*ભારતીય સંસ્કૃતિયુક્ત વિશાલાનગરી બાંધવી છે : સુરેન્દ્ર પટેલ* *I built up heritage village hotel : Surendra Patel* *શંખનાદ : શૈલેશ રાવલ* *9825072718*

સમાચાર

આજથી પચીસેક વર્ષ પહેલા કોઈક કહે કે, થોડી આર્થિક ભીડ પડી હતી તે આઠેક કરોડ રુપિયા ઉછીના લીધેલા, જે દુધે ધોઈને સૌને પાછા ચુકવ્યા છે. તો હૃદય ધબકારા ચુકી જાય તેવડી મોટી રકમ જરુર કહેવાય, અને સમજદારીના છ દશકમાં જો તે વ્યક્તિ કહે કે આવી કપરી પરિસ્થિતી તો ત્રણ વખત આવી છે, પણ ઉપરવાળા પર પૂર્ણ વિશ્વાસ છે, તે જરુર રસ્તો બતાવે છે. તો તેમને જોવા મળવાની જરુર ઈચ્છા થાય. હા, 80 વર્ષના વિશાલા બ્રાન્ડ સુરેન્દ્ર પટેલ એટલી સહજતાથી આ વાત કહે છે કે જાણે કોઈકની પાસે બે પાંચ હજારનો વ્યવહાર ના કર્યો હોય…! ઉવારસાદના છગનલાલ પટેલનો પરિવાર દરિયાપુરમાં સ્થાયી થયેલો, ટેક્ષટાઇલ મિલનો તે સુવર્ણ યુગ, સાળ ખાતામાં હેડ જોબર ને સ્વભાવે પરગજુ, તે ગામડેથી કોઈ આવે, તો સાળ સાંચા ચલાવવા સૌ કોઈને કામે રાખવા, કામ અપાવવા મદદ કરે, તેમના મામા કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં સંત થયેલા તે પાછું આ આખુ પરિવાર સત્સંગી, ને મંદિરનો બે ટાઈમ આવારો-જાવરો ય ખરો, ભણેલા ઓછું પણ અનુભવનું ગણતર પોટલાભાથુ ખાસ્સુ મોટુ, પત્ની દિવાળીબેનની કોઠાસુઝ પરિવારને અજવાળે. પરિવારમાં ત્રણ દીકરા ગોપાલ, શાંતિ, અને સુરેન્દ્ર, છગનલાલનો પાક્કો નિર્ધાર કે પેટે પાટા બાંધીશ પણ છોકરાઓને મિલમાં કાંઠલા ચૂસવા નહીં મોકલું, ખુબ ભણાવીશ ગણાવીશ મોટા સરકારી બાબુ બનાવીશ, તે નાનીઅમથી દુકાન લીધી’તી, જેમાં સુરેન્દ્ર ટી ડેપો નામે થાય એટલો વેપાર કરે, નાનો સુરેન્દ્ર ચોથા ધોરણમાં હતો ને છગનલાલ ધામમાં સિધાવ્યા, દીવાળીબેને અથાગ પરિશ્રમ કરી કોડિયે તેલ સીંચી, નામ પ્રમાણે સતત અજવાળુ ફેલાવ્યે રાખ્યું. ગોપાલભાઈ LLB થયા, શાંતિભાઈ BA થયા, ને 1940માં જન્મેલા સુરેન્દ્રભાઈ 1964માં વલ્લભવિદ્યાનગરથી સિવિલ એન્જીનીયર થયા.
બાળપણમાં સુરેન્દ્ર દિવાળીબા ની આંગળી પકડી દરરોજ મંદિરે જાય, તે કલાકો સુધી પરિસરમાં કાષ્ટકલા ની બેનમૂન કોતરણી, દેવદેવીઓના શિલ્પો, થાંભલા, શાખ-ટોડલા, વેલપાંદડાં, રંગો, ચિત્રો, ગર્ભદ્વારની મૂર્તિઓ નિરખ્યા કરે, અને વિચાર્યા કરે હું પણ આવી હવેલી બનાવીશ. દુકાને બેસે ત્યારે સીઝનમાં કેલેન્ડર બનાવવા આવતા શ્યામસુંદર રાણા જે આર્ટીસ્ટ હતા, તેમની સાથે રંગો, ચિત્રો વગેરેની વાતોમાં રસ લે, તે વળી એક દિવસ કલાકારે કહ્યું કે ભાઈ તું સિવિલ એન્જીનીયરીંગનું ભણવા નું પસંદ કરજે, અને ભણ્યા પછી કોર્પોરેશનમાં રોડ બનાવવા સહાયક સુપરવાઈઝરની નોકરી રોજમદાર તરીકે મળી, રોજના છ રુપિયા અને પંચોતેર પૈસા… પણ સુરેન્દ્રભાઈને તો કૈક નવું કરવું’તું, રતનપોળની દુકાનો માં ઘરાકી જોવે, પણ ભીડ ભારે તે મુંઝારો થાય, એક શેઠને વિનંતી કરી દુકાનને નવા રુપરંગથી સજાવવાનું બીડુ ઝડપ્યું, એટલે કે તે જમાનામાં તો ઇન્ટિરિયર ડિઝાઈનર શબ્દ રતનપોળ કે અમદાવાદ માટે તો સૌને ઉપરથી જ જાય..! તે સજાવટ, રંગરોગાનના નામે થોડા ફેરફાર કરી દુકાનનું કલેવર જ બદલ્યુ, તે ઘરાકો ને તો જોણું થયુ. ઘરાકી વધી ને સુરેન્દ્રનો કિસ્મતનો રસ્તો ખુલ્યો. શ્યામસુંદરે તેમની ઓળખાણ નટુ મિસ્ત્રી સાથે કરાવી, નટુભાઈ અચ્છા કલાકાર, પેન્ટિંગ ના જાદુગર હૂબહૂ ચિત્ર દોરે, ને પછી સુરેન્દ્રભાઇ તેમાં જીવ રેડે, “હીમસન” નાઈલોન કંપનીના શેઠ રાતનપોળની દુકાને આવીને પૂછે છે આ દુકાનનું કલેવર બદલનારને મારે તેને મળવું છે. અને સુરેન્દ્રનો રસ્તો સુરત સુધી લંબાય છે, ઈન્ડસ્ટીયલ એક્ઝિબિશનમાં હીમસન સ્ટોલને પ્રથમ નંબર મળે છે, તે સુરેન્દભાઈને નવા મુકામો સુધી જવાનું જંક્શન બને છે. સતત ચાલીસ પિસ્તાળીશ વર્ષ સુધી ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે અનેક કાર્યશિખર સર કરી પોતીકું આગવું નામ અને નવું બજાર ઊભું કરે છે. જ્યાં તેમની સફળતાનો રાઝ ખોલતા તે કહે છે કે મંદિરના બાળપણના શિલ્પો, રંગો, આકૃતિઓ, થાંભલા, ટોડલા જ હંમેશા મારી મદદે આવ્યા છે ત્યારે સહજ રીતે પૂછ્યું કે તમે તો સિવિલ એન્જીનીયરીંગ કર્યું, ત્યાં તો નવી ડિઝાઇન, નવી ફેશન, નવો ટ્રેન્ડ, નવી વાતો ઉપયોગમાં આવવી જોઈએ, જયારે તમારા કામમાં ઐતિહાસિક સ્થાપત્યો, કલાકારીગરી કેમ વધારે ઝળકે છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે, એક મોટા ચિત્રકારની સફળતામાં તેમણે કહ્યું હતું કે કલાકૃતિને લોકભોગ્ય બનાવવી હોય તો, વર્તમાનમાં સમયને “ફ્યુઝન” એટલે કે મિશ્રણ સાથે ઢાળો તો તે વધારે પસંદગી પામશે, આ મંત્રને મેં આર્કિટેક્ટ તરીકે અપનાવી લીધો. મુંબઈના મશહૂર આર્કિટેક્ટ નરી ગાંધીનો પરિચય થયો, ને તેમના સાનિધ્યમાં શિષ્ય બનીને કામ કરવાની “બાપાએ” તક ઉઘાડી, ને મહેનતમાં પાછુ વળીને ક્યારેય જોયુ નથી. તેને પરિણામે સી.જમનાદાસ, બળદેવભાઈ ડોસાભાઈ, કરસનભાઈ જેવા શ્રેષ્ઠિઓ ના ઘર, ઓફિસ, ભવનો આર્કિટેક્ટ તરીકે શણગારવાનો મોકો મળ્યો, કરસંભાઈની સેવાવૃત્તિ સાથે અનેક કાર્યોમાં જનસેવા કરી, ડોંગરેજી મહારાજની કથાઓ, તેમની વિશેષ રામકથામાં નિરમાએ રુપપુરમાં સ્ટેજ સાથે હનુમાનજીની મૂર્તિ બનાવી હતી તે આજે પણ સચવાયેલી છે.
સ્વામિનારાયણ ભગવાને તેમની હાજરીમાં બનાવેલા અનેક મંદિર પરિસર સાથેની પૌરાણિક હવેલીઓ રીસ્ટોર કરી ફરી જીવંત કરવાનું સદનશીબ મને પ્રાપ્ત થયું તે આશીર્વાદ જ છે. નરી ગાંધી તેમના કરેલા કાર્યની આવકમાંથી માત્ર 300 રુપિયા રાખી બાકીની રકમ દાન કરી દેતા હતા, તે વાત મારા માટે હંમેશા પ્રેરણા બની રહી છે. પુરાતત્વવિદ ડો. જ્યોતીન્દ્ર જૈન સાથે શ્રેયસ મ્યુઝિયમ બનાવતી વખતે ઘરોબો થયો, તેથી મારા કામમાં સ્થાપત્યની વેલ્યુ વધી, શાહી લગ્નસમારંભોના આયોજનમાં કંકોત્રી ડિઝાઇનથી વિદાય પ્રસંગ સુધી પુરેપુરી કામની જવાબદારી લઇ અનેક શાહી લગ્નોનું આયોજન અને તેમાં દરેક વખતે જુદા જુદા સેટ ઉભા કરવાનો એક નવો લગ્ન શિરસ્તો શરુ કરવાનું બહુમાન પણ આ કલાકારને ફાળે જાય, તેવા એક સેટને પછી કાયમી વિશાલા ગામઠી પદ્ધતિની હોટલ તરીકે વિશ્વભરમાં માન મળ્યું, તેના અતિથિની યાદીમાં આંતરાષ્ટ્રીય મહાનુભાવોની પણ લાંબી યાદી છે, ખાસ કરીને તેમાં બનાવેલું પૌરાણિક વાસણોનું સંગ્રહાલય અત્યારે તો ભવ્ય છે, પણ એ પ્રોજેક્ટની પ્રસુતિ વેદના ખુબ કડવી હતી, વાસણ સાચવવા પત્નીના ઘરેણાં વેચવા સુધીની નોબત આવી હતી. અહીંયા અનેક વડાપ્રધાનો ના માત્ર આવ્યા છે, જરુર પડી છે ત્યારે તેમણે આર્થિક સહયોગ પણ આપ્યો છે, ઈન્દીરા ગાંધી, બાજપાઈ, મનમોહન સિંહ, મોદીજી, અમિતાભ બચ્ચન, સચિન કે અન્ય વિદેશી ક્રિકેટટીમ સૌ વિશાલા આતિથ્ય માણી ચૂક્યાનો પરમ આનંદ સુરેન્દભાઈને આજે 80વર્ષે પણ યુવાનની જેમ થનગનતા રાખે છે, તેમને હજુ બે દશક કામ કરવું છે, એક અનોખું ખુરશી મ્યુઝિયમ, અને ભારતીય સંસ્કૃતિના તમામ રાજ્યોની ઝલક દર્શાવતા વિભાગો વાળુ એક આખુ વિશાલા નગર હોય તેવું આંતરરાષ્ટ્રીય કક્ષાની સગવડો ધરાવતું સાત તારક વિશાલા વિલેજ બનાવવું છે, જે તેમની કલ્પનામાં એકસો એકરમાં ફેલાયેલું હોય અને તે પ્રોજેક્ટ પૂરો કરવા માત્ર બસ્સો કરોડ રોકી શકે તેવા કોઈક ઉદ્યોગગૃહ સાથે રહીને તેમને માત્ર આ પ્રોજેક્ટમાં માર્ગદર્શકની ભૂમિકા ભજવી તેમના આઠ દશકનો અનુભવ એક સંસ્કૃતિ ઉજાગર કરવા મૂકી જવો છે.
સ્વર્ગીય વડીલ અનુભાઈ તેમના વિષે એક દશક પહેલા કહેતા કે, આ માનવનું હૃદય વજ્ર નું છે, પણ અંદરથી મીણ જેવું છે, સતત ત્રણ ત્રણ વખત બેંકમાં ઝીરો બેલેન્સ થાય, તે પછી પણ ફરીથી હીરો બને તેવું કોઈ સામાન્ય માનવી તો ના જ કરી શકે. દુનિયાભરની સફર કરી મોટી પંચતારક હોટલોમાં ઉંઘ લઇ શકે અને મુંબઈમાં વિક્ટોરિયા ઘોડાગાડીમાં પણ રાત વિતાવી શકે, માત્ર ભગવાન ભરોસે. તે સહજાનંદ સ્વામીના આ ભક્તને આજે ય પૂછો તો સફળતાનો યશ ભગવાનને અને નિષ્ફળતાનો યશ પોતાના કર્મોને આપે છે, સુરેન્દ્ર પટેલ માને છે કે ભગવાન કોઈનું ખરાબ કરે જ નહીં.
*શંખનાદ : શૈલેશ રાવલ*

TejGujarati