પા-પા પગલી વ્હાલની ઢગલી !

કલા સાહિત્ય ગુજરાત

સ્કૂલ પુન: શરૂ થઈ ગઇ – આપણે પણ આપણા સુવર્ણ યુગના સંભારણામાં સરી જઈ શકીએ છીએ. આજનું લખાણ થોડુ વધુ જણાશે પરંતુ એમાં સહુની વ્યથા જરૂર વ્યક્ત થતી લાગશે !

*બચપણ !* બનાવટ વગરની સજાવટ !! બાલ્યાવસ્થા આપણે ક્યારેય ભૂલી શકવાના નથી ! બાલ્યજીવનમાં કોઇ મિલાવટ કે દંભની જરૂર પડી જ નથી અને જરૂરીયાત ઊદ્દભવશે પણ નહીં !

એવું કોણ હશે કે જીવનમાં પપ્પા – મમ્મીની આંગળી પકડીને પા-પા પગલી માંડતા – ચાલતા શીખ્યું ન હોય ? સૌએ પોતાના સંતાનોને આંગળી આપીને પા-પા પગલી ચાલતા શીખવાડ્યું જ હોય ને !?

આપણે ભૂલકા કે ટેણી -મેણી હતા ત્યારે સ્કૂલ-લાઇફ દરમિયાન નિ:સંકોચ ધમાલ-મસ્તી, ઉછળ-કૂદ કરતા, ઝાડ કે વંડી પરથી ભૂસકા મારતા, નિર્દોષ ઠઠ્ઠા-મશ્કરી કરતા, વેર-ઝેર રાખ્યા વિના કટ્ટી-બુચ્ચા કરતા, એક-મેકના ખભે ભરોસો રાખી ખો-ખો ને કબડ્ડી કે છૂદડ્ડી અને આંધળો પાટો / થપ્પો રમતા તેમજ નિસ્વાર્થ પરસ્પર ઉપયોગી બનવાની પ્રેમપૂર્ણ લાગણીઓ વરસાવતા ! ત્યારે મને – તમને કોઈએ નાત-જાત-વર્ણ-કોમવાદ શીખવેલુ !? રાષ્ટ્ર વિરોધી કે ગદ્દારી કરવા અથવા કોઈ કાન-ભંભેરણી કરતુ નહીં. ફલાણા / ઢીંકણી સાથે હસવા – બોલવાની કોઇ મનાઈ કરતુ નહીં. આપણા માવતર કે મોટેરા ક્યારેય કોઈ સંતાનોને દોડવા – ઠેકડા મારવા “ના” ન્હોતા કહેતા ! પડોશીઓ હંમેશા સદ્દભાવ ને સત્કાર્ય માટે પ્રેરક બની રહેતા. આજુબાજુના માહોલમાં સદૈવ સમતા ને સમભાવ બનાવવા પરોક્ષ રીતે સાદ સાંભળવા મળી રહેતો. કારણ કે એવા સમયમાં ઇર્ષા/રાગદ્વેષની પામર ભાવના કદાચ નહીંવત હશે.

આ બધુ કે’વાનો, સજાવવાનો નમ્ર પ્રયાસ એટલો જ કે, આપણા શૈશવકાળમાં જો ઉપરોક્ત મોકલાશ આપણે અનુભવી હોય, માણી હોય તો દરેક પાલકોએ પોતાના બાળકોને પણ ધીંગા-મસ્તી કરવાની સંપૂર્ણ ને બિનશરતી છૂટ આપવી તથા ટોકવા/ટપારવાનું બંધ કરવુ. આપણે સહુ દ્રષ્ટાઁતરૂપ વાતાવરણનું સર્જન કરીએ ! ખોટી દેખાદેખી છોડીને વ્હાલા દીકરા-દીકરી ઉપર મહત્વાકાંક્ષાનું ભારણ ન વધારીએ. અભ્યાસ મહત્વનો છે જ પણ માત્ર ભણતર ખાતર જ ઉગતા, પાંગરતા, ખીલતા ફૂલોને અકાલે મુરઝાવી ન દેવા. સંસ્કાર સિંચન ત્થા કોઠાસૂઝના ઘડતર માટે બાલકોને કુદરતના ખોલે, સહાધ્યાયીઓની સાથે તેમજ ગોઠીયાઓની સંગાથે વિહરવા દઈએ.નિલેશ ધોળકિયા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply