“કોરોના કોરોના” ના બેન્ડ વેગનમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા અટવાઇ ગઇ છે. વાર્ષિક પરીક્ષા લેવાશે કે નહિ, લેવાશે તો કઇ રીતે લેવાશે તે અંગે ફક્ત અટકળો જ થઇ રહી છે. આવા સમયે ‘ઓનલાઇન અભ્યાસ’ અને ‘ઓનલાઇન પરીક્ષા’ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. “કૌશલ્યવર્ધન ભારત” યોજના હેઠળ ગુજરાત સરકારના ‘સોફ્ટ સ્કીલ ટ્રેઇનર’ તરીકે મારે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં આવેલી કોલેજો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની કોલેજોના વિદ્યાર્થીઓને ભણાવવાનો સરસ મોકો મળે છે. “ઓનલાઇન અભ્યાસ-પરીક્ષા” વિશે ગ્રાઉન્ડ રિયાલિટી એવું કહે છે કે ગુજરાતના ૧૮,૦૦૦ ગામડાઓમાં વસવાટ કરતાં વિદ્યાર્થીઓ પાસે તે અંગેની મૂળભૂત સગવડ જ નથી. ગુજરાત સરકાર તરફથી કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને રૂ.૧,૦૦૦ માં જે ટેબલેટ આપવામાં આવે છે તેમાં ‘નિયમિત નેટ રિચાર્જ’ના અભાવે તે અભ્યાસ માટે કામ આવી શકે તેમ નથી. ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું કે કોલેજમાં ભણતી છોકરીઓને મળેલા ટેબલેટનો ઉપયોગ તેમના ભાઇઓ કરે છે. પુરુષપ્રધાન સમાજની આ પણ એક દુઃખદ તસવીર છે. લગભગ દરેક ગ્રામ્ય વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન છે પરંતુ તેનો ઉપયોગ ફક્ત વૉટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં ટાઇમ પાસ કરવા માટે જ થાય છે. સ્માર્ટ ફોન દ્વારા પણ ભણી શકાય તે માનસિકતા હજુ સુધી કેળવાઇ નથી.
મારા મતે ‘ઓનલાઇન અભ્યાસ-પરીક્ષા’ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે જ શક્ય છે. હાલની લૉકડાઉનની પરિસ્થિતિમાં કોલેજો બંધ છે ત્યારે જે થોડાઘણા વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણે પરંતુ લાંબા ગાળા માટે ‘ક્લાસરૂમ અભ્યાસ’નો હજુ સુધી કોઇ વિકલ્પ નથી.
યુ.જી.સી. (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) એ કરોડો રુપિયાના ખર્ચે દેશની તમામ કોલેજોમાં બ્લેક બૉર્ડના સ્થાને ‘સ્માર્ટ બૉર્ડ’ લગાવી આપ્યા છે. ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ૯૯% સ્માર્ટ બૉર્ડનો ઉપયોગ થતો નથી કારણ કે પ્રોફેસરોને એનો ઉપયોગ કરવાની ફાવટ નથી. ઉપરાંત મારો અંગત મત એવો છે કે સ્માર્ટ બૉર્ડ એ એડિશનલ ફેસીલીટી છે. ક્લાસરૂમમાં બ્લેક બૉર્ડનું સ્થાન અવિચળ છે. સરકારી કોલેજોમાં જે ‘કોમ્પ્યુટર લેબ’ હોય છે તેમાંના અડધાથી પણ વધુ કોમ્પ્યુટર્સ જાળવણીના અભાવે બંધ હાલતમાં હોય છે. આ લેખનો આશય કોઇની પણ ટીકા કરવાનો નથી પરંતુ હકીકતને સ્વીકારીને ગ્રામ્ય વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય (સારી નોકરી) તરફ લઇ જવાનો છે.
આથી ખરું જોતાં ‘વિઝન ૨૦૨૫’ નો પ્લાન એવો હોવો જોઇએ કે આવનાર વર્ષોમાં ગ્રામ્ય વિદ્યાર્થીઓને ‘ઓનલાઇન અભ્યાસ’ માટે જરૂરી માળખું પુરું પાડવું, ગ્રામ્ય વિદ્યાર્થીઓને ‘ઓનલાઇન અભ્યાસ’ માટે માનસિક તૈયાર કરવા, દરેક ગામમાં કોમ્પ્યુટર ધરાવતી ડિજીટલ લાયબ્રેરી બનાવવી અને આ સમય દરમ્યાન ઓફલાઇન ક્લાસનો ઉપયોગ કરીને એવું શ્રેષ્ઠ ભણતર-ગણતર આપવું કે જેથી ગ્રામ્ય વિદ્યાર્થી ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ થયા બાદ નોકરી માટેનો ઇન્ટરવ્યુ આપવા જાય ત્યારે તે પૂરા આત્મવિશ્વાસ સાથે ‘જોબ રેડીનેસ’ ધરાવતો હોય. “સ્કીલ ઇન્ડિયા” નું અદભૂત સ્વપ્ન ત્યારે જ સાકાર થશે.
ગ્રામ્ય વિદ્યાર્થીઓ અને શહેરી વિદ્યાર્થીઓ વચ્ચે ‘બ્રીજ’ બનીશું તો અને તો જ ‘સમરસ ભારત’નું નિર્માણ થશે. વાચકોના પ્રતિભાવ આવકાર્ય છે.