માસ્ક. 1. – મયંક રાવલ.

ગુજરાત ભારત સમાચાર

સવારનો આછો પાછો તડકો જરાક ઝાકળ પર પડીને ચમકવા
પ્રયત્ન કરી રહ્યો હતો. કેટલા બધા વરસો પછી પક્ષીઓ મુક્ત મને કલબલાટ કરી રહ્યા હતા! અને આકાશમા જાણે કોઈએ નવી નક્કોર પીંછી લઈને પાણી બદલ્યા પછી રંગો ઉમેરી દીધા હોય તેવું લાગતું હતું.

આ એજ ગામ હતું, જ્યાં ધુમ્મસનું સામ્રાજય ચોવીસ કલાક રહેતું અને શ્વાસમાં રજકણ તો એમજ જતા રહેતા. પણ આ શું? સવારના નવ વાગવા આવ્યા, પણ કોઈ માનવની અવરજવર જ નહિ. કદાચ રવિવાર હશે? ના, એમ રોજ રવિવાર થોડો જ હોય? ગઈકાલે પણ કૈક આવુંજ હતું. સુરજને વળી ઉભા રહીને વિચારવાનું થોડું જ હોય.! એણેતો બસ પોતાના નિર્ધારિત સમયે ઉગવાનું અને નિર્ધારિત સમયે આથમી જવાનું. અને મળે શું? એવો વિચાર કરવાનો સમય હોત તો એ પણ માણસ કહેવતો હોત. આ પેલા ફૂલો પણ કેવા બેશરમ છે! કોઈ જોવા વાળાં નથી તોય એના સમયે ખીલી જ જાય છે. ક્યારેક એ મોડા ખીલે તો? કોઈ પગાર થોડું જ કાપી નાખવાનું હતું. પણ હેં, એ ફૂલોને ખીલવા માટે પગાર મળે ખરો? સાવ મફતમાાં જ ખીલી જવાનું અને કોઈ તોડી લે તો પણ કોઈ ફરિયાદ નહિ કરવાની. એટલે જ કદાચ પેલા ધોળિયાઓ મુરખને ફૂલ કહેતા હશે. હશે આમેય એમણે ભારતમાં આવીને બધાને માણસ જ ક્યાં રહેવા દીધા છે? બધા સવારથી સાંજ બસ ભાગ્યા જ કરે છે. અને મળે છે શું? એવું નહિ પૂછવાનું. સારા માણસોએ સવાલ ન કરાય. બસ બધાની સામે હસતા રહેવાનું, પણ એ બધા કહેવાતા સારા માણસો દેખાતા કેમ નથી?
બંધ બારીને પેલે પાર એક એલાર્મ સતત વાગ્યા કરતુ હતું. લગભગ ચાર કલાકથી? હવેતો એની બેટરી પણ ડીસ્ચાર્જ થવા આવી હતી. લગભગ અપારદર્શક પરદામાંથી થોડોક પ્રકાશ રૂમમાં આવતો હતો. એમાંથી માંડ માંડ અંદર આવતા આ શરમાતા કિરણોને તો આ રોજનું હતું. માંડ માંડ અહી આવવા મળતું.અને એ લોકો આવે ત્યારે આ રૂમ સાવ ખાલી મળતો. પણ થોડા દિવસથી અહી એક માનવ આકૃતિ દેખાતી. ચોળાઈ ગયેલી ચાદરની વચ્ચેથી એ આકૃતિ સળવળી. અરે આ શું , આજે પણ? કિરણો થોડું વધારે શરમાયા એક ખૂણામાં ભરાઈને એ પેલી આકૃતિને મન ભરીને જોવા લાગ્યા. ચુસ્ત શરીર, ગૌર વર્ણ અને સાવ નિવસ્ત્ર.. હશે માંડ વીસેકની ઉમર. પણ હતો મસ્ત હો. એક કીરણે બીજા સામે આંખો કાઢી. “કેમ તું પણ તો નિવસ્ત્ર જ છે. કુદરતમાં બધુજ નિવસ્ત્ર જ હોય. એ સાહજિક છે એમાં તાકવાનું ન હોય.
“અરે, પણ આ તો માણસ છે. એણે તો કેટલા બધા આવરણો શોધ્યા છે. આવો સાવ આવરણ વિનાનો માણસ ભાગ્યેજ જોવા મળે છે. અને વળી આ તો પાછો દેખાવડો છે.”
“ બસ, હવે. વધુ વાતો કરીશ તો દિવસ લંબાઈ જશે. આપણે વિચારવાનું ન હોય ” કિરણો એક બીજામાં ભળી દીવાલ સાથે અથડાઈ અને પેલા છોકરાને સ્પર્શવા ભાગ્યા. જમીન પરપડેલા કપડાના ઢગલા પર પગ મુકીને પેલો છોકરો ઉભો થયો. કોઈ ગ્રીક ગોડ જેવું ચુસ્ત શરીર, ગોળ મોઢું , વાંકડિયા વાળ અને લગભગ સાડા પાંચ ફૂટની ઉંચાઈ. બસ, ઊંચાઈમાં માર ખાઈ ગયો. પણ હા, એની જાદુઈ આંખો એની ઊંચાઈને છુપાવી દે તેવી અદ્ભુત હતી. પેલા કિરણો એના શરીર પર રમત કરી રહ્યા હતા અને અચાનક મોબાઈલ ફોનની રીંગ વાગી. “ હલો, ઓ.. હાય જાનું , જોને ઓફિસનું કામ કરતો હતો… આખી રાત. હા, હમણાાં જ ઉઠ્યો. વહેલો ઉઠ્ત… તો તને ફોન કરત. પણ ઉઠીને કરવાનું પણ શું? ક્યાય બહાર તો જવાનું જ નથી. હા,… હા, ના,… ના, સાચું કહું, હજુ એટલા કપડા ભેગા નથી થયા કે મશીન લોડ કરવું પડે. ના ના, એમ તો… કપડા પહેરી લઉં છુ. સાવ… એવું પણ નથી. ખબર નહિ ક્યાં સુધી આવું ચાલશે ?” એણે હાથથી જરાક પરદો ખસેડયો. સુરજ આકાશને આંબવાની તૈયારીમાં હતો. અચાનક નજર આકાશ તરફ ગઈ. સાવ સાફ, નવું નક્કોર આકાશ લાગતું હતું , બસ એકજ રંગ, એના શરીર જેવો જ. સામેની બારીમાંથી એક પાંત્રીસેક વરસની સ્ત્રી એને તાકી રહી હતી.” કેવો રૂપાળો છે! સાવ એકજ રંગ , આજના આકાશ જેવો!” પેલાએ પરદો છોડી દીધો. એનું શરીર હવે એક આવરણ પાછળ હતું. કે પછી એ માસ્ક હતું? પરદાની પેલી બાજુ હજુ પણ બે આંખો તગતગી રહી હતી. ફોન ચાલુ હતો. –
મયંક રાવલ.

ક્રમશ:

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •