આજથી ગુજરાતી લોકો માટે સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અર્બન અને રૂરલ ના તાણાવાણા તોડતી દિગ્દર્શક અભિષેક શાહ ની ગુજરાતી ફિલ્મ “હેલ્લારો” ની વાર્તા કંઈક એવી છે કે જેમાં એક શહેરની ૭ ચોપડી ભણેલી યુવતી કરછના રણ પાસેના એક નાનકડા ગામડાં માં પરણીને આવે છે. આ ગામ એવું છે કે નાતના બનાવેલા નિયમ થી દબાઈને મહિલાઓ અહીયાં જીવતી લાશ બનીને રહેવા મજબૂર છે.રણ માં પાણી ભરવા દૂર જાય ત્યારે થોડી આઝાદી જેવું લાગે અને એમાંને એમાં એક ઢોલીના તાલે નાતના નિયમ વિરુદ્ધ પાણી ભરવા જતાં વચ્ચે જ દરરોજ ગરબા કરે છે. અને એ પણ ધ્યાન રાખે છે કે ગામમાં આ વાતની કોઈને ખબર ન પડે. ખબર પડે તો માંથુ કાપી નાખે એટલી બીક છે. કરછી ઢબ અને સંસ્કૃતિ પરથી બનેલી આ ફિલ્મ સ્ત્રીઓની સ્વતંત્રતા અને સન્માનની વાત રજુ કરે છે.

ખરેખર ફિલ્મ જોવા અને સમજવા લાયક ખરી.

ફિલ્મ ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે જે ફિલ્મ ના મેકિંગ અને મહિલા સશક્તિકરણ ની વાત લોકો સુધી પહોંચે તે માટે મળ્યો હોઈ શકે ખરો કારણ કે ગુજરાતી ફિલ્મો પણ હવે તેના અસલી મિજાજ માં આગળ આવી રહી છે.

ફિલ્મનું મ્યુઝીક, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ડાયલોગ, ગીતો તો બધાં જ અદભૂત સ્ક્રીન પ્લે, સ્ટોરી, એ બધુ જ એકદમ મજાનું છે ઘણીબધી બાબતોનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં સૌમ્ય જોષીના ગીતો અને ગીતને અનુરૂપ મેહુલ સુરતીની સ્વરરચના સરસ છે. સાંભળીને તમારા પણ પગ ગરબા રમવા માટે તૈયાર થઈ જાય.

કરછના રણમાં જે પણ દેખાય છે ફિલ્મમાં એ આખો સેટ તૈયાર કર્યો છે. તમારી આંખોને ગમે એ રીતે કલાત્મક ભૂંગા બનાવવા માં આવ્યાં છે અને ત્યાંનો પહેરવેશ એ પણ ગુજરાતી ફિલ્મમાં શોભે તેવો છે. કોરિયોગ્રાફી ખુબ સારી છે અને કોરિયોગ્રાફર બોલીવુડના જાણીતા નામ સમીર અને અર્શ તાન્નાની છે જેમણે રામલીલામાં નગાડા સંગ ઢોલ માં દીપીકા અને હમ દિલ દે ચૂકે સનમ માં ઢોલી તારો ઢોલ વાગે સલમાન ઐશ્વર્યા માટે કોરિયોગ્રાફી કરી છે.

ફિલ્મમાં સિનેમેટોગ્રાફરે જે રીતે કેમેરાને એકદમ વાર્તાની આસપાસ ઘુમાવ્યો છે એ પણ કાબેલીદાદ છે.

ફિલ્મમાં કલાકારોની એક્ટિંગ દમદાર છે. મૌલિક નાયક, આર્જવ ત્રિવેદી, આકાશ ઝાલા, રાજન ઠાકર, કમલેશ,શૈલેષ પ્રજાપતિ તથા ઢોલી ના દમદાર પાત્ર માં જયેશ મોરે અને અન્ય પુરુષ પાત્રોએ ફિલ્મની વાર્તા અનુરૂપ યોગ્ય ન્યાય આપ્યો છે.

સાથે જ મહિલા કલાકાર શ્રદ્ધા ડાંગર, નિલમ પંચાલ, તેજલ પંચાસરા, તર્જની બધલા, ડેનીશા ગુમરા, કૌશાંબી ભટ્ટ, જાગૃતિ ઠાકોર, સચી જોષી, રિદ્ધિ યાદવ,બ્રિન્દા ત્રિવેદી, એકતાં બચવાની, સ્વાતિ દવે સહિત દરેક મહિલા કલાકારે ફિલ્મને અનુરૂપ પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે.

એક કાસ્ટિંગ ડાયરેકટર – એકટર સારા દિગ્દર્શક પણ બની શકે તેવું કંઈક કરતબ આ ફિલ્મ માં અભિષેક શાહ દ્વારા બતાવવા માં આવ્યું છે જે પ્રશંશા ને પાત્ર છે.

તો આજે જ જોઈ આવજો ગુજરાતી ફિલ્મ “હેલ્લારો”.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •