આજે પણ આપણો દેશ આટલો ગરીબ કેમ છે? એવું એટલા માટે થાય છે કેમ કે આપણે કૃષિ વિકાસ દર સામું તો જોતા જ નથી. સાત ટકા જીડીપી ગ્રોથ ઓવર ઓલ છે.- શૌરાંગ ઠકકર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ભારત કૃષિ પર આધારિત છે એવું આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. જ્યારે સાતથી આઠ ટકા જીડીપી વૃદ્ધિ દરના આંકડા વાંચીએ ત્યારે હરખથી હૈયુ ફાટ-ફાટ થવા લાગે છે. બીજી બાજુ આપણને દુઃખ અને સવાલ થાય છે કે આજે પણ આપણો દેશ આટલો ગરીબ કેમ છે? એવું એટલા માટે થાય છે કેમ કે આપણે કૃષિ વિકાસ દર સામું તો જોતા જ નથી. સાત ટકા જીડીપી ગ્રોથ ઓવર ઓલ છે. તેમાં મોટો ફાળો સેવા ક્ષેત્ર અને ઉત્પાદન ક્ષેત્રનો છે. કૃષિનો જીડીપી ગ્રોથ રેટ કેવળ દોઢથી બે ટકા રહે છે. એટલે કે દેશ આગળ વધતો હોવા છતાં દેશની (વ્યાવસાયિક) બહુમતી જનતા વિકાસથી વંચિત છે.
કૃષિ એક એવું ક્ષેત્ર છે જેના વિશે અભિપ્રાય બધા આપવા માગે છે, પરંતુ તેમની પીડાઓ સમજીને નિરાકરણ લાવવા કોઈ આગળ આવતું નથી. કિસાનોને સ્પર્શતી મોટામાં મોટી સમસ્યાઓમાંથી એક મોટી સમસ્યા પાક વીમાને લગતી છે.
૨૦૧૬માં વડા પ્રધાને પ્રધાન મંત્રી કૃષિ ફસલ વીમા યોજનાની શરૃઆત કરી. તે અગાઉથી ચાલી આવતી રાષ્ટ્રીય કૃષિ વીમા યોજનાના સ્થાને લાવવામાં આવી. આ યોજનામાં આફતોનો દાયરો વધારવામાં અને પ્રીમિયમમાં ફેરફાર કરવામાં આવ્યો.
૨૦૧૭માં ચર્ચિત સંસ્થા સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ (સીએસઈ)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફસલ વીમા યોજના પરથી ખેડૂતોનો ભરોસો ઓછો થઈ ગયો છે. યોજના અંતર્ગત બેન્કોની સક્રિયતા વધી છે, પરંતુ ખેડૂતોને આવશ્યક ફાયદો મળી શક્યો નથી.
દિવસે-દિવસે પ્રગતિ થવી જોઈએ. તેના બદલે કૃષિ વીમા યોજનામાં ઉલટું થઈ રહ્યું છે. વીમા અંતર્ગતના વાવેતર વિસ્તારમાં ૨૦૧૭-૧૮માં ઘટાડો થયો છે. ૪૦ ટકા જમીનને વીમા અંતર્ગત લાવવાનો સરકારે લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ લાવી શકાઈ માત્ર ૨૪ ટકા. ૨૦૧૬-૧૭ અંતર્ગત તેના કરતા થોડી વધારે એટલે કે ૩૦ ટકા જમીન વીમા અંતર્ગત હતી. ચાલુ વર્ષમાં સરકારે આ આંકડાને ૫૦ ટકા સુધી પહોંચાડવાનું સપનું જોયું છે.
આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થા ભારતીય કિસાન સંઘે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે સરકારે વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે રૃા.૧૦,૦૦૦ કરોડની ચૂકવણી કરી છે. તેમ છતાં વીમા કંપનીઓ મોસમનો માર ખાનારા ખેડૂતોને વળતર ચૂકવતી નથી.
ગત વર્ષે દેશના ઘણા વિસ્તારમાં પૂર આવ્યા બાદ વીમા કંપનીઓ નુકસાનીનું આકલન કરવા માટે ત્યાં પહોંચી નહોતી. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વીમા યોજના માટે રૃા.૧૩,૦૦૦ કરોડની ફાળવણી કરી છે. ૨૦૧૬-૧૭માં સરકારે રૃા.૯,૦૦૦ કરોડ અને ૨૦૧૫-૧૬માં રૃા.૫,૫૦૦ કરોડની ફાળવણી કરી હતી. જો આ પૈસા ખેડૂતો સુધી નથી પહોંચતા તો જાય છે ક્યાં? ખેડૂૂતોની જિંદગી સુકાતી જાય છે અને વિમા કંપનીઓના વાર્ષિક હિસાબોમાં હરિયાળી છવાતી રહે છે.
સીએસઇનો રીપોર્ટ કહે છે કે આ યોજનામાં સરકારની તિજોરી પણ ખાલી થઈ છે અને ખેડૂતોના ગજવા પણ. નુકસાની વેઠનારા ખેડૂતોને કશું જ મળ્યું નથી. ૨૦૧૬માં પ્રધાન મંત્રી વીમા યોજના હેઠળની કંપનીઓએ રૃા.૧૦,૦૦૦ કરોડથી વધુનો ફાયદો મેળવ્યો હતો. નુકસાની માટેના જેટલા દાવા થયા હતા. તેમાંથી કેવળ ૩૨ ટકાને જ વળતર ચૂકવવામાં આવ્યું હતું. વીમા કંપનીઓએ પ્રીમિયમ પેટે ખેડૂત અને સરકારો પાસેથી રૃા.૧૫,૮૯૧ કરોડ મેળવ્યા હતા.
તેની સામે ખેડૂતોએ રૃા.૫,૯૬૨ કરોડના નુકસાની વળતરનો દાવો કર્યો. માત્ર ૩૨ ટકા દાવેદારોને જ વળતર ચૂકવવામાં આવ્યું એટલે સમજી લો કે વીમા કંપનીઓ કેટલા પૈસા કમાઈ. વીમા કંપનીઓએ કિસાનો પાસેથી ઓછું પ્રીમિયમ મેળવવાનું હોય છે. તેની બદલે તે ખેડૂતો અને સરકાર બંને પાસેથી ઊંચું પ્રીમિયમ વસૂલતી હોવાની પણ ફરિયાદ થઈ છે.
કેગે ૨૦૧૧થી ૨૦૧૬ સુધીની વીમા યોજનાઓનું ઓડિટ કર્યું હતું. તેમાં જાણવા મળ્યું કે દેશના ૬૭ ટકા ખેડૂતો વીમા યોજના વિશે અજાણ છે. આમાંથી બહુધા કિસાનો પાંચ એકર કરતા ઓછી જમીન ધરાવે છે. સૌથી મોટું કૌભાંડ એ થયું કે એગ્રિકલ્ચર ઇન્શ્યોરન્સ કંપની ઑફ ઇંડિયાએ જોગવાઈઓનું પાલન કર્યા વિના ૧૦ ખાનગી વીમા કંપનીઓને રૃા.૩,૬૨૨ કરોડ આપી દીધા. વાવેતર વિસ્તાર અને વીમા ક્લેઇમની સંખ્યા વચ્ચે પણ તફાવત્ જોવા મળ્યો. એક જ ફસલ માટે બેથી ત્રણ વખત દાવો કરવામાં આવ્યો, વળતર પણ મેળવવામાં આવ્યું.
એગ્રિકલ્ચર ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇંડિયાનું ખાતું એટલું રેઢિયાળ છે કે ન પૂછો વાત. વીમા યોજના અંતર્ગત કેટલા ખેડૂતોને આવરવામાં આવ્યા છે તેના આંકડા તેની પાસે હોતા નથી. વીમા કંપનીઓ નિયમોનું પાલન કરે છે કે નહીં તે તપાસવા રેગ્યુલેટરી બોડી નથી. ખેડૂતોને વાંધો-વચકો હોય તો ફરિયાદ કરી શકે એ માટે પણ કોઈ તંત્ર ઊભું કરાયું નથી.
આશ્ચર્ય ત્યારે થાય જ્યારે સરકાર ખાનગી વીમા કંપનીઓને વધારે મહત્ત્વ આપે અને સરકારી કંપનીઓને ઓછું. દેશમાં કૃષિ વીમાનું તંત્ર નિયમબદ્ધ કરવાની જરૃર છે. ખેડૂત વીમો લે અને તેને નુકસાન જાય તો તેનો વીમો તુરંત પાકે તે સુનિશ્ચિત કરવા માટેનું તંત્ર હોવું જરૃરી છે. એવી બોડી હોવી જોઈએ જે આ બાબતનું ધ્યાન રાખે અને ખેડૂત ફરિયાદ કરે કે ૧૫ દિવસમાં તેનો નીવેડો આવી જાય. માની લો કોઈ ખેડૂત બે કંપનીઓમાં પ્રીમિયમ ભરતો પકડાય તો તુરંત શિક્ષાત્મક પગલાં લેવાવા જોઈએ. પ્રીમિયમની રકમ ઘર ભેગી કરી અસરગ્રસ્તોને વીમો ન ચૂકવનાર કંપનીના અધિકારીઓ તથા માલિકોને જેલ ભેગા કરી દેવા જોઈએ.
એક વાત સમજી લઈએ. જ્યાં લગી ભારતમાં કૃષકનો વિકાસ નહીં થાય ત્યાં સુધી એક પાંખે વિમાન ઉડાડવા જેવું થશે. સ્વામીનાથન કમિટીએ ભલામણ કરી હતી કે જુદી-જુદી ઋતુમાં થતા તમામ પાકને વીમ અંતર્ગત આવરવા જોઈએ. દેશના તમામ ખેડૂતો વીમા કવચનો લાભ લઈ શકે તેની ખાતરી કરવી જોઈએ. પ્રીમિયમ ઘટાડવું જોઈએ. ગામડાંમાં વીમા પ્રત્યે જાગૃતિ આવે તે માટે રુરલ ઇન્શ્યોરન્સ ડેવલોપમેન્ટ ફંડની સ્થાપના કરવી જોઈએ.
સરકાર સ્વામીનાથન રીપોર્ટની ભલામણો લાગુ કરવા કયા શુભ મુહૂર્તની રાહ જોઈ રહી છે? દેશમાં આટલી મોટી સંખ્યામાં કિસાનો આપઘાત કરી રહ્યા છે, હજુ એક મહિના પહેલા હજારો ખેડૂતો નાસિકથી ચાલીને મુંબઈ પહોંચ્યા હતા. શું સરકારને તેમની પીડા દેખાતી નથી? સ્વતંત્ર ભારતના ૭૦ વર્ષમાં સરકારી કર્મચારીઓના પગારમાં ૧૫૦ ગણો વધારો થયો છે, કિન્તુ ખેડૂતોની આવક માત્ર ૨૧ ગણી વધી છે. કર્મચારીઓ હડતાળ પર ઊતરીને નાક દબાવે છે એટલે? ધારો કે દેશના કિસાનો એક વર્ષ હડતાળ પર ઊતરી જાય તો શું થાય? વિચારી જુઓ.
મોદી સરકાર કિસાનોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરી દેવાનું સપનું દેખાડી ૨૦૧૯માં તેમના મત સુનિશ્ચિત કરવા માગે છે. અસલમાં આવું સંભવ બની શકે તેમ નથી. શામાટે? જોઈએ જરા.
૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત સરકારે સૌપ્રથમ વખત ૨૦૧૬-૧૭ના બજેટમાં કરી હતી. એનો મતલબ છ વર્ષમાં આવક ડબલ કરવાનું સપનું દેખાડયું. કિસાનોની આવક છ વર્ષમાં ડબલ કરવી હોય તો કૃષિ ક્ષેત્રનો વિકાસ દર વર્ષે ૧૨ ટકાના દરે થવો જોઈએ. ગત વર્ષે કૃષિ ક્ષેત્રનો વિકાસ માત્ર ૧.૯ ટકાના દરે થયો છે. આ ગતિએ ખેડૂતોની આવક ૨૦૨૨ તો શું ૨૦૨૭ સુધીમાંય ડબલ ન થાય. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવા સરકારે કૃષિ ક્ષેત્રે રૃા.૬,૦૦,૦૦૦ કરોડનું રોકાણ કરવાની આવશ્યકતા છે. જે સરકાર ક્યારેય કરવાની નથી.
સરકાર દાવો કરે છે કે ટેકાના ભાવ પડતર કરતા દોઢ ગણા જાહેર કરવામાં આવે છે. આ વાત સદંતર ખોટી છે, કેમ કે પડતર કીમત નક્કી કરવામાં મજૂરીને ધ્યાને લેવામાં આવતી નથી. એટલે જ તો ખેડૂતો કહે છે કે સ્વામીનાથન કમિટિની ભલામણનો અમલ કરો. વળી દેશના માત્ર છ ટકા ખેડૂતો પાસેથી જ સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે. બાકીના ૯૪ ટકા ખેડૂતોને તેમના ઉત્પાદનો બજારમાં જે ભાવ ચાલતો હોય એ મુજબ એટલે કે પાણીના ભાવે વેચવા પડે છે.
એ વાત અલગ છે કે માલ વેપારીઓ પાસે પહોંચે પછી તેના ભાવ આસમાને પહોંચી જાય છે. કૃષિ ઉત્પાદનોની રીટેઇલ પ્રાઈઝ ખૂબ ઊંચી જોવા મળે છે, કિન્તુ કિસાનોને તેનો કોઈ ફાયદો મળતો નથી. આમાં ખેડૂતોની આવક કેવીરીતે ડબલ થશે? સરકારે જોક્સ કરવાનું બંધ કરી દેવું જોઈએ. માની લો આજથી ૧૦ વર્ષ પછી ખેડૂતોની આવક ડબલ થાય તોય શું કામનું? કેમ કે ત્યાં સુધીમાં તો મોંઘવારી પણ એટલી વધી ગઈ હશે.
ભારતમાં સેવા ક્ષેત્રનો વિકાસ નિશંક સારો છે. તેના પગલે દેશમાં ઘણો પૈસો આવ્યો છે, પોશ વિસ્તારોની સંખ્યા વધી છે, ગાડીઓની સંખ્યા વધી છે, લેટ નાઇટ પાર્ટી વધી છે, મહાનગરો રોશનીના નશામાં ચૂર થયા છે. આ બધા વચ્ચે બહુધા ભારતીયો જ્યાં વસે છે તે અસલી ભારત ભુલાઈ રહ્યું છે.

સોશિયલ નેટવર્ક
માતાપિતાઓનો આક્રંદ યોગીને નાટકબાજી લાગે છે
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં એક સ્કૂલ વેન ટ્રેનની હડફેટે ચડતા ૧૩ બાળકોનાં મોત થયાં. માનવરહિત રેલવે ક્રોસિંગ પર આ અકસ્માત થયો. સોશિયલ મીડિયામાં આ મામલે અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો. કેટલાકે સરકાર સામે રોષ પણ ઠાલવ્યો, જે બિલકુલ વાજબી અને વિચારણીય છે. સરકાર માનવ રહિત ફાટકો શામાટે ખતમ નથી કરતી તેવા સવાલો પુછાયા.
રવિન્દ્ર મઘેસિયાએ એફબી પર પૂછ્યું, શું બુલેટ ટ્રેન અને વાઇફાઈ રેલવે ક્રોસિંગ કરતા વધારે મહત્ત્વના છે? ખૂબજ નિરાશાજનક બાબત છે કે સરકાર રેલવે સ્ટેશનો પર વાઈફાઈની સુવિધા આપવામાં વધારે ગર્વ અનુભવે છે. જ્યારે પાયાની સુવિધાઓનો અભાવ છે. સરવાળે આપણે ત્યાં માર્કેટિંગ જ ચાલે છે.
આ બનાવ પછી યોગી આદિત્યનાથ કુશીનગર પહોંચ્યા હતા. તેઓ સંબોધન કરી રહ્યા હતા ત્યારે આક્રોશિત લોકોએ તેમની સામે નારેબાજી શરૃ કરી દીધી. ભડકેલા યોગીએ કહ્યું, આ નારેબાજી અને નાટક બંધ કરો. હું શોકમાં ડૂબેલા પરિવારોને મળવા આવ્યો છું.
તેના જવાબમાં એક યુઝરે વજ્રાઘાત કર્યો, એને પરિવાર નથી. એટલે તે પરિવારની કીમત જાણતા નથી.
અશોક ગરેકરે લંગોટ ખેંચી લીધી, અસલી યોગીએ શાંત રહેવું જોઈએ. તેણે ક્યારેય ધીરજ ગુમાવવી જોઈએ નહીં.
સમર અનાર્યએ યોગીની કોમેન્ટ ટાંક્યા પછી લખ્યું, ખુશ તો છોને ભક્તો? અને એ લોકો પણ જેમણે ઘમંડી ધર્માંધોને સત્તામાં પહોંચાડયા છે.
કાર્ટુનિસ્ટ મંજૂલે યોગીને સામો ટોણો માર્યો, પહેલા આપ નૌટંકી બંધ કરો.
બોબિન્સ અબ્રાહિમ વાયલિલે લખ્યું, કુશીનગરમાં બાળકો ગુમાવનારા માતાપિતાઓનો આક્રંદ યોગીને નાટકબાજી લાગે છે. હવે કઈ રાજકીય વિચારધારા છે તેનાથી કોઈ ફરક પડવો જોઈએ નહીં. આગામી વખતે એને જ મત આપજો જેને પરિવાર હોય.

અમદાવાદ નિવાસી પરમાર લલિતકુમાર ને ભા.કી.યુ.લોકશક્તિ માં રાષ્ટ્રીય સચિવ તરીકે નીમણુંક કર્યા છે તો કિસાનો ને લાગતા વળગતા કોઈપણ પ્રશ્નો હોય તો આમનો કોન્ટેકટ કરવો ,તમામ કિસાનો ને પ્રમાણિકતા પણે ન્યાય મળશે જેની દરેક કિસાનો એ નોંધ લેવી. તેમનો કોન્ટેકટ નંબર છે,9898744618.

SAURANG THAKKAR 9586241119

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply