” મોટી પાર્ટી માં જ આનંદ મળે એવું નથી, – જયશ્રી બોરીચા વાજા.

કલા સાહિત્ય ગુજરાત સમાચાર

*નિશબ્દ !!*
——-
સુમી અને શ્રવણ નો લાડકો દીકરો શ્રુજન..
નામ એવો જ સુંદર,
પણ નટખટ પણ એટલો જ..
સુમી અને શ્રવણ ના લગ્ન ના 5 વર્ષ પછી જન્મ્યો શ્રુજન..
કઈ કેટલીય માનતાઓ રાખી,
કેટલા ભગવાન પૂજ્યા,
અને જયારે જન્મ્યો ત્યારે તો જાણે કાનુડો પધાર્યો ..!!
ખુબ જ લાડકોડ થી ઉછેર્યો,
પણ,
સુમી એની પરવરીશ માં કોઈ ખામી ના રાખતી..
જરૂર પડે ડાંટ ફટકાર પણ આપતી,
શ્રવણ રોકે તો,
‘તમે ચૂપ જ રહો પ્લીઝ..’
કહી બેસાડી દેતી.
અને પાછળ થી શ્રવણ ને મનાવી લેતી..
કહેતી કે,
‘થોડું તો જરૂરી છે હો ..,
મીઠા સાથે કડવું પણ હોય તો હેલ્થ સારી રહે સમજ્યા ..’
કહી ને આંખ મારી હસી દેતી ..

પણ હમણાં થી શ્રુજન નું વર્તન કૈક અલગ જ થઈ ચૂક્યું હતું.
જે શ્રવણ એ પણ અનુભવ્યું ..
બંને એ પ્રેમ થી પોતપોતાની રીતે પૂછવા પ્રયત્ન કર્યો,
પણ કઈ ફેર ના પડ્યો ..
શ્રુજન ઘણા સમય થી સ્કૂલ માં કૈક ને કૈક ભૂલી જ આવતો..
પોતાની નાની વસ્તુ પણ સાચવતા શ્રુજન માં ઘણો ચેન્જ દેખાયી રહ્યો હતો.
ક્યારેક પેન્સિલ,
ક્યારેક કોપી,
ક્યારેક બોટલ ..
ને મોટેભાગે
નાસ્તા સાથે નો પૂરો ડબ્બો જ..
પણ હવે તો હદ થતી જતી હતી ..

હવે તો સુમી થી સહન નહોતું થતું કે,
એના લાડકા ને શું થઈ ગયું છે..??
ઘણો ગુસ્સો પણ કર્યો,
પ્રેમ થી પણ સમજાવ્યો,
પણ એને કોઈ જ અસર નહોતી થઈ રહી.
એ તો બસ પોતાની દુનિયા માં જ મગ્ન રહેવા માંગતો હતો .

ચૂપ ચાપ ઉભો રહી સાંભળ્યા કરતો..
અને રૂમ માં જતો રહેતો.
અને હવે તો એને જાણે મોકો મળી ગયો હતો..
રાત્રે પોતાની જમવાની થાળી લઇ રૂમ માં જતો રહેતો.
ને રૂમ બંધ કરી જમતો થઈ ગયો હતો..
ડૉક્ટર ની દવા પણ ચાલુ કરી પણ એ તો જેમ ને તેમ જ હતો..

મારો શ્રુજન …!!!
આજ શ્રુજન નો જન્મદિવસ !!
એની ગમતી વાનગી બનાવી,
કેક, ગિફ્ટ્સ એને ખુશ કરવા બધું જ કર્યું..
‘એ’ ..તો પણ રૂમ માં બધું લઈ જતો રહ્યો.
ફરી દરવાજો બંધ..
અમે ઉદાસ નજરે ત્યાં જોઈ રહ્યા.
શ્રવણ એ ખભે હાથ રાખી સાંત્વન આપ્યું..
ત્યાં મોબાઇલ ની રિંગ વાગી,
ભાઈ નો કોલ હતો..
અંદર સરખું સંભળાતું ના હતું કેમ કે, શ્રુજન જોર થી ગીતો વગાડતો હતો.
હું બહાર નીકળી,
લાઈટ કરી પણ ના થઇ..
કદાચ બલ્બ ઉડી ગયો હશે…
અંધારું હતું તો વધુ દૂર ના ગઈ,
પણ ત્યાં તો હું શું જોવ છું ..!!

શ્રુજન એના રૂમ ની બારી ખોલી ને અવાજ ના આવે એનું ધ્યાન રાખતો બહાર કૂદ્યો ..
એના હાથ માં નાની પ્લાસ્ટિક ની બેગ હતી.
એણે આજુબાજુ જોયું પણ ખરું ..
પણ અંધારું ને છોડવા માં એનું ધ્યાન મારી પર ના ગયું ..
એ ગેટ તરફ જાણે દોડ્યો …
હું ભાગી અંદર,
શ્રવણ નો હાથ પકડી કહ્યું,
‘ચાલ જલ્દી ..’
શ્રવણ બેબાકળો થઇ કહે,
“અરે, પણ ક્યાં સુમી, શું થયું ?? ”
એને જવાબ આપ્યા વગર દરવાજે કુંડી લગાવી એને લઇ દોડી ..
શ્રુજન દોડી ને અમારા થી ઘણો આગળ હતો ..
પણ અમે એને જોઈ શકતા હતા.
અમે એને રોક્યો નહિ.
કેમ કે,
જાણવું હતું કે ‘એ’ ક્યાં જાય છે.
મન ખુબ વ્યાકુળ હતું કે,
‘ક્યાંક મારો દીકરો આટલી નાની ઉંમરે ખોટા રવાડે ચડી ગયો હશે તો ….’
હે ભગવાન ..!!
વિચારો ના વમળ સાથે અમે પણ એની પાછળ કૈક અંતરે દોડતા રહ્યા..
અચાનક ‘એ’ અટક્યો,
થોડા અંતરે અમે પણ થોભ્યા.
બંને હાંફી રહ્યા હતા ..
ત્યાં એક રીક્ષા ની પાછળ રહી, બેચૈન ને વિવશ આંખે એને જોઈ રહ્યા.

ત્યાં ‘એ’ ફૂટપાથ પર જઈ બેસી ગયો ..
એણે કોઈ ને બૂમ પાડી ..
ત્યાં સામે ની ઝૂંપડી માં થી બે બાળકો બહાર આવ્યા ને એની પાસે બેસી ગયા ..
અંદર થી એક બેન આવ્યા,
શ્રુજન ને પ્યાર થી પાણી આપ્યું,
‘એ’ પાણી પીતો હતો,
ત્યાં ઘણા છોકરા ઓ એનું નામ લેતા ભેગા થયા.
અમે અવાચક બની બધું જોઈ રહ્યા હતા ..
શ્રુજન એ બેગ માં થી કેક, ગિફ્ટ્સ કાઢ્યા ને બધા ને ખવડાવી ..
બધા સાથે મળી ખુશી થી કેક ખાતા ડાન્સ કરી રહ્યા હતા ..

અમારા બંને ની આંખો છલકાઈ ચુકી હતી ..
અમે એને કઈ કહ્યા વગર ઘરે આવ્યા ..
એના આવવાની રાહ જોતા દરવાજે જ ઉભા..
‘એ’ આવ્યો..
અમને જોઈ ને ડર્યો ..
અમે દોડી ને એને ભેટી પડ્યા..
બસ, એટલું કહી શક્યા,
‘તે અમને કેમ ના કહ્યું બેટા’.
એણે એટલું જ કહ્યું,
“તમે જ તો કહ્યું છે, એવા લોકો થી દૂર રહેજે..,
શું તો પણ મને આ કરવા દેત તમે લોકો ??”
એણે અમને “નિશબ્દ” કરી દીધા હતા.
એની માસુમિયત સામે અમારી પાસે કોઈ શબ્દો ના હતા..
એના માતા પિતા અમે,
પણ આજે;
એની નાદાન, માસુમ પણ મહાન હરકત અમને પણ ઘણું શીખવી ગઈ ..

” મોટી પાર્ટી માં જ આનંદ મળે એવું નથી, પણ આ રીતે સંતોષ ને ખુશી બંને પ્રાપ્ત થાય છે.” એ જાણ્યું.

જયશ્રી બોરીચા વાજા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •