આપણી વાત. – જયંતભાઈ કથીરીયા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ

વાત સાચી છે કે જગત સિવાય

બીજુ બધુ જ હંગામી છે.

આપણે આવ્યા તો ચાલી જઇશું,

પણ આ જગત હતુ, છે અને રહેશે.

આ વાત એટલે કરું છું કે આપણે

ભારતમાં સાચવવાની વૃતિ આજેય

અકબંધ જાળવી રાખી છે, જયારે

અહીં અમેરીકામાં લોકો બે બાબતનું ધ્યાન રાખે છે.

૧. વસ્તુ કે માણસની જેટલી જરુર હોય

એટલી વાપરવાની અને

૨.પછી રસ્તા પર (ફેંકી) રાખી દેવાની.

કેમ, મારી વાત ન ગમી?

પણ આ હકીકત છે.

અહીંયા ભિખારી માટે અને હોમલેસ માટે

શેલ્ટર હોમ છે અને

જે વસ્તુની જરુર નથી એને ઘરમાં રાખવાની નહીં.

બહાર ફુટપાથ પર મુકી દેવાની. આ સામાન્ય વાત છે.

કામ વગર નવા સ્થળ અને રસ્તાઓ પર

ફરવું અે મારો શોખ નો વિષય છે.

જેનાં બે ફાયદા થાય છે:

એક તો તંદુરસ્તી સારી રહે અને

બીજુંનવું નવું જાણવા અનુભવવાનું મળે.

હવે આ એક મહિનામાં રસ્તા પર

ઘરનાં આગળનાં ભાગે કેટલીક વસ્તુઓ મુકેલ જોઇ છે,

જેમાં નવા શુઝ, પ્રિન્ટર,બેબી સીટ,

કાચનું રાઇટિંગ ટેબલ, રસોડાની કેબીનેટ, નવા પુસ્તકો,એક્ઝયુટિવ ચેર વિગેરે વિગેરે.

બધી જ ખૂબ સારી કંડીશનમાં હતી.

એટલું જ નહીં ઉપર કાગળ ચોટાડેલ હોય કે

‘મહેરબાની કરી તમારા સારા ઘેર લઈ જઇ શકો છો”.

હવે તમોને થશે કે આ લખવાનું કારણ શું?

મુખ્ય વાત હવે શરું થાય છે.

આજે ચાલવા નિકળેલ તો એક ઘરની આગળ

૪૦/૫૦ પુસ્તકો જોયા.

રવિન્દ્રનાથ ટાગોર ની જીવનકથા અને

મહાત્મા ગાંધીના ત્રણથી ચાર પુસ્તકો પણ જોયા.

તો સ્વાભાવિક જ મન ખેંચાયુ અને

ટાગોર ને ઉપાડી લીધા.

દેશ અને સમય બદલાય તો ત્યારે

વ્યક્તિ અને પરિસ્થિતિ પણ બદલાઇ જાય છે.

આ દેશમાં ટાગોર અને મહાત્માને

રસ્તા પર મફતમાં મળતા જોયા.

ચાલો એ તો ઠીક, પણ

લિંકન અને કેનેડી પણ બાજુમાં જ,

કોઇ લઈ જાય એની રાહ જોતા

ઠંડી હવા ખાઈ રહ્યા હતા.

કદાચ એમનો અમેરિકાને ઉપયોગ

નહીં રહ્યો હોય…!!!!!

અજબ આ ધનવાન દેશ છે,

ગજબ એની ઉપભોગી પ્રજા છે,

પુષ્કળ સંસાધનો ઇશ્વર પાસેથી વારસામાં મળ્યા છે,

જેનો નિરંકુશ ઉપયોગ રંગે ચંગે કરી રહ્યા છે.

ઉપયોગી છે તો વાપરી લો,

નકામું છે તો ફેંકી દો.

સ્મશાનમાં કાળા સીટ પહેરીને જાય છે અને

લગ્નમાં સુવાળા શ્વેત વસ્ત્ર પહેરીને હરખાય છે.

આમાં આપણાં ભારતીયો પણ બાકાત નથી,

જેમનાં ચાઇલ્ડ અહીં જન્મ્યા અને ગ્રો થયા એ

ગુજરાતી ભુલતા જાય છે અને એમાં આપણાં

ભારતીય માબાપોની જેમ અહીંનાં પેરેન્ટ હરખાય છે.

હમણાં હું મારા ઘરથી આલીસ માઇલ દૂર

આપણાં એક સદગુરુના પ્રવચનમાં બે દિવસ ગયો.

જેમાં બધા જ ૫૦૦ ગુજરાતી હતા,

લગભગ એમાંથી ૪૦૦નો જન્મ ગુજરાત માં જ થયો હશે.

પરંતુ બધા આપસમાં અંગ્રેજીમાં જ વાતચીત કરતાં હતાં.

સદગુરુએ પ્રવચન તો ગુજરાતીમાં જ કર્યુ,

વચ્ચે ક્યારેક એકાદ વાક્ય અંગ્રેજીમાં બોલે.

પરંતુ હદ તો ત્યારે થઈ કે

પ્રવચન પૂર્વે એંકરે(જે ગુજરાતી જ હતા)

અંગ્રેજીમાં જ બોલે રાખ્યું એક પણ શબ્દ

ગુજરાતીનો ભૂલથી પણ ન આવ્યો.

આપણે ગુજરાતી,

ગુજરાતમાં જન્મેલા,

શ્રોતાઓ ગુજરાતી,

સદગુરુનું પ્રવચન પણ ગુજરાતીમાં

છતાયે આપણો આ કેવો આગ્રહ કે આપણે

અંગ્રેજીમાં જ બોલવી પડે.

મને અત્યારે એક વાત કહેવાનું મન થાય છે કે

૩૦/૪૦ વરસ પછી અહિંયા ગુજરાતી લોકો તો

કદાચ થોકબંધ મળશે પરંતુ ભાષા

વલસાડી હાફૂસ જેવી દુર્લભ બનશે

એ વાત નકકી છે, લખી રાખજો.

એક નમુનો જુઓ જેમાં બધા જ શબ્દો અંગ્રેજીમાં,

પણ બોલીએ છીએ ગુજરાતીમાં.

બિચારા ત્રણ ચાર ગુજરાતી શબ્દો વર્લ્ડ કપની અફઘાનિસ્તાનની ટીમ જેવા થઈ રહ્યાં.

“પેરેન્ટ ચાઇલ્ડને આપણાંથી પણ ડબલ લવ કરે પણ

એડલ્ટ થયે ચાઇલ્ડ ઈંડિપેન્ટન્ટ બની સેપરેટ થઈ જાય છે”.

ચાલો, બહું લાંબુ લખાણ થઈ ગયું,

પણ શું કરું?

ટાગોર ગાંધીને રસ્તે રજળતા જોતા

રહેવાયુ નહીં અને વેદના નિકળી પડી.

-જયંત કથીરિયા

SFO@USA

૦૨.૦૭.૨૦૧૯

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •