દોઢેક મહિના પહેલાં જ એ એમ સીએ વૃક્ષારોપણ માટે ફાળવેલા પ્લોટમાં અધ્યાત્મ વિદ્યામંદિર તથા શ્રી એચ કે અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટીપોસ્ટ , એલિસબ્રીજ જીમખાના ક્લબ અને આલ્પ્સ ફાઉન્ડેશનનાં સહયોગથી
‘કલરવ ‘ પંખીઓની વસાહતની સ્થાપના કરવામાં આવી હતી કે જે ૨૫૦૦ જેટલાં કિશોરાવસ્થામાં આવી ગયેલા વૃક્ષોની વચ્ચે વિકસી રહી છે ! આજે કેટલાંય પંખીઓ અહીં રહેવા આવવા લાગ્યા છે … કેટલાંય જીવદયાપ્રેમીઓ અહીં નિયમિતપણે ચણ નાંખી જાય છે …મસ્ત ટહૂકાર, કેકારવ , કલબલ , કલશોર અને ચેંચેંચીંચીં સાથે અહીં મીઠી સવાર પડે છે …ચબૂતરાઓ પણ પંખીઓની ચણપાર્ટીથી રણઝણી રહ્યાં છે …એમની ઉડાન ભરતો પાંખોનો ફફડાટ પણ લોકડાઉનની શાંતિમાં છેક દૂર સુધી સંભળાય છે … પાણીનાં વાડકા અને બર્ડફીડર્સ પર બેઠાંબેઠાં આ સૌ પંખીડાઓ હેન્ગઆઉટ પ્લેસીસ પર ટોળે વળીને દાણા-પાણીની યે મઝા માણી રહ્યાં છે …થોડાં દિવસ પહેલાં તો સૌનાં આશ્ચર્યની વચ્ચે નીલગાય પણ અહીં ‘કલરવ’માં આવી હતી અને શાંતિપૂર્વક જરાકવાર લટાર મારીને કંઈ પણ નુકશાન કર્યા વિના પાછી પણ ચાલી ગઈ હતી …!
લોકડાઉન ઈફેક્ટ અને રોગચાળો પ્રસરવાના ભયને કારણે આપણે ત્યાં
‘ અતિથિ દેવો ભવ:’ની ઉક્તિ અત્યારે અલોપ થઈ રહી છે ત્યારે આટલી અસહ્ય ગરમીમાં આપણે સૌ આપણી આસપાસનાં પંખીજગતની મહેમાન નવાજી કરીએ તો… !
આપણે સૌ પોતપોતાના ધાબા , અગાશી , ઓસરી કે બગીચામાં પાણી ભરેલા વાસણ અને ચણ મૂકીએ તો આપણને આપણાં ઘરે મહેમાન આવ્યા હોય ને એમને ચા-પાણી કરાવ્યા હોય એવો આનંદ થશે ! આ ગરમીમાં પંખીઓને પાણીની તો ખૂબ જ જરુર હોય છે …
વિજય ડાભી ( એનિમલ લાઈફ કેર ) કે જે દરિયાપુર જેવાં હોટસ્પોટમાં રહે છે .. પરંતુ ત્યાં રહીને પણ તેઓ જીવદયાનું કામ કરવાનું ભૂલતા નથી ; એ વાત ખરેખર પ્રેરણાદાયી છે !
આવો .. આજથી
‘પંખી દેવો ભવ: ‘ નું સૂત્ર અપનાવીને સામાજ સેવાની જેમ આકાશી સેવાનાં કામમાં પણ રામસેતુનાં નિર્માંણકાર્યની પેલી નાનકડી ત્રણ પટ્ટાવાળી ખિસકોલીની જેમ એક અંશરુપ બનીએ !
– પાર્થિવી અધ્યારુ શાહ.