લોકડાઉન સંદર્ભે ▪પોલીસકર્મીઓ સંવેદનશીલ રહી ફરજ બજાવે, નાગરિકો પાસેથી પણ એટલી જ સંવેદના આવશ્યક: રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા.

સમાચાર

 મેડિકલ કર્મચારીઓ-કોરોનામાંથી સ્વસ્થ થયેલાઓ સાથે આસપાસના રહીશો દ્વારા અયોગ્ય વર્તન નહીં ચલાવી લેવાય, જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત અપાશે
 નિયત ભાવ કરતાં વધુ ભાવ લેનારાઓ અને મજૂરોને ચાલ્યા જવાની ફરજ પાડનારા ઉદ્યોગગૃહો સામે કાર્યવાહી કરાશે
 અનાજ વિતરણ માટેની સસ્તા અનાજની દુકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, મોબાઇલ પેટ્રોલિંગ પણ કરાશે
 સોશિયલ મીડિયા પર અફવાઓ અને કોરોના અંગે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
 વરદીની આડમાં થતી કોઈ પણ ગેરવર્તણૂક રાજ્ય સરકાર ચલાવી લેશે નહીં
********
રાજ્યના પોલીસવડાશ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના આ કપરા કાળમાં પ્રધાનમંત્રીશ્રીના ‘ઘરે રહો, સલામત રહો, સુરક્ષિત રહો’ના મંત્રને ચરિતાર્થ કરવા માટે પોલીસતંત્ર દ્વારા અસરકારક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શ્રી ઝાએ પોલીસકર્મીઓને સંવેદનશીલ રહીને ફરજ બજાવવા સૂચના આપી હતી સાથોસાથ નાગરિકોએ પણ એટલા જ સંવેદનશીલ બનવું જરૂરી છે. તેમણે ઉમેર્યું કે, વરદીની આડમાં કોઈ પ્રકારની ગેરવર્તણૂક રાજ્ય સરકાર ચલાવી લેશે નહીં.

શ્રી ઝાએ કહ્યું કે, હોસ્પિટલોમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ અને તાજેતરમાં જ કોરોનામાંથી સ્વસ્થ થયેલા કે આરોગ્ય પરીક્ષણ બાદ ક્વૉરન્ટાઇનમાંથી મુક્તિ મેળવનારા નાગરિકોને તેમના રહેણાક વિસ્તારના અન્ય રહેવાસીઓ દ્વારા ભેદભાવપૂર્ણ વર્તન કરાતું હોવાની અને મકાન ખાલી કરવા માટે ફરજ પાડવામાં આવતી હોવાની ઘટનાઓ ધ્યાને આવ્યાનું જણાવી ઉમેર્યું કે આવી ફરિયાદો બિલકુલ ચલાવી લેવાશે નહીં. આ માટે જેમની સાથે આવું વર્તન થઈ રહ્યું છે, તેવા નાગરિકો પોલીસને જાણ કરી, મદદ મેળવી શકે છે. જરૂર પડ્યે તેમને પોલીસ બંદોબસ્ત આપવાની ખાતરી પણ તેમણે આપી હતી.
આ ઉપરાંત, શ્રી ઝાએ ઉમેર્યું કે, નિયત ભાવ કરતાં વધારે ભાવ લેનારા વેપારીઓ સામે તેમજ મજૂરો અને કામદારોને નોકરી છોડી જવા માટે ફરજ પાડનારાં ઉદ્યોગગૃહો સામે પણ પોલીસતંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે.

રાજ્યભરમાં આવતીકાલ તા.1લી એપ્રિલથી સસ્તા અનાજની દુકાનો પર શરૂ કરવામાં આવનાર અનાજ વિતરણની વ્યવસ્થા સુચારુરૂપે ચાલી શકે એ માટે આવી તમામ દુકાનો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તદુપરાંત, જરૂર જણાશે, તો મોબાઇલ વાન દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ડ્રોન દ્વારા શરૂ કરવામાં આવેલા પેટ્રોલિંગની વિગતો આપતા પોલીસવડાશ્રી ઝાએ જણાવ્યું કે, લોકડાઉનનું પાલન નહીં કરવાના 110 જેટલા ગુના આ પ્રકારે ધ્યાને આવ્યા હતા, જેના આધારે 307 લોકોની અટકાયત કરાઈ હતી. જ્યારે સીસીટીવી ફૂટેજના આધારે 12 ગુના નોંધાયા હતા અને 31 લોકોની અટકાયત કરાઈ હતી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર કોરોનાની મહામારી અંગે અફવાઓ અને ખોટા મેસેજીસ ફેલાવવા અંગેના 3 ગુના નોંધાયા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા સોશિયલ મીડિયા ટ્રાફિક પર સતત નજર રાખવામાં આવી રહી હોવાનું શ્રી ઝાએ ઉમેર્યું હતું.

પોલીસતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં જાહેરનામા ભંગના કુલ 1034 ગુના, ક્વૉરન્ટાઇન ભંગના 357 ગુના અને અન્ય 33 ગુના સહિત કુલ 1424 ગુના નોંધાયા હતા. જેના આધારે 2572 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 6884 વાહનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.
*********

TejGujarati