નગરી નગરી દ્વારે દ્વારે મળવા આવે ત્યારે … હું ને મારી આંખો બંને વરસે મુશળધારે … આજનો દિવ્ય ભાસ્કર પૂર્તિનો લેખ … “રથયાત્રા નિમિત્તે મોહનની પથયાત્રા …” -અંકિત ત્રિવેદી.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

રથયાત્રા એટલે આપણી થાકી ગયેલી જીજીવિષાઓને જોમ પૂરું પાડવાની પથયાત્રા… કવિ ઇલિયાસ શેખે ઉષ્ણતામાનની સાથે ‘કૃષ્ણતામાન’ એવો શબ્દ પ્રયોજ્યો છે… વાત સાચી પણ છે. ઉષ્ણતામાન જળવાવું જોઈએ અને કૃષ્ણતામાન અનુભવાવું જોઈએ… રથયાત્રાને ૧૦૦ વર્ષ ઉપરનો સમય થયો… અમદાવાદ શહેરની ઐતહાસિકતામાં એણે ઊમેરો કર્યો. શહેરમાં આવેલું જગન્નાથજી મંદિર પણ શ્રદ્ધાને અકબંધ રાખીને, ભગવાન કૃષ્ણને છાજે એવા આજનાં સમયની સાથે ચાલવાના, પ્રેમાળ પ્રયત્નો સમજણ સાથે કરે છે. ભગવાન કૃષ્ણ, બહેન સુભદ્રા અને બલરામજીની સાથે અષાઢી બીજે નગરયાત્રા કરે ત્યારે રથ તો એનો એ જ રહે છે, પથ તો એનો એ જ હોય છે… ભગવાનને કદાચ બદલાયેલાં લાગતા હોઈશું આપણે…! કારણકે, આપણે જેવાં હતાં એવાં નથી રહેતા અને ભગવાન પોતાની સાથે બીજાનો સ્વીકાર કરવામાં માને છે. અહીંયા અહમ નથી, અહીંયા વાંસળી બની ગયેલા હોઠે ખોલેલો સુરીલો ‘મરમ’ છે… ભગવાન બલભદ્ર પાસે હળ છે આપણી આંખોમાં ઝળહળ છે… એમને કેમ કરીને કહેવું કે આ વખતે ધરતીની જગ્યાએ અમારી આંખોને ખેડીને પાંપણમાં સચવાયેલા દ્રશ્યોને ઉપરતળે કરજો…! ઉપરતળે થયેલાં દ્રશ્યોને ચાસમાં તમારું મળવું ઊગી નીકળે તો ? આયખાને રથયાત્રાનાં દિવસે જન્માષ્ટમી ઉજવાઈ હોય એવો ભાવ જાગે…! ભાઈ-બહેનનાં સંબંધોની નિખાલસતા સમાજમાં ઘટી છે. બહેન સુભદ્રા અને ભગવાન બલરામ તથા શ્રીકૃષ્ણ નગરયાત્રા કરીને એ નિખાલસતામાં ઉષ્મા પેદા કરે છે. આ વખતે આપણે કૃષ્ણને કંઈ જ નથી કહેવું, કૃષ્ણ આપણને કહે તે સાંભળવું છે…!રથયાત્રાની ભરચક ભીડમાં એ આપણને પ્રત્યેકને રૂ-બ-રૂ કશું નહીં કહે, આપણા એકાંત સાથે એ ગુફતેગુ કરશે… આપણે એની સાથે આંખો મિલાવીને એની વાતને સમજવાનો પ્રયત્ન કરવાનો… વાતનો અણસાર આવી જશે તો યે બેડોપાર થઇ જશે…! રથયાત્રામાં નીકળેલા કૃષ્ણ આપણને, એની આંખોમાં, આપણી આંખો પરોવીને કશુંક કહેવા માંગે છે.સર્જકની રુએ એને આંસુની શાહીથી સ્મરણોનાં કાગળ ઉપર લખવાનો પ્રયત્ન કર્યો છે. આ કાગળ એટલે હથેળી… ભગવાન બલભદ્રના હળને પેન બનાવી, બહેન સુભદ્રાના હાથનો ટેકો લીધો અને ભગવાન કૃષ્ણ બોલ્યા…

‘હે નગરજન, છેલ્લા કેટલાંયે વર્ષોથી આષાઢી બીજનાં દિવસે તમને બધાંને મળવા આવું છું. તમે કંઇક ને કંઇક જાણે-અજાણે માંગ્યા કરો છો અને હું એની યથાર્થતા સમજીને તમને આપતો રહ્યો છું … અત્યાર સુધી તમને સાંભળતો આવ્યો છું… હવે મને સાંભળવાનો વારો તમારો…!

પ્રત્યેક વર્ષ હું એવો ને એવો રહ્યો પણ તમે બદલાતાં ગયા… આંખોની નીચેનાં કુંડાળાઓમાં મારે મોરપિચ્છનો રંગ પૂરવો હતો અને તમે અ-કારણ ઈર્ષાને પ્રેમ કરીને, ઉદાસ થવાના શોખને પંપાળીને, પોતાનું ધારેલું નહીં થવાને કારણે આંખોની નીચેના કુંડાળાઓ કાળા કરી નાંખ્યા…! તમે મને શયન કરાવો છે અને પોતે ઊંઘની ગોળી લઈને પણ પથારીમાં વલખાં મારો છો…! તમે જ કહો, મને ઊંઘ કઈ રીતે આવે..? ક્યારેક આંસુને અકારણ રડવાની તક આપજો, આંખોમાંથી પાણી નીકળવાની ફરિયાદ ઓછી થઇ જશે…! પાણી પોતાની જગ્યા કરી લે છે એટલે નહીં નીકળેલા આંસુ આંખોમાં પાણીનાં બીયા થઈને જામે છે. આંસુ એ તમને મારા દ્વારા મળેલાં જમુનાજળનાં બિંદુઓ છે…! આંખો જમુનાજળનો કિનારો છે…

હે નગરજન, રોજ મંદિરમાં આવતા ભક્તો પાસેથી ડીપ્રેશન –આપઘાતના કિસ્સાઓ વાંચું છું અને અકળાઈ જાઉ છું… એમ થાય છે કે મૂર્તિમાંથી બહાર નીકળીને આવા કામોમાં પરોવાઈ જાઉં…! ત્યાં જ મંદિરનાં મહારાજ આરતીનાં અજવાળામાં માણસાઈને પ્રગટાવે છે અને માણસાઈ મને સાંત્વન આપે છે ભગવન, અમે છીએ ને…! અને હતપ્રભ થયેલો હું થોડો શાંત બનું છું પણ મારી ચિંતા એટલી જ અકબંધ છે… આસપાસ છવાઈ જવું એ માણસમાત્રનો સ્વભાવ છે, એ મારો પણ છે, હું પણ એમાંથી બાકાત રહ્યો નથી ! પરંતુ કોઈને કપાઈને છવાઈ જવું એ અંતે તો આપણને પીડા જ આપે છે…! આપણાથી કોઈનું સારું ન થઇ શકે તો ખરાબ તો ન જ કરીએ- એવું વારંવાર બોલાતું રહ્યું છે. મારે તો એમ કહેવું છે કે આપણાથી કોઈનું સારું કેમ ન થઇ શકે…? રણમાં પણ કેક્ટસ ઊગે છે, ભીત ફાડીને પીપળો ઊગે છે તો પછી આપણામાં કેમ કશું ન ઊગી શકે ? બીજાનાં વિચારે જિંદગી જીવવી એના કરતાં પોતાના આચારે સંતોષી બનવું જરૂરી છે… પાકીટમાં પૈસા અને ક્રેડીટ કાર્ડ જેટલું નથી ખરીદી શકતાં એટલાનું આપણને ડી-પ્રેશન હોય છે અને એ જ પછી આપઘાત તરફ લઇ જાય છે… બને ત્યાં સુધી દરેક પરિસ્થિતિ સાથે સુલેહ રાખજો… જગતનો કોઈ પણ પ્રશ્ન સંવાદથી પૂરો થયો ન હોય એવું નથી બન્યું…! (જે પ્રશ્નો વણઉકલ્યા છે એમાં પણ સંવાદ જ રહી ગયો છે, તપાસ કરી લેજો..!) એકબીજાને સમય આપીને સંવાદની ભૂમિકા રચવી જોઈએ…

હે નગરજન, આ વખતે મળવા આવો તો એકબીજા પ્રત્યેનો સ્પર્ધાભાવ ઓછો કરીને આવજો… સ્પર્ધાને નકારતો નથી, સ્પર્ધા તો પાંચ પાંડવો અને સો કૌરવોમાં પણ હતી…! પરંતુ સ્પર્ધા સમવયસ્કોની હોય… તમારાથી નાના લોકો સાથે થયેલી સ્પર્ધા ઈર્ષાને ઉપસાવે છે, તેજોદ્વેષને જન્માવે છે. એક જ કામમાં સાથે પરોવાયેલાં બે લોકો મતમતાંતરને કારણે અળગા પડે છે ત્યારે એમને જકડી રાખવાની જવાબદારી તમારી હોવી જોઈએ, વધારે ઝઘડાવીને છુટ્ટા પાડવાની નહીં…! ક્યારેક એવા લોકો જ તમને તમારાથી ભેગાં કરવામાં મદદ કરશે…!

હે નગરજન, આ તો થોડીક સેકન્ડો માટે ઊભા રહેલાં રથની સમયમર્યાદામાં ઉતાવળે લખાયું, બીજું આવતી રથયાત્રાએ… જયારે તમે ઉપરોક્ત મુદ્દાઓ ઉપર જાતને જોડવાનો પ્રયત્ન કરતા હશો… જીવનમાં એકલું અગિયારસનું મહત્વ નથી, મહત્વનો છે જીવનરસ…! એ હશે તો પાછળ બધું જ આવશે… સ્વચ્છ અને સુધરેલાં રસ્તાઓ મારા રથને ચેતનવંતો કરે છે. બહારની ચોખ્ખાઈ અંદરની પવિત્રતાને નિખારે છે… માટે એને પાળવાના બધાં જ પ્રહરને ચૂકશો નહીં…!

ગોકુળનો ગુલાલ, વૃંદાવનનાં વાયરા સાથે ઉડાડતો…’

તમારો જ, બલભદ્ર અને સુભદ્રા સંગે…

જગન્ન્નાથજી…

ઓન ધ બીટ્સ

“નામમાં જો આટલો જાદુ ભર્યો,

તો એના સ્પર્શે કહોને શું થશે ?”

-ચંડીદાસ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •