સર્જનહાર ની સંસ્કાર સરિતામાં પાવન ડૂબકી.- અશોક ખાંટ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

ઉત્તર ભારતમાં ઋષિકેશથી ગંગોત્રી માર્ગ પર પર્વતીય ગિરિમાળાઓ વચ્ચે ભાગીરથી સરિતા તીરે ઉત્તરકાશી સ્થિત વિશ્વનાથ મંદિર સૌથી મહત્વપૂર્ણ, પ્રાચીન, પવિત્ર અને અતુલ્ય મંદિર છે. અહી ભગવાન શિવની પૂજા આખો દિવસ કરવામાં આવે છે. આ વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં ‘શક્તિ મંદિર’ જે શક્તિની દેવીને સમર્પિત છે. આ મંદિરમાંથી નીકળેલા વિશાળ પિત્તળ ત્રિશૂળમાં વિશ્વનાથ મંદિર કેવી રીતે બનાવવામાં આવ્યું તેનું વર્ણન લખ્યું છે. દેવભૂમિ ના આ પવિત્ર પાવન સ્થળે ભાગીરથી નદીના કિનારે પૂ. મોરારી બાપુની રામકથા – માનસ ‘આનંદ ભૈરવ’ નવેમ્બરના પ્રથમ પખવાડિયા દરમ્યાન યોજાયેલ. આમ તો હંમેશા થતી કથાઓ જેવીજ આ કથામાં એક વિશિષ્ટ યાત્રા પણ ઉમેરાયેલ હતી, તે હતી ગુર્જર સાહિત્ય/ કલા જગતની “સર્જકયાત્રા” ! ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ થોડા સમય પહેલાં મોરારી બાપુ સમક્ષ એક વિચાર મૂક્યો હતો કે ‘આપની અગણિત કથાઓ દરમ્યાન કોઈ એકાદ કથામાં આપણા ગુર્જર સરસ્વતી ઉપાસકોને આમંત્રિત કરી આ કથા દરમ્યાન યોગ્ય સન્માન આપી કથાની લાભ ન આપી શકાય? ‘ પૂ. મોરારી બાપુએ આ વિચાર ધ્યાનમાં રાખેલ અને યોગ્ય દેવભૂમિ સ્થળ ઉત્તરકાશી, યોગ્ય કથા યજમાન ઉધોગપતિ શ્રી રમાનાથ બીજોરિયા નો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થતા આ કથા એક અનન્ય ‘સર્જકયાત્રા’ તરીકે યોજાયેલ. ચારેક મહિના પહેલાં સમગ્ર આયોજનની રૂપરેખા બાપુના માર્ગદર્શન હેઠળ આકાર પામી, ૩૭૦ જેટલા સરસ્વતી ઉપાસકો જેમાં યુવા સર્જકોને પણ આમંત્રિત કરવામાં આવેલ. ૩૧ ઓકટો.ના મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત જેવા શહેરોમાંથી હવાઈ માર્ગે ૨૫૦ જેટલા સર્જકો દિલ્હીના ઇન્દિરા ગાંધી એર પોર્ટ પર એકઠા થયા, સુયોગ્ય આયોજન, સર્જકોનું માન અને કેટલાક માનનીય ઉંમરલાયક વ્યક્તિત્વને ધ્યાનમાં રાખી ઉત્તરકાશી સુધીનો સમગ્ર પ્રવાસ ૧૧ જેટલી એર બસો દ્વારા વાયા હરિદ્વાર થઈ કરવામાં આવ્યો. કથા સ્થળથી નજીકના અંતરે ભોજન ઉતારાની ઉત્તમ વ્યવસ્થા મોંઘી હોટેલોમાં કરવામાં આવેલ જે ઉડીને આંખે વળગે એવી હતી. મધ્યમ વર્ગનો માણસ જો ૧૦ દિવસ સુધી આવા સ્થળે રોકાય તો તેના ખિસ્સાનો ભાર જરૂર હળવો થઈ જાય! પરંતુ પૂ. બાપુએ કથા દરમ્યાન ખૂબ રાજીપો અને પ્રસન્નતા વ્યક્ત કરી અને બીજોરિયા પરિવારે આ આયોજન સવાયું કર્યું છે એમ કહી ઉચિત સન્માન પણ આપ્યું.

ભગવાન શિવના ભૈરવ રૂપનું એક રૂપ ‘ આનંદ ભૈરવ ‘ ઉત્તરકાશી મા બિરાજમાન છે. વળી પૂ. મોરારી બાપુના દાદાની એ કર્મભૂમિ હોઇ આ રામકથાનું વિશેષ મહત્વ રહ્યું છે. પધારેલા સર્વે સર્જકોના ચહેરા પર મૂલ્યવાન સંસ્કાર, માનવીય સજ્જતા, વડીલ કે ગુરુ પ્રત્યેનો આદર, અને ઉત્તમ વિચારોનો ગુણાકાર આ ‘સર્જકયાત્રા’ દરમ્યાન બેવડાયો હોય એવું સ્પષ્ટ પણે વર્તાઈ આવતું હતું. હરિશ્ચંદ્ર જોશી દ્વારા મુદ્દાસર અપાતી સૂચનાઓ અને એક એક વાતનું કેટલું બધું ધ્યાન રાખવામાં આવેલ હતું તે વિશેષ ધ્યાન ખેંચે તેવું હતું. ઘણીવાર મનમાં ને મનમાં એમ પણ પ્રશ્ન થાય કે આ ભારતીય સંસ્કાર નવી પેઢીમાં ક્યારે પ્રવેશ કરશે? ૮૨ વર્ષના શાહબુદ્દીન ભાઈ રાઠોડ હોય કે ૭૦ પાર કરેલ રઘુવીર ભાઈ ચૌધરી, વિષ્ણુ પંડ્યા, રજની કુમાર પંડ્યા, છેલભાઈ વ્યાસ, માધવ રામાનુજ, ભાગ્યેશ જહા, રાજેન્દ્ર શુકલ, વિનોદ જોષી, તુષાર શુકલ, કાજલ ઓઝા વૈદ્ય કે જય વસાવડા જેવા સમર્થ કવિ કે સાહિત્ય / કલા જગતના ગૌરવશિલ વ્યક્તિત્વો જેઓ સમયસર સવારે વહેલા ઊઠી જઈને ચા નાસ્તા સ્થળે કોઈજ મોટાઈ વગર લાઈનમાં ઊભા રહી વ્યવસ્થાને સહયોગ આપી રહ્યા હતા. ત્યાર બાદ કથા સ્થળ પર એકાદ કલાક અગાઉ પહોંચી સ્થાન ગ્રહણ કરવું. બપોરબાદ ના ભરચક કાવ્ય પઠનમાં બાપુની પણ શ્રોતા તરીકેની હાજરી!, આ બધું એવું સરસ રીતે ગોઠવાઈ જતું કે આપણે આ સંસ્કાર સરિતામાં ગંગા સ્નાન કરી ધન્ય ધન્ય થઈ રહ્યા હોઈએ એવી અનુભૂતિ થતી.

કથા દરમ્યાન સર્જકોએ કથામાં ન બેસવું હોય અને આજુબાજુના પાવન પ્રાકૃતિક સ્થળો પર જઈ પ્રવાસ કરી કુદરતને માણવા આત્મપ્રસન્નતા પ્રાપ્ત કરવા સર્જકોને છૂટ પણ આપવામાં આવેલ. કોઈ જ બંધન નહિ. બસ આનદ ભૈરવ બની ખુશ રહો એ જ મંત્ર રહ્યો. અહીંથી સમયની સાનુકૂળતા મુજબ ગંગોત્રી, યમનોત્રી, કે આજુબાજુના સ્થળોની મોટા ભાગના સર્જકો એ મુલાકાત લીધેલ. ત્રીજા દિવસે સુરતના સાહિત્યકારો સાથે મારી પણ ગંગોત્રી જવાની ટ્રીપ ગોઠવાઈ ગઈ. વહેલી સવારે ૬ વાગ્યે ઉત્તરકાશી થી ૧૦૦ કિલોમીટર ના અંતરે આવેલ આ સ્થળે પહોંચતા ચારેક કલાક લાગે. પર્વતીય વળાંકો, ઊંડી ઊંડી ખીણો અને ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે સર્પાકાર રસ્તે જતાં ઉપરથી પત્થરો પડવાનો ભય અને સાવચેતીના સાઈન એજ જોવા મળતા હતા. સામાન્ય ડ્રાઇવરો આ રસ્તા પર કાચા પડે. અહીંના અનુભવી ચાલકો જ ગાડી સાંભળી શકે. રસ્તામાં સફરજનના બાગ અને રામ તેરી ગંગા મૈલી ફિલ્મનું શૂટિંગ જ્યાં ઉતરેલું એ હર્ષિલ ગામ અને મંદાકિની ના સ્નાન દ્રશ્યો જ્યાં કંડારવામાં આવેલ તે સ્થળો પણ જોવામાં આવ્યા. વાદળોની વચેથી પસાર થતા અને ધીમે ધીમે બરફના ફોરાં નો ઝરમરિયો ઝરમરિયો વરસાદ ઠંડીને ઓર વધારતો રહ્યો. વચ્ચે વચ્ચે ગરમ પાણીના કુદરતી કુંડમાં કેટલાક સર્જકોએ સ્નાન કરી તાજગી પણ મેળવી અને ભૈરવનાથ વળાંક પર ગરમ ગરમ ચાની ચુસ્કીઓ લઈ શરીરને ગરમાવો આપવા પ્રયત્ન કર્યો. એકાદ જાકીટ કે સ્વેટર અહી કોઈ કામનું ન હતું. ઠંડીની તીવ્રતા શરીરમાં કંપારી લાવી દે તેવી હોવા છતાં અમે ચારેક કલાક બાદ ગંગોત્રી પહોંચ્યા.

વાદળોની ઘેરાબંધી અને આકાશને આંબતા ઊંચા શિખરો પર તાજાં જ પડેલા બરફના ફોરાં એવી રીતે ચીપકી ગયેલ જાણે પર્વતો એ ચાંદીનો વરખ ધારણ કરેલ હોય! દેવદારના વૃક્ષોના પાન પર લયબદ્ધ રીતે ગોઠવાઈ ગએલ શ્વેત બરફ અસલ ચાંદી રૂપ ધારણ કરી જોનારને પ્રસન્નતા આપી રહ્યો હતો. આહા નજર કઈ બાજુ ઘુમાવું? જ્યાં જુઓ ત્યાંથી પ્રાપ્ત થતી હતી અલોકિક સ્વર્ગ સમી નિર્મળ પ્રસન્નતા! જિંદગીમાં પ્રથમવાર આ નજારો જોવા મળેલ એટલે પ્રકૃતિની સુંદરતાની અનેક તસવીરો અને વિડિયો ક્લિપ મોબાઈલમાં કેદ કરવા મન સક્રિય રહ્યું. અહીંના ઈશાવાંશ્યમ્ આશ્રમ પર ત્યાંના સેવાભાવી સંચાલકોએ અમને ગરમ ગરમ સબ્જી રોટી, દાળ ભાત નું સાત્વિક ભોજન કરાવ્યું. અહી એક મહાત્મા મળ્યા જે અહીંથી પણ ૨૨ કિલોમીટર દૂર હિમાલયની ગુફામાં રહી તેઓ સાધના કરી રહ્યા હતા. અહી રીંછ પણ ક્યારેક જોવા મળી જાય. બાજુમાં જ વર્ષો પહેલાં આંધ્રપ્રદેશ થી આવી હિમાલયની અદભૂત તસવીરો ઝડપનાર સાધક સ્વામી સુંદરાંનંદની પિકચર ગેલેરી પણ જોવા મળી ૧૯૫૫મા ટાંચા સાધનો હોવા છતાં હિમાલયની દુર્ગમ કાચી કેડીઓ પર ભ્રમણ કરી રખડી રખડીને ૨૫ ₹ ના બ્લેક એન્ડ વાઇટ ક્લિક કેમેરા દ્વારા તેઓએ અદભૂત ફોટોગ્રાફી કરેલ. જેનું હિમાલય દર્શન નામનું પુસ્તક પણ પ્રગટ થયેલ છે, જેનું વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના હસ્તે વિમોચન થયેલ. સ્વામીજીને રૂબરૂ મળવાનો પણ એમને મોકો મળ્યો અને અમે સૌએ આ સાચા સર્જક પાસે નત મસ્તક બની આશીર્વાદ મેળવ્યા. ઉત્તર કાશી આવતા સાંજ પડી ગઈ અને સીધા જ કાવ્ય પઠન કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ યુવા કવિઓને પણ માણ્યા.અહી પણ બાપુની ઉપસ્થિતિ એક શ્રોતા તરીકે તો ખરી જ!

કથા રસપાન અને પ્રકૃતિ આનંદમા ૧૦ દિવસ તો ચપટી વગાડતા ક્યાં પસાર થઈ ગયા એ ખબર જ ન પડી! ફરી ફરી આવો મોકો જીવનમાં ક્યારેય મળવાનો ન હતો. જે સર્જકો એ આ રામકથા સર્જક્યાત્રાં નો લાભ પ્રાપ્ત કર્યો છે તેઓ જીવનભર આ આનંદ ભૈરવ ને વાગોળતા રહેવાના! વળતા મુસાફરી પણ એ જ રીતે ગોઠવાયેલી. બાપુના આશીર્વાદ મેળવી સૌ હરિદ્વાર થઈ દિલ્હીના ઇન્દિરા ગાંધી એર પોર્ટ પરથી પોતપોતાના સ્થાને જવા છૂટ પડ્યા. અવિસ્મરણીય આ યાદો, સંસ્કાર ગુણ ગ્રહણ માનવીને સાચા અર્થમાં માનવી બનવાની નવી ચેતના અર્પી ગયા, જય સીયારામ !

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •