‘કરદેવી’ અને ‘કુળદેવી’  પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ધાર્મિક ભારત વિશેષ

સનાતન હિન્દુ ધર્મ અને આર્ય સંસ્કૃતિમાં હજારો વર્ષોથી શકિત પૂજાનો મહિમા છે. મનુષ્યને જ્યારે કુદરતી વૈજ્ઞાનિક સત્યો ન સમજાતાં ત્યારે તેને ગૂઢ ભૌતિક શકિત, અલૌકિક કે પ્રેરિત શકિત માની, તે શકિતને ચમત્કાર માનતા અને તેનાથી ડરતા અને તેનો કોપ ન ઊતરે તે માટે તે શકિતઓને ખુશ કરવા તે શકિતને પૂજતા, આહૂતિ આપતા.

આ શકિતઓનો વાસ આકાશી ગ્રહમાં તેમજ પૃથ્વી પર ડુંગર, પર્વત, વૃક્ષોમાં હોવાનું માનતા તો ક્યારેક કોઈ મનુષ્યમાં જણાતા તેની પૂજા કરતાં. આથી જે તે કાળની પુરાણ કથાઓ આવા દૈવી ચમત્કારોની વાર્તાથી ભરપૂર છે. ‘કરદેવી’ અને ‘કુળદેવી’ પણ એક શક્તિ સ્વરૂપ છે. આ શકિતને આપણે વર્ણવ્યવસ્થાના ભાગરૂપે કાર્ય કરતી જાતિ જ્ઞાતિની કુળદેવી કે દેવી માઁ તરીકે પ્રસ્થાપિત થયેલી જોઈ શકીએ છીએ. દરેક ધર્મ સંપ્રદાયો-પંથોમાં કરદેવી કે કુળદેવીનો સ્વીકાર થયો છે. આમાં ‘કરદેવી’ એટલે દરેક પરિવારને તેમની પરંપરા મુજબ સ્વીકારેલ દેવી – ખોડિયાર, અંબાજ, આશાપુર, ગેલ અંબ, મેલડ, શિકોતર વગેરેના સ્વરૂપને માની, તેમના સ્થાનક-મઢ સ્થાપી, ત્યાં લગ્ન પ્રસંગે, બાબરી ઉતારવાની વિધિ, નિવેદ, લાપસી કે ગરબીનું આયોજન કરવામાં આવે છે. ‘કુળદેવી’ એટલે સમગ્ર જ્ઞાતિ અને સમાજના લોકો જેની પૂજા કરે છે તે. જયાં દર વર્ષે ચોક્કસ સમયે મેળો ભરાય, ધજા ચડે, પગપાળા સંઘો નીકળે, સામૂહિક પૂજા કરે છે.

કરદેવી કે કુળદેવીનો મહિમા ઘેર ઘેર છે. તેમની સાથે સંકળાયેલા તમામ નિયમો જેવા કે મીંઢોળ છોડવું, વર્ષમાં એકવાર દર્શને જવું, નિવેદ ધરાવવા, માતાજીનો ગોખ પુરવો વગેરેનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. નવી પેઢી આવી ધાર્મિક ક્રિયાઓ પ્રત્યે કદાચ મોં મચકોડે પણ કુટુંબના વડવાઓ તેમને કુળદેવીનું મહત્ત્વ સમજાવે છે. ઘણાંને કરદેવી કે કુળદેવીની ખબર નથી હોતી. તેવા લોકોએ કુટુંબના વડવાઓ પાસેથી કે કુળગોર પાસેથી સાચી વિગતો મેળવી લઈ પૂજા શરૂ કરવી જોઈએ. દરેક શુભ પ્રસંગે ગણપતિ પૂજન પછી કુળદેવીનું સ્મરણ કરાય છે. જે વર્ષોથી ચાલી આવતી કુળદેવીની પરંપરા દર્શાવે છે. ઘણાંને પોતાનું ગોત્ર કે સૂરા-પૂરાની ખબર હોતી નથી. આ સૂરા-પૂરાએ ગામ કે કુટુંબની રક્ષા માટે આપેલા બલિદાનનાં પ્રતીક તરીકે પૂજાય છે. તેમની મૂર્તિ હોતી નથી પણ લાકડું કે પથ્થરના ‘ફળા’ હોય છે. તેમને ક્ષેત્રપાળ-ખેતરપાળ પણ કહે છે. તેમનું સ્થાનક મોટાભાગે ખેતરમાં શેઢે – પાળે હોય છે. ઘણાં લોકો અચાનક જ સમસ્યાઓમાં અટવાઈ જાય છે. તેમને શારીરિક, માનસિક, કૌટુંબિક અને આર્થિક ફટકાઓ પડે છે. ત્યારે એમને કુળદેવી યાદ આવે છે.

કુળદેવીમાં નહીં માનનારા આવી વાતોમાં ભરોસો નથી રાખતાં. પણ બે – ત્રણ ફટકા વધુ પડે એટલે સીધાદોર થઈ જાય છે. જો તમે ધર્મમાં માનતા હો તો તમારે કરદેવી કે કુળદેવીમાં અવશ્ય માનવું જોઇએ. કુળદેવીનું સ્મરણ, પૂજન – અર્ચના સુખ શાંતિ આર્પે છે. અને કૌટુંબિક પરંપરાને જીવંત રાખે છે. કેટલીક બાબતો શ્રધ્ધા અને અનુભવ કરવાની હોય છે. કુળદેવીમાં શ્રધ્ધા પણ આવું જ કંઈક છે. ઘણાં આવી વાતોને અંધશ્રધ્ધાના ફેલાવા સાથે સાંકળી વૈજ્ઞાનિક મતો આગળ ધરે છે. પરંતુ કૌટુંબિક પરંપરા સાચવવામાં કશું ખોટું નથી.આધુનિક ટેકનોલોજીવાળી જીવનશૈલીમાં કરદેવી – કુળદેવીને ભૂલી જવાય છે. પરંતુ દરેક વાલીએ તેમના સંતાનોને કરદેવી – કુળદેવીની પૂજા વારસામાં આપવી જોઈએ. સુખ-શાંતિ-સમૃદ્ધિમય જીવન માટે કુળદેવી નમના શકિત તત્ત્વને રોજિંદી જીવનશૈલીમાં વણી લેવાની જરૂર છે. પોતાના કુળદેવતાને ભજવામાં નાનપ શેના માટે? વર્ષોથી આપણા વડવાઓ જેને પૂજતા હોય તે અંગે બહુ પ્રશ્નો ના હોવા જોઈએ. ગમેતેટલી સફળ વ્યક્તિ હોય પણ કરદેવી – કુળદેવીને ભૂલવી ના જોઈએ. કુળદેવીને ભૂલવી એ “માઁ” ને ભૂલવા બરાબર છે.પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares