અભરામ ભગત : જન્મ: ૨૪-૧૦-૧૯૨૦ મૃત્યુ: ૨૭-૨-૧૯૮૮

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અભરામ ભગત :

જન્મ: ૨૪-૧૦-૧૯૨૦। મૃત્યુ: ૨૭-૨-૧૯૮૮

સ્વ. અભરામ ભગતનો જન્મ આજથી ૯૦ પહેલા સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં થયો હતો.તેમનું મૂળ નામ ઈબ્રાહીમ કરીમ સુમરા હતું.તેમના પિતા પોલીસખાતામાં નોકરી કરતા હતા.પિતાની ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું ય શક્ય ન હતું તેથી માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમને શાળા છોડી દેવી પડી. પછી થોડા વર્ષો બાદ કિશોર વયના ઈબ્રાહીમે મિલમજૂરની નોકરી કરવા માંડી. એક દિવસ અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગયો! તેને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં દાખલ કરવામાં આવ્યો.પણ ઘાનું ઝેર પગમાં ફેલાઈ ચૂક્યું હતું. પરિણામે આખો પગ કાપી નાખવો પડ્યો.

ગરીબી, નિરક્ષરતા, બેકારી અને ઉપરથી કાયમી પંગુતા… આવી હાલતમાં ઈબ્રાહીમને તેના કાકા પોતાને ઘેર નજીકના ખીરસરા ગામે લઈ ગયા.ત્યાં ઈબ્રાહીમના જીવનમાં જબરજસ્ત વળાંક આવ્યો.જમીન પર ચાલવાને અસમર્થ ઈબ્રાહીમનો સિતારો દેશ દુનિયાના ફલક પર બુલંદ થઈને ચમક્યો!

થયું એવું કે કાકાના ગામમાં દર પૂનમે આખી રાત ભજનનો કાર્યક્રમ થતો. ઈબ્રાહીમ ત્યાં જતો ને મંજીરા વગાડતો. ધીરે ધીરે નિયમિત રીતે સાંભળેલા ભજન તેને કંઠસ્થ થતા ગયા. હવે ક્યારેક ક્યારેક તેને ગાવાનો મોકો પણ મળવા લાગ્યો. મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ ધૂપસળીની સુવાસની માફક આખાયે પંથકમાં પ્રસરી ગઈ. શિવરાત્રિએ ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથના પ્રસિદ્ધ મેળામાં ભજન ગાવા માટે ઈબ્રાહીમને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાં એકત્ર થયેલા હજારો લોકોની ભીડ આ નવોદિત ગાયકને સાંભળીને અભિભૂત થઈ ગઈ! ભવનાથની તળેટીમાંથી વહેતી થયેલી ભજનગંગાની આ સરવાણી ધીરે ધીરે સૌરાષ્ટ્રના નાના મોટા ગામોમાં વહેતી થઈ!

પોતાના અલગારી સ્વભાવને કારણે ‘ભગત’ તરીકે ઓળખાતા ઈબ્રાહીમના નામનો ઉચ્ચાર ગામઠી બોલીમાં લોકો ‘અભરામ’ તરીકે કરતા. આ રીતે ઈબ્રાહીમનું નવું નામકરણ થયું ‘અભરામ ભગત’. ટૂંક સમયમાં જ ભજન ગાયક તરીકે અભરામ ભગતની કીર્તિ ચારેકોર પ્રસરી ગઈ.

જેતપુર નજીકના વડિયા ગામના દરબારે અભરામ ભગતને જમીન આપી.તે જમીન પર ભગતે મકાન બાંધીને પત્ની હલીમાબાનુ સાથે પોતાનો સંસાર વસાવ્યો.

તો બીજી તરફ કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં આગવી ઓળખ મેળવી. એટલું જ નહીં, યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ, દુલા ભગત જેવા એ સમયના ગુજરાતના ખ્યાતનામ ભજન ગાયકોની વચ્ચે લોકચાહનાની દ્રષ્ટિએ અગ્રીમ સ્થાન મેળવ્યું.

ભજન ઉપરાંત અભરામ ભગત ‘આખ્યાન’ની કળામાં પણ માહેર હતા. નરસિંહ મહેતાનું ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાન તેમના કંઠે સાંભળવું એ અનેરો લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત કાવ્યપ્રકારની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ગવાતી એવી આરાધ, કટારી, પ્રભાતિયા, રામગરી જેવી ભજનની અનેકવિધ ગાયકીમાં તેમણે મહારત હાંસલ કરી હતી. જોતજોતામાં તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૌરાષ્ટ્ર ગુજરા તના નાનામોટા શહેરોમાં તો ઠીક, મુંબઈમાં પણ તેમના શો હાઉસફુલ થવા લાગ્યા. કોલંબિયા અને એચએમવી જેવી નામી રેકોર્ડ કંપનીઓએ બહાર પાડેલી તેમના ગાયેલા ગુજરાતી તેમજ હિંદી ભજનોની એલપી રેકર્ડ વિક્રમજનક સંખ્યામાં ચપોચપ વેચાઈ જવા લાગી! તેમણે હિંદીમાં ગાયેલા સાંઈબાબા ભજનોની શ્રેણી એટલી પ્રખ્યાત થઈ કે લોકો એ જ હોટલમાં જવાનું પસંદ કરતાં કે જયાં તેમના ગાયેલા ભજનોની રેકર્ડ વાગતી હોય!

અભરામ ભગતના અગણિત ચાહકોની યાદીમાં એક નોંધપાત્ર નામ મહાત્મા ગાંધીનું પણ હતું! પૂ. બાપુએ વ્યક્તિગત રીતે તેમને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો! એટલું જ નહીં, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાની સઘળી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપી દેનાર આ અલગારી ભગતને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખાસ આમંત્રણ આપીને દિલ્હી તેડાવ્યા હતા. ત્યાં તેમણે રજૂ કરેલા ભજન સાંભળીને પોતે અભિભૂત થઈ ગયા હતા એવું ખુદ શાસ્ત્રીજીએ તેમને લખેલા પત્રમાં જણાવ્યું હતું!

એક પગે અપંગ એવા અભરામ ભગત પ્રસિદ્ધિના એક પછી એક વણસ્પર્શ્યા શિખર સર કર્યે જતા હતા.દેશવિદેશમાંથી તેમને ભજન ગાવા માટે આમંત્રણ મળી રહ્યા હતા. એ 1973ની સાલ હતી. ભગતને ‘અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ’, ‘સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ’ જેવી સંસ્થાઓ તેમજ ‘ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી’ ના શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. આખુંયે વર્ષ ચાલેલી આ યાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાયેલા તેમના કાર્યક્રમોમાં શ્રોતાઓએ ભરચક હાજરી આપી. અમેરિકા ઉપરાંત તેમણે કેનેડા, યુકે તેમજ પૂર્વ આફ્રિકા અને યુરોપના અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો. મજાની વાત એ હતી કે અક્ષરજ્ઞાનની દ્રષ્ટિએ તદ્દન અભણ એવા ભગતની આ સઘળી વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એમના દુભાષીયા તરીકે માહિતી ખાતાના અધિકારી શ્રી પી. એલ. સાધુની નિમણૂંક કરાઈ હતી! નસીબની બલિહારી જુઓ! માંડ એક ચોપડી સુધી શાળાએ જઈ શકેલા ભગતે પોતાના પુત્ર માહિરને, એક સમયે જ્યાં રાજવી પરિવારના સંતાનોને જ પ્રવેશ અપાતો એવી રાજકોટની પ્રખ્યાત ‘રાજકુમાર કોલેજ’ માં ભણવા મૂકેલો!

નાણાંની અવિરત રેલમછેલ વચ્ચે પણ સાદું, સંયમિત જીવન જીવતા અભરામ ભગતે 27 ફેબ્રુઆરી, 1988ના રોજ કોઈ જાતની બીમારી વિના જ શાંતિથી આ જગતમાંથી વિદાય લીધી. એ સમયે બધા જ અખબારોએ તેમના દેહાવસાનની નોંધ લીધી હતી. “તાનપૂરાનો એક તાર તૂટી ગયો!”- આવી અદભૂત ભાવાંજલિ અખબારો દ્વારા તેમને આપવામાં આવેલી!

અભરામ ભગત આજે સ્થૂળ દેહે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમણે આપણને વારસામાં આપેલો ભજન સરવાણીનો અણમોલ ખજાનો સદાયે તેમની યાદ જીવંત રાખશે. તેમણે ગાયેલી આરતી👇

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •