ગર્ભપાત – અસ્મા કલીવાલા લાખાણી.

સમાચાર

વૃદ્ધાશ્રમ ના દરવાજે ચમચમાતી બ્લેક ઓડી કાર આવી ને ઉભી રહી, માથા પર અડીખમ ઉભેલો સૂરજ ધમધોકાર આગ વરસાવી રહ્યો હતો, રસ્તો સાવ સુનો અને વૃદ્ધાશ્રમ માં પણ શાંતિ લાગી રહી હતી, કદાચ અસહ્ય ગરમી ને હિસાબે વડીલો આરામ કરી રહ્યા હશે, પંખા ચાલવાનો અવાજ આવી રહ્યો હતો એ સિવાય નીરવ શાંતિ લાગતી હતી…

ઓડી માં થી હાઈફાઈ લૂક અને વેલ મેનર્ડ લાગતો પુરુષ ઉતર્યો, નીચે ઉતરી ગાડી નો પાછળ નો દરવાજો ખોલી બા ને નીચે ઉતારવા તે જાજરમાન યુવાન એટલે કે શિવાય એ હાથ લંબાવ્યો

શિવાય ના હાથ નો ટેકો લઈ વંદના બહેન હળવે થી નીચે ઉતર્યા, ભારે સાડી અને વ્યવસ્થિત દાગીના પહેરેલા વંદના બહેન તેમના કાળા કરેલા વાળ પર થી શોખીન સ્વભાવ ના લાગી રહ્યા હતા..

ભારે શરીર અને નાનકડી પૉની સાથે લંગળાતી ચાલે વંદના બહેન નીચે ઉતરી એક મિનિટ માટે ઉભા રહ્યા, અને એક નજર બહાર થી વૃદ્ધાશ્રમ ના લોકેશન પર કરી, બિજી નજર શિવાય પર અને ત્રીજી વખત માં ઓડી ને જોઈ રહ્યા…

બા હાથ પકડું? શિવાય નો સવાલ સાંભળી વંદના બહેન એ હળવું સ્મિત આપી નકાર માં માથું હલાવી ધીરે ધીરે વૃદ્ધાશ્રમ ના ઝાંપા તરફ ચાલવાનું શરૂ કર્યું..

વૃદ્ધાશ્રમ ના કમ્પાઉન્ડ માં થઈ લોબી માં આવેલી ઓફિસ માં બન્ને માઁ દીકરો પ્રવેશ્યા..
ત્યાં બેસેલા ફરજ પર ના સાહેબ શિવાય ને જોઈ ઉભા થયા અને હાથ મેળવી સ્વાગત કર્યું, રજીસ્ટર માં ફક્ત વંદના બહેન ની સહી સિવાય ની બધી ફોર્માલિટી શિવાય થોડા દિવસ પેહલા જ પુરી કરી ગયો હતો, જયારે ઘર માં નાની એવી વાત માં થી ખુબ મોટો ઝગડો થયો ત્યારે જ સ્નેહા ને ઘર છોડી ને જતી રોકવા માટે શિવાય ને વંદના બહેન માટે વૃદ્ધાશ્રમ ની ફોર્માલિટી પુરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો

ચાલો !વંદના બહેન નો રૂમ બતાવી દઉં કેહતા વૃદ્ધાશ્રમ ના સાહેબ ચાવી નો જુડો લઈ આગળ ચાલ્યા અને શિવાય અને વંદના બહેન અમેરિકન ટુરિસ્ટર ની બેગ માં વંદના બહેન નો ભરેલો સમાન ખેંચતા તેમની પાછળ ચાલ્યા…

સરસ મજા નો હવા ઉજાસ વાળો ઓરડો છે માઁ! અહીં તને શાંતિ થી વાંચવાની, પાઠ કરવાની અને ઊંઘ કરવાની મજા આવશે… એમ કેહતો શિવાય આખા ઓરડા માં આંટો મારી પલન્ગ પર બેસી ગયો,

વારંવાર આવતા કોલ કટ કરતો શિવાય જવાની ઉતાવળ માં હોય એવુ અનુભવતા વંદના બહેન બોલ્યા કે વહુ સ્નેહા ના ફોન શરૂ થયા લાગે છે અહીં મને મુકવા આવ્યો છો એટલી વાર પણ એ તને રેઢો મૂકી નથી શક્તી, કેવી અધીરી થઈ ગયી છે સતત ફોન કરવા પર ચડી છે લાગે છે કે હજી એને બીક છે કે કયાંક સાસુમાં શિવાય ની કાન ભમ્ભેરણી તો નહિ કરતા હોય ને? જા શિવાય તારે ખોટું ટેંશન વધશે… મોડું થશે તો તારી સાથે ઝગડવા બેસી જશે.. જા બેટા.. તારું ધ્યાન રાખજે, મારી ચિંતા નહિ કરતો..

શિવાય ઉભો થયો અને માઁ ના આશીર્વાદ લેવા પગે લાગી… કઈ પણ કામ હોય તો ફોન કરજો માઁ એટલું બોલી ભારે હ્ર્દયે નીચી નજર કરી વૃદ્ધાશ્રમ ની બહાર નીકળી ગયો

શિવાય ને જતો જોઈ વંદના બહેન ને શિવાય ના દોમદોમ સાયબી હોવા છતાં માઁ ને વૃદ્ધાશ્રમ મુકવાના નિર્ણય પર સેજ પણ અફસોસ નહતો, તે મનોમન બોલ્યા ચાર ચાર દીકરી ના કોઈ પણ અપરાધ વગર ના ગર્ભપાત પાછી શિવાય ને જન્મ આપવા ની જીદ મારી જ હતી અને મને આજે મારા એ પાપ ની સજા મળી ગયી..

અને બારી ની સામે ગોઠવાયેલા પલન્ગ પર બેસી ભીની આંખ વડે ચમકતી ઓડી કાર ને અદ્રશ્ય થતા જોઈ રહ્યા… અને કુદરત ના ધીમા પણ અડીખમ ન્યાય ને અનુભવતા બોલ્યા.. કુદરતે કેવી નિરાળી આ દુનિયા બનાવી,… અને આ દુનિયા ની રીત પણ કેવી નિરાળી, જેવું કરશો તેવું પામશો, એ વાત મેં સ્વીકારી, દીકરા ની હોશ માં મારી એ જન્મ પેહલા જ ગર્ભપાત કરી મારી નાખેલી ચાર ચાર દીકરીઓ ની બદ્દ્દુઆ આજે મને લાગી, આજે એ દીકરીઓ હોત તો મારે આ વૃદ્ધાશ્રમ નું પગથિયું ચડવાનો વારો ન આવ્યો હોત એ સત્ય આજે મને સમજાયું

અસ્મા કલીવાલા લાખાણી
ભાવનગર.

[email protected] Com.

TejGujarati