વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? શિલ્પા શાહ – ડિરેકટર, H.K. BBA COLLEGE

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

વિદ્યાર્થી શબ્દ પરથી એટલું તો અવશ્ય સમજાય કે જે વિદ્યા અર્થે પ્રયત્નશીલ હોય તેને વિદ્યાર્થી કહેવાય. સામાન્ય રીતે આપણે આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ? તેની ચર્ચા વર્ષોથી કરતા આવ્યા છીએ. વળી એક વ્યક્તિ તરીકે શિક્ષક પાસે સમગ્ર સમાજની ખૂબ ઊંચી અપેક્ષાઓ છે એટલે જ તો ગુરુને આપણે દેવનું સ્થાન આપ્યું છે. પરંતુ તે પણ એક માણસ છે એ વાત સમાજે ભૂલવી ન જોઈએ. વળી શિક્ષણ two way પ્રોસેસ છે એટલે કે અન્ય સંબંધોની જેમ ગુરૂ-શિષ્ય સંબંધમાં પણ take & give નો નિયમ કાર્યરત છે જ એ યાદ રાખવું આવશ્યક છે. ગુરુ શિક્ષણ આપવા માગતા હોય, પોતે જ્ઞાની અને ચારિત્ર્યવાન હોય, સમાજની ગુરુ પાસે જે અપેક્ષા છે તે સર્વ પરિપૂર્ણ કરતાં સક્ષમ અને સમર્થ વ્યક્તિ હોય, પરંતુ વિદ્યાર્થી બનવા માટે જરૂરી શરતો જો શિષ્ય પરિપૂર્ણ ન કરતો હોય તો શિક્ષણનું ધ્યેય પૂર્ણ થઈ શકે નહીં. જેમ કે ઈશ્વર રહેમતોની બારીશ કરતો હોય પણ આપણે આપણી બાલ્ટી ઊલટી રાખીએ તો પ્રાપ્તિ શક્ય છે ખરી? એ રીતે ગુરુ સંપૂર્ણ પ્રયત્નશીલ હોય પરંતુ વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રાપ્તિની ઈચ્છા જ ન હોય, અતિ ચંચળ મન સ્થિર થતું જ ન હોય, વિદ્યાર્થી બનવાની જરૂરી લાયકાત જેમ કે બ્રહ્મચર્ય, સંયમી જીવન, દ્રઢ નિશ્ચય, યોગ્ય આહાર-વિહાર, નૈતિકતા અને ચારિત્ર વગેરેની જો ગેરહાજરી હોય તો સંપૂર્ણ જ્ઞાની અને ઈશ્વર સમાન સામર્થ્ય ધરાવનારા ગુરુ પણ ધાર્યું પરિણામ લાવી શકે નહીં. આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થી અવસ્થા એટલે યુવાવસ્થા અને યુવાવસ્થાની ચોક્કસ લાક્ષણિકતાઓ છે જેમ કે ૧) યુવાનને ચીલે ચાલવું ગમતું નથી, એને ભોમિયા વગર ભમવું ગમે છે એટલે કે કોઈની સલાહ કે ઉપદેશ તે પસંદ કરતો નથી. ૨) શક્તિ અને સ્ફૂર્તિનો ભંડાર હોવાને કારણે તેની મહત્વકાંક્ષાઓ પારાવાર હોય છે. એને ઘણું પામવું છે પરંતુ યોગ્ય જાણકારી નથી. ૩) એનામાં જોશ ખૂબ હોય છે પરંતુ હોશની કમી હોય છે. જેથી ઘણીવાર પોતાના જ માટે વિનાશ સર્જે છે. ૪) ગરમ લોહીને કારણે ગુસ્સો આવતા વાર લાગતી નથી, રીએક્ટ ખૂબ જલ્દી કરે છે, ઈંટનો જવાબ પથ્થરથી આપવા તત્પર રહે છે. આવી વિશિષ્ટ લાક્ષણિકતાઓને કારણે જો યોગ્ય સમયે યથાર્થ સમજણ ન આવે તો સમગ્ર ભવિષ્ય અંધકારમય બનતા વાર નથી લાગતી. મને એક અધ્યાપક તરીકે મારા ૨૫ વર્ષના શૈક્ષણિક અનુભવને આધારે લાગે છે કે શિક્ષક કેવો હોવો જોઇએ તેની સાથે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ તે અંગે પણ સમાજે વિચારવાનો સમય પાકી ગયો છે, નહીં તો સમાજનું યુવાધન નષ્ટ થઈ જશે અને આવનાર સમય તમામ માટે અતિ પીડાકારક બની રહેશે. મારી દ્રષ્ટિએ એક આદર્શ વિદ્યાર્થીના એટલે કે વિદ્યા અર્થે પ્રયત્નશીલ વ્યક્તિમાં નીચેના ગુણો હોવા અનિવાર્ય છે.
૧) ગુરુ પ્રત્યે પરમ આદર – આપણે સૌ જાણીએ છીએ કે આજના બાળકો આદર-સન્માન જેવી બાબતોથી કોષો દૂર છે એનાથી ઉલટું શિક્ષકોની મજાક ઉડાડવી, તેઓની ઉપેક્ષા કરવી, વિચિત્ર નામકરણ દ્વારા ખિલ્લી ઉડાડવી વગેરે જેવા કાર્યો કરતાં સ્કૂલ લેવલથી જોવા મળે છે. વર્ગખંડમાં પણ તેઓનું વર્તન લગભગ અયોગ્ય, અશિસ્તભર્યું અને અભદ્ર જોવા મળે છે. વળી કોલેજના વિદ્યાર્થીઓમાં તો દાદાગીરીનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે તેઓ પ્રોફેસરને ધમકાવતા, ચાકુ બતાવતા અને ડરાવતા થઈ ગયા છે. તેઓ સમજે છે કે કોલેજના ત્રણ વર્ષ એટલે જલસા કરવાનો golden time અને એવા સમયે જો કોઈ ટોકે, ભણવા તરફ વાળવાનો પ્રયત્ન કરે કે સાચી સલાહ આપે તે તેમને પસંદ નથી. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ તો જ્ઞાનની સાધના છે. જેમાં શિક્ષક નિસ્વાર્થ અને જ્ઞાની હોય અને વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે પરમ આદર હોય તો જ શિક્ષણનો ધ્યેય સાર્થક થાય. વળી વિદ્યાર્થીને કોઈ પ્રકારની શિક્ષા ન કરવાના સરકારના નિયમે વિદ્યાર્થીઓમાં રહેલ થોડો ઘણો શિક્ષકનો ડર પણ કાઢી નાખ્યો છે. તેમને ખબર છે કે આપણું કંઈ જ શિક્ષક બગાડી શકે તેમ નથી. સામાન્ય રીતે સન્માનની ભાવના બે રીતે પ્રગટે. કુટુંબ દ્વારા મળેલ સંસ્કારને કારણે અંતરથી ઉદભવે અથવા ડરથી આવે. પરંતુ વર્તમાન સમયે બંને બાબતો નિષ્ફળ જોવા મળી રહી છે. નિયમો કે કાયદાનો ડર રહ્યો નથી, શિક્ષકના સરકારે હાથ કાપી નાખ્યા છે અને કુટુંબ બચપણથી જ સંસ્કાર આપવામાં નિષ્ફળ નિવડયું છે. ગુરુ પ્રત્યેના આદર વગર વિદ્યાર્થીને તેમની કોઈ વાત યોગ્ય લાગશે નહીં. કેમ કે આપણે એ જ વ્યક્તિની વાત માનતા હોઈએ છીએ જેને આપણે પ્રેમ કરતા હોઈએ. વિદ્યાની પ્રાપ્તિ માટે અહંકાર ઝુકવો આવશ્યક છે. ગુરુને ઈશ્વરતુલ્ય ગણી સેવાની ભાવના હોવી જોઈએ.
૨) સંયમ – વિદ્યાર્થીકાળમાં સંયમ અતિ આવશ્યક છે. ઇન્દ્રિયો પર કાબૂ વગર વિદ્યાપ્રાપ્તિ શક્ય જ નથી. ગમે તેવું ખાવું (સ્વાદ પર નિયત્રણનો અભાવ) ગમે તેવું બોલવું (વાણી પર અનિયંત્રણ) ગમે તેવું જોવું (પોર્નસાઇટનો બેફામ ઉપયોગ) ગમે તેવું સાંભળવું (ઘર અને બહાર સત્સંગનો અભાવ) વગેરે વિદ્યાર્થીના મનને ભટકાવે છે. દિશાહીન કરે છે. યુવાવસ્થામાં જોશ વધુ હોય અને સમજણ કેળવવામાં આવે તો જોશ અને હોશના સંગમથી ઉત્તમ પરિણામ મેળવી શકાય.
3) willingness to study – વિદ્યાર્થીઓમાં વિદ્યાપ્રાપ્તિની ઝંખના થાય તો જ શિક્ષણ પ્રત્યે પ્રેમ ઉદભવે. પરંતુ આજના વિદ્યાર્થીને તો લાગે છે કે શિક્ષણ કોઈ રીતે ઉપયોગી જ નથી, જીવન જીવવા કે સફળતા મેળવવા શિક્ષણની જરૂરિયાત જ નથી. એટલા માટે તેઓ હંમેશા એવા ઉદ્યોગપતિઓના કિસ્સાઓ શોધે છે કે જેઓ શિક્ષણ વગર કરોડપતિ થઈ ગયા હોય. ગુરુ વિદ્યા આપવા માંગતા હોય પરંતુ વિદ્યાર્થી તે પ્રાપ્તિની ઈચ્છા જ ન રાખતો હોય તો શિક્ષણ સાર્થક ક્યાંઈ થાય? આજે કોલેજમાં એ પરિસ્થિતિ છે કે ક્લાસમાં વિદ્યાર્થીઓ જોવા જ મળતા નથી કેમ કે તેઓ કોલેજ સમયને હરવા-ફરવા અને જલસા માટેનો ઉત્તમ સમય સમજે છે.
૪) એકાગ્રતા – વળી વિદ્યાર્થીમાં એકાગ્રતાની ખૂબ આવશ્યકતા છે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજર હોય તેઓનું મન પણ અભ્યાસમાં ચોંટતું નથી. દર પાંચ મિનિટે તેઓની એકાગ્રતા ભંગ થયા જ કરે છે. જેના માટે ઘણા અધ્યાપકો વચ્ચે વચ્ચે જોક્સ, શાયરી વગેરેને ઉપયોગ કરી વિદ્યાર્થીનો રસ પાછો લાવવાનો પ્રયત્ન કરે છે જેનાથી વધુ અવળી અસર વિદ્યાર્થીઓના માનસ પર પડે છે અને તેવોનો સારા અને ગંભીર શિક્ષકો પ્રત્યેનો ભાવ ઓછો થઇ જાય છે. એકાગ્રતા યોગ્ય આહાર-વિહાર, હકારાત્મક વલણ, યોગ, ધ્યાન દ્વારા પ્રાપ્ત થઈ શકે. પરંતુ આજના વિદ્યાર્થીઓ સતત જંકફૂડ ખાય છે, અતિ નકારાત્મકતામા જીવે છે અને ભણવામાં તેમનું ચિત્ત ચોંટતું નથી. એ સર્વ વિદિત છે કે એકાગ્રતા વગર પરિણામ મળવું મુશ્કેલ છે. આ ઉપરાંત વર્તમાન સમયે શિક્ષણ એક વેપાર બની ગયો છે. ટ્યુશન દ્વારા પૈસા બનાવાય છે. વળી શિક્ષકનું ભાવિ વિદ્યાર્થીઓના ફિડબેક પર આધારિત છે એટલે કે વિદ્યાર્થીઓને જે શિક્ષક ગમે તેની પ્રગતિ ઝડપી થાય છે જેથી શિક્ષકો પોતાના સ્વાર્થમાં વિદ્યાર્થીઓને સાચું કહેવાને બદલે (જે સ્વાભાવિક રીતે કડવું હોય) માત્ર ને માત્ર સારું સારું કહેતા થઈ ગયા છે. અયોગ્ય રીતે વિદ્યાર્થીઓના મિત્ર બની ગયા છે. મને થાય છે કે માતા, પિતા, શિક્ષક બધા જો મિત્રો જ બની જશે તો વાસ્તવમાં માતા-પિતા અને શિક્ષકોનો જે મહત્વનો રોલ સમાજ ઘડતર માટે છે તે કોણ અદા કરશે? માત્ર ઉત્તમ શિક્ષક જ નહીં શ્રેષ્ઠ વિદ્યાર્થી પણ સર્વોત્તમ સમાજ રચનાનું અભિન્ન અંગ છે તે ભૂલવું જોઈએ નહીં. બંનેના યથાર્થ સંગમ દ્વારા જ સમાજ સંસ્કારી બની શકે. બાકી તો સતત સંઘર્ષમય જીવનની પ્રાપ્તિ એ જ દરેકનું ભવિષ્ય બની જશે. ટૂંકમાં વિદ્યાર્થી ચરિત્રશીલ, આશાવાન, અભ્યાસનિષ્ઠ, દ્રઢ નિશ્ચયી અને બળસંપન્ન હોવો જોઈએ. શરીરશક્તિ, સમજણશક્તિ અને સહનશક્તિ એનામાં હોવી અનિવાર્ય છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply