?ખરા અર્થમાં ભારતીયો એવા માતૃભાષા સાધકોને નમસ્કાર ! નિલેશ ધોળકીયા

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત બિઝનેસ ભારત સમાચાર

સરકારના વહીવટી તંત્રમાં અરજીપત્રકો, નોંધો અને પત્રવ્યવહાર વગેરે બધું અંગ્રેજી ભાષામાં થવા લાગ્યું. સો-સવાસો વર્ષ પહેલાં અંગ્રેજોએ ઘડેલા કાયદા જેવી ને તેવી ભાષામાં આપણે સ્વીકાર્યા. ન્યાયાલયોનું કામકાજ સંપૂર્ણપણે બ્રિટિશ ઢબથી ચાલતું રહ્યું – કોઈએ એનાં દૂરગામી આત્મઘાતી પરિણામોનું ચિંતન પણ ન કર્યું – અને કોઈએ કર્યું તો એની અવગણના કરાઈ.

મેકોલેપ્રેરિત અંગ્રેજી ઢબનું શિક્ષણ આપવા માટે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાની આત્મઘાતી સ્પર્ધા શરૂ થઈ. નાનપણથી જ બાળકોને ટાઈ (ગળે ફાંસો-કંઠલંગોટ) પહેરાવીને ચાવી ભરેલાં રમકડાંની જેમ સ્કૂલે મોકલવાની ફેશન શરૂ થઈ.અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ગુજરાતી શબ્દ નહીં જ બોલવાના એવું ગુજરાતી ભાષા ભુલવાડવાનું ષડ્યંત્ર શરૂ થયું અને સીતામાતાને જેમ સુવર્ણમૃગની ઘેલછા જાગી હતી તેમ આપણને અંગ્રેજીની માયા વળગી. પરભાષા અપનાવવાની સાથે પરતંત્ર પણ અપનાવ્યું !

સરકારી વહીવટ અંગ્રેજી ભાષામાં થવા લાગ્યો એટલે હિન્દીનું ઝાઝું મહત્ત્વ ન રહ્યું. હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારતાં પણ રાષ્ટ્ર અચકાતું રહ્યું. પરિણામ એ આવ્યું કે વહીવટી કાર્યક્ષેત્રમાં એવા લોકો જ પ્રવેશતા રહ્યા જે અંગ્રેજી જાણતા હતા. રાષ્ટ્ર અને રાજ્ય સ્તરે વહીવટ કરનારા આ લોકોનું પ્રમાણ દેશની જનસંખ્યાના માત્ર ૨ % છે.

બ્રિટિશ મૅકોલેની ઈચ્છા હતી કે આ દેશમાં કાળા અંગ્રેજો પેદા કરવા જે બ્રિટિશ સલ્તનતના સૂર્યને કદી અસ્ત નહીં થવા દે. કમનસીબે આજે પણ મૅકોલેની આ ઇચ્છની પરિપૂર્તિ કરનારા આ ૨ % લોકો મૅકોલેના માનસપુત્રોની ભૂમિકા અદા કરી રહ્યા છે. દેશનાં વહીવટી સંગઠનોનાં નામ અંગ્રેજીમાં, નામનાં પાટિયાં અંગ્રેજીમાં, પત્રવ્યવહાર અંગ્રેજીમાં ! આમ અંગ્રેજીને અત્યાધિક મહત્ત્વ અપાયું. તેથી દેશવાસીઓની માનસિકતા એવી બની કે સરકારમાં કે બેન્કોમાં નોકરી મેળવવી હોય તો અંગ્રેજી આવડવું જ જોઈએ – કારણ કે, ઇન્ટરવ્યૂ (સાક્ષાત્કાર) ની ભાષા પણ અંગ્રેજી જ !

અંગ્રેજીનો આંધળો વિરોધ નથી પરંતુ માતૃભાષાનો ભોગ લેવાય છે તે “મા ને બદલે aunty” ને જ ચાહવા જેવું લાગ્યું એટલે લખ્યું. બાકી સૈા સમજદાર ને પોતાનું હિત સમજે જ છે.-નિલેશ ધોળકીયા

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply