌ પ્રતિબદ્ધ થઇએ*

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ર૧મી જૂન વિશ્વ યોગ દિવસને ભારત સરકારના દિશાનિદેશો મુજબ ‘‘યોગ એટ હોમ યોગા વીથ ફેમિલી’’ તરીકે રાજ્યભરમાં ઉજવીને કોરોના સંક્રમણ સામે હરેક ગુજરાતી આ યોગ-સાધનાથી રોગપ્રતિકારક શકિત વધારી રક્ષણ મેળવે, કોરોનાને યોગથી હરાવે તેવી નેમ દર્શાવી છે.

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી રાજ્ય યોગ બોર્ડની બેઠકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના આયોજન સંબંધે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમત-ગમત રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે, યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શીશપાલજી સહિત બોર્ડના સભ્યો આ બેઠકમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં કહ્યું કે, કોરોના સંક્રમણથી બચવા રોગપ્રતિકારક શકિત વધારવી આવશ્યક છે.

વિશ્વ આખું હવે એ તરફ સજાગ બન્યું છે અને યોગ-પ્રાણાયામના માધ્યમ થી રોગપ્રતિકારક શકિત વધારવા તરફ વળ્યું છે ત્યારે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશ્વને ભેટ એવા યોગ-પ્રાણાયામનું મહત્વ રાજ્યમાં જન જન જસુધી વિસ્તરે તે માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો બનશે એવો સ્પષ્ટ મત મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

આ સંદર્ભમાં તેમણે યોગ બોર્ડ દ્વારા ર૧મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે એક સપ્તાહ એટલે કે તા.૧૪ જૂનથી યોગ-પ્રાણાયામનો વ્યાપક પ્રચાર-પ્રસાર લોકોમાં થાય જાગૃતિ વધે તે માટે સોશિયલ મીડીયા પ્લેટફોર્મના માધ્યમથી યોગ નિદેશનો-યોગ અંગે જાગૃતિ વ્યાખ્યાનો સહિત વિવિધ કાર્યક્રમો યોજવાનું માર્ગદર્શન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગ પ્રશિક્ષકોને માનદ વેતનથી પસંદ કરવામાં આવ્યા છે તે યોગ પ્રશિક્ષકો આ સપ્તાહ દરમ્યાન અને ર૧મી જૂને પણ યોગ નિદર્શનો-યોગ જનજાગૃતિમાં જોડાય તેવા આયોજનની હિમાયત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ યોગ-પ્રાણાયામને પ્રવર્તમાન પરિસ્થિતીમાં વધુ પ્રચલિત બનાવવાના હેતુથી વધુને વધુ લોકો યોગાભ્યાસમાં જોડાય તે માટે સેલ્ફી વીથ યોગાસન, યોગ વીથ ફેમીલી જેવા આકર્ષક આયામો પણ આ પ્રચાર-પ્રસાર અભિયાનમાં જોડવાનું પ્રેરક સૂચન કર્યુ હતું.

આ બેઠકમાં રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન પણ મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ડી.એચ.શાહ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ શ્રી પંડયા સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

સી.એમ-પીઆરઓ/અરૂણ …..

TejGujarati