ભારત હોય કે યુરોપ, અમેરિકા હોય કે ફિલીપાઇન્સ. રાષ્ટ્રનિર્માણ બહુ પીડાદાયક છે. – દેવલ શાસ્ત્રી.

ગુજરાત ભારત સમાચાર

દંભી રાષ્ટ્રવાદ પાયા હચમચાવી શકે છે, તો રાષ્ટ્રવાદ અનેક દેશોના સર્જનમાં પાયામાં હતો. રાષ્ટ્રવાદ દંભી છે કે હિતકારી એ તો સમય કે રાજનીતિના જાણકારો જ કહી શકે.
રાષ્ટ્રનિર્માણ જટિલ પ્રયોગ છે, તેને ટકાવવા રાષ્ટ્રવાદ ઉપયોગી પણ થતો હોય છે અને કોઈ વાર વિઘાતક…ખેર જવા દો એ ચર્ચા… આપણે રાષ્ટ્રવાદના પ્રારંભને સમજવાની કોશિષ કરીએ.
દુનિયામાં રાષ્ટ્રવાદ શબ્દ અને તેની સમજ સત્તરમી અઢારમી સદીથી આવ્યો. લગભગ પૂરા યુરોપમાં રાજાશાહી હતી, લોકોનું શાશન હોવું એ તો કવિની કલ્પના હતી.
એક સમયે ફ્રાન્સમાં નેપોલિયન રાજાશાહી હટાવીને ક્રાન્તિ કરી અને લોકોને શાશન તેમજ કાયદા ઘડવાની છૂટ મળે તેવું વાતાવરણ સર્જાયું. નેપોલિયન તેના અંતિમ તબક્કામાં ખુદ જ આપખુદ શાશક બનવા લાગતા રાષ્ટ્રવાદ ધૂંધળી આશા થવા લાગી. રાષ્ટ્રવાદ બહુ સરળ છે, પ્રજા ધર્મ, વિસ્તાર કે ઇતિહાસના નામે એક થવા લાગે.
રાષ્ટ્રવાદ અલગ અલગ સમાજ મુજબ પોતાની રીતે વિકસતો હોય છે પણ મૂળભૂત સિધ્ધાંત સમાન જ હોય છે.
ઇટલીના ક્રાંતિકારી મેઝીનીએ ક્રાંતિ શરૂ કરતાં કહ્યું હતું કે, રાષ્ટ્રવાદ એટલે અત્યારથી જ અને અવિરત…. રાષ્ટ્ર નિર્માણ માટે ક્રાંતિ શરૂ કરવા કોઈ મુહુર્ત નથી. ક્રાંતિ સતત ચાલતી પ્રક્રિયા છે, વેકેશનની પ્રવૃત્તિ નથી…
કદાચ આ યુગમાં મેઝીની જન્મ્યો હોત તો કહેતો હોત કે ક્રાંતિ એ સોશિયલ મિડીયાની પેદાશ નથી. ઇસ મેસેજ કો ઈતના ફૈલા દો…થી ક્રાંતિ નથી આવતી. મેઝીની હમેશા કહેતો કે આપણા મહાન ભવિષ્યકાળ માટે બલિદાન આપવા પડશે.
આપણે જે ખોયું છે તેના માટે શરમ આવે છે, શરમજનક હાલતમાંથી બહાર આવવા બલિદાન આપવા તો પડશે. ક્રાંતિ લોહી રેડ્યા વિના આવતી નથી…..
મેઝીની જ્યારે આ વાતો કરતો ત્યારે ઇટાલી લગભગ બધું ગુમાવી ચુક્યું હતું. છઠ્ઠી સદી અડધા યુરોપ પર શાશન કરનારી પ્રજા પાસે પોતાનું રાષ્ટ્ર જ ન હતું. પોતાનો દેશ જ ગુમાવી ચુક્યા હતા. દેશના નાના ટુકડા થઈ ગયા હતા અને પડોશી ઓસ્ટ્રીયા માલિક બની ગયું હતું.
દરેક ઇટાલિયનને એક થવું હતું. પોતાનું રાષ્ટ્ર બનાવવું હતું. મેઝીનીએ નેતૃત્વ લીધું અને યુવા ઇટાલી નામનું સંગઠન ઉભું કર્યું. ઇટાલીમાં સ્વતંત્રતા આવે અને તે સમયની લોકશાહી આવે જેમાં ભાષા સમાન હોય, ધર્મ સમાન હોય અને કાયદા સમાન બને.
ઇટાલીનો પૌરાણિક વારસો જળવાય તે માટે યુવાનોને ક્રાંતિ માટે ઉત્સાહ આપવા લાગ્યો. આપણે છેલ્લાં પાંચ સાત વર્ષોથી સોશિયલ મિડીયા પર આહ્વાન આપીને જાતને સંતોષ આપીએ છીએ પણ મેઝીનીએ ત્રીસ ત્રીસ વર્ષ સુધી અવિરત યુવાનોને ક્રાંતિ માટે દેશબહાર રહીને સતત પ્રેરણા આપી.
આખા ઇટાલીમાં નવો જોમ ઉભો કરી દીધો. ઇટાલી પણ ભારતની જેમ અનેક રજવાડામાં વહેચાયેલું હતું. નાના રાજ્યો ક્રાંતિને સ્વાભાવિક સહકાર આપતાં ન હતાં, ઈવન રોમમાં પોપ પણ ક્રાંતિ વિરુદ્ધ હતાં. મેઝીની એ રોમમાં જ રાષ્ટ્ર હિતમાં પોપ સામે ક્રાંતિ કરી, સ્વતંત્ર રોમ બન્યું. પોપ ભાગીને ફ્રાન્સ ગયાં. ફ્રાન્સના કેથોલિકને ખુશ કરવા નેપોલિયને રોમ પર હુમલો કર્યો અને મેઝીનીનું સ્વપ્ન રોળાઈ ગયું.
1850નો સમય ઇટાલી માટે ગુલામીનો રહ્યો. પોપથી માંડી તમામ નાના રાજ્યો હોય કે ઓસ્ટ્રિયા… ઇટાલીની ગુલામીની મજા લીધી. ઇટાલીના નાના રાજ્યોમાં વિક્ટર ઇમેન્યુઅલ ઉદાર રાજવી હતો.
ઇટાલીમાં અન્ય રાજ્યોની ત્રાસેલી પ્રજા પણ તેના રાજ્ય સાર્ડિનીયામાં ભેગી થવા લાગી. ઇટાલીને કોઇ પણ સંજોગોમાં ઓસ્ટ્રીયા અને રાજાશાહીથી મુક્ત કરવું હતું. મેઝીનીએ શરૂ કરેલી ક્રાંતિ, જેમાં સ્વપ્ન વધુ હતાં. જ્યારે વાસ્તવિકતા ઘણી દૂર હતી. આ સમયે એક નવો ચહેરો આવ્યો. જુગારમાં લગભગ બધું ગુમાવીને કાવૂર મેચ્યોર રાજનિતિજ્ઞ તરીકે નામના મેળવી.
કાવૂરે સાર્ડિનીયામાં મોટું લશ્કર ઉભું કર્યું. પણ તેણે મેઝીની જેવી ભૂલ ન કરી. ઇટાલીએ સ્વતંત્રતા મેળવવી હોય તો અન્ય યુરોપના દેશોનું સમર્થન હોવું જરૂરી છે.
રશિયા સામે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ જેવા મજબૂત દેશોનું સમર્થન મેળવવા લડાઈમાં પોતાની નાની સેના મોકલીને આ દેશોનો સાથ લીધો.
આખા યુરોપમાં સહાનુભૂતિ જીતવા સાથે ફ્રાન્સનો મજબૂત સાથ લીધો. જે ભૂલ મેઝીનીએ કરી હતી, તે કરવાને બદલે ફ્રાન્સ પાસે કરાર કર્યો કે જરૂર પડે ફ્રાન્સની સેના ઓસ્ટ્રિયા સામે ઉભી રહેશે. આ માટે વિક્ટર ઇમ્યુનલની 16 વર્ષની પુત્રી, કે જેણે રાષ્ટ્ર નિર્માણ માટે બાપની ઉંમરના ફ્રાન્સના નેપોલિયન સાથે લગ્ન કર્યાં.
ઇટાલીની પ્રજાને પસંદ પણ ન હતું, આમ છતાં ભોગ આપવો પડ્યો. જેવો મોકો મળ્યો કે સાર્ડિનીયાએ ઓસ્ટ્રિયા સાથે લડત શરૂ કરી. ફ્રાન્સની મદદથી શરૂ થયેલી આ લડાઈમાં એક જ દિવસમાં ત્રીસ હજાર સૈનિકોએ શહીદી ભોગવી હતી.
ઇટાલીની આ ક્રાંતિથી ફ્રાન્સ પણ ડરી ગયું. ઇટાલીના બીજા રાજ્યો ભળતા ગયાં, એક સમયે ફ્રાન્સ પણ સામે આવ્યું. ઇટાલી જેવું શક્તિશાળી બનવા લાગ્યું ત્યારે નેપોલિયન પણ કહેવા લાગ્યો કે પ્રજાની સાંસ્કૃતિક એકતા આ રાષ્ટ્રને મહાન બનાવશે.
મેઝીનીની યુવા ક્રાંતિ, રાજા ઇમ્યુનલની સમજદારી અને કાવૂરની રાષ્ટ્રવાદી વિદેશનિતી રાષ્ટ્ર નિર્માણ તો કરી શકે પણ મહાન પણ બનાવી શકે.
ભારતમાં પણ સ્વતંત્રતાનો જંગ અનેક મોરચા પર લડવામાં આવ્યો હતો. વૈવિધ્યસભર ભારતમાં અહિંસા, હિંસા, ગ્રામ સુધારણા, જ્ઞાતિવાદ વિરોધ, સ્ત્રી સમાનતા, એજ્યુકેશન… અનેક મોરચા પર કામ કરવામાં આવ્યું હતું.
વાત ખાલી એટલી જ છે કે, તમારું રાષ્ટ્ર હોય કે તમે જે કંપનીમાં કામ કરો છો….આ બધું સખત મહેનતથી ઉભું કરવામાં આવે છે…

जैसी बची है वैसी की वैसी, बचा लो ये दुनिया
अपना समझ के अपनों के जैसी उठा लो ये दुनिया
छिटपुट सी बातों में जलने लगेगी, सम्भालो ये दुनिया
कट पिट के रातों में पलने लगेगी, सम्भालो ये दुनिया….

(લેખન અને સંકલન)
Deval Shastri?

TejGujarati