કોરોના, એક મહામારી જેણે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. આવા સંજોગોમાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશો પણ સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે જે પગલાં ભારત સરકાર અને રાજ્યોની સરકારો દ્વારા લેવામાં આવ્યા છે તે માત્ર સરકારશ્રીની ઈચ્છાશક્તિથી અમલમાં ન મૂકી શકાય. આવા તમામ પગલાં પાછળ કાયદાનું પીઠબળ એક આવશ્યકતા છે. સરકાર દ્વારા લેવાયેલ પગલાં પાછળ રહેલી કેટલાંક કાયદાકીય તથ્યોની ચર્ચા આપ માટે અહી પ્રસ્તુત છે :
કોરોના નામક મહામારીને અટકાવવા સરકાર દ્વારા લેવાયેલ પગલાંને મુખ્યત્વે નીચે મુજબના કાયદાઓનો આધાર પ્રાપ્ત છે:
૧. *ફોજદારી કાર્યરીતી સંહિતા, ૧૯૭૩* ( ક્રિમીનલ પ્રોસીજર કોડ, ૧૯૭૩)
ફોજદારી કાર્યરીતી સંહિતા, ૧૯૭૩ એ ભારતમાં ફોજદારી કાર્યરીતી સબંધી કાયદો છે. સમાન ઐતિહાસિક ભૂમિકા, સમાન સંસ્કૃતિક વરસો અને સમાન સામાજિક પરિસ્થિતિમાં એક જ શાસન હેઠળ રહેતા નાગરિકો માટે ફોજદારી કાર્યવાહીમાં એકરૂપતા એ અનિવાર્ય છે જેથી સમગ્ર દેશમાં એક સમાન કાર્યવાહી હાથ ધરવામાં આવે. પહેલો ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૮૫૨માં બ્રિટીશ રાજ દરમિયાન ઘડવામાં આવેલ. આજે આઝાદ ભારતની સાંસદ દ્વારા ઘડવામાં આવેલ ૧૯૭૩નો કાયદો અમલમાં છે. અત્રે વિષયને સંલગ્ન કલમ ૧૪૪ અંગેની ચર્ચા નીચે કરવામાં આવેલ છે.
કલમ ૧૪૪ ત્રાસદાયક બાબત કે ભયના અંદેશાના તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની સત્તા અંગે જોગવાઈ પૂરી પડે છે.
આ કલમ હેઠળ જીલ્લા મેજિસ્ટ્રેટ, પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા રાજ્ય સરકારે આ અર્થે ખાસ રીતે અધિકાર આપેલા બીજા કોઈ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટના અભિપ્રાય મુજબ આ કલમ હેઠળ કાર્યવાહી કરવા માટે પુરતું કારણ હોય અને કોઈ કૃત્ય અટકાવવાની અથવા તેનો તાત્કાલિક ઉપાય કરવાની તાત્કાલિક જરૂર હોય તે પ્રસંગે આવા મેજીસ્ટ્રેટને એમ લાગે કે,
કોઈ વ્યક્તિ ને અમુક કામ ન કરવાનો અથવા
તેના કબજાની કે વહીવટ હેઠળની કોઈ મિલકત સંબંધમાં કોઈક વ્યવસ્થા કરવાનો આદેશ આપવાથી;
કાયદેસર કામ કરનાર કોઈ વ્યક્તિને થતી અડચણ, ત્રાસ કે નુકશાન અથવા
લોકોના જાન, સ્વાસ્થ્ય કે સલામતીને થતું જોખમ અથવા જાહેર સુલેહ શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાશે કે અટકે તેમ છે,
તો મેજિસ્ટ્રેટ કેસની મહત્વની હકીકત જણાવતો લેખિત હુકમ –
કોઈ ચોક્કસ વ્યક્તિને અથવા
કોઈ ચોક્કસ સ્થળ કે વિસ્તારમાં રહેનાર વ્યક્તિઓને અથવા
આવા સ્થળ કે વિસ્તારમાં વારંવાર કે કોઈક વાર આવ જ કરનાર તમામ લોકોને ઉદ્દેશીને કરી શકે.
ઉપરોક્ત કલમ હેઠળ અમલમાં છે તે જાહેરનામું બહાર પાડી અમુક સંખ્યાથી વધુ વ્યક્તિઓના અનઅધિકૃત ભેગા થવા પર અંકુશ, કઈ કઈ સેવાઓ બંધ રાખવામાં આવશે અને કઈ ચાલુ રહેવા દેવામાં આવશે તે અંગે સ્પષ્ટતા કરવામાં છે. આ જાહેરનામાના ભંગ બદલ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ મુજબ શિક્ષાની જોગવાઈ છે.
સદર કાયદા ઉપરાંત બ્રિટીશ શાસન દરમિયાન ઘડવામાં આવેલ એક કાયદા – THE EPIDEMIC DISEASES ACT, 1897 હેઠળ સરકારને પ્રાપ્ત સત્તા દ્વારા મહત્વના નિર્ણયો લેવાનું શક્ય બન્યું છે.
૨. *એપિડેમિક ડીસીઝીઝ એક્ટ,૧૮૯૭* (The Epidemic Diseases Act, 1897)
આ કાયદા હેઠળ સરકારને રોગચાળો ફેલાતો અટકાવવા વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવેલ છે. આજે આ જ સત્તાઓ આપણને કોરોના સામેની લડતમાં મદદરૂપ સાબિત થઈ છે તો આવો આ કાયદાની કલમોનો અભ્યાસ કરીએ.
Section.2 Power to take special measures and prescribe regulations as to dangerous epidemic disease.— શીર્ષક ધરાવતી આ કલમ હેઠળ જયારે પણ રાજ્ય સરકારને લાગે કે વર્તમાન કાયદાની જોગવાઈઓ રોગચાળાને ફેલાતો અટકાવવા અપૂરતી છે ત્યારે પોતે અથવા પોતાના દ્વારા અધિકૃત કોઈ વ્યક્તિ દ્વારા જરૂરી પગલાં લઈ શકે કે લેવડાવી શકે તથા પબ્લિક નોટીસ દ્વારા લોકોએ અનુસરવાના રેગ્યુલેશન પણ નિયત કરી શકે.આ જ કલમ હેઠળ રેલ્વે વગેરે માધ્યમો દ્વારા મુસાફરી કરતા લોકોના ચેકિંગ અંગે પણ રેગ્યુલેશન નિયત કરવા સરકારને સત્તા આપવામાં આવેલ છે.
કલમ ૨ ક હેઠળ કેન્દ્ર સરકારને પણ વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવેલ છે.
કલમ ૩ હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવેલ છે – જે અનુસાર જે કોઈ પણ વ્યક્તિ આ કાયદા હેઠળ કરવામાં આવેલ ઓર્ડર કે રેગ્યુલેશનની અવજ્ઞા કરશે તેણે ઇન્ડીયન પીનલ કોડની કલમ ૧૮૮ હેઠળ ગુનો કર્યો હોય તેમ શિક્ષા કરવામાં આવશે. એટલે કે તેવા વ્યક્તિને કલમ ૧૮૮ મુજબની શિક્ષા થઈ શકે.
આ કાયદા હેઠળ અપાયેલ સત્તા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલેશન નિયત કરવામાં આવેલ છે. જે અંતર્ગત સરકારશ્રી કેટલાક મહત્વના કાયદેસર પગલાં લેવા સમર્થ છે.આ રેગ્યુલેશન અંતર્ગત નીચેના મુદ્દાઓ અંગે જરૂરી જોગવાઈઓ કરવામાં આવેલ છે.
કોરોના અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પરવાનગી લીધા વિના કોઈ અફવા કે અનધિકૃત માહિતીનો ફેલાવો દંડનીય છે.
ફક્ત સરકારશ્રી દ્વારા અધિકૃત લેબોરેટરી જ કોરોના અંગેના ટેસ્ટ કરી શકે છે.
હોસ્પિટલો દ્વારા સ્ક્રીનીંગ તથા હિસ્ટ્રી લેવા અંગે અને તપાસના પરિણામ પરથી કયા સંજોગોમાં હોમ ક્વોરેન્ટીન કરવા કે અઈસોલેશનમાં રાખવા – તે અંગે જરૂરી કાર્યરીતી ઘડવામાં આવેલ છે.
ટોલ ફ્રી હેલ્પલાઇન ૧૦૪ પર કેસ રીપોર્ટ કરવા અંગે
આ રેગ્યુલેશનના ભંગ બદલ ઇન્ડીયન પીનલ કોડની કલમ ૧૮૮ હેઠળની સજાની જોગવાઈઓ લાગુ પડશે તે અંગે
ઉપરોક્ત ફોજદારી કાર્યરીતી સંહિતા, ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળના હુકમના ભંગ બદલ તેમજ એપિડેમિક ડીસીઝીઝ એક્ટ,૧૮૯૭ હેઠળ નિયત કરાયેલ રેગ્યુલેશનના ભંગ બદલ કલમ ૧૮૮ મુજબની શિક્ષાની જોગવાઈઓ છે ત્યારે આવો ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ અને અન્ય કેટલીક સજાની જોગવાઈઓ અંગે સમજ મેળવીએ.
૩. *ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦* (ઇન્ડિયન પીનલ કોડ, ૧૮૬૦)
વિશ્વનો ઈતિહાસ જોતાં એ સ્પષ્ટ છે કે પ્રાચીન યુગમાં કાયદો અને વ્યવસ્થા એ ધર્મ અને સમાજ વ્યવસ્થાના ભાગરૂપ હતા અને ક્યાંક ક્યાંક આજે પણ છે. અમુક કૃત્ય કરવાથી વ્યક્તિને પાપ લાગે , અમુક કૃત્ય કરવાથી ઈશ્વર નારાજ થાય કે અમુક કૃત્ય કરવાથી સમાજ દ્વારા બહિષ્કૃત કરવામાં આવતા. આજે જયારે એક જ શાસન હેઠળ સહુ કોઈ જીવે છે ત્યારે એકબીજા પરના અવલંબનને ધ્યાને લઈ એક સભ્ય સમજની રચના અને જાળવણી માટે “ગુના” અને તેમના માટે “શિક્ષા”ની જોગવાઈ કરવાની આવશ્યકતા રહેલી છે. બ્રિટીશ શાસન દરમિયાન પ્રત્યેક ધર્મ, સમુદાય, જાતિ, વર્ણ, રંગ અને સામાજિક દરજ્જાનાના લોકો માટે સમાન શિક્ષાની જોગવાઈઓ ધરાવતો ફોજદારી કાયદો ઘડવામાં આવ્યો. તે સમયે ઘડવામાં આવેલ કાયદામાં સમયાનુસાર ફેરફારો થતા રહ્યા છે. વિષયને લગતી ઇન્ડીયન પીનલ કોડની કલમ ૧૮૮ દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ અને અન્ય કેટલીક કલમો અંગે સમજ અહી પ્રસ્તુત છે:
કલમ ૧૮૮ હેઠળ રાજ્ય સેવક દ્વારા જાહેર કરવામાં આવેલ હુકમનું પાલન ન કરનાર વ્યક્તિને સજા અંગેની જોગવાઈ છે.
આ કલમ હેઠળ,
પોલીસ અધિકારીને ધરપકડની સત્તા આપવામાં આવેલ છે.
છ મહિના સુધીની કેદની સજા તેમજ ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ગુનો જમીન લાયક છે એટલે કે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય છે.
ગુનો સમાધાનને પત્ર નથી.
કલમ ૨૬૯ હેઠળ જિંદગીને જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી ફેલાવવાનું સંભવ હોય એવું બેદરકારીભર્યું વર્તન કરવા બદલ સજા અંગેની જોગવાઈ છે.
આ કલમ હેઠળ,
પોલીસ અધિકારીને ધરપકડની સત્તા આપવામાં આવેલ છે.
છ મહિના સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને શિક્ષા થઈ શકે છે.
ગુનો જમીન લાયક છે એટલે કે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય છે.
ગુનામાં સમાધાન ન કરી શકાય.
કલમ ૨૭૦ હેઠળ જિંદગીને જોખમકારક રોગનો ચેપ જે કૃત્યથી ફેલાવવાનું સંભવ હોય એવું દ્વેષપૂર્ણ વર્તન કરવા બદલ સજા અંગેની જોગવાઈ છે.
આ કલમ હેઠળ,
પોલીસ અધિકારીને ધરપકડની સત્તા આપવામાં આવેલ છે.
૨ વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને શિક્ષા થઈ શકે છે.
ગુનો જમીન લાયક છે એટલે કે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય છે.
ગુનામાં સમાધાન ન કરી શકાય.
કલમ ૨૭૧ હેઠળ ક્વોરેન્ટીન નિયમની અવજ્ઞા અંગે સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આ કલમ હેઠળ,
પોલીસ અધિકારીને ધરપકડની સત્તા આપવામાં આવેલ નથી.
છ મહિના સુધીની કેદની સજા અથવા દંડ અથવા બંને શિક્ષા થઈ શકે છે.
ગુનો જમીન લાયક છે એટલે કે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય છે.
ગુનામાં સમાધાન ન કરી શકાય.
આમ, અધિકૃત અધિકારીશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ, કોઈ વ્યક્તિ દ્વારા બેદરકારીથી કરવામાં આવેલ કૃત્યો કે દ્વેષપૂર્ણરીતે કરવામાં આવતા કૃત્યો જે કોરોના જેવા રોગનો ફેલાવો અને સંક્રમણ વધારી શકે છે કે પછી ક્વોરેન્ટીન નિયમની અવગણના એ ઉપરોક્ત કલમો હેઠળ દંડનીય અપરાધ છે.
આથી જ વર્તમાન સમયની માંગને ધ્યાને રાખી જયારે સરકારશ્રી અને પ્રશાસન દ્વારા ઉપરોક્ત કાયદાઓને આધારે કોરોના સામેની જંગમાં આપણી જીત નિર્ધારિત કરવા યથોચિત પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે લોકડાઉનના સમયમાં એક નાગરિક તરીકેની પોતાની ફરજો અદા કરી પોતે કોરોનાથી બચી, આ ચેપી રોગથી બીજાને પણ સુરક્ષિત રાખવામાં સહભાગી થઈએ. કારણ કે, આખરે તમામ કાયદાઓનો અને આપણા બંધારણનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં શાંતિ અને સંવાદિતાની જાળવણી થકી તમામ સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને ઉપભોગ કરી સામાજિક અને આર્થિક વિકાસ સાધી સમગ્ર સમાજની ઉન્નતિ નિશ્ચિત કરવાનો છે.
– K N Brahmbhatt ( કિશન બ્રહ્મભટ્ટ )