પડકારો અને પ્રોબ્લેમ્સ વધતાં જ જવાના છે.જો તમે તેમાં જ ખોવાઈ જશો, તો એક સમય એવો આવશે કે તમે જ તમને નહીં મળો. યાદ કરો… ” છેલ્લે તમે પોતાને ક્યારે મળ્યા હતા ??? ” – હિતેશ રાઈચુરા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

આ જિંદગી પણ હવે “બજાજ-સ્કુટર” જેવી લાગે છે…
રસ્તા માં ક્યાંક થાકીને અટકી જાઉં છું તો પણ મને “નમાવી” ને ફરી એક “કિક” મારી ને દોડાવે છે…
આ વ્યથા ફક્ત મારી જ નથી પણ મહદઅંશે દરેક ની છે પણ હું તો આ બધા વચ્ચે પણ મારી અંદર ડૂબકી મારી આવું છું ને થોડી ઘણી પરમ શાંતિ મેળવી આવું છું પણ શું તમારી પાસે ખુદને મળવાની ફુરસદ છે ?
ચાલો આ મનને વેકેશન પર મોકલીએ…
એ કંટાળી ગયું છે રોજ રોજના નિત્યક્રમ થી,
એને આ ચાર દીવાલો, આ શહેર, રસ્તાઓ થી દૂર કોઈ ધૂળ વાળી પગદંડી પર ફરવું છે….
ચાલો બધું ભૂલી જઈએ,
હું કોણ છું ???
હું ક્યાં છું ???
હું શું કરું છું ???
કૈક એવું કરીએ જે કરવાની ઈચ્છા મન માળીયે ધૂળ ખાતી પડી છે….
કૈક એવું કરવું છે જે કરીને એક યાદ એવી બને કે જયારે મનનું બારણું ખોલી ડોકાય અને ચેહરો આપણો ખીલખીલાટ કરતો હસી જાય…
ચાલો મનને વેકેશનને લઇ જઈએ અને સાથે આપણે પણ એ પીકનીક પર જઈએ !!!
જિંદગી એ કુદરતે બનાવેલો એવો પ્રોગ્રામ છે, જેમાં સમયે સમયે નવા ફીચર્સ ઉમેરાતા જ જવાના છે.
જિંદગી જેમ આગળ વધે તેમ નવા પડકારો, નવા પ્રશ્નો, નવી સમસ્યાઓ ઉમેરાતી જ જવાની છે.
દરેક વ્યક્તિને જિંદગીમાં એવો સવાલ થતો જ હોય છે કે આ બધું ક્યારે પૂરું થશે ?
ક્યારે થોડીક નિરાંત કે હાશ મળશે ?
પણ યાદ રાખો, એવું ક્યારેય થવાનું જ નથી.
તમારા મન ને એવી જ રીતે તૈયાર કરો કે તારે ઝઝૂમવાનું છે, સતત લડતા રહેવાનું છે, જીતવાનું છે અને ક્યારેય થાકવાનું નથી.
એક બાળક કમ્પ્યુટર પર ગેઇમ રમતો હતો.
એ જેમ જેમ આગળ વધતો જતો હતો તેમ તેમ અઘરાં સ્ટેજ આવતાં જતાં હતાં.
ગેઇમ પૂરી થાય ત્યારે એ ફરીથી ગેઇમ શરૂ કરતો.
દર વખતે તેનો એક જ ઉદ્દેશ રહેતો કે વધુમાં વધુ સ્ટેજ પૂરાં કરવાં.
એક વખત એ બાળકે કહ્યું કે તમે દસ સ્ટેજ પસાર કરો પછી તો એક સરળ સ્ટેજ આવવું જોઈએ ને ?
પણ એવું નથી થતું અને ક્યારેય નથી થવાનું.
જે સ્કોર તમે નક્કી કર્યો હોય એ સ્કોર જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી આપણે રમતાં રહેવાનું છે.
જિંદગીનું પણ એવું જ છે. જેમ આગળ વધતાં જશો એમ વધુ ને વધુ અઘરાં સ્ટેજ આવતાં જવાનાં છે.
મહત્ત્વની વાત એ જ છે કે તમે ગેઇમ એન્જોય કરો.
કોઈ પણ સંજોગોમાં હતાશ ન થાવ.
માણસ બધી જ વસ્તુનું વ્યવસ્થિત પ્લાનિંગ કરે છે.
કરિયર, સેવિંગ્ઝ, રોકાણ, ઇન્કમ અને ખર્ચનું પ્લાનિંગ આપણે કરતા રહીએ છીએ.
નફો થાય તો ક્યાં રોકવો અને ખોટ જાય તો કેવી રીતે ભરપાઈ કરવી? બધું જ પરફેક્ટ પ્લાન કરનારો માણસ માત્ર જીવવાનું જ પ્લાનિંગ કરતો નથી.
ઘણી વખત તો બીજાં પ્લાનિંગ જ જીવવાના પ્લાનિંગને ખાઈ જતાં હોય છે.
સો એ સો ટકા વાસ્તુ મુજબ બનાવેલું ઘર પણ સુખની ગેરંટી આપી ન શકે, જો તેમાં રહેતા માણસોના દિલ અને દિમાગ ઠેકાણે ન હોય !
તમારી પાસે જીવવાનું પ્લાનિંગ છે ?
આટલો સમય હું પત્ની, સંતાન, પ્રેમી કે પરિવાર માટે ફાળવીશ અને આટલો સમય હું મારા માટે રાખીશ.
તમે વિચાર કરજો આખા દિવસના શિડયુલમાં તમે તમારા માટે કેટલો સમય ફાળવ્યો છે ?
બોસને રાજી રાખવા માટે તમે જેટલો પ્રયત્ન કરો છો એનાથી અડધો પ્રયાસ પણ પરિવાર, મિત્ર, કે પ્રેમી માટે કરો છો ?
તમારા પડકારો, તમારા ધ્યેય, તમારાં શિડયુલ્સ વચ્ચે પણ તમે તમારી જિંદગી જીવો એ મહત્ત્વનું છે.
પડકારો અને પ્રોબ્લેમ્સ તો વધતાં જ જવાના છે.
આ બધામાં જ જો તમે ખોવાઈ જશો તો એક સમય એવો આવશે કે તમે જ તમને નહીં મળો.
યાદ કરો…
” છેલ્લે તમે તમને પોતાને ક્યારે મળ્યા હતા ??? ” – હિતેશ રાઈચુરા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply