ફોટોગ્રાફી “ગઇકાલ અને આજ” – અશ્વિન પટેલ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

ફોટોગ્રાફી “ગઇકાલ અને આજ”
છેલ્લા ૪૭ વરસથી હું ફોટોગ્રાફી કરું છું. એટલે કે ફિલ્મ કેમેરાથી લઇ આજે ડીજીટલ કેમેરા સુધીની યાત્રા હું કરી ચૂક્યો છું. આમ તો ફોટોગ્રાફીની શોધ ૧૮૩૦ માં થઇ પણ આપણે તેના શોધકો એટલે કે નિપ્સે અને ડાગુરેના જમાનાની વાત અત્રે કરતા નથી પણ મેં ૧૯૭૨થી ફોટોગ્રાફી શરુ કરી ત્યારથી કરીશું. વળી ફિલ્મ કેમેરાના જમાનામાં ૧૯૮૪ થી ૨૦૦૪ સુધી એટલે કે ડીજીટલ કેમેરાનું ચલણ શરુ થતા સુધી મેં કેમેરા રીપેરીંગ પણ કર્યું. એટલે કેમેરા અને તેમાં વપરાતી ટેકનીકનો બીજા કરતા આગવો અનુભવ મળ્યો. જો કે એ અનુભવે એટલું કહી શકું કે જેને ફિલ્મ કેમેરા વાપરેલ હોય તેને ડીજીટલ કેમેરા વાપરવાની જરાય તકલીફ ના પડે, કારણ કે, ડીજીટલ કેમેરાના સોફ્ટવેર જ્યારે કોઇ ઇમેજ બનાવે ત્યારે તેમાં ફોટોગ્રાફીના એ જ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. વળી મિકેનીકલ કેમેરા કરતા ડીજીટલ કેમેરામાં વધુ ચોકસાઇથી ફોટોગ્રાફી થાય છે. આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં ફોટોગ્રાફી કરવી ખૂબ અઘરી વાત હતી. ફોટોગ્રાફી શીખવી શકે તેવી સંસ્થાઓ તે વખતે નહોતી. કોઇ સ્ટુડિયોના માલિકને ત્યાં કામ શીખવા જાવ તો પાંચ વર્ષે પણ તેના ડાર્કરુમમાં જવાનું મળે તો સદભાગ્ય ગણાય. વળી તે વખતના મોટા ભાગના લોકોની માનસિકતા પણ બીજાને તૈયાર કરવા બાબતે સંકુચિત હતી. પણ ઘનઘોર કાળા વાદળ પર સોનેરી ધાર જેવી ક્યાંક ક્યાંક ફોટોગ્રાફીનું જ્ઞાન પિરસતી ક્લબો જોવા મળતી.
કેમેરામાં એપરચર, શટરસ્પીડ એ બે જ પરિમાણ પર ફોટોગ્રાફરનો કાબુ રહેતો. ISO તો તે વખતે જે બજારમાં ઉપલબ્ધ ફિલ્મ, 64,80,100 કે 125 ISO વાળી હોય તેનાથી કામ ચલાવવું પડે. વળી એ સમયે કલર ફિલ્મ મળતી નહિ. પ્રીન્ટીગ માટે લેબ પણ હોય નહિ. જે પણ કામ કરવું હોય તે જાતે જ કરવાનું. ફોટોગ્રાફી કર્યા પછી તેની પ્રીન્ટ પણ જાતે જ કાઢવી પડે, એટલે એનું પણ જ્ઞાન હોવું જરુરી બની જતું. પરિણામે કેટલાક લોકો બ્લેક એન્ડ વાઇટનું ફક્ત પ્રીન્ટીંગનું કામ કરતા અને પોતાને ડાર્કરુમમેન તરીકે ઓળખાવતા. પ્રીંટીંગ માટે પેપરની પણ એવી જ રામકહાણી હતી. બ્લેક એન્ડ વાઇટ ફિલ્મ જે મળે તે વાપરવી પડે એટલે ઇમેજ અંડર ઓવર એક્સપોઝ થવી એ સ્વાભાવિક હતું. એટલે નેગેટીવના અનુસંધાનમાં પેપરના પ્રકાર જે સોફ્ટ, નોર્મલ, સ્પેશિયલ અને હાર્ડ ની કેટેગરીમાં આવતા. આમ પ્રીંટીંગ પણ અઘરું કામ હતું. પ્રીટીંગ પછી પણ ફોટોગ્રાફમાં સુધારાવધારા કરવા પડતા. ડાર્કરુમમાં પ્રીન્ટીંગ વખતે ડોજીંગ, બર્નીંગ તેમજ બાસ રીલીફ, સોલેરાઇજેશન, ફોટોગ્રામ વિગેરે શીખવું પડતું. જો કે બાસ રીલીફ, સોલેરાઇજેશન, ફોટોગ્રામ તેમજ એચડીઆર એ કોઇ સર્જનાત્મક ફોટોગ્રાફી માટે જ ઉપયોગી હોઇ ભાગ્યેજ કોઇ શીખતું કે ઉપયોગ કરતું. (ફિલ્મની અછત અને સહેલાઇથી મળતી ના હોવાથી તે વખતે કેમેરાની અંદર જે સ્થાન પર ફિલ્મ ગોઠવાયેલી હોય તેની આગળ ફોટોગ્રાફર જુગાડ કરી એક જ નેગેટિવ પર એકથી વધુ ફોટોગ્રાફ પાડીને ફિલ્મ અને પૈસાની બચત કરી લેતા.)અત્યારે આ ટેકનીક્સ ફોટો એડીટીંગ સોફ્ટવેરમાં ઉપલબ્ધ હોવા છતા પણ ઘણા મિત્રો એ તરફ ઉદાસીન વલણ રાખી એનાથી દૂર રહે છે અથવા જાણતા નથી. ટચીંગ અને સ્ક્રેચીંગ કરવાવાળા પણ કુશળ કારીગરો રોજી મેળવતા. આજે આ બધું અદ્રશ્ય થઇ ગયું છે. કલર ફિલ્મ આવી પછી તેની પ્રીંટ કરવા માટે લેબ આવી. બધું કામ સરલ થવા લાગ્યું. કેમેરા પણ ઓટોમેશન પ્રણાલીમાં બનવા લાગ્યા. ફિલ્મો પણ 1000 ISO વાળી મળતી થઇ. ફિલ્મ કેમેરાની આ પરાકાષ્ઠા હતી. ફોટોગ્રાફી માટે આ દરમ્યાન 8”X10” ના પ્રોફેશનલ કેમેરાથી લઇને 4”X5” અને તે પછી નાના ફોરમેટ જેમાં 120 એટલે 6×6, 6×7, 6×4.5 અને ત્યાર પછી સૌથી વધુ પસંદ થયેલું 35 mm જે 24×36 mm નું વિશ્વપ્રસિદ્ધ ફોરમેટ આવ્યું. આ ફોરમેટના કેમેરાઓએ ફોટોજગતમાં ખરેખર ધુમ મચાવી દીધી અને ફોટોજગતમાં નવા આયામોનો એક સફળ અધ્યાય શરુ થયો. જો કે 1980/90 ના દાયકામાં ફોટોગ્રાફીમાં વપરાતી ફિલ્મમાં વપરાતા રસાયણોમાં ચાંદીનો બહોળો ઉપયોગ હવે વૈશ્વિક ધોરણે ચિંતાનો વિષય બનવાથી ચાંદીના બીજા વિકલ્પ માટે સંશોધનો શરુ થઇ ગયા. ખરેખર તો ટેપરેકોર્ડરમાં વપરાતી મેગ્નેટિક ટેપનો ઉપયોગ કરવા ચક્રો ગતિમાન થયા જ હતા. પણ પ્રકાશના ડેટાને કેવી રીતે ટેપ પર પ્રસ્થાપિત કરી ઇમેજ મેળવવાની જટિલ પ્રક્રિયાને સરળ રીતે બનાવવી એની કવાયત તો ટેપરેકોર્ડરની શોધ પછી તુરંત થઇ ગયેલ. આ તબક્કા દરમ્યાન SONY જાપાન દ્વારા Mavica નામે ‘મેગ્નેટ વીડીયો કેમેરા સૌ પ્રથમ ઇન્ટ્રોડ્યુસ થયો પણ વ્યવહારુ સાબિત થઇ શકેલ નહિ. આ જ 1990 ના દાયકામાં Advance Photo System સાથે ઘણી બધી નામી કંપનીઓએ પોતાની બ્રાંડના કેમેરા બજારમાં મુક્યા. આ કેમેરામાં ફિલ્મને બદલે મેગ્નેટિક ટેપ વપરાતી હતી. વળી કરકસરના હેતુને પાર પાડવા એક જોરદાર અભિગમ અપનાવવાનાં આવેલ. તેમાં જે ફોરમેટ ગોઠવવાનાં આવેલ તે 35 mm ના ફોરમેટથી અડધું એટલે કે 24×36 ને બદલે 24×18 mm નું રાખવામાં આવ્યું. પરિણામે તેના માટે બનતા લેન્સનું કદ પણ નાનું બને. જેથી પડતર કિંમતોમાં પણ ઘટાડો થાય તે પણ સ્વાભાવિક છે.આ ફોરમેટને એડવાન્સ ફોટો સીસ્ટમ શબ્દના ત્રણ પ્રથમાક્ષરો વડે APS નામ અપાયું. આ એપીએસ ની મેગ્નેટિક ટેપમાં રેકોર્ડ થયેલી ઇમેજની પ્રીન્ટ કઢાવવા માટે વળી એની અલગ પ્રકારની લેબ જોઇએ. જો કે આ લાંબું ચાલે તે પહેલા જ ફોટોજગતમાંથી ફેંકાઇ ગઇ. ભારતમાં તો એ આવે તે પહેલા તેનું બાળમરણ થઇ ગયું. પણ આ મેગ્નેટિક ટેપનો છેદ ઉડાડવા માટે ડીજિટલ ફોટોગ્રાફી માટે નવી સીસ્ટમનો ઉદય થવાની તૈયારી થઇ ચુકી હતી. આ દરમ્યાન હું કેમેરા રીપેરીગ કરતો હતો એટલે અન્ય ફોટોગ્રાફર મિત્રો કરતા વધુ સજાગ હતો. પરદેશના સ્વજનો, વ્યસાયીક મિત્રો અને મેગેજિનોથી સતત સંપર્કમાં રહેતો. પરિણમે મેં ૨૦૦૪માં રીપેરીંગ ના વ્યવસાયને તિલાંજલિ આપી દીધી. મારા ફિલ્મ કેમેરા ના રીપેરીંગ પર ડીજીટલ ટેક્નોલોજીને લીધે એની અસર ૨૦૦૩થી શરુ થઇ ગઇ હતી. મૂળ વાત પર આવું. ડીજિટલ કેમેરા આવ્યા પણ શરુઆતમાં તેના સેન્સર જેના પર ઇમેજ લેવાય છે તેના ફોરમેટની સાઇઝ પેલી એડવાન્સ ફોટો સીસ્ટીમ કરતા થોડું નાનું રખાયું. એટલે ડીજિટલ કેમેરા જે આવા નાના ફોરમેટવાળા હોય તે APS-c ની સંજ્ઞાથી ઓળખાય છે. ત્યાર પછી APS-h એટલે હાફ ફ્રેમ અને પછી ફુલ ફ્રેમના સેન્સરવાળા કેમેરા આવ્યા. દરમ્યાન નાના Compact Digital (Point & Shoot) કેમેરા પણ કેમેરા શોખીન ફોટોગ્રાફર્સ માટે આવ્યા. અને આજે તો સેલફોન પણ બે બે કેમેરા સાથે આવી ગયા છે. આમ APSનું નામ સાપ ગયા ને લિસોટા રહે તેમ ડીજિટલમાં જોવા મળે છે. અત્રે એક વિરોધાભાસ જુની અને આજની ફોટોગ્રાફીમાં જોઇએ તો ફિલ્મ ફોટોગ્રાફીમાં ફોરમેટની સાઇજ જેમ જેમ સમય ગયો તેમ સૌથી મોટા થી નાના ફોરમેટ તરફ અને ડીજિટલ ફોટોગ્રાફીમાં નાના ફોરમેટથી મોટા ફોરમેટ તરફ આગળ વધી છે.
આ ઉપરાંત ડીજિટલ ફોટોગ્રાફીમાંથી ડાર્કરુમની બાદબાકી થઇ ગઇ. ફોટોગ્રાફીના દરેક કામો ડાર્કરુમને બદલે ઝરહરતા પ્રકાશિત રુમમાં કોમ્પ્યુટર પર થવા લાગ્યા.એક બટન દબાવતા જ ફોટો અસાધારણ રીતે એડીટ થઇ જાય છે. વળી ઉપર જણાવેલ ડાર્કરુમ ટેકનીક્સ પણ એક બટન વડે ઉપલબ્ધ થઇ જાય છે. હવે તો કેમેરામાં પણ ફોટો એડીટીંગની સુવિધા આવી ગઇ છે. ફિલ્મને બદલે સેન્સરે જગા લઇ લીધી. ફિલ્મની કાર્ટીજ(રોલ) ની જગાએ મેમરી કાર્ડ જે વારેઘડીએ વાપરી શકાય છે. ફિલ્મમાં જે ફિક્સ આઈએસઓ હતી તે ડીજિટલ ફોટોગ્રાફીમાં ફિક્સ ન રહેતા ગમે તે સમયે જે અનુકૂળ હોય તે વાપરી શકો. ઇચ્છિત પરિણામ મેળવવા યોગ્ય શટરસ્પીડ, એપરચર, આઈએસઓ અને લાઇટીંગ સેટીંગ તેમજ પ્રકાશની તીવ્રતા(કેલ્વીન) ની એટલે કે અલગ અલગ લાઇટ કંડીશનની પણ ગોઠવણ કરી શકાય છે. વળી HDR અને Penoramic, Time lapse ફોટોગ્રાફી કરવી સુલભ થઇ ગઇ છે. ડાર્કરુમને બદલે તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરુરી છે, પણ એ ના હોય તો ફોટો એડીટીંગ કરવાવાળા પણ મળી રહે છે. આમ ડીજિટલ ફોટોગ્રાફી આજના જમાનામાં ખરેખર જુની ફિલ્મ ફોટોગ્રાફી કરતા ખૂબ સરળ થઇ ગઇ છે. વળી શોખીન લોકો માટે પણ સહજ થઇ ગઇ છે! સેલફોન વડે પણ ઉત્તમ કક્ષાની ફોટોગ્રાફી હવે સરલ બની ગઇ છે.

ઇચ્છિત પરિણામ મેળવવા યોગ્ય શટરસ્પીડ, એપરચર, આઈએસઓ અને લાઇટીંગ સેટીંગ તેમજ પ્રકાશની તીવ્રતા(કેલ્વીન) ની એટલે કે અલગ અલગ લાઇટ કંડીશનની પણ ગોઠવણ કરી શકાય છે. વળી HDR અને Penoramic, Time lapse ફોટોગ્રાફી કરવી સુલભ થઇ ગઇ છે. ડાર્કરુમને બદલે તમારી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરુરી છે, પણ એ ના હોય તો ફોટો એડીટીંગ કરવાવાળા પણ મળી રહે છે. આમ ડીજિટલ ફોટોગ્રાફી આજના જમાનામાં ખરેખર જુની ફિલ્મ ફોટોગ્રાફી કરતા ખૂબ સરળ થઇ ગઇ છે. વળી શોખીન લોકો માટે પણ સહજ થઇ ગઇ છે! સેલફોન વડે પણ ઉત્તમ કક્ષાની ફોટોગ્રાફી હવે સરલ બની ગઇ છે.

નોંધ:- અત્રે ફોટોગ્રાફી જ વિષયની વાત છે. આર્થિક પરિબળોની ચર્ચા નથી કરી, જે ધ્યાનમાં રહે.
અશ્વિન પટેલ
ashvinpatel50@gmail.com
February 2020.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply