માર્ગ સલામતી માટે અમદાવાદ પોલીસ કમિશનરનો મંત્રઃ ઈચ વન ચેન્જ વન.

ગુજરાત ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

માર્ગ સલામતી માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એ.કે.સિંહે નવો મંત્ર આપ્યો છે – ઈચ વન ચેન્જ વન (દરેક વ્યક્તિ એક જણની માનસિકતા બદલે). દરેક બદલે એકનો આ મંત્ર અપનાવ્યા પછી તેની વિગતો સોશિયલ મિડીયા પર મૂકવામાં આવે તો તેનું ચેઈન રિએક્શન થઈ શકે અને સમગુણોત્તર રીતે તેમાં પ્રગતિ થાય તો તે જનઅભિયાનનું સ્વરૂપ ધારણ કરે. આ સૂત્ર સાકાર થાય તો રોડ પર તેની અસરો દેખાઈ શકે અને અમદાવાદ ખરા અર્થમાં સ્માર્ટ સિટી બની શકે, એવો નવતર વિચાર તેમણે રજૂ કર્યો હતો.

એક્ટીવ ટ્રાફિક કન્સલ્ટેટીવ કમિટી (એટીસીસી) અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સ્ટેડિયમ અને પરિમલ ગાર્ડનમાં વર્લ્ડ રિમેમ્બ્રન્સ ડે નિમિત્તે ખાસ કાર્યક્રમ અને ટ્રાફિક જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે અમદાવાદમાં વર્ષ 2016ની સરખામણીએ 2017માં અને પછી 2018માં અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે. ગંભીર જીવલેણ અકસ્માતો ઘટ્યા તેનો શ્રેય ટ્રાફિક પોલીસ ઉપરાંત શહેરીજનો બંનેને ફાળે જાય છે.

હેલ્મેટના ઉપયોગ વિશે થયેલા એક સર્વેક્ષણ મુજબ અમદાવાદમાં હેલ્મેટ પહેરીને બાઈક કે સ્કૂટર ચલાવનારાઓની સંખ્યા 34 ટકા છે, જ્યારે 96 ટકા શહેરોમાં તેનું પ્રમાણ 90 ટકા છે. પોલીસદળે નિર્ધાર કર્યો છે કે ટુ-વ્હીલર ચલાવનારાઓમાં હેલ્મેટના ઉપયોગનું પ્રમાણ 34 ટકાથી વધારીને 94 ટકા કરીને જ ઝંપીશું. થોડા દિવસો પહેલા અમે એલ.ડી. એન્જીનિયરીંગ કૉલેજમાં બ્રેઈન બચાઓ, હેલ્મેટ પહેરો અભિયાન કર્યું હતું. મોટર ચલાવનારાઓ બાઈક કે સ્કૂટરચાલકો કરતા વધારે અધિકારો ધરાવતા નથી. એવી જ રીતે બાઈકચાલકો સાયકલચાલકોથી વધારે અધિકારો ધરાવતા નથી. સૌથી વધારે અધિકારો રસ્તે ચાલતા રાહદારીઓના હોય છે. વિદેશમાં સિગ્નલ મળતા પહેલા કોઈ ભુલથી રોડ ઓળંગે તો વાહનચાલકો તેના પર ગુસ્સો કરવાને બદલે વાહન ઊભું રાખીને પ્રેમથી રાહદારીને રસ્તો ઓળંગવા દે છે.

આ એક એવો શિષ્ટાચાર છે કે જેનાથી શહેર અને દેશની પ્રતિષ્ઠા વધે છે. ગુજરાત રોડ સેફ્ટી એક્ટ હેઠળ કમિટી ટ્રાફિકના કાયદાનું પાલન નહિ કરનારી વ્યક્તિઓની સંસ્થાના હોદ્દેદારોને રૂ. એક લાખ સુધીનો દંડ અને ત્રણ મહિનાની જેલની સજા કરી શકે છે. થોડા દિવસો પહેલા અમે ફુડ ડિલીવરી ચેઈનના સંચાલકોને બોલાવીને તેઓને ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરવા સમજાવ્યા હતા. હવે શાળાઓને પણ કહેવામાં આવ્યું છે કે તમારા વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના વાલી ઉપરાંત પ્રિન્સીપાલને પણ દંડ થઈ શકશે, એમ પોલીસ કમિશનરે ઉમેર્યું હતું.

આ કાર્યક્રમમાં એટીસીસીના પ્રમુખ ડૉ. પ્રવિણ કાનાબારે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતના મૃતકોના પરિવારજનોને સહન કરવી પડી રહેલી વેદનાને યાદ કરીને તેઓને સાંત્વન આપવાનો આ દિવસ છે. રસ્તા પર વાહન ફુલ સ્પીડમાં ચલાવવાની માનસિકતા આપણે બદલવી પડશે. આપણે બધા ટ્રાફિકના નિયમોને એક જવાબદારી સમજીને માન આપીએ. એજ્યુકેશન, એન્જીનિયરીંગ, ઈમરજન્સી સારવાર અને કાયદાના અમલીકરણ (એન્ફોર્સમેન્ટ) એમ ચાર ઈ ટ્રાફિક શિસ્તના આધારસ્તંભ છે. એ.કે.સિંહે પોલીસ કમિશનર તરીકે ટ્રાફિકમાં મોટાપાયે સુધારા કરીને અમદાવાદ શહેરની જ નહિ બલકે માનવજાતની અભૂતપૂર્વ સેવા કરી છે. તેના માટે ઉપસ્થિત જનમેદનીએ સ્ટેન્ડીંગ ઓવેશન સાથે તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

કાર્યક્રમમાં પરિવારજનો ગુમાવ્યા હોય એવા કેટલાક સભ્યોએ આપવિતી રજૂ કરી હતી. તે ઉપરાંત ગન રાઈડર્સ મોટરસાઈકલ ક્લબના સભ્યો, 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના સભ્યો અને તબીબોએ અકસ્માત રોકવા અગમચેતીના પગલાં અને અકસ્માતના ઈજાગ્રસ્તોને કેવી રીતે બચાવી શકાય તેનું નિદર્શન ડૉ. રસેશ દિવાન અને 108ની ટીમના સહયોગથી રજૂ કર્યું હતું.

આ પ્રસંગે ટ્રાફિકમાં ઉત્તમ કામગીરી બજાવનારા પોલીસકર્મીઓ – હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ, કમલેશભાઈ, અસફાકભાઈ ઉપરાંત સિવીલ હૉસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. એમ.એન.પ્રભાકર, વી.એસ. હૉસ્પિટલના ડૉ. મલ્હાન, સોલા સિવીલ હૉસ્પિટલના ડૉ. નેહલ નાયક સહિતની ટીમો અને 108ની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબના રવિન્દ્ર દફતરી, ગિરીરાજ દવે અને અન્ય અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત હતા. એટીસીસી વતી તરલ બકેરીએ ઉપસ્થિત તમામ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લેવરાવ્યા હતા. સંજય ત્રિવેદી – સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares