જીવન-નાટકનો ત્રીજો અંક જામવો જોઈએ :   પ્રાધ્યાપક રામજી સાવલિયા.

ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

હમણાં નાટક વિશે એક મિત્રે કહ્યું, “ખરેખરી જમાવટ તો યાર, ત્રીજા અંકમાં થાય છે.” ત્રિઅંકી, નાટકમાં, સામાન્ય રીતે પહેલાં અંકમાં નાટકનો પથારો થાય, બીજામાં એ આગળ ચાલે અને ત્રીજા અંકમાં જામે છે. આપણું જીવન પણ ત્રિઅંકી નાટક છે. પણ પ્રશ્ન એ છે કે, એને આપણે એ રીતે જીવીએ છીએ ખરા? આપણા જીવન-નાટકનો ત્રીજો અંક જામે છે ખરો? ઉંમર આપણને થકવી નાખે છે કે, વધુ પરિપક્વ બનાવે છે? માણસ યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ બને છે. વૃદ્ધાવસ્થા એ જીવનના નાટકનો ત્રીજો અંક છે. એ અંક ખરેખર તો સૌથી રસપ્રદ હોવો જોઈએ,સૌથી વધુ જામવો જોઈએ. એના બદલે એ અંકમાં નાટક શિથિલ થઈ જાય છે. આમ કેમ બને છે? નોકરીમાંથી માણસને ૫૫,૫૮ કે ૬૦ વર્ષે નિવૃત્ત કરી દેવામાં આવે છે. ૬૦ વર્ષે માણસની શારીરિક શકિતઓમાં કેટલીક ઓટ જરૂર આવે છે. પરંતુ એણે મેળવેલ અનુભવ, જ્ઞાન અને કૌશલ્યને કારણે એ ઓટ-ખોટ સાવ નહિવત્ બની જાય છે. વૃદ્ધ માણસ, કિશોર કે યુવાન જેવું ભલે ન કરી શકે, પણ વૃદ્ધ તરીકે એવાં અનેક કામો હોય છે જે માત્ર અનુભવી, ઠરેલ, પ્રશાંત, ધીરજવાન વૃદ્ધો જ કરી શકે છે. કાચા, ઉતાવળા, અધૂરિયા યુવાનો એ કરી શકતા નથી. વૃદ્ધાવસ્થામાં શકિત ફુવારા જેવી ઉછળતી નથી, પરંતુ સ્થિર, શાંત નદીની જેમ વહે છે. બાળક અને વૃદ્ધની પરવશ સ્થિતિ સમાન હોય છે. તેઓ પોતાની અગત્યતા અવારનવાર સાબિત કરવા મથે છે. પરંતુ ડાહ્યો માણસ વૃદ્ધાવસ્થા આવતાં જ કાચબાની જેમ કેટલીક પ્રવૃત્તિઓ સંકેલી લે છે, કેટલુંક આંબી ન શકાય એવું છોડી દે છે અને પોતાની મર્યાદાઓ સ્વીકારીને પોતાનું સ્થાન નિશ્ચિત કરી લે છે. અને તે સ્થાનેથી કોઈ એને ક્યારેય હટાવી શકતું નથી. આપણું જીવન પણ નદી જેવું છે. જે પાણી વહી ગયું હોય તે ક્યારેય પાછું આવતું નથી તેવું જીવનની બીજી અવસ્થાઓની જેમ જ પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થાને પણ ખાસ વિશિષ્ટતાઓ છે. ખરેખર તો નાટકનો છેલ્લો અંક સૌથી વધુ જામવો જોઈએ. અનેક અનુભવોથી પરિપક્વ બનેલ માણસે તો એ અવસ્થાને પૂરો લાભ લેવો જોઈએ. અને, આવું ક્યારે બને? જો પહેલેથી જ એના પર બરાબર ધ્યાન આપ્યું હોય તો જ જીવન-નાટકનો છેલ્લો અંક જામે. જયાં સુધી જિંદગીમાં મીઠાશ અને ઉત્સાહ, હૃદયમાં મહત્વાકાંક્ષા તથા તન, મનમાં કાર્યરત રહેવાની તમન્ના હોય, ત્યાં સુધી માણસ ઘરડો થતો નથી. જો આવી સ્થિતિ પ્રાપ્ત થાય તો સમજવું કે જીવન-નાટકના ત્રીજા અંકની પૂરી જમાવટ થઈ.પ્રાધ્યાપક રામજી સાવલિયા. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 92
 •  
 •  
 •  
 •  
 •  
  92
  Shares
 • 92
  Shares

Leave a Reply