રામનવમીની વૈજ્ઞાનિક ઉજવણી કરીએ. – શિલ્પા શાહ, ડાયરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ.

સમાચાર

વર્તમાન સમય વિશ્વસ્તરે સૌથી વધુ વંચાતો કે લખાતો કોઈ વિષય હોય તો તે છે “સ્વપ્રેરણા” એટલે કે મોટીવેશન. કેમ કે મનુષ્ય જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં આવા વિષયો ખૂબ ઉપયોગી સાબિત થાય છે અને કદાચ કળિયુગમાં એની તાતી જરૂર પણ છે. કેમ કે આ યુગમાં નૈતિકતા અને મૂલ્યો તેની કિંમત ખોઈ ચૂક્યા છે. વિશ્વના ટોચના સ્વપ્રેરણાના પુસ્તકોનો (motivational books) અભ્યાસ કરવામાં આવે તો સમજાશે કે તેના મૂળ ભારતીય સંસ્કૃતિમાં પડ્યા છે. એટલે કે લગભગ બધા જ દેશી કે વિદેશી લેખકો સ્વપ્રેરણાના પુસ્તકો લખવામાં કે મોટીવેશનલ માર્ગદર્શન આપવામાં ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધર્મગ્રંથોનો જ આધાર લે છે. એનો અર્થ એ થયો કે પ્રેરણાનો ખજાનો આપણી સંસ્કૃતિની ધરોહર છે. જેના તરફ આપણે જોતા પણ નથી અને વિદેશી લેખકોની સ્વપ્રેરણાની વાતો એટલે કે મોટીવેશનલ સ્પીચ તરફ આકર્ષણ અનુભવીએ છીએ. વાસ્તવમાં પ્રેરણાની મૂળભૂત બાબતો આપણા ઋષિમુનિઓએ તહેવારોની ઉજવણી અને અવતારોની કથા રૂપે એટલી સરળતાથી આપણી સમક્ષ મૂકી છે કે જો આપણે તેને વૈજ્ઞાનિક સમજણ સાથે સમજીએ, કે જે આજના બુદ્ધિશાળી સમાજ પાસે અપેક્ષિત છે, તો મને લાગે છે કે જીવનમાં એવું વ્યાપક પરિવર્તન આવશે કે દુઃખમુક્તિ કે સુખપ્રાપ્તિ માટે વલખા મારવા જ નહીં પડે.
રામકથા હિન્દુસંસ્કૃતિમાં ખૂબ વ્યાપક છે અને તેમાં જીવનને નિખારી શકાય તેવા વિચારોનો ખજાનો છે. રામકથા, રામાયણ કે રામચરિત જીવન રાહ બતાવે છે, ધર્મ રાહ બતાવે છે, આનંદ રાહ બતાવે છે, શિક્ષણ રાહ બતાવે છે અને સફળતા રાહ પણ બતાવે છે. હવે વિચારો આનાથી વધારે મનુષ્યજીવનમાં બીજું શું જોઈએ? મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામ મનુષ્યજીવનનો અરીસો છે. એટલે કે મનુષ્ય કેવો હોવો જોઈએ તેનું દર્શન કરાવે છે. પુરુષોમાં ઉત્તમ પુરુષ એ જ કહેવાય કે જે પોતાની મર્યાદા જાણે અને જીવનની કોઈ મર્યાદાનું ઉલ્લંઘન ન કરે. રામકથા જીવનની મર્યાદા શીખવે છે. રામનું પાત્ર જીવી જાણવા માટે છે. એટલે કે આચરણનું ઉત્તમ ઉદાહરણ છે. સંપૂર્ણ સુખપ્રાપ્તિનું માર્ગદર્શન છે. જીવન કે સમાજમાં રામરાજ્ય શસ્ત્રથી નહીં શાસ્ત્રથી આવશે તે સમજવા માટે રામનવમી ઉજવણીની વ્યવસ્થા છે. રામચરિત દશાનન વૃત્તિનો નાશ (કે જે મનુષ્ય જીવન માટે ખૂબ ઘાતકી છે) શીખવાડે છે. રામકથા સ્વાર્થ અને સંઘર્ષ છોડવાની અમૂલ્ય શિખામણ સમાજને આપે છે. અહંકાર એ અંધકાર છે, એમાંથી બહાર ન નીકળાય ત્યાં સુધી પ્રકાશની પ્રાપ્તિ શક્ય નથી. ભરાવવું હોય તો પ્રથમ ખાલી થવું પડશે, આવી પ્રભુ શ્રીરામની શીખ જીવનમાં ભરવી હોય તો, રામનવમી નિમિત્તે રામમંદિરમાં દર્શનાર્થે જતા પહેલા બુદ્ધિ અને અહંકારરૂપી બે બુટ બહાર કાઢીને જવું પડશે.
તુલસીદાસજી કથિત રામચરિતમાનસનો પહેલો શબ્દ રામ નથી પરંતુ “વર્ણ” છે અને છેલ્લો શબ્દ “માનવ” છે આવું કેમ? વર્ણ અને માનવની વચ્ચે જ આખું રામાયણ છે. કેમકે રામાયણ પર કોઈ પણ વિશેષ વર્ણનો નહી, પરંતુ સમગ્ર માનવ સમુદાયનો હક છે. માત્ર માનવ સાચો મનુષ્ય હોવો જોઈએ, તો જ તેને રામપૂજા કે રામાયણનો અધિકાર મળે. આમ રામચરિતમાનસનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં આદર્શ મનુષ્યનું નિર્માણ છે. રામચરિતમાનસમાં કુલ સાત કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધા કાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. જે મનુષ્યજીવનને સાર્થક કરતા સદગુણ પ્રાપ્તિની વ્યવસ્થા છે. બાલકાંડ દ્રષ્ટિને શુદ્ધ કરવાનું માર્ગદર્શન આપે છે. અયોધ્યાકાંડ મનશુદ્ધિને મહત્વ આપે છે. અરણ્યકાંડ ગૃહસ્થાશ્રમની મહત્તા દર્શાવી, સ્ત્રી-પુરુષના ધર્મ બતાવે છે કે જંગલ હોય કે ઝુપડી દાંપત્યજીવન તો દિવ્ય જ હોવું જોઈએ. ત્યારબાદ કિષ્કિંધાકાંડ સૌથી નાનો હોવા છતાં અતિ મહત્વનો છે જે મનુષ્યને પ્રભુ શ્રીરામ સુધી પહોંચાડવાની વિદ્યા શીખવે છે. એટલે કે માત્ર શુભ સંકલ્પ દ્વારા સામાન્ય મનુષ્યને રામપ્રિય બનાવે છે. આપણે પણ આ રામનવમીના પાવન દિવસે રામપ્રિય બની શકીએ તો એનાથી રૂડું બીજું શું હોય શકે? રામાયણનો પાંચમો કાંડ સુંદરકાંડ નામ અનુસાર જ જીવનને સુંદર બનાવવાની જડીબુટ્ટી છે. તત્વજ્ઞાનસભર સુંદરકાંડને સમજી, જો જીવનમાં આચરણ કરવામાં આવે તો જીવન અવશ્ય સુંદર બને. ત્યારબાદ લંકાકાંડ મનુષ્યની દશાનન વૃત્તિનો ખાતમો કરી, શ્રીરામના સ્મરણમાં રહેવાની સલાહ આપે છે. દશાનનવૃત્તિ સાથે લડવું અને જીતવું મનુષ્ય માટે કેટલું અનિવાર્ય છે તે સમજવા તેનું મહત્વ છે. અને રામાયણનો છેલ્લો કાંડ ઉત્તરકાંડ એટલે રામરાજ્યની સ્થાપના એટલે પીડા, રોગ, તકલીફો અને અસમાનતા વગરનું ખૂબ શાંત, સુખી, પ્રેમાળ અને મૂલ્યસભર જીવન. આમ તુલસીદાસજી રચિત રામચરિતમાનસમાં રામાયણની પૂર્ણાહુતિ રામ રાજ્યાભિષેક સાથે કરી છે. આમ પણ આપણા સૌની ઇચ્છા હંમેશા happy ending ની તો હોય છે. આપણને સામાન્ય સિનેમા પણ કરૂણ અંત વાળા ઓછા જ પસંદ આવે છે. ટૂંકમાં જીવનને સંપૂર્ણ સુખી કરવા રામચરિત્રને સમજીએ અને રામાયણના સાતેય કાંડને જીવનમાં ઉતારીએ તો જીવન અને મૃત્યુ સુખદ થવાની ગેરંટી છે.
૧) રાગ- દ્વેષ ખતમ કરી સર્વમાં રામના દર્શન જો કરી શકાય (એટલે દ્રષ્ટિશુદ્ધિ) તો બાલકાંડ સફળ કહેવાય.
2) આજનો માણસ નાટકીય જીવન જીવે છે. મનમાં કંઈક, વાણીમાં કંઈક અને વર્તન તો તેનાથી તદ્દન વિરુદ્ધ. નાટક બંધ કરી, જો વાસ્તવિક બની જઈએ તો સાચી મનશુદ્ધિ દ્વારા અયોધ્યાકાંડ સફળ થયો કહેવાય.
૩) ઉણપનું નામ જ જીવન છે. ઉણપ થકી જ રાજી રહી, પરમાત્માને કહેવું કે “તારી ખુશીમાં જ મારી ખુશી” એ જ સાચું સંતોષપૂર્ણ અને શ્રીમંત જીવન કહેવાય. જ્યારે જ્યારે માનવી પર કંઈક દુઃખ પડે તો તે તેને સુખમાં પલટાવા નિષ્ફળ ફાંફા મારે છે, પરંતુ એ સમયે સમજવું અનિવાર્ય છે કે શિવ રૂઠે એ ગમે ત્યાં જાય સ્વપ્નમાંય સુખ ન પામી શકે. ટૂંકમાં ઉત્તમ, પ્રેમાળ, સંતોષી અને આદર્શ દાંપત્યજીવનની પ્રાપ્તિ એટલે અરણ્યકાંડની સફળતા.
૪) અત્યારનો આપણો વિકાસ ખરેખર ગીધની ઉડાન જેવો છે, હનુમાનજીની ઉડાન જેવો નથી. ગીધ ગમે તેટલું ઉંચે ઉડે પણ તેની દ્રષ્ટિ હંમેશા નીચે તરફ જ હોય. મરેલું પ્રાણી જોતાં જ ઘુમ્મરી ખાઈ નીચે આવી જાય. આવા ઉડાનથી રામ ન મળે, એના માટે તો હનુમાનની ઉડાન જોઈએ. સુગ્રીવમાં એવા કોઈ ગુણ નોહતો (એટલે કે તે ગભરુ હતો, પલાયનવાદી હતો વગેરે) પરંતુ હનુમાનમાં તેની અતૂટ શ્રદ્ધાએ તેને રામપ્રાપ્તિ કરાવી. આમ આપણી ઉડાન ભલે ધીમી હોય, ઓછી ઉંચી હોય પરંતુ દ્રષ્ટિ જો ખૂબ ઊંચી એટલે કે રામતરફી (ઉત્તમ તરફની) રાખીએ તો સમજો કે જીવનનો કિષ્કિંધાકાંડ સફર.
૫) વિદ્વાન એ કે જે નાનામાં નાની બાબતને મોટું સ્વરૂપ આપી શકે અને સંત એ જે મોટામાં મોટી બાબતને સરળ અને નાની કરી રજુ કરે. આપણે જીવનમાં સંત બની શકીએ તો સમજો જીવન સફળ એટલે કે સુંદરકાંડ સફળ. જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ પ્રભુ પાસે લઈ જાય ખરા, પણ શરણાગતિનો માર્ગ પ્રભુને આપણી પાસે લાવે. બસ આટલું જ જો હનુમાનજી પાસેથી શીખાય તો જીવન સુંદર કે સુંદરકાંડ સફર.
૬) ત્યારબાદ લંકાકાંડ ત્યારે સફળ થાય જ્યાંરે આપણે આપણી દશાનન વૃત્તિ એટલે કે કામ, ક્રોધ, લોભ, મોહ-માયા, અહંકાર, ઈર્ષા, સ્વાર્થ, સંઘર્ષ, દયાહીનતા, નાસ્તિકતા અને અનૈતિકતા વગેરેનો નાશ કરીએ અથવા નાશ કરવાની પ્રતિજ્ઞા લઈએ. તેની સામે લડીએ અને જો ભવસાગરને પેલે પાર જવું હોય અથવા તો જીવનરૂપી ભવસાગર પાર કરવો હોય તો જરૂરી રામસેતું તૈયાર કરીએ. કેમકે કાળ નજીક છે, જીવન કેટલું સલામત છે કોણ જાણે? જેથી અધર્મ સામેનું યુદ્ધ અનિવાર્ય છે. ઇન્દ્રજીત બનીએ એટલે કે ઇન્દ્રીઓ પર સંયમ કેળવી તેને કાબૂમાં લાવીએ અને રાવણ પર વિજય મેળવીયે.બસ આ જ છે લંકાકાંડની સફળતા.
૭) અંતે જીવનનો ઉત્તરકાંડ સંપૂર્ણ માનસિક નિવૃત્તિ સાથે, સંતોષ અને પ્રભુશરણાગતિ દ્વારા સફળ કરીએ.
રામનવમીની સાચી અને વૈજ્ઞાનિક ઉજવણી આને જ કહેવાય. જ્યારે મનુષ્ય જીવનના ઉત્તમદૈવી ગુણોની પ્રાપ્તિ દ્વારા પિતા-પુત્ર, ભાઈ-બેન, પતિ-પત્ની વચ્ચે જે ધર્મનું બંધન છે, જે પ્રીતિભક્તિનો સંબંધ છે, તેને સાર્થક કરીએ. રામચરિત સંસ્કૃતિ એ નાનામાં નાના માણસને સ્વીકારવાની સંસ્કૃતિ છે. જે કર્મ દ્વારા ધર્મ ખોલે છે અને આચરણ દ્વારા ધર્મના રહસ્યને સમજાવે છે. એ કેવળ જીવનદર્શન જ નથી સદગુણોને ચરિતાર્થ પણ કરે છે. રામકથા ભલે પ્રાચીન હોય પરંતુ તેમાં અર્વાચીન તમામ પ્રશ્નોના પ્રત્યુતર રહેલા છે. રામના પાત્ર દ્વારા આપણે થોડો પણ બોધ લઈએ તો જીવનનો ફેરો સફળ થઈ જાય કેમકે જીવન એ બીજું કઈ નહિ પરંતુ શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. રામજન્મના પાવન દિવસે રામનવમીની ઉજવણી આવી વૈજ્ઞાનિક બનાવીએ તો તે સાર્થક ઉજવણી કહેવાય.

TejGujarati