ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પીનડ્ડાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલકાત રિપોર્ટ :જ્યોતિ જગતાપ ,રાજપીપળા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલી અર્પવાની સાથે કરી ભાવવંદના સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કરતાં શ્રી નડ્ડા
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો-આગેવાનો શનડ્ડાની મુલાકાતમાં જોડાયાં

રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ સૈા પ્રથમ ગુજરાતની મુલાકાતે પધારેલા નડ્ડાનું કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાયેલું ભવ્યાતિભવ્ય સ્વાગત

કેવડીયા હેલીપેડ નજીક આદિવાસી નૃત્ય મંડળીઓ દ્વારા પરંપરાગત નૃત્યની રમઝટ સાથે કેવડીયામાં નડ્ડાના વધામણાં

રાજપીપળા, તા 20

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે સરદાર વલ્લભભાઇ પટેલના કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર- સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ પરમ ધન્યતાનો ભાવ વ્યકત કર્યો હતો. આ મુલાકાત દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી.સતીષ, ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત ભાજપા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાધાણી પણ સાથે જોડાયા હતાં.
રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે સવારે હેલિકોપ્ટર ધ્વારા કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય એડમીનીસ્ટ્રેટર અને જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા અને શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્યશ અભેસિંગ તડવી, પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, ધનશ્યામભાઇ દેસાઇ, ગજેન્દ્રસિંહ જાડેજા, જશુભાઇ રાઠવા, શ્રીયોગેશભાઇ પટેલ, દીલુભા ચુડાસમા,પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મિસ્ત્રી, સતીષભાઇ પટેલ, મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, શ્રીમતી જયશ્રીબેન ધામેલ, શ્રીમતી દક્ષિણીબેન કોઠીયા વગેરે તરફથી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરી ઉષ્માભર્યો આવકાર અપાયો હતો. કેવડીયા હેલીપેડ નજીક આદિવાસી નૃત્ય મંડળીઓ દ્વારા પરંપરાગત નૃત્યની રમઝટ સાથે શ્રી નડ્ડાના આ આગમનને વધાવી લીધુ હતુ.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત દરમિયાન જે.પી.નડ્ડાએ અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ગુલાબના પુષ્પો દ્વારા અંજલી આપીને અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી અને ભાવવિભોરતા સાથે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી આજે હું પ્રસન્નતા સાથે ધન્યતાની લાગણી અનુભવી રહયો છું.
નડ્ડાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, આજે મા નર્મદાના પવિત્ર તટ પર સરદાર સરોવર ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ ધામ આઝાદ ભારતનું તીર્થ સ્થાન બની ગયું છે. દેશની સ્વતંત્રતા ચળવળ અગાઉ, ચળવળ દરમિયાન અને દેશની આઝાદી બાદ ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની મુખ્ય ભૂમિકા રહી છે. જેના લીધે આજે આધુનિક-સશકત ભારતનું નિર્માણ થયું છે. આ સ્મારક સ્થળ એક પ્રેરણાસ્ત્રોત બની રહયું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં ભારત દેશને હજી પણ વધુ સમૃધ્ધ બનાવવા માટે સૌ કોઇને સંકલ્પબધ્ધ થવાનું તેમણે આહવાન કર્યું હતું.
રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ૪૫ માળની ઉંચાઇએ વ્યુઇંગ ગેલેરી ખાતેથી પ્રતિમાના હદય સ્થાનેથી માતા નર્મદા અને વિધ્યાંચલ-સાતપુડાની ગિરીમાળાઓના દર્શન સાથે મા-નર્મદાના દર્શન થકી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના મ્યુઝીયમની પણ તેમણે મુલાકાત લીધી હતી અને પ્રદર્શન નિહાળી તે અંગેની વિસ્તૃત જાણકારી પણ તેમણે મેળવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટર અને જનરલ મેનેજરશ્રી સંજયભાઇ જોષીએ શ્રી નડ્ડાની આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુના બાંધકામ અને સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અને કાર્યો પર રચાયેલ મ્યુઝીયમમાં સરદાર સાહેબના જીવનના વિવિધ પાસાંઓની વિગતોથી નડ્ડા સહિતનાં મહાનુભાવોને વાકેફ કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં કેટલાક વર્ષો પહેલાંના સ્વપ્નને ગુજરાત સરકાર ધ્વારા સમય-મર્યાદામાં વિશ્વની સૌથી ઉંચી આ પ્રતિમાનું કાર્ય પુર્ણ કરવાના ભગીરથ પ્રયાસોનો તેમણે ચિતાર આપ્યો હતો. જોષીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્લાનીંગ સ્ટેજ,ડિઝાઇન, વપરાયેલ માલ સામગ્રી, દુનિયાની સૌથી નિષ્ણાંત એજન્સી L & T ના બાંધકામના સંપૂર્ણ પ્રોસેસ વિશે પણ જાણકારી આપી નડ્ડાને વાકેફ કર્યા હતા.
રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે સવારે કેવડીયા કોલોનીના હેલીપેડ ખાતે આવી પહોચ્યાં ત્યારે તેમના કરાયેલા ભવ્ય સ્વાગત બાદ હેલીપેડ નજીકના સ્થળેથી ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વરિષ્ઠ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા નડ્ડાએ જણાવ્યું હતું કે, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સ્વીકાર્યા બાદ ગુજરાત રાજયની મારી પહેલી મુલાકાતમાં જ અહીં આવવાનું બન્યું તે મારા જીવનનો અત્યંત સૌભાગ્યશાળી પ્રસંગ છે. અહીં આવીને હું અત્યંત ખુશીની લાગણી અનુભવું છું તેમ જણાવી નડ્ડાએ ઉમેર્યું હતું કે, દેશની સ્વતંત્રતા ચળવળ તેમજ આઝાદી બાદ ૫૬૨ જેટલા રજવાડાઓના વિલીનીકરણ માટે સરદાર સાહેબનું યોગદાન કયારેય ભૂલી શકાય તેમ નથી. આધુનિક ભારતનું સર્જન કરનાર સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબ લોકસેવક તરીકે દરેક વ્યકિત માટે એક આદર્શ વ્યકિતત્વ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં વિલક્ષણ વિચાર અને સંકલ્પબધ્ધ અમલીકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને જે.પી.નડ્ડાએ આદરપૂર્વક યાદ કરતા જણાવ્યું હતું કે, સરદાર પ્રતિમાનું નિર્માણ એ એક કલ્પનાતિત કાર્ય છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આધુનિક અને આઝાદ ભારતનું તીર્થ સ્થાન બન્યુ છે.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના “સબકા સાથ-સબકા વિકાસ અને સબકા- વિશ્વાસ”ની વિચારધારાના અમલીકરણ સાથે દેશની વિકાસકૂચ આગળ ધપાવી રહયાં છે અને મુખ્ય ધારા-પ્રવાહથી અલિપ્ત પ્રજા વર્ગસમૂહને મુખ્ય ધારામાં જોડી રહયાં છે તેમ જણાવી શ્રી નડ્ડાએ ઉમેર્યું હતુ કે, દેશના આદિવાસી સમાજના વિકાસ માટે સરકારે ૩૦ ટકા બજેટ ફાળવ્યું છે અને તેના થકી શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ, રોજગારી સાથે સસ્ટેનેબલ ગ્રોથ અને રોજગારમાં પણ આદિવાસી સમાજના લોકો સ્વાવલંબી બને તે દિશાના પ્રયાસો સાથે સરકાર કટિબધ્ધ છે, ત્યારે હજી પણ આદિવાસી સમાજની જરૂરીયાત મુજબની સુવિધાઓ પુરી પડાશે. તેમણે આદિવાસી નૃત્ય મંડળીઓ ધ્વારા પરંપરાગત આદિવાસી નૃત્યથી કરાયેલા ભવ્ય સ્વાગત બદલ આભારની લાગણી વ્યકત કરવાની સાથે તેઓશ્રીએ દેશની કલા અને સંસ્કૃતિની જાળવણી અને તેના સંવર્ધન માટે સતત પ્રતિબધ્ધ રહેવાની પણ હિમાયત કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાત દરમિયાન નડ્ડા સાથે રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી.સતીષ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાધાણી, ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો, આગેવાનો અને જિલ્લા પ્રસાશન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અને સરદાર સરોવર નર્મદા નિગમના ઇજનેરઓ વરિષ્ઠ અધિકારીઓ વગેરે પણ જોડાયાં હતાં.
N

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •