અભેસિંહ રાઠોડ ને જન્મદિવસ ની શુભેચ્છા : તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

‘મોર બની થનગાટ કરે’ ગીત નાં મૂળ લોક લાડીલા સુમધુર ગાયક અભેસિંહ રાઠોડ ને ઓલ ઇન્ડિયા કરાઓકે આર્ટિસ્ટ એસોસિએશન સંસ્થાપક પ્રમુખ પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી દ્વારા જન્મદિવસ નિમિત વિશેષ શુભેચ્છા પાઠવવામાં આવી છે.

છેલ્લા પાંચ દાયકાઓથી વિશ્વભરનાં ગુજરાતીઓનાં હૈયે વસનાર વિશ્વવિખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડનો આજે જન્મદિન છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિવાર્ણભૂમિ બોટાદ પાસે આવેલા સરવા ગામમાં 3 નવેમ્બર 1952ના રોજ લોકગાયક અભેસિંહ રાઠોડનો જન્મ થયો હતો. લોકસાહિત્ય-પ્રેમી ધરતી-પુત્ર પિતા માવુભાને અનેક પ્રાચીન દુહાઓ કંઠસ્થ હતા. ધર્મપરાયણ માતા સુબલબા.

દક્ષિણ ગુજરાતમાં ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર અભેસિંહ રાઠોડ છેલ્લા પાંચ દાયકાઓથી વધુ દેશ-વિદેશમાં વસતા સેંકડો ગુજરાતીઓનાં હૈયે વસે છે. મેઘાણી-ગીતોને, અસલ ઢબે, તેમના બુલંદ કંઠે સાંભળવાનો એક લ્હાવો છે. ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોને પોતાના કંઠ થકી જીવંત રાખવામાં લોકગાયક અભેસિંહ રાઠોડનું અનન્ય અને વિશિષ્ટ પ્રદાન છે. અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, ઑસ્ટ્ર્રેલિયા, દુબઈ, ઓમાન, બહેરીન, આફ્રીકા જેવા વિવિધ દેશોમાં ગુજરાતનાં મૂલ્યવાન લોકસાહિત્ય-લોકસંગીતનો અભેસિંહ રાઠોડએ પ્રચાર-પ્રસાર કર્યો છે. લોકસંગીત-લોકડાયરાના કાર્યક્ર્મોમાં હરહંમેશ સાત્વિક અને ઉચ્ચ સ્તર જાળવવામાં આવે તે માટે અભેસિંહભાઈ સવિશેષ પ્રયત્નશીલ છે. સાહિત્ય-લોકસાહિત્યનાં પણ તેઓ ઊંડા અભ્યાસુ છે.

અભેસિંહ રાઠોડે અનેક ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વગાયન કર્યું છે. દૂરદર્શન અને આકાશવાણી પર પણ અવારનાર તેમના કાર્યક્ર્મો પ્રસારિત થાય છે. ગુજરાત સરકારના `ગૌરવ પુરસ્કાર’ (2004), `ગ્લોરી ઑફ ગુજરાત’ (2018) જેવાં અનેક પારિતોષિકથી સન્માનિત થયા છે. ગુજરાત સરકારની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં ડીરેકટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

સરવાની સરકારી પ્રાથમિક શાળામાં ત્યારે ધોરણ 3માં અભ્યાસ કરતા 8 વર્ષના અભેસિંહભાઈએ સહુપ્રથમ ઝવેરચંદ મેઘાણી રચિત અતિ લોકપ્રિય કાવ્ય `કસુંબીનો રંગ’ શિક્ષક પાસેથી સાંભળ્યું ને મેઘાણી-ગીતોનાં કસુંબલ રંગે રંગાઈ ગયા. 1973માં બોટાદમાં કોલેજ-અભ્યાસ દરમિયાન મેઘાણી-જયંતી નિમિત્તે હજારોની માનવ-મેદની વચ્ચે સરકારી હાઈસ્કૂલની પાછળ આવેલા વિશાળ મેદાનમાં યોજાયેલા જાહેર કાર્યક્ર્મમાં સહુપ્રથમ વખત ભાગ લઈને મેઘાણી-ગીતો રજૂ કર્યા.

1976માં સાણંદ યુવરાજ દુર્ગાપ્રસાદસિંહજીના અમદાવાદમાં આશ્રમ રોડ પાસે આવેલ ચિત્રકૂટ એપાર્ટમેન્ટ નિવાસસ્થાને યોજાયેલ એક મેળાવડામાં શાસ્ત્રીય સંગીતના જગવિખ્યાત ગાયક પંડિત જસરાજજી પધારેલા. યુવરાજ દુર્ગાપ્રસાદસિંહજી વાંસળી વગાડે. ઝવેરચંદ મેઘાણી સંપાદિત `રઢિયાળી રાત’માંથી `કાન તારી મોરલી’ લોકગીત અભેસિંહ રાઠોડે રજૂ કર્યું ને પંડિત જસરાજજી અતિ પ્રભાવિત થયા. શાસ્ત્રીય સંગીતની સાધના માટેની ઈચ્છા અભેસિંહભાઈએ પંડિતજી પાસે વ્યક્ત કરી. તો પંડિતજી કહે : `લોકસંગીતની તારે ઈશ્વરીય બક્ષિસ છે. લોકસંગીતના કણ તારી ગાયકીમાં સહજપણે અને કુદરતી રીતે છે. લોકસંગીત ક્ષેત્રે જ આગળ વધ. તારી ખૂબ નામના થશે તેવી મને શ્રધ્ધા છે. મારા આશીર્વાદ છે.’

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત `ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન’ દ્વારા આયોજિત વિવિધ સ્મૃતિ-કાર્યક્ર્મોમાં અભેસિંહભાઈ નિ:સ્વાર્થભાવે લાગણીભર્યો સહયોગ આપે છે જે ખાસ ઉલ્લેખનીય છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મેઘાણી-ગીતોને માણે-જાણે તે માટે સતત સક્રીય છે. ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્થળો ચોટીલા, બોટાદ, ધંધુકા, રાણપુર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બગસરા ખાતે `સ્વરાંજલિ’ કાર્યક્ર્મોનાં આયોજન માટે સવિશેષ પ્રયત્નશીલ છે. ઝવેરચંદ મેઘાણીની અધિકૃત મ્યુઝીક સીડી `ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે’ (શૌર્ય અને દેશપ્રેમનાં ગીતો) તથા `રઢિયાળી રાત’ (પ્રાચિન લોકગીતો-રાસ-ગરબા) તેમનાં સ્વરમાં પ્રગટ થઈ છે.

આઝાદી પૂર્વે 1943માં ભરૂચનાં લાલબજાર વિસ્તારમાં સ્થપાયેલી ઐતિહાસિક પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ 2000નાં ધરતીકંપમાં ગંભીર ક્ષતિ પામી હતી. છેલ્લા 40 વર્ષથી શિક્ષણ-ક્ષેત્ર સાથે જોડાયેલાં જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડે આ શાળાને ભરૂચનાં ભોલાવ વિસ્તારમાં આવેલી આશ્રય સોસાયટીમાં પુન:પ્રસ્થાપિત કરી. પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધરાવતી ભરૂચની આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થામાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 45 જેટલી અનાથ અને નિરાશ્રિત બાળાઓ તથા સામાજિક અને આર્થિક રીતે પછાત બાળકોને પણ અહિ લાગણીથી શિક્ષણ અપાય છે.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •