જીવનરૂપી પરીક્ષા અને શૈક્ષણિક પરીક્ષામાં શુ તફાવત? – શિલ્પા શાહ.ડાયરેક્ટર. એચ.કે.બી.બી.એ. કોલેજ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

હાલમાં સર્વત્ર શૈક્ષણિક પરીક્ષાનો માહોલ છે એટલે થયું ચાલો થોડું પરીક્ષા અંગે વિચારીએ. આમ તો કદાચ આપણને થાય કે પરીક્ષા તો પરીક્ષા છે એમાં વળી શું અંતર હોય? સામાન્ય સમજણ અનુસાર, પરીક્ષા એટલે યથાર્થ સમયે શીખેલું પૂછવામાં આવે અને તેનો યોગ્ય અને સાચો જવાબ આપી શકાય એટલે પાસ. વાત તો સાચી છે પરંતુ, આપણી શૈક્ષણિક સંસ્થાઓ જે પરીક્ષા લે છે તે ઈશ્વર દ્વારા જીવન પર્યંત લેવાથી પરીક્ષાથી ભિન્ન છે. આમ તો સંસાર એટલે પરીક્ષાખંડ અને આપણું વ્યક્તિગત જીવન એટલે ક્ષણેક્ષણની પરીક્ષા. જેમાં પાસ એટલે સર્વ દુઃખોમાંથી મુક્ત, જેને ધર્મ મોક્ષ તરીકે ઓળખે છે. આવી મુક્તિ માટે તૈયાર કરવાનું કાર્ય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા થવું જોઈએ અને એ દૃષ્ટિએ બંનેની પરીક્ષાઓમાં સામ્ય હોવું જોઈએ. પરંતુ વાસ્તવમાં એવું છે નહીં. બંને પરીક્ષાઓ એકબીજાથી સંપૂર્ણ ભિન્ન અથવા કહો કે બિલકુલ વિરોધી છે. જેમ કે
૧) શૈક્ષણિક પરીક્ષાનો અભ્યાસક્રમ પૂર્વનિર્ધારિત હોય છે. એટલે કે શું ભણાવવામાં આવશે? અને પરીક્ષામાં શું પુછવામાં આવશે? તેની પહેલેથી જ ખબર હોય છે. જ્યારે જીવનરૂપી પરીક્ષાનો કોઈ અભ્યાસક્રમ છે જ નહીં. ગમે ત્યારે ગમે ત્યાંથી પ્રશ્નો એટલે કે સમસ્યાઓ ઉદભવે અને કોઈ તૈયારી કે અભ્યાસ વગર તેનો જવાબ આપવો પડે. નહીં તો નાપાસ થવાય.
૨) શૈક્ષણિક પરીક્ષામાં અભ્યાસક્રમ બહારનું પૂછવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો અને સંઘર્ષ ઉદભવે અને સમાજનો દરેક વર્ગ આ બાબતે વિદ્યાર્થીઓની પડખે ઊભો રહે, કે વાત વિદ્યાર્થીઓની જ સાચી છે, તેમની સાથે અન્યાય થયો છે. જ્યારે જીવનનો તો કોઈ અભ્યાસક્રમ જ ન હોવાને કારણે ઝઘડો કરો તો પણ કોની સાથે કરો?
૩) જીવનરૂપી પરીક્ષામાં પાસ થવાનું એટલે કે સફળતાનું કોઈ સૂત્ર કે ચાવી નહિ. જેમ કે આપણાં માતા-પિતાએ જે નિયમો કે સૂત્રો દ્વારા જીવન જીવ્યુ એ જ નિયમોને અનુસરી આપણે જીવનમાં પાસ થઈશું એની કોઈ ખાતરી ખરી? વર્તમાન સમયે આપણે સૌ જાણીએ છીએ કે પોતાની પસંદગીથી શરુ કરેલ લગ્નજીવન કે માતા-પિતાની પસંદગી દ્વારા લગ્નગ્રંથિથી જોડાયેલ દંપતિમાં છુટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. કોઇ કહી શકે કે લગ્નની પરીક્ષાનો અભ્યાસક્રમ શું? અને તેને પાસ કરવાના કોઈ સૂત્રો કે નિયમો ખરા? મોટે ભાગે આપણે એવું કહેતા હોઈએ છીએ કે adjustment અને compromise લગ્નજીવનની સફળતા માટે અનિવાર્ય છે. પરંતુ તમને નથી લાગતું compromise કે adjustment કદી કોઇને સાચી ખુશી ન આપી શકે. કેમ કે આ બંનેનો અર્થ જ એ કે તમારી પ્રકૃતિથી વિરુદ્ધ વર્તવું. આવા જ પ્રશ્નો જીવનની બીજી બધી પરીક્ષામાં પણ રહેલા છે ટૂંકમાં જીવનરૂપી પરીક્ષાનો કોઈ અભ્યાસક્રમ નહીં કે સફળતા માટેની કોઈ ચાવી પણ નહીં. કદાચ ધીરજ અને સહનશક્તિપૂર્ણ હરઘડી સંપૂર્ણ વિવેકબુદ્ધિ સાથે તૈયાર રહેવું અને પુરુષાર્થથી ભાગવું નહીં, કદાચ એ જ પરિણામ આપી શકે.
૪) શૈક્ષણિક પરીક્ષામાં શિક્ષકો, માતા-પિતા, સમાજ દરેક સાચા દિલથી બનતી કોશિષ વિદ્યાર્થીઓને મદદ કરે, જ્યારે જીવનરૂપી પરીક્ષામાં નિસ્વાર્થ ભાવે મદદ કરવાવાળા શોધે જડે નહીં. કેમ કે સમગ્ર સંસાર સ્વાર્થનો સગો છે. નિષ્ફળતામાં તમારી સાથે રહેવા વાળા કોઈ નથી.
૫) શૈક્ષણિક પરીક્ષામાં IMP મળે, એટલે કે યથાર્થ માર્ગદર્શન મળે કે આવા પ્રકારના પ્રશ્નો પુછાય શકે. અગાઉ પૂછાયેલા પ્રશ્નપત્રો મળે અને મોટેભાગે તેમાંથી જ પૂછાય. જ્યારે જીવનરૂપી પરીક્ષામાં કોઈ IMP નહિ, કોઈ માર્ગદર્શન નહીં, “પડે એવા દેવાય” ની નીતિ જોવા મળે. જેથી નાપાસ થવાની શક્યતા ખૂબ વધી જાય.
૬) શૈક્ષણિક સંસ્થાઓ પહેલા ભણાવે, શીખવાડે, માર્ગદર્શન આપે, આંતરિક પરીક્ષાઓ દ્વારા યુનિવર્સિટીની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે અને સંપૂર્ણ તાલીમ આપ્યા બાદ પરીક્ષા લેવાય. એટલે કે પહેલા શીખવાડવામાં આવે અને પછી પરીક્ષા લેવાય. જ્યારે જીવન પહેલા પરીક્ષા લે અને પછી શીખવાડે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક દુઃખ એક પરીક્ષા છે, જે કંઈક ને કંઈક જીવનબોધ આપીને જાય છે. એટલે કે પહેલા પરીક્ષા અને પછી બોધ કે શીખ. આમ બંને પરીક્ષા લગભગ એકબીજાથી વિરોધી છે અને કદાચ એટલે જ વધુ ભણેલો માણસ જીવનરૂપી પરીક્ષામાં સૌથી વધુ નિષ્ફળ રહે છે. કેમ કે ટ્રેનિંગ જ ઉલટી મળે છે.
૭) શૈક્ષણિક પરીક્ષાની તારીખ, ટાઈમ-ટેબલ, સમય બધું નિર્ધારિત હોય છે. જ્યારે જીવનરૂપી પરીક્ષામાં ક્યારે કર્યું દુઃખ આવશે? કેટલા પ્રમાણમાં આવશે? કેટલા સમય સુધી રહેશે? એ અંગે સંપૂર્ણ અંધકાર જોવા મળે છે. જેથી કદાચ હતાશાનું પ્રમાણ વધુ રહે છે.
૮) શૈક્ષણિક પરીક્ષાઓમાં એક વિષયની પરીક્ષા હોય તો તે સમયે બીજી ન ગોઠવાય તેની તકેદારી રાખવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીઓ પર એક સાથે વધુ વિષયોનો બોજ ન પડે તેની તકેદારી હંમેશા ઓથોરિટી દ્વારા રાખવામાં આવતી હોય છે. જ્યારે જીવનરૂપી પરીક્ષાઓમાં એવું કદી શક્ય છે કે શારીરિક બીમાર માણસને માનસિક કે આર્થિક તકલીફ ન પડવી જોઈએ અથવા આર્થિક તકલીફમાં માણસ હોય તો બીમારીએ દૂર રહેવું. જીવન તો દરેક પ્રકારની પરીક્ષા એક સાથે જ લેતી હોય છે. આર્થિક તકલીફ હોય ત્યારે બીમારી પણ આવે, બીમારી અને આર્થિક તકલીફની સાથે માનસિક સંઘર્ષ પણ વધે. શારીરિક આર્થિક, માનસિક તમામ પ્રકારની તકલીફોમાં એકલે હાથે મક્કમપણે લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જીવનરૂપી પરીક્ષા આપણને આપતી નથી.
વિચારવાનો મુદ્દો એ છે કે ચોક્કસ અભ્યાસક્રમ, IMP, શિક્ષકો, માતાપિતા તેમજ સગાઓની મદદ, એક સમયે એક જ પરીક્ષા વગેરે હોવા છતાં જો વિદ્યાર્થીઓ શૈક્ષણિક પરીક્ષા પાસ કરી શકતા ન હોય.તો અભ્યાસક્રમ વગરની, માર્ગદર્શન કે મદદ વગરની, કોઈ આઈએમપી વગરની, એક જ સમયે આવી પડતી દરેક કઠીન જીવનરૂપી પરીક્ષામાં આજના વિદ્યાર્થીઓ પાસ થઈ શકશે ખરા? તમને નથી લાગતું જીવનરૂપી પરીક્ષા માટે સાચા અર્થમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવા આવશ્યક છે અને એ દ્રષ્ટિએ શૈક્ષણિક પરીક્ષાનું માળખું જીવનરૂપી પરીક્ષા સાથે સામ્યતા ધરાવતું હોય એ અનિવાર્ય છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply