`રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મોનું આયોજન થયું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

`રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ’ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે ત્રિવિધ કાર્યક્ર્મોનું આયોજન થયું હતું. નવી પેઢી આપણાં ગૌરવવંતા સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલય તથા શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા ખાસ આ પ્રેરક આયોજન કરાયું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ચોટીલા પોલીસ ઈન્સપેકટર આર. જે. રામ, ચામુંડા ડુંગર મહંત પરિવારના જગદીશગીરી બાપુ, શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), મહીપતસિંહ વાઘેલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલયના ગ્રંથપાલ વિમલગીરી ગોસ્વામી અને અનિશભાઈ લાલાણી, શિક્ષણ સાહિત્ય જગતમાંથી ભરતસિંહ ડાભી, સાહિત્ય જગતમાંથી ચંદ્રકાંતભાઈ નિર્મલ, મનોજભાઈ પંડ્યા અને શામજીભાઈ છત્રોલા, જૈન અગ્રણી અજયભાઈ શાહ, નેશનલ યુથ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી રહી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી. ચોટીલાના તે વખતના પોલીસ-લાઈન ક્વાર્ટરમાં જન્મેલા `લાઈન-બોય’ ઝવેરચંદ મેઘાણીને પોલીસ-પરિવાર તરફથી પોલીસ ઈન્સપેકટર આર. જે. રામે અંજલિ આપી હતી. સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે મહાત્મા ગાંધી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તથા બાળ સાહિત્યનાં રસપ્રદ પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેને વિદ્યાર્થીઓ અને સાહિત્ય-પ્રેમીઓએ રસપૂર્વક નિહાળ્યું હતું.

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી વર્ષ તથા જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના 75મા જન્મજયંતી વર્ષની `અહિંસા અમૃત વર્ષ’ની ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા `અહિંસા’ વિષય પર સામૂહિક નિબંધ લેખનનું આયોજન કરાયું હતું. ચૂંટેલાં નિબંધનું વિદ્યાર્થીઓ દ્વારા વાચન પણ થયું હતું. સુરેન્દ્રનગર સ્થિત જાણીતા લેખક, પત્રકાર મનોજભાઈ પંડ્યા (સનમ) લિખિત નવીન પુસ્તક `તમસના અજવાળિયા’નું વિમોચન આ અવસરે કરાયું હતું.

અહિંસા, ભ્રૂણહત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણ જેવા વિષયો (કોઈપણ એક અથવા ચારેય વિષયોને સાંકળીને) પર નિબંધ સ્પર્ધા (500 શબ્દો સુધી સીમિત)નું આયોજન અખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરાયું છે. વિશ્વભરમાં વસતાં કોઈપણ ધર્મ-સંપ્રદાયના દરેક વયના ભાવિકો ગુજરાતી ભાષામાં આ નિબંધ સ્પર્ધામાં 30 જાન્યુઆરી 2020 (ગાંધી નિર્વાણ દિન) સુધી ભાગ લઈ શકશે. ઉત્તમ કૃતિઓનાં સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પ્રથમ ઈનામ – રૂ. 21000, દ્વિતીય ઈનામ – રૂ. 15000, તૃતીય ઈનામ – રૂ. 11000. ચૂંટેલા અન્ય 100 સ્પર્ધકોને રૂ. 500 પ્રોત્સાહન ઈનામરૂપે આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં ટાઈપ કરેલા અથવા સારા અક્ષરમાં લખેલા નિબંધ આ સરનામે મોકલવાનાં રહેશે : પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, પાર્થસારથી એવેન્યુ, 903,કાન્હા, બિલેશ્વ્રર મહાદેવની સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદ : 380015 (મો. 9825021279).
સમાચાર સેવા પત્રકાર
તુષાર ત્રિવેદી Mob. 06353689571

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply