યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની અહિંસા યાત્રાનો 9 માર્ચથી અમદાવાદમાં થશે પ્રારંભ

ધાર્મિક સમાચાર

દેશના 23 રાજ્યોમાં 9 વર્ષ સુધી હજારો કિલોમીટરની યાત્રા કરી આત્મકલ્યાણ, સમાજ ઉત્થાન માટે લોકોને સદભાવના, નૈતિકતાનો બોધ આપી વ્યસન મુક્ત કર્યા

આચાર્યશ્રીના એક વર્ષના પ્રવાસને અણુવ્રત યાત્રા તરીકે ઉજવવાનો પ્રસ્તાવ છે.

પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીની અહિંસા અને આત્મકલ્યાણનો સંદેશો આપતી ગુજરાત યાત્રાની શરુઆત તાજેતરમાં જ થઈ છે. ત્યારે અમદાવાદમાં તેમની યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આચાર્ય શ્રી મહાશ્રમણ પ્રવાસન વ્યવસ્થા સમિતિ, અમદાવાદ દ્વારા તમામ વ્યવસ્થા તેમના આશિર્વચન લોકોને મળી રહે તે માટે સુચારુરુપે પૂર્ણ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં તેમનું સ્વાગત કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આત્મકલ્યાણ અને સમાજ ઉત્થાન માટેની યાત્રા ભારતના રાજ્યોમાં થઈ ચૂકી છે ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને પ્રાંતોની પદયાત્રા બાદ તેઓ અમદાવાદમાં તેમની યાત્રા 9 માર્ચના રોજ ગુરુવારથી શરુ કરશે. અમદાવાદમાં તેઓ 10 દિવસ સુઘી વિવિધ વિસ્તારમાં ફરી લોકહિત માટેના અને આ યાત્રાના અહિંસાના ત્રણ ઉદ્દેશ્યો સદ્ભાવના, નૈતિકતા અને વ્યસનમુક્તિનો સંદેશો લોકો સુધી પહોંચાડશે. પ્રથમ પ્રેક્ષા વિશ્વ ભારતી, કોબા ખાતે તેઓ પધારશે. અમદાવાદમાં યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની 10 દિવસની યાત્રાની દ્વીતીય 12થી 13 માર્ચ મોટેરા, 14થી 15 માર્ચ પશ્ચિમ વિસ્તારમાં તેમજ 16થી 26 માર્ચ તેરાપંથ ભવન શાહીબાગ, 27થી 28 માર્ચ દરમિયાન કાંકરીયા-મણિનગર તેમજ અંતિમ દિવસે તેઓ અમરાઈવાડી અને ઓઢવ ખાતે પહોંચી યાત્રાનો મુખ્ય સંદેશો જનમાનસ સુધી પહોંચાડશે. મોટી સંખ્યામાં જનસમુદાય તેમની યાત્રાની પ્રતિક્ષામાં હતો ત્યારે આ તમામ જગ્યાએ મોટી સંખ્યામાં લોકોને તેમનો ઉપદેશ સાંભળવા મળશે. તેમની યાત્રા દરમિયાન યુથ સાથેના સંવાદના કાર્યક્રમો, સર્વધર્મ પરિષદો અને પરિસંવાદો તથા વિવિધ સ્થળોએ વર્કશોપ, ધ્યાન શિબિરો, પ્રવચનોના સહીતના આયોજનો થતા હોય છે આ લાભ અહીં પણ મળશે.

આચાર્યશ્રી મહાશ્રમણજીના સક્ષમ નેતૃત્વ હેઠળ 800 સાધુ-સાધ્વીઓ, 40,000થી વધુ યુવા કાર્યકરો, 60,000થી વધુ મહિલા કાર્યકરો અને લાખો અનુયાયીઓ સામાજીક ઉત્થાનના કાર્યમાં જોડાયેલા રહે છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજી જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના અગિયારમા આચાર્ય છે. જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘની સ્થાપના લગભગ 262 વર્ષ પહેલાં થઈ હતી. આચાર્યશ્રી મહાશ્રમણજી ગ્રામ્ય અને શહેરી લોકો સાથે પદયાત્રા દરમિયાન સીધો સંપર્ક કરે છે. તેમના જીવનના 60મા વર્ષમાં પણ તેઓ પદયાત્રા ચાલું જ રાખે છે.

પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીએ 9 નવેમ્બર 2014ના રોજ ભારતની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પરથી અહિંસાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટે આ યાત્રા શરૂ કરી હતી. 55, 000થી વધુ કિલોમીટરની યાત્રા બાદ તેઓના પાવન ચરણો અમદાવાદની ભૂમી પર પડી રહ્યા છે. લોકોને દેશભરમાં આત્મકલ્યાણ અને સમાજ ઉત્થાન માટે અહિંસાનો સંદેશો આપ્યો છે તેનો લાભ અમદાવાદ શહેરના લોકોને પણ મળશે. આત્મકલ્યાણ અને સમાજ ઉત્થાન માટેની યાત્રા ગુજરાતમાં બનાસકાંઠાથી શરુ કરી હતી.

અહિંસા યાત્રા દરમિયાન, આચાર્યશ્રીએ ગુજરાત પહેલા 2 દેશ, ભારતના 23 રાજ્યોની મુલાકાત લીધી છે. જેમાં દિલ્હીથી ઉત્તર પ્રદેશ, હરિયાણા, બિહાર, મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી, તેલંગાણા, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ તથા નેપાળ અને ભુતાનમાં 55,000 હજારથી વધુ કિલોમીટરની પદયાત્રા કરી ચૂક્યા છે. આચાર્યશ્રીએ તેમની સાત વર્ષની પદયાત્રા દરમિયાન હજારો ગામડાઓ, નગરો અને શહેરોના કરોડો લોકો સાથે સીધો સંપર્ક કર્યો છે. વિવિધ જાતિ, વર્ગ વગેરેના લાખો લોકોએ સદભાવના, નૈતિકતા અને વ્યસનમુક્તિના વ્રત સ્વીકાર્યા અને તેમના જીવનમાં સુધારો કર્યો છે. અત્યારના સમયમાં યુથને જીવનમાં સાચો માર્ગ બતાવવાનું ભગીરથ કાર્ય આચાર્યશ્રી કરી રહ્યા છે.

TejGujarati