વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસે World Press Freedom Day. કેટલાક વિચાર-છવાયા-છૂટાછવાયા અભિપ્રાયો. આલેખનઃ રમેશ તન્ના

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

1. પહેલી વાત તો એ કે World Press Freedom Dayનું નામ જો બની શકે તો World Media Freedom Day કરવું જોઈએ. પ્રેસનું સ્થાન હવે
મીડિયાએ લીધું છે. પહેલાં એકલું પ્રેસ હતું, હવે તો રેડિયો, ટીવી, ફિલ્મો અને સોશિઅલ મીડિયા પણ તેમાં ઉમેરાયાં છે, માટે પ્રેસને સ્થાને મીડિયા શબ્દ વધારે ઉચિત ગણાય.

2. મીડિયાને સ્વતંત્રતા મળવી જ જોઈએ. એની સામે એક પણ દલીલ થઈ જ ના શકે. વ્યક્તિ કે મીડિયાની સ્વતંત્રતાની તરફેણમાં, તેની જરૂરિયાત અંગે, તેનો મહિમા વર્ણવતાં અનેક પુસ્તકો લખી શકાય. લખાયાં પણ છે. હા, સ્વતંત્રતા સામે જોખમો પણ છે જ. એ જોખમો વહોરીને પણ સ્વતંત્રતા આપવી જ જોઈએ. ભારતમાં અપાઈ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં અપાઈ છે.

3. ભારતના બંધારણની કલમ 19-એમાં દરેક નાગરિકને વાણી અને વિચારનું સ્વાતંત્ર્ય અપાયું છે તેમાં, વ્યાપકરૂપે પ્રેસ-મીડિયાની સ્વતંત્રતાનો સમાવેશ થઈ જાય છે. કટોકટીના (1975થી 1978) નાનકડા સમય-ખંડને બાદ કરતાં ભારતમાં મીડિયા સ્વતંત્ર રહ્યું છે. વખાણવા જેવી સ્થિતિ કહેવાય.

4. મીડિયા કે પ્રેસને અપાયેલી સ્વતંત્રતા ખરેખર કોની સ્વતંત્રતા એ પાયાનો અને મહત્ત્વનો પ્રશ્ન છેઃ વાચકની સ્વતંત્રતા ? પત્રકારની સ્વતંત્રતા ? સંપાદક કે તંત્રીની સ્વતંત્રતા ? કે પછી ખરેખરા અર્થમાં માલિકની સ્વતંત્રતા ? બંધારણમાં પ્રેસની અપાયેલી સ્વતંત્રતા ખરેખર તંત્રી કે પત્રકાર સુધી પહોંચી શકે છે ખરી ? મહદઅંશે સાચો જવાબ છે. ના. બંધારણમાં અપાયેલી અને ઈવન ન અપાયેલી સ્વતંત્રતાનો બધો લાભ મોટાભાગે મીડિયાના માલિકો અને સંચાલકો લઈ લે છે. આ કડવી, કરુણ અને કપરી વાસ્તવિકતા છે. કેટલા પત્રકારો કે તંત્રીઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે છે ?

5. પ્રેસની સ્વતંત્રતા એક આભાસ છે, એક આદર્શ છે, એક સગવડ છે, એક વિધિ માત્ર છે. તેનો પત્રકારત્વમાં રચનાત્મક અને લોકહિતમાં ઉપયોગ થઈ શકતો નથી. ખરેખર તો આ સ્વતંત્રતા એટલા માટે અપાઈ છે જેથી પ્રેસ અથવા મીડિયા લોકનિષ્ઠ રીતે-નીડરતાથી પોતાની ફરજ, અધિકારી બનીને બજાવી શકે, પણ વાસ્તવિકતામાં એવું થતું નથી. અને તેથી જ સ્વતંત્ર ભારતમાં મીડિયાની શક્તિનો સાચો લાભ લઈ શકાયો નથી.

6. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે પાતળી ભેદરેખા છે. એવું કહેવાય છે કે દરેક સ્વતંત્રતા જવાબદારી સાથે જ જન્મતી હોય છે. જવાબદારી વિનાની સ્વતંત્રતા જોખમી હોય છે. આપણા દેશમાં એવું જ થયું છે. કેટલાક નાના અપવાદોને બાદ કરતાં મોટાભાગે સ્વતંત્રતાનો બેફામ-ખુલ્લેઆમ દૂરોપયોગ જ થયો છે. મીડિયામાં સ્વતંત્રતાનો ઉપયોગ રાષ્ટ્રહિત કે લોકહિત માટે કરવાને બદલે સ્વ-હિતમાં વધારે કરાતાં આ મોંકાણ થઈ છે. મીડિયાના માલિકો અને સંચાલકોએ પ્રેસને અપાયેલી સ્વતંત્રતાની રોકડી કરી લીધી. તેના નામે અને બહાને જેટલું ચરાય એટલું ચરી લીધું અને હરાય એટલું હરી લીધું.

7. પ્રેસની સ્વતંત્રતા એટલે નીડરતાથી કોઈની શેહ કે શરમમાં આવ્યા વિના જે હોય તે લખવું કે રજૂ કરવું. આવું લખવા- રજૂ કરવા પાછળના બે હેતુ હોયઃ પહેલો હેતુ લોકોને સાચી માહિતી આપવાનો અને બીજો હેતુ શાસકોને ચેતવવાનો. આવું કરીને છેવટનો, અંતિમ, અલ્ટીમેટ ગોલ તો સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો જ હોય. આપણા દેશમાં એવું ના થઈ શક્યું કારણ કે રાજ્યતંત્રને જ સતત નિશાન બનાવાયું. તેને અત્યંત વધારે મહત્ત્વ અપાયું. એક તો તેને લગતા સમાચારોનો વ્યાપ વધારે અને તેમાં પણ માત્ર નકારાત્મકતા-વિરોધ અને ટીકાઓનો અતિરેક. આ રીતે ભારતના બંધારણમાં પ્રેસને અપાયેલી સ્વતંત્રતા મોટા ભાગે વેડફાઈ જ ગઈ અને આજે પણ વેડફાઈ રહી છે. પવિત્ર સ્વતંત્રતા અભડાઈ ગઈ. મીડિયાને સ્વતંત્રતા આપવાનો જે મુખ્ય હેતુ હતો તે સર્યો જ નહીં.

8. પ્રેસને અપાયેલી સ્વતંત્રતાને શું નડ્યું ? મીડિયાનું ધંધાદારીકરણ નડ્યું. લોકનિષ્ઠા ઘટી એ નડ્યું. સ્વાર્થ અને સ્વહિત પર ફોકસ થયું એ નડ્યું. મીડિયા અને શાસકોની મીલી-ભગત નડી. વાચકો-દર્શકોની જાગૃતિ ઘટી એ સ્થિતિ નડી.

9. સ્વ-સંયમ, સ્વ-વિવેક અને સ્વ-જવાબદારી વિનાની પ્રેસ સ્વતંત્રતા તો ઝેર જ બને. દુઃખ સાથે કહેવું પડે છે ભારતમાં એવું જ થયું. ભારતમાં કરોડો લોકો ગરીબીનું ઝેર, શોષણનું ઝેર, અન્યાય અને અત્યાચારનું ઝેર, ભૂખમરાનું ઝેર, અપોષણ અને કુપોષણનું ઝેર ઘૂંટડે ઘૂંટડે પીતા જ હતા ત્યાં આ બધાં ઝેર ઘટાડવાની જેના હસ્તક જવાબદારી હતી તે મીડિયાએ તેમાં એક ઝેરનો વધારો કર્યો.. કેવી મોટી કરુણતા ?

10. ભારતના મીડિયાવિશ્વએ શાસકો અને રાજકારણીઓ પરથી ફોકસ હટાવીને કરોડો લોકો પર નજર કરવાની આવશ્યકતા છે. રાષ્ટ્રભાવના, લોકાભિમુખતા, સ્વસ્થ સમાજનું નિર્માણ, વિકાસલક્ષી અને સકારાત્મક અભિગમ સાથે કામ કરીને બંધારણમાં અપાયેલી સ્વતંત્રતાનો ખરા અર્થમાં ઉપયોગ કરવાની આવશ્યકતા છે.

(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475, અમદાવાદ)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •