રાજય સરકાર ધ્વારા તાજેતરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિ. ના મેનેજીંગ ડિરેકટર મનોજ કોઠારી (IAS) ની નર્મદા જિલ્લા કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક થતાં મનોજ કોઠારીએ આજે તા. ૨૫ મી નવેમ્બરના રોજ રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા કલેકટર તરીકેનો હવાલો સંભાળી લીધેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવતા આઇ.કે.પટેલની બદલી ખેડા જિલ્લા કલેકટર તરીકે થયેલ છે.
સને ૧૯૮૯ માં ગુજરાત વહીવટી સેવા સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં સીધી પસંદગીથી સૌ પ્રથમ નાગરિક પુરવઠા નિગમના વિજીલન્સ મેનેજર તરીકે જોડાઇને પોતાની યશસ્વી કારકીર્દીનો પ્રારંભ કરનાર મનોજ કોઠારીએ તેમની સરકારી સેવાઓના કાર્યકાળ દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ કલેકટર નિવાસી નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રના નાયબ કલેકટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગર મ્યુનિસીપલ કમિશ્નર, મહેસુલ વિભાગમાં રાહત નિયામક અને છેલ્લે વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડિરેકટર તરીકે તેઓની નોંધપાત્ર સેવાઓ દ્વારા જે તે વિભાગોની કામગીરીમાં વિશિષ્ટ યોગદાન રહયુ છે.
જિલ્લા કલેકટર તરીકે મનોજ કોઠારીએ આજે રાજપીપલા ખાતે હવાલો સંભાળ્યા બાદ નર્મદા જિલ્લાના મહેસુલી પરિવારના કર્મયોગીઓ અને “ટીમ નર્મદા” ના જુદા જુદા વિભાગના વરિષ્ટ અમલીકરણ અધિકારીઓ, પદાધિકારીઓ વગેરેએ નવનિયુક્ત કલેકટરશ મનોજ કોઠારીની શુભેચ્છા મુલાકાત લઇ ઉષ્માભર્યા આવકાર થકી જિલ્લાની વિકાસકૂચ આગળ ધપાવવામાં સહુએ પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
રિપોર્ટ : દીપક જગતાપ , રાજપીપલા