પ્રેમનું અલગ રુપ – હિતાક્ષી બુચ.

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

પ્રાચી આજે કંઈક વધુ વ્યાકુળ હતી, હાથમાં કોફીનો કપ લઇ ઓસરીમાં ઉભી હતી. સંખેડા ના ઝુલા પર પડેલો ફોન થોડીવાર થાય ને રણક્યો જ હોય. જાણતી હોવા છતાં એને ફોન તરફ નજર નાખવાનું મન ન હતું.

મનોમન જાણતી હતી કે આ ચોક્કસ મિતુલ જ હશે. આજે એની સાથે વાતો કરવાનું મન ન હતું. સમયની સાથે બંને ની દોસ્તી પરિપક્વ બની હતી. બંને એક સોસીયલ મીડિયાના માધ્યમ દ્વારા પરિચયમાં આવ્યા હતા. લગભગ એક વર્ષથી એકબીજા ની મિત્રતા માણતા હતા.

ખૂબ જ શાલીન એવો મિતુલ પણ આજે કોણ જાણે કેમ આટલો બેબાકળો બન્યો હતો. કદાચ…

ફરી એકવાર ફોનની ઘટડી વાગી.. પ્રાચીના મનમાં પણ ગુસ્સો લાવા બનીને બહાર આવવા જાણે કે વ્યાકુળ હતો. એને ફોન ઉપાડવાનું નક્કી કર્યું.

હેલો ! શું ધાર્યું છે તે આજે. શા માટે આ રીતે મને ફોન કરી રહયો છે. મેં તને કહ્યુંને કે…

( સામેથી) ના તારું કહ્યું નથી માનવું મારે.. હું શું કહેવા માગું છું એ તો સમજ..

ના મારે નથી સમજવી તારી વાતો.. તારી વાતો મારી સમજની બહાર છે. તારા માટે બધુ સરળ અને બંધ બેસતું છે પણ મારા માટે નહીં.

મિતુલ તું જે કહે છે એ હું નહિ કરી શકું.

પ્રાચી હું તને દુનિયાથી વિપરીત દિશામાં આગળ વધવા નથી કહી રહ્યો. આજે ઘણાં યુગલો એવા છે જે પરણિત હોવા છતાં..

હા તો શું મારે પણ… અત્યાર સુધી તે ક્યારેય..

એટલે જ તો આજે તારા માટે શું અનુભવું છું એ કહેવા આટલા ફોન કરી રહ્યો છું. પણ.. જો દરેક મનુષ્ય પોતાના સામર્થ્ય પ્રમાણે જીવનભર સંબંધોનો નિર્વાહ કરતો હોય છે. એ લાગણીના, ફાયદાના તથા શારીરિક હોઈ શકે. પરંતુ એનો અર્થ એ નથી કે બધું જ અયોગ્ય છે ?

પણ તું જે કહી રહયો છે ને એ તદ્દન અયોગ્ય છે. શું કહ્યું હતું તે…. હા.. તું સેપીયોસેક્સુઅલ (Sapiosexual) છે એમજ ને…. મિતુલ જરા આપણી મિત્રતાની તો શરમ ભર. આ રીતે જાતીય સંબંધો ની વાતો. મિત્રતામાં જાતીય સુખની પરિભાષા શોધવાનો પ્રયાસ અને એ પણ આપણે બંને લગ્નેતર સંબંધો થી જોડાયેલા છીએ તેમ છતાં.. હું તો તને માત્ર..

મિતુલ, અરે મારી ભોળી ડાર્લિંગ.. તે સેપીયો સેક્સુઅલ વિશે નથી સાંભળ્યું ?

જો મિતુલ મને આ બધું પસંદ નથી. મેં હોમો સેક્સુઅલ, બાઈ સેક્સુઅલ વગેરે વિશે સાંભળ્યું હતું. તું તારા અંગત ફાયદા માટે આ નવું વિજ્ઞાન અને એના પ્રયોગો ઉભા ન કરે તો સારું.

પ્રાચી આ મારી મનઘડત વાતો નથી. જો જરા ખુલ્લા મન થી સમજ અને સાંભળ. સેપીયોસેક્સુઅલ એટલે એક પ્રકારનું આકર્ષણ છે પરંતુ એ શારીરિક દેખાવ કે સુંદરતાના લીધે નથી હોતું. સેપીયોસેક્સુઅલ વ્યક્તિ એને કહેવાય જે સામેવાળા પ્રત્યે એના વિચારો, બુદ્ધિમત્તા ના લીધે એના પ્રેમ માં પડી હોય. આવી વ્યક્તિ શારીરિક જરૂરિયાત કરતા માનસિક જરૂરિયાત માં વધુ માને છે. એને મન પોતાના પાર્ટનર ની સાથે એક રાત ગાળવા કરતા થોડી મિનિટો પ્રેમ ભરી વાતો તથા વિચારોની આપલે વધુ આનંદ આપનારી હોય છે. ખાલી શારીરિક જરૂરિયાતથી પાંગરેલા સંબંધો અહીં થી ત્યાં ભટકતા જ રહે છે. મને નથી લાગતું કોઈના વિચારો અને સકારાત્મક પ્રતિભાથી પ્રભાવિત થઈ ને પ્રેમ કે આકર્ષિત થવું અયોગ્ય છે. અને એમાં પણ વૈચારિક સમકુંઠતા ની સાથે દેખાવ પણ હોય તો જરૂર એ સંબંધો કઈક અલગ જ વળાંક લે છે.

આવા લોકો જલ્દી કોઈ થી આકર્ષિત થતા પણ નથી. હું પણ કંઈક આવો જ છું. હું જાણું છું કે તું તારા સંસારમાં ખૂબ જ ખુશ છે અને હું પણ છતાં..

છતાં શું ?

આપણી જરૂરિયાત શારીરિક સંબંધોની નથી. આપણે એકબીજાને વૈચારિક મહતતા ને લીધે પસંદ કરીએ છીએ. અને હું તારા તરફ તારા શરીરને લીધે નહિ પરંતુ તારી બૌદ્ધિકતા ના લીધે પ્રેમ કરું છું. અને એ તો હું કરતો રહીશ. મારા મતે સેપીયોસેક્સુઅલ હોવું કઈ અજુગતું કે ખોટું નથી. ઘણીવાર તમારું સુસુપ્ત મન આમ કરવા માટે વિવશ કરે છે. કદાચ તને મારુ આ પાગલપન પણ લાગે. મને એની પરવાહ નથી. પરંતુ મને આમાં કોઈ પાપ કે પાંખડ નથી દેખાતું. હું તો મારા અંતિમ શ્વાસ સુધી આમ જ ચાહતો રહીશ. તું સાથે હોઈશ કે નહીં હોય…

(થોડીવાર વિચાર્યા પછી ) મારી પાસે તને કહેવા માટે કશું જ નથી. તારી વાતો એ મારા મનમાં અલગ જ પ્રકારની છાપ છોડી છે અને તેના થકી હું સમજી શકી છું પ્રેમને કઈક અલગ જ રીતે. – હિતાક્ષી બુચ.

TejGujarati
 • 44
 •  
 •  
 •  
 •  
 •  
  44
  Shares
 • 44
  Shares