*આજે વાત કરીએ એવાં નીડર મહિલાની, જેને જિંદગીની સફરમાં અનેક ઉતાર ચઢાવ જોયા છે : નામ શ્રીમતી આનંદીબેન પટેલ. – ધવલ પટેલ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

ધવલ પટેલ, ફેસ ઓફ નેશન. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખરોડ ગામે જેઠાભાઇ પટેલના ઘરે 21 નવેમ્બર 1941ના રોજ જન્મેલી મહિલા આજે વિશ્વમાં એક ઉદાહરણ રૂપ બની ગઈ છે. ખેડૂત પરિવારમાં જન્મેલી આ દીકરી ક્યાં પહોંચશે તેની કોઈને ખબર નહોતી, વિધાતાના લેખ એને વિશ્વમાં નામના અપાવશે તે કોઈ જાણતું નહોતું. સમય વીતતો ગયો અને આ દીકરી પોતાનું કૌશલ્ય દેખાડતી ગઈ. બાળપણથી જ શૂરવીરતાના ગુણો તેનામાં રહેલા હતા. શાળામાં ભણવાથી માંડીને પિતાને ખેતરમાં મદદ કરવા સુધીની તમામ જવાબદારી આ દીકરીએ બખૂબી નિભાવી હતી. પોતાના સ્વપ્નને સાકાર કરવા માટે હંમેશા અથાગ મહેનત અને પરિશ્રમ કર્યો. શિક્ષણ થી માંડીને સત્તા સુધીના સફરમાં તેની સામે અનેક પડાવો આવ્યા, અનેક મુશ્કેલીઓ આવી છતાં ક્યારેય અટકી નહીં કે ડરી નહીં. હંમેશા મજબૂત પહાડ બનીને તમામ પરિસ્થિતિઓ સામે ટકરાઈ અને અંતે સમગ્ર વિશ્વ માટે તે ઉદાહરણરૂપ બની ગઈ. આવનારી નવી પેઢી માટે આદર્શ બની ગઈ. આ મહિલા બીજી કોઈ નહીં પરંતુ ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર સત્તાના સિંહાસને બિરાજમાન મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન મફતલાલ પટેલ. ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત મહાનુભવોનાં વ્યક્તિચિત્રો બહુ ઓછાં આલેખાયાં છે. આવાં વ્યક્તિચિત્રો લખાવાની સવિશેષ જરૂર એટલા માટે છે કે તેમાં જે તે વ્યક્તિનાં જીવનની કથની જ નહીં પરંતુ તે વ્યક્તિએ ખેડેલી સમગ્ર જાહેરજીવનની સફરનો દસ્તાવેજ પ્રાપ્ત થાય છે. આનંદીબેન પટેલ આવું ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ છે. જોકે, તેમને માત્ર રાજકીય ક્ષેત્રે પ્રવૃત્ત કહેવું એ તેમની અધૂરી ઓળખ ગણાશે. આનંદીબેનનું શિક્ષણ જેવાં પેઢીઓની પેઢીનું ઘડતર કરતાં ક્ષેત્રમાં પણ એવું જ માતબર, ઉલ્લેખનીય અને દેશના રાષ્ટ્રપતિના હસ્તે સન્માનીય પ્રદાન રહ્યું છે. આનંદીબેને એક શિક્ષિકા અને એક આચાર્યા તરીકે હજારો કન્યાઓની જિંદગીનું ઘડતર કર્યું તો સાથે સાથે એક મહિલા નેતા તરીકે રાજ્યની સેંકડો મહિલાઓને જાહેર જીવનમાં લાવી ગુજરાતમાં નારી શક્તિને સબળ બનાવવામાં બહુમૂલ્ય કહી શકાય એવું પ્રદાન આપ્યું.

અમદાવાદની મોહિની બા કન્યા વિદ્યાલયમાં શિક્ષક બન્યા

ખરોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી પિલવાઇની એમ. જી. પંચાલ સાયન્સ કોલેજમાં એડમિશન મેળવ્યું. પાંચસો વિદ્યાર્થીઓનું સંખ્યાબળ ધરાવતી આ કોલેજમાં પહેલાં વર્ષમાં દાખલ થયાં ત્યારે આનંદીબેન એકમાત્ર મહિલા વિદ્યાર્થિની હતાં. એ સમયના સામાજિક માહોલ, એ દેશકાળને યાદ કરો તો ખ્યાલ આવે કે આનંદીબેને કેવું સાહસિક કદમ ઉઠાવ્યું હતું. અને આ કદમ ઉઠાવવાની જરૂર શી હતી ? બસ એક જ મહેચ્છા, ઉચ્ચ શિક્ષણ મેળવવું છે. એક તબક્કે તો આનંદીબેનના ભાઇએ નક્કી કરી લીધું હતું કે આનંદીબેને મેટ્રિક્યુલેશન પછી આગળ ભણવાની જરૂર નથી પરંતુ પિતા જેઠાભાઇએ તે જમાનામાં ટેલિગ્રામ કરીને આનંદીબેનને તાકીદ કરી હતી કે તારે આટલેથી અટકવાનું નથી. કદાચ, પિતાની આ શીખ આનંદીબેને આજીવન ગાંઠે બાંધી. એમણે ક્યારેય ક્ષિતિજની કેદમાં રહેવાનું મુનાસિબ માન્યું જ નહીં. સતત નવી ક્ષિતિજ, સતત નવાં શિખર, જ્યાં હજુ સુધી કોઇ પહોંચ્યું ના હોય તેવા સેવા-માર્ગદર્શન અને નેતૃત્વના મુકામ આ બધું તેમણે સાહજિક રીતે વટાવ્યું. બી.એસસી. કેમિસ્ટ્રીની પદવી બાદ આનંદીબેને અમદાવાદમાં એક તરફ સંસારની જવાબદારીઓ વહેવાની શરૂ કરી, દસ સભ્યોના પરિવારની સંભાળ રાખવા માંડી તો સાથે સાથે શિક્ષણ અને અધ્યનની તેમની કેડીને પણ વિસ્તારવા માંડી. મહેચ્છા તો હતી કોલેજના અધ્યાપક બનવાની પરંતુ માતા તરીકેની જવાબદારી અને અધ્યન-અધ્યાપન આ બંને વચ્ચેની સમતુલા જાળવવા તેમણે એમ.એસસી.ની સાથે બી.એડ.નું શિક્ષણ પણ મેળવ્યું પદવી મેળવ્યા બાદ અમદાવાદની મોહિનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ સ્વીકારી. એક શિક્ષિકા તરીકેની ફરજ બજાવતાં બજાવતાં અને તે વખતે નાના સંતાનો સંજય અને અનારની સંભાળ રાખવાની સાથે સાથે જ આનંદીબેને એમ.એડ.નો પણ અભ્યાસ કર્યો અને મોહિનીબા કન્યા વિદ્યાલયમાં આચાર્યના હોદ્દા સુધી પહોંચી તેને અમદાવાદની જ નહીં પરંતુ રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત કન્યાશાળાઓમાંની એક બનાવવામાં યોગદાન આપ્યું.

નર્મદા નદીમાં તણાતી વિદ્યાર્થીઓને બચાવી અને જીવનમાં ટર્નીંગ પોઇન્ટ આવ્યો

વર્ષ 1987માં આ સ્કૂલના એક પ્રવાસ દરમિયાન 2 બાળકો નદીમાં પડી ગયા,જેમને બચાવવા માટે આનંદીબેન નર્મદા નદીમાં છલાંગ લગાવી દીધી હતી અને બન્નેને જીવતા બહાર કાઢ્યા. ત્યારથી આનંદીબેન ચર્ચામાં આવી ગયા. રાજ્ય સરકારે તેમને વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા. બસ, આટલેથી તેમના જીવનમાં એવો ટર્નીંગ આવ્યો કે તેઓ સતત સફળતાનાં શિખરો સર કરતા રહ્યા. સામાન્ય રીતે શિખરો સર કરવા ખુબ સહેલા પડે છે પરંતુ ધોધમાર વરસાદમાં શિખર સર કરવો એટલો જ કઠિન બની જાય છે. આનંદીબેને ધોધમાર વરસાદમાં શિખર સર કરી લીધો તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.

ઇન્કમટેક્ષ ચાર રસ્તા એક ઝાડ નીચે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય લીધો

આનંદીબેન પટેલે રાજકીય પ્રવેશનો નિર્ણય ઇન્કમટેક્સ ચાર રસ્તા ઉપર આવેલા એક ઝાડ નીચે લીધો હતો. નર્મદા નદીમાં ડૂબતા બે વિદ્યાર્થીઓને બચાવવા જતા રાજ્ય સરકાર તરફથી મળેલા પુરસ્કાર બાદ નરેન્દ્ર મોદી તેમને મળવા ગયા હતા અને ભાજપમાં જોડાવવા માટે કહ્યું હતું. ત્યારબાદ ભાજપમાં જોડાઈને મહિલા માટેના અનેક કાર્યક્રમો, સમાજ સેવાના કર્યો કરીને લોકોના દિલમાં સ્થાન મેળવવાનું શરૂ કર્યું. આનંદીબેન જયારે જયારે રાજકીય પ્રવાસમાં જતા ત્યારે ત્યારે તેમની જીપ આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચલાવતા હતા.

મહિલા મોરચાથી માંડીને મુખ્યમંત્રી સુધીની રાજકારણની સફર

આનંદીબેન પટેલની બેજોડ સંગઠન શક્તિએ ગુજરાતમાં ભાજપના મહિલા મોરચાને જન્મ આપ્યો અને તેને ઉચ્ચત્તર મુકામ સુધી પહોંચાડ્યો. એક તેજસ્વી શૈક્ષણિક પ્રતિભા તરીકે તેમને રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ ઉપલાં ગૃહ તરીકે ઓળખાતાં રાજ્યસભામાં મોકલાયાં હતાં. ભાજપની ન્યાય યાત્રા કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની તિરંગા યાત્રામાં જોડાઇને પોતાની બહાદૂરી, રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જાગૃતિના મૂલ્યોનો પરિચય કરાવી ચૂકેલાં આનંદીબેને માંડલ બેઠકથી રાજ્ય વિધાનસભામાં પગરણ માંડ્યાં અને તે પછી વર્ષો વર્ષ રાજ્યના વિવિધ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં રહ્યાં. દાયકાઓના શિક્ષણ ક્ષેત્રના અનુભવના કારણે ગુજરાતને તેમનાં સ્વરૂપે રાજ્યનાં સૌથી અસરકારક શિક્ષણ મંત્રી સાંપડ્યા. મહેસૂલ મંત્રી તરીકે તેમણે મહેસૂલી તુમારોની અટપટી જાળને વિખેરીને સમગ્ર તંત્રને વિકેન્દ્રિત અને સુવ્યવસ્થિત બનાવી સામાન્ય માણસ માટે તેની પહોંચ બનાવવાનું સરળ કામ કર્યું. ગુજરાતનાં મહેસૂલી તંત્રમાં આધુનિક સુધારાઓનાં પ્રણેતા આનંદીબેન બન્યાં. માર્ગ અને મકાન મંત્રી તથા શહેરી વિકાસ મંત્રી તરીકે તેમણે દેશવિદેશમાં વખણાયેલાં ‘ગુજરાત મોડલ’માં આંતરમાળખાકીય વિકાસ માટે દૃષ્ટિ અને ઝડપી અમલીકરણનાં દ્વાર ખોલી આપ્યાં. એકથી વધુ મંત્રાલયોમાં સફળ કામગીરી અને ગુજરાતના જાહેર જીવનમાં મુઠ્ઠી ઊંચેરા સ્થાનને લીધે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમની વરણીને સમગ્ર રાજ્યએ વધાવી લીધી હતી. મુખ્યમંત્રી તરીકે સાદગી, ઝડપી નિર્ણયક્ષમતા, વહીવટીતંત્ર પર પક્કડ અને દેશવિદેશના મહાનુભવો સાથેના સંપર્કો દ્વારા રાજ્યને નવી ગતિશીલતા બક્ષવાના તેમના પ્રદાનને ગુજરાત આજે પણ યાદ કરે છે.

અનેક સહકાર આપ્યો છતાં સમાજ આડો ઉતર્યો અને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું

અનેક ચઢાવ ઉતાર પછી ગુજરાતની સત્તાના સિંહાસને બેસનાર આનંદીબેન પટેલને ખબર નહોતી કે તેમની પીઠ પાછળ કેટલાક લોકો દ્વારા તેમને સત્તા સ્થાનેથી દૂર કરવા માટે મજબુર કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. આનંદીબેન મુખ્યમંત્રી બન્યા તે વાત ખુદ ભાજપના જ કેટલાક લોકોને આંખમાં કણાની જેમ ખૂંચી રહી હતી પરિણામે તેમના જ સમાજના લોકોને હાથો બનાવીને તેમની સામે ધરી દેવામાં વિરોધીઓ સફળ રહ્યા અને અંતે આનંદીબેને ગુજરાતની ગાદી ઉપરથી ઉંમરનું બહાનું ધરીને રાજીનામુ આપી દેવું પડ્યું. પડદા પાછળની સત્યતા ઉંમરનું કારણ નહોતું જ પણ પોતાના પક્ષના લોકોએ સમાજને હાથો બનાવીને કરેલો વિશ્વાસઘાત હતું. વિસ્તૃતમાં એ સમગ્ર બાબત લખાય તો પાટીદાર સમાજ ક્યારેય માફીને લાયક ન થઈ શકે. જે મહિલાએ સમાજ સેવામાં પોતાનું જીવન ઘસી નાખ્યું તે સમાજનો ઋણ ચૂકવવાનો વારો આવ્યો ત્યારે તે સમાજે ઋણ તો ન ચુકવ્યું પણ વિરોધી બની ગયા. ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનને હથિયાર બનાવીને તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું રાજકારણ પુરૂ કરી નાખવાના યેનકેન પ્રયાસો ખુદ ભાજપ પક્ષમાં જ શરૂ થઈ ગયા હતાં. એકાએક ચિત્રમાં આવેલા હાર્દિક પટેલ નામના લબરમૂછિયાએ તેની મૂર્ખતાનું પ્રદર્શન કર્યું અને સમાજની જ દીકરીને મુખ્યમંત્રી પદેથી હટાવવા તેની વિરુદ્ધ બેફામ ભાષણ બાજી કરી. હકીકતે આનંદીબેન પટેલે તે સમયે પાટીદાર સમાજને ખુબ જ મદદ કરી હતી. જીએમડીસી ગ્રાઉન્ડ ટોકનના ભાવે આપવાથી માંડીને તમામ ટોલ ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો હતો જે આજ સુધી કોઈ મુખ્યમંત્રી લઈ શક્ય નથી. છતાં સમાજના લોકો આનંદીબેન પટેલની વિરુદ્ધમાં પડ્યા, જેને લઇને ખુબ જ દુખ સાથે અચાનક જ ઉંમરનું બહાનું ધરીને આનંદીબેન પટેલને ગુજરાતની ગાદી છોડવાની ફરજ પડી હતી. ગુજરાતમાં જ આનંદીબેન પટેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન તેમની વિરોધી લોબી તેમની બદનામી થાય તેવા અનેક પ્રયાસો કરી રહી હતી અને આ મામલે તેમની દિકરી અનાર પટેલ અને જમાઈ વિરૂદ્ધ સ્થાનિક અખબારોમાં કૌભાંડનાં સમાચારો પણ પ્રકાશિત થતા રહેતા હતાં. લોકોને ક્યાં ખબર જ હતી કે આનંદીબેન પટેલ એક ખેડૂત પરિવારની દીકરી હતી અને વૈભવ તથા જમીનો તો તેમને વારસામાં મળેલી હતી.

ભાજપનો સૌથી ખરાબ નિણર્ય કે તેણે એક મજબૂત મહિલા મુખ્યમંત્રીનું રાજીનામુ સ્વીકાર્યું

આનંદીબેનનું સીએમ પદેથી રાજીનામુ સ્વીકારી લેવું એ ભાજપનો અત્યંત ખરાબ નિર્ણય હતો, કારણ કે ગુજરાતમાં આંદોલનો ચાલી રહ્યાં હતાં અને ભાજપ વિરૂદ્ધ જે રીતે રોષ ભભૂકી રહ્યો હતો તે જોતાં મજબૂત નેતાગીરીની આવા સમયમાં તાતી જરૂરિયાત હતી. છતાં આંદોલનને હથિયાર બનાવીને આનંદીબેન પટેલનો એકડો ભૂંસી નાખવાની ભાજપના જ નેતાઓની રણનીતિએ પક્ષને ઘણું નુકશાન પહોચાડ્યું હતું. આનંદીબેન પટેલ ભલે રાજકારણી રહ્યાં પરંતું અઠંગ રાજકારણ ખેલતા તેમને આવડ્યું નહીં અથવા તો રાજકીય દુશ્મનની ચાલ તેઓ સમજી શક્યા નહીં તેમ કહેવામાં કોઈ બે મત નથી. આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું ધરીને ગુજરાતની સત્તાનો ત્યાગ કર્યા બાદ શાંતિ પૂર્વક ગુજરાતના રાજકારણને જોવાની જરૂર હતી. આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનવાની તક સ્વીકારવાની ન હતી. આ વેળાએ પણ જો તેઓએ ઉંમરનું બહાનું આગળ રાખી પક્ષને આરામ કરવા ભલામણ કરી રાજ્યપાલ ન બન્યાં હૉત તો આજે ગુજરાતના રાજકારણમાં આનંદીબેન યુગની ફરીથી શરૂઆત થઈ શકી હોત તેમ કહી શકાય.

અંતે, મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા અને દીકરી અનાર સમાજ સેવામાં જોડાઈ

ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ ધર્યા બાદ હાલ મધ્યપ્રદેશનાં રાજ્યપાલ તરીકે બંધારણીય જવાબદારીનું વહન કરી રહેલાં આનંદીબેન પટેલે તેમના જીવનકાળ દરમ્યાન અનેક ચઢાવ ઉતાર જોયા છે. તમામ ચઢાવ ઉતારમાં તેઓ મજબૂત બનીને જીત્યા છે અને તેમના સપના સાકાર કર્યા છે. આજે તેમના પથ ઉપર તેમની દીકરી અનાર ચાલી રહી છે. સમાજ સેવાના કાર્યોથી લઈને જરૂરિયાતમંદ લોકોને સેવા કરી નાના વર્ગને આગળ લાવવા માટેની કામગીરી અનાર પટેલ કરી રહ્યા છે. આનંદીબેન પટેલની જીવનગાથા ઉપર પુસ્તક પણ લખાયેલું છે. જેનું નામ છે “આનંદીબેન પટેલ કર્મયાત્રી”. આનંદીબેન પટેલની એક કર્મયાત્રી તરીકેની જીવનસફરનાં આવાં તો અનેક પ્રેરણાદાયી પૃષ્ઠ ઉઘાડી આપતું આ પુસ્તક રાજ્યની ભાવિ પેઢીઓ માટે એક પ્રેરણાગ્રંથ તો સાથે સાથે ગુજરાતના રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ઇતિહાસને તપાસવા મથતા સંશોધકો માટે એક પ્રમાણભૂત દસ્તાવેજ સમાન બની રહેશે.

કોપી રાઈટ રિઝર્વ.આપને આ લેખ કેવો લાગ્યો. તે કોમેન્ટ માં જરૂર લખો.આપના રોજિંદા જીવનનાં ઉપયોગી હોય તેવા લેખ, લાગણીસભર સ્ટોરી, બોલીવુડની ગપસપ, ધાર્મિક વાતો, ફૂડ તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય તેજ ગુજરાતી.કોમ ન્યૂઝ રેગ્યુલર જોતાં રહો અને અમારા બધા ન્યૂઝ ડાયરેકટ મેળવવા 9909931560 પર મેસેજ કરવો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •