“એક ડંખ, ક્યાંક બદલાવ ઝંખે છે….”ખ્યાતિ શાહ.

કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત વિશેષ સમાચાર

એકદમ જોરથી બ્રેક લાગ્યાનો અવાજ આવ્યો અને કાર ઊભી રહી કે ચાલકે બુમ પાડી…..

“ઓ….. કાકા સંભળાતું નથી…….?” આજુબાજુ જોઈ ફરી તોછડાઈ સાથે યુવાન જોરથી બબડ્યો….. “આ ડોસલાંઓ ઘરમાં બેસતા હોય તો……”

સાવ ધીમી ગતિએ સ્કૂટર પર રસ્તો ક્રોસ કરી રહેલા મોટી ઉંમરના દાદા પાછળથી અવાજ આવતાં એકદમ હેબતાઈ ગયા. એમાં ગભરાટમાં એમનાથી સ્કૂટરનું બેલેન્સ ગયું. બાજુમાંથી પસાર થતા બાઈક સાથે જરા અથડાયા પણ બાઇકવાળાએ બરાબર સંભાળી લીધું એટલે બંને પડતાં પડતાં બચી ગયા. કારચાલક તો જોયું ન-જોયું કરી બાજુમાંથી જગ્યા મળી કે નીકળી ગયો. પણ દાદા ખૂબ અસ્વસ્થ થઇ ગયેલા એટલે બાઇકવાળા ભાઈ અને બીજા 2 3 જણાંએ તેમને ફૂટપાથ પર બેસાડ્યા. ત્યાં તો એમનાથી હીબકે હીબકે રડી પડાયું.

ત્યાં ખૂણાની જ દુકાનમાં ખરીદી કરી રહેલી હું આ બધું જોઈ રહી અને આ ઘટના ક્યાંક મને ડંખી ગઈ. આપણે વડીલોને કેટલું બધું માન આપીએ છીએ નહિ! આ બનાવ આપણા સમાજનો અરીસો બતાવી ગયું. આમ તો આપણે દરેક વાતમાં પશ્ચિમી દેશોનું અનુકરણ કરતા થઇ ગયા છીએ, તો અહીં કેમ નહીં? ઓહ…. ત્યારે તો આપણો દંભ બોલી ઉઠશે કે…. ‘ત્યાં તો છોકરાવ 18 ના થાય એટલે માં-બાપ ને છોકરાવ અલગ જ રહે. પાંખો આવે ને છોકરાવ ઉડી જાય. કોઈ કોઈનું નહીં એટલે જ તો વૃધ્ધાશ્રમો ચાલે છે.’ પણ સાચું કહું તો અમેરીકાના પ્રવાસ દરમ્યાન મેં કંઈક જુદી જ હકીકત જોઈ. દરેક જાહેર સ્થળ પર સિનિયર સીટીઝન માટે પાર્કિંગની વ્યવસ્થા અલગ હોય, ક્યાંક તો વ્હીલ-ચેરની પણ વ્યવસ્થા હોય, રસ્તો ક્રોસ કરતાં હોય ત્યારે તરત બધા જગ્યા કરી આપે અને કાર ઉભી રહી જાય, દરેક જગ્યાએ એમને પ્રાયોરિટી મળે એટલું જ નહીં પૂરા માન સાથે સહકાર મળે. મેં ત્યાં 90 પ્લસની ઉંમરના વડીલોને એકદમ સરસ તૈયાર થયેલા, આરામથી ફરતાં, શોપિંગ કરતા, ડ્રાઈવ કરતા જોયા. ઉંમર સાથે શારીરિક તકલીફો તો થાય, એ વાત ત્યાં સૌ કોઈ સમજે અને સ્વીકારે છે. એટલું જ નહીં ઉંમરને લીધે કે બીજા કારણોસર થયેલી શારીરિક તકલીફો સાથે પણ પોતાની લાઈફ સ્વતંત્ર રીતે હસતાં જીવી શકાય એ અમેરીકાના લોકો પાસેથી શીખવા જેવું ખરું.

મારા આંગણામાં ઘણી ચકલીઓ આવે છે, દર ચોમાસે ચકલીનો માળો હોય અને બચ્ચા આવ્યા હોય. બચ્ચા પાંખો ખોલી ઉડતાં શીખ્યા ન હોય ત્યાં સુધી ચકલી માળામાં રહેતા બચ્ચાની ચાંચમાં ચણ મૂકી ખવડાવે. ધીમે ધીમે બચ્ચા પાંખો ફફડાવી થોડું ઉડતાં અને આંગણાંમાં ચાલતા થાય ત્યારે ચકલી આસપાસ ચીં ચીં કરતી સાથે જ હોય. કપડાં સુકવવાના તાર પર તો ક્યારેક કુંડામાંના છોડ પર બચ્ચા ફુદકતા ઉડતા શીખતાં હોય અને એ દ્રશ્યો જોવા મને ખૂબ ગમે. બચ્ચા બરાબર ઉડતાં ન શીખે ત્યાં સુધી ચકલી એમની સાથે રહે અને ખાવાનું લાવી આપી પોષતી હોય. જેવા બચ્ચા ઉડતા શીખી જાય કે માળો ખાલી થઇ જાય. બચ્ચાઓ સ્વતંત્ર રીતે ઉડી જાય અને ચકલી પણ. ક્યાંય કોઈ એકબીજાને બાંધે નહીં કે રોકે નહીં!

પણ ભઈ આપણે તો માણસ, આ ચકલાંઓ જેવું થોડું જીવાય છે! બાળક પેદા કર્યું, એને ઉછેરી, ભણાવી, ગણાવી મોટા કર્યા. તો હવે આપણું સંતાન કમાઈ ધમાઈ આખા કુટુંબની જવાબદારી ઉપાડી લે અને આપણી સેવા કરે… એ જ તો રીત છે. કંઈક આવું જ મોટાભાગના આપણે વિચારીએ છીએ કે?! આપણે પ્રેમવશ બાળકને જન્મ આપી, આપણા સંતાનનો ઉત્તમ રીતે ઉછેર કરી એમને એમની રીતે છુટા મુકતા શીખ્યા જ નથી. બાળક નાનું હોય ત્યારથી જ માં-બાપની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ અને અપેક્ષાઓનો બોજ અજાણતાં ક્યારે માં-બાપ પોતાના સંતાનો પર લાદી દે છે એમને જ ખ્યાલ રહેતો નથી. પોતાના સંતાનોની આગવી પસંદ-આવડત હોય શકે, અલગ વિચારધારા અને આગવું વ્યક્તિત્વ હોય શકે, એ વાત બહુ ઓછા પેરેન્ટ્સ સમજે અને સ્વીકારે છે. પરિણામ સ્વરૂપ બને છે એવું કે પોતાને સ્વતંત્રતા મળે એટલે ઉચ્ચ અભ્યાસાર્થે કે પછી નોકરી ધંધાના બહાના હેઠળ સંતાન દૂર બીજા શહેર કે પરદેશ વસી જાય છે. બારીકાઈથી અવલોકન કરશો તો જણાશે કે સંયુક્ત કુટુંબમાં રહેતા વડીલો સમય જતા સંતાનો માટે ક્યાંક બોજારૂપ જવાબદારી, ઘરનો ખૂણો પૂરનારા બની રહી જાય છે. વડીલોનું વાતે વાતે અપમાન અને અવહેલના થાય છે. અને ક્યારેક તો એટલી હદે વૃધ્ધોની હાલત ખરાબ થતી જોવા મળે છે કે ઘરમાં કોઈ રાખતું નથી અને વૃધ્ધાશ્રમમાં જતા ગ્લાનિ અનુભવાય છે.

એકતરફ પોતાનાઓ તરફથી પ્રેમ-હૂંફનો અભાવ અને એકલતાને કારણે હતાશાનો શિકાર થતા જતા આપણા વડીલો છે, બીજી તરફ ક્યાંક સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ ભૂલી આપણા મૂળ સંસ્કારોને નેવે મૂકી બેફામ થતો જતો યુવાવર્ગ છે. આમ જોઈએ તો દોષ કોઈ એકનો નથી, પણ મૂળમાં રહેલી આપણી વિચારધારાનો છે. આ વાત આપણે જેટલી જલ્દી સમજી બદલાવ લાવીશું એટલું આપણા સમાજના હિતમાં છે.

તમારા સંતાનોને સમય આવ્યે એમનું આકાશ આપો… મુક્ત રીતે ઉડવા દો. બાંધો નહીં પણ પ્રેમવશ એ ફરી તમારા તરફ ખેંચાય, તમારી સાથે હૃદયથી જોડાયેલા રહે એટલી મોકળાશ આપો. તમે જે આપશે એ જ ફરી તમને એમના તરફથી મળશે… સંતાનોને પ્રેમ, સમજ, સાથ, સહકાર, સ્વતંત્રતા, માન આપશો તો પરત એમના તરફથી પણ એ મળશે જ. બંને પક્ષે થોડા થોડા ઝુકીએ અને એકબીજાને સંભાળી લઈએ તો કેવું ?

એમ ભણતરની રીતો બદલાઈ ગઈ
બાપ ઘરડો થયો તો અભણથઇ ગયો!
– હર્ષ બ્રહ્મભટ્ટ.

જળ, હવા ને વૃક્ષ, એ તો ત્રણ થયાં!
માં અને બાપા’ય ક્યાં સચવાય છે?
– મધુસૂદન પટેલ ‘મધુ’

ખ્યાતિ શાહ.

TejGujarati
 • 7
 •  
 •  
 •  
 •  
 •  
  7
  Shares
 • 7
  Shares