વડીલો હંમેશા સાચા અને સારા જ હોય એ જરૂરી નથી. – શિલ્પા શાહ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ સમાચાર

વડીલો હંમેશા સાચા અને સારા જ હોય એવું જરૂરી નથી

સમાજમાં અનેક બોધદાયક કહેવતો છે જેની રચના સમાજના સભ્યોને ટૂંકમાં ઘણું બધું સરળતાથી જણાવવા માટેની વ્યવસ્થા હોય એવું લાગે છે. જેમકે “તાળી બે હાથે પડે” આ કહેવત આપણને સમજાવે છે કે કોઈપણ નિર્ણય લેતા પહેલા બંને તરફનું વિચારવું આવશ્યક છે. માત્ર એક તરફનો વિચાર કદી યોગ્ય હોય શકે નહીં. મારો અંગત અભિપ્રાય સમાજના વૃદ્ધો અને વડીલો અંગે એવો છે કે આપણે યુવાવર્ગને હંમેશા દોષી સમજી લઈએ તે યોગ્ય નથી. તેઓને પણ કંઈક પીડાઓ અને સમસ્યાઓ હોઈ શકે જે અંગે કદાચ સમાજ લક્ષ્ય આપવા ટેવાયો જ ન હોય તેવું લાગે છે. મેં જોયું છે whatsapp કે અન્ય માધ્યમો દ્વારા સતત જાણે કે વૃદ્ધો કે વડીલો કેટલા દુઃખી છે તે અંગેના લાગણીસભર મેસેજ ફરતા હોય છે અને લોકો જાણે-અજાણે તેને લાઈક અને ફોરવર્ડ કરતા રહે છે. પરંતુ દરેક વખતે વડીલો સાચા અને સારા જ હોય એવું જરૂરી નથી. સમાજ એવી લાગણી સભર દલીલ કરતો હોય છે કે મા-બાપ એક રૂમના મકાનમાં પાંચ બાળકોને પ્રેમ-લાગણીથી મોટા કરી શકે છે પરંતુ એ પાંચ બાળકો એક મા-બાપને વિશાળ બંગલામાં પણ પ્રેમથી સાચવી શકતા નથી. મને એમ થાય કે જો એ પાંચેય બાળકો માતા-પિતાની આજ્ઞાનું પાલન ન કરે, તેમના કહ્યામાં ન હોય, કોઇ અયોગ્ય કાર્ય કરતા હોય તો શું માતાપિતા તેમને રોકતા નહીં હોય? ગુસ્સે થતા નહીં હોય? તેમને સુધારવાનો પ્રયત્ન કરતા નહીં હોય? અન્ય શિક્ષાત્મક પગલા લેતા નહીં હોય? અને બધું કર્યા છતાં જો ન સુધરે તો માબાપ થઈને પણ તેઓ બાળકોને હોસ્ટેલમાં મૂકવા જેવું કડક પગલું દિલ પર પથ્થર મૂકીને ભરતા જ હોય છે ને. એ જ રીતે જો વડીલો કંઇક અયોગ્ય કાર્ય કરતા હોય તો તેમને સાચવતા દીકરા-વહુ તેમને સમજાવવાનો, શીખવાડવાનો કે સુધારવાનો પ્રયત્ન કરે તો શું ખોટું કરે છે? એક પ્રતિષ્ઠિત વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સાથે મારે એકવાર રૂબરૂ મળવાનું થયું. તેમની સાથેની વાતો દરમ્યાન મેં કહ્યું કે સમાજમાં હવે મૂલ્યો ખતમ થતા હોય તેવું નથી લાગતું? હવે બાળકોને મા-બાપ ભારે પડે છે અને વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે. છતાં જગ્યા મળતી નથી, ખૂબ લાંબુ વેઇટિંગ હોય છે, નામ નોંધાવવું પડે છે. બાળકોને સ્કૂલ કે હોસ્ટેલમાં મુકવા મા-બાપે મહેનત કરવી પડે તેવી જ મહેનત વડીલોને વૃધ્દ્ધાશ્રમમાં મુકવા માટે કરવી પડે છે. (મને તો ક્યારેક લાગે છે કે કદાચ આં જ પ્રકૃતિનો ન્યાય હશે. તમે ભૂતકાળમાં બાળકો સાથે જે કર્યું તે હવે તમારી સાથે થઇ રહ્યું છે.) વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીએ મને કહ્યું બહેન એવું નથી, હું પોતે સિત્તેર વર્ષનો છું અને વર્ષોથી આ બધા વડીલોની સેવા કરી રહ્યો છું. ઉત્તમ આપવાનો પ્રયત્ન કરું છું પરંતુ તેમ છતાં ભાગ્યે જ કોઈને સંતોષ આપી શક્યો છું. વડીલોને શું જોઈએ છે એ જ સમજાતું નથી. સતત ફરિયાદ, અસંતોષ અને નાના-મોટા ઝઘડાનું સામ્રાજ્ય વૃદ્ધાશ્રમમાં પણ જોવા મળે છે. મને થાય છે આ બધા વડીલો અને વૃદ્ધો અહીંયા જે કરે છે તે જ તેમના ઘરે કરતા હશે ને? ત્યારે મને સમજાયું કે કદાચ આપણે સમાજના સંબંધોને સમજવામાં કંઈક થાપ ખાધી છે. માત્ર સિક્કાની એક બાજુને જ ધ્યાન પણ લીધી છે. બીજી બાજુ તો કદાચ અજાણતા છૂટી ગઈ છે. અને જનરેશન ગેપના નામે સતત સંઘર્ષ સમાજમાં ચાલ્યા જ કરે છે. આપણા વૈદિકશાસ્ત્રો અનુસાર ચાર આશ્રમોના તત્વજ્ઞાનને જીવનમાં ઉતારવામાં આવે તો મને લાગે છે કે સંબંધોમાંથી સંઘર્ષની બાદબાકી થઇ જાય. ૪૦ વર્ષથી 50 વર્ષ દરમિયાન ધીરે ધીરે સમાજ તરફથી મુખ ફેરવી ઈશ્વર તરફ કે કલ્યાણકારી કાર્યો તરફ વળવાનું હોય છે. અત્યાર સુધી જે કંઈ કર્યું તે છોડવાનો અભ્યાસ કરી પોતાની જાતને સન્યાસ આશ્રમ માટે તૈયાર કરવાની હોય છે. જેમાં દરેક પ્રકારની મોહ-માયા, આદતો, ઇચ્છાઓ છોડી સમાજમાં એડજસ્ટમેન્ટ સાધવાનું હોય છે. તમામ જડતા છોડી ફ્લેક્સિબિલિટી વધારવાની હોય છે. ચાલશે, ભાવશે, ફાવશે વગેરે શીખવાનું હોય છે. આવું જે કરી શકે તેને કુટુંબના સભ્યો કે સમાજ સાથે સંઘર્ષની નોબત આવતી નથી. જે પ્રકારની વૃત્તિ નાના બાળકોની પોતાના મા-બાપ સાથે શરૂઆતમાં હોય છે. મા-બાપ જેમ કહે તેમ કરવાનું, ખાવા આપે તે ખાવાનું, ભણવાનું કહે ત્યારે ભણવાનું, જે સલાહ-સૂચન આપે તે પ્રમાણે વર્તવાનું. આ તો માત્ર ઉપરવાળાનું એક ચક્ર બદલાયુ. પહેલા બાળકો કરતા તે હવે વડીલોએ કરવાનું. કેમ કે સમય સાથે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. જેમ બાળકોને સારું શીખવાડવા માટે આપણા ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ છે તેવી વડીલોના શિક્ષણ માટે પણ હોવી જોઈએ કેમ કે ઘણા વડીલોને યોગ્ય –અયોગ્યની સમજણ નથી હોતી. ફરિયાદ અને અપેક્ષાઓ છોડવાની શાસ્ત્રો સલાહ આપે છે જ્યારે વડીલોમાં અપેક્ષા અને ફરિયાદનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. આપણે સર્વે આપણા ઘરના વડીલો તરફ લક્ષ્ય આપીશું તો મોટાભાગે એવું જોવા મળશે કે ખાવાને લઈને કે સ્વાદને લઈને સૌથી વધુ કકળાટ તેમનો હશે. યુવાનો કદાચ ચલાવી લેશે પરંતુ વડીલો નહિ ચલાવે. મૃત્યુની નજીક જતાં હોવા છતાં ધનની લાલચ, હક્કની ભાવના, હું કહું તેમ જ થવું જોઇએ વગેરે દુરાગ્રહ વધતા જાય છે. જેના કારણે સંઘર્ષો વધે છે. વળી ઘણીવાર મા-બાપ દીકરા-દીકરીઓ વચ્ચે પણ સમાન વર્તન ન કરતા વ્હાલા-દવલાની નીતિ અપનાવતા હોય છે. જેના કારણે પણ વડીલોને સહન કરવું પડે છે. વર્તમાન સમયનો સળગતો પ્રશ્ન સાસુ-વહુનો છે. દરેક ઝઘડા કે સંઘર્ષના મૂળમાં આ જ સંબંધ રહેલો છે. મને અંગતપણે એવું લાગે છે કે જ્યારે કોઈની દીકરી આપણા ઘરમાં લાવીએ છીએ ત્યારે શરૂઆતમાં એને વહુ ન સમજતા દીકરી સમજી પ્રેમ આપવામાં આવે તો વળતો પ્રેમ વહુ તરફથી અવશ્ય મળે. કારણ માણસ માત્રનો સ્વભાવ જેવું મળે તેવું પાછું આપવાનો છે. મહેમાનોની આગતા-સ્વાગતામાં, પ્રસંગોમાં ચાંદલો પાછો વાળવાની પ્રથામાં જાણે અજાણે આપણે આ નિયમનું તો પાલન કરીએ છીએ. શરૂઆતમાં વહુ સાથે થયેલા અયોગ્ય વ્યવહારને તે ભૂલી શકતી નથી અને માણસની સ્વભાવગત મર્યાદા અનુસાર તે જાણે કે અજાણે એ જ પાછુ વાળે છે જે તેણે મેળવ્યું છે. વળી આપણાં સમાજમાં દીકરી કે વહુમાં કોઈ ફરક નથી એવું માત્ર શાબ્દિક રજૂઆતમાં જ જોવા મળે છે. વાસ્તવમાં દીકરી અને વહુ સાથેના વ્યવહારમાં આસમાન-જમીનનો ફર્ક જોવા મળે છે, જે સહન કરવું અઘરું બનતું હોય છે. કેમકે કહેવાનું કંઈક અને કરવાનું કંઈક એ ક્યાં સુધી સહન થાય? ટૂંકમાં સાસુ મા બની શકતી ન હોવાને કારણે વહુ પણ દીકરી બની શકતી નથી. ઘરમાં પૈસા, કામ,સગવડ, ચોખ્ખાઈ વગેરેને લઈને પણ ઘણા સંઘર્ષ થતા હોય છે. સામાન્ય રીતે વડીલોને પૈસાનો ખૂબ મોહ હોય છે જે કદાચ એમની અસુરક્ષિતતાની ભાવનાને કારણે હોઈ શકે, કે જો પૈસા નહીં હોય તો આપણું શું થશે? અને સમાજમાં પાંચ કિસ્સા એવા પણ જોવા મળતા હોય છે જેમાં પૈસા લઈને દીકરા-વહુએ માતા-પિતાને કાઢી મૂક્યા હોય. પરંતુ મને એવું લાગે છે કે જો વડીલો નિસ્વાર્થ ભાવના સાથે આ બધું તમારું જ છે એવો પ્રેમ માત્ર શબ્દો દ્વારા નહિ પરંતુ વર્તન દ્વારા સાબિત કરતા રહે તો આજના 90% સુખી-સંપન્ન બાળકોને મા-બાપના પૈસાની એટલી જરૂર નથી હોતી. પરંતુ આ પૈસા જેવી તુચ્છ બાબત મનમાં એવી ભાવના પેદા કરે છે કે મા-બાપને આપણા કરતાં વધારે પ્રેમ પૈસાથી છે. અને જ્યારે પ્રેમ મળતો નથી ત્યારે પ્રેમ આપી પણ શકાતો નથી. કેમ કે વ્યક્તિ આપી તો એ શકે જે તેની પાસે હોય. દુખી માણસ દુઃખ સિવાય બીજું આપે પણ શું? ઘરમાં ઘણી વાર ચોખ્ખાઇ અને કામની વહેંચણીના પ્રશ્નો પણ સંઘર્ષો ઊભા કરતા હોય છે. સાસુ એમ સમજે કે અમારે તો કામ કરવાનું હોય જ નહીં, એ તો વહુ જ કરે તો મૂળભૂત રીતે અયોગ્ય છે કેમ કે ઈશ્વરે આપણા શરીરની રચના જ એવી કરી છે કે જો તે કામ કરતું રહે તો જ સ્વસ્થ રહી શકે. ઘરમાં પાંચ જણા રહેતા હોય અને કામ માત્ર એક વહુને જ કરવાનું આવે તો એ પણ માણસ છે કેટલું કરી શકે? વળી કદર ને બદલે “જશ ને માથે જૂતિયા” જેવી હાલત હોય તે પણ ક્યાં સુધી યોગ્ય છે? તમામ સંઘર્ષો પાછળ વાસ્તવમાં પ્રેમની કમી જવાબદાર હોય છે. ગરજ પડે એકબીજાનો ઉપયોગ કરવાની વૃત્તિ સંસાર કે સંબંધોમાં શાંતિ કે પ્રેમ લાવી શકે નહીં. ખરેખર તો સાસુને એમ થવું જોઈએ કે હું વધારે કામ કરું ને તું જલસા કર, અત્યારે તારી ઉંમર ભોગવવાની છે. જ્યારે વહુને એમ થવું જોઈએ કે તમે આરામ કરો, હવે આ ઉંમરે તમારે કામ કરવાનું હોય જ નહિ, કામ કરવાનો સમય મારો છે. પરંતુ આવું થાય ક્યાંથી કારણ કે સંબંધોની શરૂઆત જ ખોટી થઇ છે. સમાજની કોઇપણ વહુને મળજો તે લગ્ન કરીને આવી ત્યારથી આજ સુધી તેની સાથે શું ખરાબ થયું? તેનો એક વિશાળ સેકન્ડે-સેકન્ડનો નિબંધ એને મોઢે હોય છે. વિચારો, એના સમગ્ર અસ્તિત્વને કેટલી ઠેસ પહોંચી હશે? કઈ હાઈટની એ પીડા હશે? કે એનાથી કશું ભૂલી જ શકાતું નથી. આજની ભણેલી-ગણેલી વ્યક્તિ જાણે છે કે ભૂતકાળને ન ભૂલવામાં સૌથી વધુ નુકસાન આપણને પોતાને જ છે પરંતુ દુઃખની પરાકાષ્ઠા તેને આ ભયંકર જાળમાંથી બહાર નીકળવા જ નથી દેતી. અને મેં અગાઉ કહ્યું તેમ તમારી પાસે જે હોય તે તમે અન્યમાં વહેચી શકો, એ ન્યાયે તે અન્યને દુઃખી કરતી રહે છે. લગ્ન કરતા પહેલા એના અનેક સપના હોય છે, જે પૂરા થવાને બદલે, કે તેને અંગત સમજવાને બદલે એક unpaid servant બનાવી દેવામાં આવે છે. સવારથી રાત સુધી સાસુ-સસરા, પતિ, બાળકો, મહેમાનો બધાની બસ હસતા મોઢે સેવા કર્યા કરે. એ સેવા પણ આનંદદાયક બની શકે પરંતુ તેમાં સ્વતંત્રતા તો હોવી જોઈએ ને? ઇચ્છા વિરુદ્ધ કરવામાં આવતા કામમાં પ્રેમ કે આનંદ ક્યાંથી હોય? પુરુષો માટે ઇચ્છા વગર, ના ગમતી બાબત હસતા મોઢે, કોઈ ફરિયાદ વગર, સતત કરવી શક્ય છે? જે એક માટે શક્ય ન હોય તે અન્ય માટે શક્ય કેવી રીતે બને? એટલે જ મોર્ડન યુગમાં બહેનો બગડી ગયેલી દેખાય છે કેમ કે તે કંટાળી ગઈ છે, ના કોઈ એમને સમજી શકે છે ના તેઓ કોઈને સમજાવી શકે છે. તેમની મરજી પ્રમાણે સ્વતંત્રતાથી તેવો જીવે છે. જે સમાજને મંજૂર નથી. ખરેખર તો વડીલો એટલે એવા લોકો જેમની પાસે જીવનનો નિચોડ છે. એમણે તો સતત પ્રેમ વહેંચવો જોઈએ. કેમ કે જેટલું જીવ્યા તેટલું હવે જીવવાનું નથી. એમણે તો બાળકોને પોતાના નિસ્વાર્થ, પ્રેમાળ વર્તન દ્વારા બોધપાઠ આપવા જોઈએ. પરંતુ તેઓ માત્ર શાબ્દિક બોધપાઠ આપે અને તેમનું પોતાનું આચરણ બોધપાઠથી અત્યંત વિપરીત હોય તો પરિણામ ક્યાંથી મળે?. બાળકોને લાલચ છોડવાનું કહે અને પોતે એક રૂપિયો છોડી ન શકે? બાળકોને ચોખ્ખાઈ શીખવે અને પોતે ગંદકી માં જીવે? કોઈ પણ બાબતનો નિર્ણય લેતા પહેલાં વિવેકબુદ્ધિ આવશ્યક છે. “બોલે તેના બોર વેચાય” અને “ન બોલવામાં નવ ગુણ” જેવી બંને કહેવતો સાચી હોઈ શકે. જરૂર છે માત્ર યથાર્થ સમયે યથાર્થ ઉપયોગ કરવાની. વળી વડીલો તો સમાજની ખૂબ અનુભવી ધરોહર છે. તેવો તો એટલા ઉત્તમ અને મૂલ્યવાન હોવા જોઈએ કે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકવાના વિચાર માત્રથી આંખમાં આંસુ આવી જાય. એવું નથી કે સમાજમાં એવા વડીલો નથી પરંતુ તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. વડીલોનું સન્માન એમના પોતાના હાથમાં છે. તમે સારા હો તો તમારી સાથે સારું થાય જ છે. હા ક્યારેક એવું બની શકે કે તમે સારા હોવા છતાં તમારી સાથે સારું ન થાય તો તેમાં ક્યારેક પૂર્વના કર્મો પણ જવાબદાર હોઈ શકે. આજે તમને તમારી વહુ સાચવતી ન હોય તો શક્ય છે તમે ભૂતકાળમાં તમારા સાસુને સાચવ્યા ન હોય. હોસ્ટેલ કે વૃદ્ધાશ્રમ બંને સમાજ માટે યોગ્ય નથી પરંતુ આપણે હોસ્ટેલને યોગ્ય સમજીએ છીએ કે બાળકો ઘરેથી દૂર રહીને સારું શીખે પણ આ જ તર્ક વૃદ્ધાશ્રમ માટે આપણને યોગ્ય લાગતો નથી. બધા વડીલો સારું શીખેલા જ હોય એ જરૂરી નથી. કેમ કે આપણા ત્યાં વડીલો માટે કોઈ શાળાની વ્યવસ્થા નથી. વધુ પડતી પંચાત, લોભ, સ્વાર્થ, જડતા, અહમ જેવા ભયંકર અવગુણો વડીલોમા વિશેષ જોવા મળે છે. પરંતુ કદાચ આપણે એ જોવા ટેવાયેલા નથી, કહેવાતી સભ્યતા અને સંસ્કૃતિ આપણને તેની છૂટ આપતી નથી. ખરેખર તો સમાજમાં કશું ખોટું થતું જ નથી કેમ કે આપણે જાણીએ છીએ કે ઈશ્વર ઈચ્છા વિરુદ્ધ કઈ થઇ શકે જ નહિ, ઈશ્વરની ઈચ્છાથી થયેલ કોઈ વાત ખોટી કેવી રીતે હોય? કદાચ ઈશ્વરના ન્યાયને સમજવા જેટલા આપણે શક્તિશાળી નથી. એટલે વચ- વચમાં આપણે આપણો ન્યાય (નિર્ણય) બિનજરૂરી દર્શાવીએ છીએ કે આ ના કરાય અને આવું ન થવું જોઈએ વગેરે. લોકોને જજ કરવાની વૃત્તિ જ અયોગ્ય છે. વડીલોમાં રોદડા રડવાની અને સહાનુભૂતિ મેળવવાની સ્વાભાવિક આવડત હોય છે. જેથી તેમનું દુઃખ સમાજ જાણી શકે છે જે આદત કે આવડત યુવાનોમાં ખૂબ ઓછી હોવાને કારણે તેમની પીડા સમાજ જોઈ શકતો નથી. મને લાગે છે યુવાનો માટે એક ઓપન ફોરમ ડિસ્કશનની વ્યવસ્થા હોવી જોઈએ કે જેના દ્વારા તેમની તકલીફો જાણવામાં આવે અને સંઘર્ષ ઘટાડી શકાય. જો એ શક્ય ન લાગતું હોય તો સતત સાથે જીવવાનો ડોળ(દંભ) કરી સંબંધોને બદથી બદતર કરવા કરતા શાંતિથી અલગ અલગ ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. વળી જુદા રહેવામાં કશું અયોગ્ય નથી તે પણ સમાજે હવે સમજવાની જરૂર છે. સમય અને કાળ પ્રમાણે પરિસ્થિતિને સ્વીકારવાની આવડત જ માણસને સુખી કરી શકે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply