“ડાકિયા ડાક લાયા ? નહિ, દવા લાયા !”

સમાચાર

લોકડાઉનના સમયમાં જીવનરક્ષક દવાઓ પહોંચાડી અપ્રતિમ સેવા આપી રહ્યા છે પોસ્ટ વિભાગના કર્મચારીઓ
અત્યાર સુધીમાં વિવિધ રોગથી પીડાતા હોય તેવા ૨૪૨ દર્દીઓના ઘરઆંગણે જઈને પોસ્ટ કર્મીઓએ તેમના સુધી દવા પહોચાડી છે

ગાંધીનગર, તા.10 મૅ :
કોરોના વાયરસના સંક્રમણે સમયે લોક સુરક્ષા અને સેવાના ભાગરૂપે જ્યાં આરોગ્ય વિભાગ, સફાઈ કામદારો, પોલીસ તથા મિડીયા કર્મીઓ ફ્રન્ટલાઈન વોરીયર્સ તરીકેની ભૂમિકા નિભાવી રહ્યાં છે; તેવા સમયે લોકોની સુખાકારી તથા સલામતીના હેતુસર પોસ્ટલ વિભાગના કર્મચારીઓએ પણ એક અનોખો સેવાનો યજ્ઞ આરંભ્યો છે.
સામાન્ય પરિસ્થિતિમાં ફરજના ભાગરૂપે પોસ્ટકર્મીઓ લોકોના ઘર સુધી પોસ્ટ, કુરીયર કે અન્ય પાર્સલ સુવિધાઓની હોમ ડિલીવરી કરતા હોય છે, પરંતુ કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિમાં પોસ્ટકર્મીઓએ તેમની જવાબદારી ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જારી માર્ગદર્શિકાને સુચારુ રૂપે અમલી બનાવવાના હેતુસર લોકો ઘરની બહાર ન નીકળે, ઘરમાં જ રહે સુરક્ષિત રહે તે માટે આવશ્યક સેવાઓ માટે હોમ ડિલીવરી કરવાની કામગીરી અમલી બનાવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના પોસ્ટ વિભાગના કર્મચારીઓ અન્ય જિલ્લા કે તાલુકામાંથી આવતી જીવનરક્ષક દવાઓ લોકોના ઘર સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય કરી રહયાં છે.
અત્યાર સુધીમાં વિવિધ રોગથી પીડાતા હોય તેવા ૨૪૨ દર્દીઓના ઘર આંગણે જઈને પોસ્ટ કર્મીઓએ તેમના સુધી દવા પહોચાડી છે. ઉપરાંત ૧૦૦ થી વધુ મેડિકલ પાર્સલ બુક કરીને અન્ય જિલ્લામાં પહોચાડવાનું કામ પણ પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહયું છે.
પોસ્ટ વિભાગની આ કામગીરી સંદર્ભે સંતોષ વ્યક્ત કરતા ધ્રાંગધ્રા તાલુકાના દિવ્યાંગ લાભાર્થી હિતેશભાઈ કણઝરીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક સમયથી મગજની દવા નિયમિત પણે લઉ છું, સામાન્ય પરિસ્થિતિમાં હું અમદાવાદ જઈ દવા લઈ આવતો હતો. પરંતુ લોકડાઉનના કારણે મારે અમદાવાદ જઈ શકાય તેવી સ્થિતિ ન હતી, ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા મને અમદાવાદથી મંગાવેલી મારી મગજની દવા ઘર આંગણે સમયસર પહોંચાડી છે, જેના કારણે મારી ચિંતાનો અંત આવ્યો છે. આજના આ સમયમા પોતાના જ પોતાને કામ નથી આવતા ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા લોકોને આવી સેવા પુરી પાડવામાં આવી રહી છે, મારા મતે એ જ સાચી સેવા છે તેમ જણાવી આ સેવા બદલ પોસ્ટ વિભાગનો હદયથી આભાર પણ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, પોસ્ટ વિભાગના કર્મીઓ દ્વારા Social Distancing જાળવી કામગીરી કરી પોસ્ટ ઓફિસમાં આવતા લોકોને કોરોના વાયરસના સંક્રમણના સમયે જરૂરી તકેદારી રાખવા માટે જાગૃત કરવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોને પોતાનું આરોગ્ય સારૂ જળવાઈ રહે તે માટે વારંવાર હાથ સેનેટાઇઝ કરવા અને ફરજીયાત માસ્ક પહેરવાની સમજ પણ આપવામાં આવી રહી છે. વધુમાં પોસ્ટ વિભાગ દ્વારા જિલ્લાના ૩૧૦૦ થી વધુ જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે માસ્કનું વિતરણ કર્યું છે, ત્યારે કોરોના સામેના જંગમાં પોસ્ટકર્મીઓની કોરોના વોરિર્યસ તરીકેની આ કામગીરીને આપણે ઘરમાં જ રહી લોકડાઉનનો પાલન કરીને બિરદાવવી જ રહી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •