લોહી ઉકળતા એકાંત વચ્ચે માણસની વાત. – ગોપાલી બુચ.

સમાચાર

હાથી મેરે સાથીની વિચારધારાથી ચાલનારો માણસ સમયાંતરે આટલો બદલાઇ ગયો કે એક ગર્ભવતી હાથણીની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખી ?

આટલી નીચ પ્રવૃત્તિ ! (લખતા શરમ આવે છે પણ જે કહેવું છે એના માટે આનાથી વધુ સારો શબ્દ જડ્યો નહી )

ક્યાં ગઈ બધી ધાર્મિક ભાવના ? હાથીમાં ગણપતિના સ્વરૂપને જોવાની ગણેશભક્તિની વાતો ક્યાં ગઈ ?

કેરલના મલ્લપૂરમમાં એક ભૂખી અને ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવી દીધું. જે મોઢામાં ફૂટ્યું અને એ પછી પણ હાથણી બે દિવસ કણસતી રહી.

અરેરે ! આવી અધમતા આચરનાર કઈ કક્ષાના લોકો હશે ? આપણી સંસ્કૃતિમાં શેરીની કૂતરી વિયાય તો એનાં માટે પણ ચાર ધેર શીરો તૈયાર થાય છે, ત્યાં આટલું હિચકારું કૃત્ય ! માણસ હોવા બદલ પણ ધિક્કાર છૂટે એવી ઘટના બની ગઈ.

હવે બધું થશે , બધું શરું પણ થયું છે. કોંગ્રેસ દ્વારા કાયમની જેમ પ્રહારો, મેનકા ગાંધીના પ્રશ્નો , જીવદયા સાથે સંકળાયેલાં એનજીઓના બખાળાં , જવાબદાર તત્વોને શોધવા જંગલખાતાના પ્રયાસ , સમગ્ર દેશમાંથી ઉઠેલો ફીટકાર. . . . . . બધું જ. દર વખતે બને છે એમ જ.

કદાચ જવાબદાર તત્વોને શોધી સજા પણ કરવામાં આવે . અને એમ જ થવું જોઈએ. આપણે જ આ બાબતે જાગૃત થવું પડે કારણ પ્રાણીઓની જમાત બિચારી મિણબતીના સરઘસ નથી કાઢતી કે નથી પથ્થરમારો કરતી.

હવે જે થશે એ ,પણ સવાલ એ છે કે માણસની સંવેદના સાવ હણાઇ ચૂકી છે ? ને જવાબ છે , ” હા” . નહીંતર “જીવ માત્રમાં પરમાત્માનો અંશ છે” એવી વિચારધારા ધરાવતી હિન્દુ સંસ્કૃતિમાં આવું અમાનવીય કૃત્ય થાય નહીં.

વૈશ્વિક સ્તરે કુદરત “કોરોના” નામનો કાળપંજો વિંઝી રહી છે ત્યારે કદાચ માણસ હજી પોતાની હેસિયત સમજવામાં ઉણો ઉતરી રહ્યો છે. વિચારો કે જેટલો લાંબો સમય માણસજાત ઘરમાં પૂરાયેલી રહી (હજી પણ છે જ ) એટલો સમય પ્રકૃતિ અને પ્રાણીસૃષ્ટિ મુક્ત હતાં. એનાંથી આગળ વિચારીએ તો પ્રાણીઓમાં કોરોના વાયરસ વધુ માત્રામાં અને ઝડપી ફેલાય છે પણ પ્રાણીઓ હજી સુધી સુરક્ષિત છે અને વિજ્ઞાનના જોર પર નીતનવા પ્રયોગો કરતો બુદ્ધિશાળી માનવ સમુદાય બિચારો કોરોના વાયરસ સામે ધૂંટણિયે પડી ચૂક્યો છે .આવું કેમ ? વિચાર આવે છે ? આવા પાપી કૃત્યોને પરિણામે જ ..

જરૂરી નથી કે આપણને સીધા કરવા ભૂકંપ , સુનામી , પૂર , વાવાઝોડા કે દુષ્કાળ જેવી કુદરતી આફતો જ આવે. કુદરત પણ કાચી નથી. જે વિજ્ઞાનના જોરે માણસ કુદરત પર હાવી થયો એ જ વિજ્ઞાનને હથિયાર બનાવી કુદરતે માણસને ઘરમાં બેસાડી દીધો છે , પણ કમનસીબે આ માણસજાત તો પણ સુધરી નથી એનું ઉદાહરણ એટલે કેરલની કરુણ – ધિકકારણીય ઘટના.

આ પ્રાણીજગતની “પ્રાણસાઇ “નાં દાખલાં પણ આપણે જોયા સાંભળ્યાં છે. હાથીઓએ બાળકની રક્ષા કરી હોય કે સમય આવ્યે મદદ કરનાર માણસને યાદ રાખી જંગલી જાનવરે પણ ઉદારતા દર્શાવી હોય , વફાદારી દાખવી હોય એવું પણ આપણે જોયું જ છે ને ? તો વિશ્વમાં માણસને શ્રેષ્ઠ પ્રજાતિ કહેનાર માણસ કેવાં એ માણસે જ નક્કી કરવાનું ને ! પ્રાણી તો અબોલ જીવ છે ,એ શું કહેશે ?

પણ મને આ હાથીઓની ફૌજને ચોક્કસ કહેવાનું મન થાય છે કે આ અધમતા આચરનાર એકાદો પણ ભૂલથી દેખાય ને તો સૂંઢમાં ઉચકી ગોળ ગોળ ફેરવી પછાડી મૂકજો અને એટલું જ નહીં પછી પગ તળે કચડી પણ નાંખજો.

આ માણસજાત તમારાં સૌજન્યને લાયક નથી. બિચ્ચારો ભોળો મહાદેવ પણ થાપ ખાઈ ગયો. એને નહીં ખબર હોય કે હાથીમાં ગણેશજીનું રૂપ જોતો માણસ એક દિવસ રાક્ષસ બની જશે.

“મા ! સમગ્ર માણસજાત તરફથી માફી માગું છું અને એ જાણું પણ છું કે અમે આ ઘટના બાબતે માફીને લાયક નથી”

ઓમ શાંતિ (જે છે નહીં , લોહી ઉકળી રહ્યું છે )

ગોપાલી બુચ.

TejGujarati