નેચર અને લેન્ડસ્કેપ ફોટોગ્રાફીમાં ફિલ્ટર્સના ઉપયોગ.- અશ્વિન પટેલ.

સમાચાર

ફોટોગ્રાફી સાથે નાતો જોડ્યો ૧૯૭૨થી તેને ૪૮ વર્ષ પુરા થયા. જેના પરિપાક સ્વરુપે ઘણા બધા અનુભવો અને ફોટોગ્રાફીની ઘણી ટેક્નિક્સ હસ્તગત થઇ. ઘણા અખતરા પણ ખતરા સાથે કર્યા ને ઘણું શીખ્યા. જેમાં રોલ ફિલ્મવાળા સમયનું ખૂબ મોટું યોગદાન રહ્યું આજે ડીજિટલ ફોટોગ્રાફીનો જમાનો ચાલી રહ્યો છે ત્યારે લોકો રાતોરાત ફોટોગ્રાફર બનીને આવી જાય છે, જે આનંદની વાત છે, પણ પહેલાના સમયમાં એ અઘરું હતું. કોઇ પરિચિત સ્ટુડિયોવાળાને ત્યાં કચરાપોતા ને ધક્કાફેરા કરવાની વેઠ કરો અને તે કૃપા કરે તો જ ફોટોગ્રાફી શીખી શકાય! હું ૧૯૭૨થી શરુ કરી જાતે જ તૈયાર થયો તેમાં ખાસ્સો સમય વહી ગયો. ત્યારે ફોટોગ્રાફી શીખવે તેવી કોઇ સ્કુલ, કોલેજ કે ક્લાસ હતા જ નહિ. પણ અમદાવાદ ખાતે ‘નિહારિકા’ અને ‘કેમેરા ક્લબ ઑફ કર્ણાવતી ધમધમતી હતી. જેને પરિણામે અમદાવાદ, ગુજરાત અને દેશનું નામ ફોટોજગતમાં રોશન હતું અને આજે પણ છે. હું આ સંસ્થાઓ પાસેથી ઘણું શીખ્યો છું.
નેચર અને લેન્ડસ્કેપ ફોટોગ્રાફી મારી પસંદગીના વિષય છે. તેની ફોટોગ્રાફી કરવા માટે કેમેરા અને લેન્સ ઉપરાંત થોડા ફિલ્ટર્સ પણ જરુરી છે. તે વાત મારે કરવી છે. કોમ્પ્યુટરના આ યુગમાં કોઇ કહેશે પણ ખરા કે, ફોટોશોપમાં બધું થાય છે પછી ફિલ્ટર્સની ક્યાં જરુર? વાત તો કેટલેક અંશે સાચી પણ ૧૦૦% નહિ. કેમ? તો ચાલો આપણે જે જરુરી ફિલ્ટર્સ છે તેના કાર્યો જોઇએ પછી નક્કી કરીએ કે સાચે જ તે જરુરી છે કે ચાલી જશે તેના વિના? સૌ પ્રથમ થોડી ખરીદીની વાત. ઘણું કરીએ તેમાં મુખ્યત્વે બે પ્રથા અથવા પ્રકારના ફિલ્ટર હોય છે. એક સ્ક્રૂ ઇન એટલે કે તેને લેન્સ પર આંટા ચઢાવીને લગાવવાનું અને બીજો પ્રકાર છે તેને સીસ્ટીમ ફિલ્ટર, જેમાં લેન્સ આગળ એક હોલ્ડર લાગાવવાનું હોય છે જેમાં એકસાથે ચાર ફિલ્ટર વાપરી શકાય તેવા સ્લોટ આપેલા હોય છે.આ હોલ્ડર લેન્સ પર લગાવવાની મગજમારી સ્ક્રુ ઇન ફિલ્ટર કરતાં વધુ હોવાથી આઉટડોર ફોટોગ્રાફી કરતી વખતે સમસ્યા રુપ બની જાય છે. જેથી પ્રોફેશનલ ફોટોગ્રાફી કરનારા 35 mm થી વધુ મોટા એટલે કે લાર્જ ફોરમેટના કેમેરા વાપરવાવાળા ફોટોગ્રાફર આ પ્રકારના ફિલ્ટર્સ વાપરે છે. વળી આ સિસ્ટીમ ફિલ્ટર્સ કિંમતમાં પણ ખૂબ મોંઘા હોય છે. આપણા માટે સ્ક્રૂ ઇન ફિલ્ટર વાપરવા એ જ ઉત્તમ વિકલ્પ છે.ત્રીજી પ્રથા લેન્સમાં બિલ્ટ ઇન ફિલ્ટર કે ડ્રોપ ઇન ફિલ્ટર જે લેન્સ સાથે જ આપેલ હોય છે એટલે એમાં જે હોય તેનાથી જ કામ ચલાવી લેવાનું, આપણી હોંશિયારી કામમાં ના આવે. આપણે ફિલ્ટર ખરીદીએ ત્યારે એમાં થોડું ભેજું ચલાવવું જરુરી બની જાય છે. જ્યારે પણ સ્ક્રુ ઇન ફિલ્ટર ખરીદો ત્યારે તમારી પાસે જે સાઇજના મોટામાં મોટા થ્રેડવાળો લેન્સ હોય તેનાથી શક્ય હોય તો એકાદ બે મોટા થ્રેડ વાળા ફિલ્ટરની પસંદગી કરો. દા. ત. તમારી પાસે 58/63/67 mm થ્રેડ વાળા ત્રણ લેન્સ છે. તો તમારે 72 કે 75 mm થ્રેડવાળું ફિલ્ટર ખરીદવું જોઇએ. જે ત્રણેય લેન્સ પર સ્ટેપ અપ રીંગ લગાવીને ઉપયોગમાં લઇ શકાય. વળી મોટા ફિલ્ટર ખરીદતી વખતે સાથે કેમેરા અને લેન્સ લઇને જવું પડતું નથી. જો તમે લેન્સના જેટલા જ થ્રેડવાળું ફિલ્ટર લેશો તો તેને લેન્સ પર ફરજિયાત ચઢાવીને ફ્રેમમાં વિગનેટીંગ થાય છે કે નહિ તે ચકાસવું જ પડે અને ફ્રેમના કોર્નર સ્પષ્ટ દેખાય તો જ ખરીદાય.
Ultra Violet Filter-યુવી ફિલ્ટર
ફોટોગ્રાફીની પ્રાથમિક જરુરિયાત એટલે અલ્ટ્રા વાયોલેટ ફિલ્ટર. જેનું કામ સૂર્યપ્રકાશ ભેગા આવતા પારજાંબલી કિરણોને રોકવાનું છે. સામાન્ય રીતે સૂર્યપ્રકાશવાળી ઇમેજમાં આછા પર્પલ કે બ્લ્યુ કલરની ઝાંય કે ટીન્ટ દેખાતી હોય છે. જે અલ્ટ્રા વાયોલેટ કિરણોને આભારી છે જે કિરણોને આપણે નરી આંખે જોઇ શકતા નથી, પણ ઇમેજ પર અંકિત થઇ જાય તે પહેલા રોકીને સ્પષ્ટ ઇમેજ બનાવી આપવાનું આ ફિલ્ટર કામ કરે છે. વળી આ ફિલ્ટર લેન્સના ફ્રંટ એલીમેન્ટને ડાઘ, ભેજ અને સ્ક્રેચથી રક્ષણ આપે છે અને હવામાં તરતા રજકણોથી બચાવે છે. એક માન્યતા એવી છે કે આ ફિલ્ટર કરતા SKY BLUE ફિલ્ટર વધારે સારું. પરંતું તે વોર્મ ટોન આપે છે. SKY BLUE 1A ક્લિયર હોય છે, જ્યારે 1B માં બ્લ્યુ ટીન્ટ હોય છે જે ઇમેજને વોર્મ ટોન આપે છે. યુવી ના વિકલ્પ માટે SKY BLUE 1B વાપરી શકો પણ યુવી ફિલ્ટર જેવું પરિણામ મળવું થોડું મુશ્કેલ છે. આ યુવી ફિલ્ટરની ખરીદી માટે મોટાભાગના ફોટોગ્રાફરની માનસિકતાની વાત કરું તો એમની સરખામણી આ યુવી ફિલ્ટર સાથે કરી શકાય ખરી! જેમ કે લગ્નપ્રસંગ પતી જાય એટલે રસોઇયો, પછી બેન્ડવાજાવાળો, પછી મંડપ અને ડેકોરેટર અને બ્રાહ્મણ, હજામ તેમજ બીજા ઇતર કામ કરવાવાળા હિસાબ પતાવી રોકડા લઇને ચાલતા થાય. છેલ્લે બિચારો ફોટોગ્રાફર જે દસપંદર દિવસે કે મહિના પછી ફોટોગ્રાફ્સનું આલ્બમ આપે ત્યારે પેલા બધા જે રોકડા લઇને જતા રહ્યા તે સઘળાઓની કસર તેની ઉપર નીકળે! બસ આમ જ કેમેરા, લેન્સ, ફ્લેશ વિગેરે ખરીદાઈ ગયા પછી યુવી ફિલ્ટરની વાત આવે એટલે બજેટની ચિંતા સતાવે. બાજુમાં ઉભેલ મિત્ર પણ વણમાંગી સલાહ આપે કે કોઇ તને મોટા લંગરતોડા નથી બંધાવી દેવાના! સસ્તું લાગે તે લઇ લે ને? પણ આ બાબતે સમાધાન કરી લેવાની સલાહ નથી જ નથી.
GRADUATE FILTER-
નેચર અને લેન્ડસ્કેપ ફોટોગ્રાફી માટે એક અમોઘ શસ્ત્ર એટલે ગ્રેજ્યુએટ ફિલ્ટર. જેનો અડધો ભાગ તદ્દન કોળો યાને ક્રિસ્ટલ ક્લિયર અને પછી બીજા છેડા તરફ જતા જતા ઘેરો થતો જાય છે. જો કે આવા ફિલ્ટરમાં સેપિયા,બ્લ્યુ, યલો, ગ્રે, ઓરેન્જ અને ND-ન્યુટ્રલ ડેન્સીટી જેવા અલગ અલગ કલર્સમાં ઉપલબ્ધ હોય છે. જેને જે પ્રકારનું કામ હોય તેવા કલરની પસંદગી કરી શકે છે. આ ફિલ્ટરનું કામ ખરેખર અદભુત હોય છે. લેન્ડસ્કેપમાં જમીન અને ક્ષિતિજના ઉપરના ભાગે આકાશમાં વાદળ ના હોય તો ફ્રેમમાં ખાલીપણું લાગે અને વાદળ પણ સારી રીતે ગોઠવાયેલા હોય તો સારું નહિ તો ફોટોગ્રાફરનું નસીબ! વળી આકાશના ભાગનું અને જમીનના ભાગનું એક્સ્પોજર માં પણ મોટો તફાવત આવે છે. જેનું સમતોલન કરવા પણ આ ફિલ્ટર મહત્વનો ભાગ ભજવે છે. આવા સમયે આ ફિલ્ટરના રંગીન ભાગને આકાશવાળા ભાગ પર અને કોરા ભાગને પર ગોઠવીને જમીનના ભાગના એક્સ્પોજરને છેડ્યા વિના સુંદર પરિણામ મેળવી શકાય છે. કેટલાક બાહોશ ફોટોગ્રાફર્સ આવા ફિલ્ટર વડે એવું પરિણામ મેળવી ચુક્યા છે કે, ઇમેજમાં ફિલ્ટર વાપરેલ છે કે નહિ તે શોધવું અતિકઠિન થઇ પડે! ઉપરના ભાગથી શરુ થઇ પેલો રંગીન ભાગ ક્ષિતિજ પર આવતા આવતા ક્યાં ગાયબ થઇ જાય તે ખ્યાલ જ ના આવે! સનરાઇજ, સનસેટ અને લેન્ડસ્કેપ માટે આ આદર્શ ફિલ્ટર ગણાય છે.

ND FILTER- NEUTRAL DENSITY ફિલ્ટર
ખૂબ જ ઓછા ફોટોગ્રાફર આ ફિલ્ટરનો ઉપયોગ કરે છે, કહો કે એના વિશે માહિતગાર નથી. જેવું નામ તેવું કામ આ ફિલ્ટરનું છે. તેની બનાવટમાં કાર્બનના કણોનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે તે ડાર્ક કે ડાર્ક ગ્રે કલરનું દેખાય છે. આ ફિલ્ટર લગાવવાથી તમને મળતા એક્સ્પોજરમાં ઘટાડો થાય છે. દા.ત. તમને કોઇ ઇમેજ માટે 500/11 નું એક્સ્પોજર મળતું હોય તો આ ફિલ્ટર તેને પોતાની ક્ષમતા પ્રમાણે 250/11,-125/11,-60/11,-30/11 એ પ્રમાણે ઘટાડી આપે છે! વળી મજાની વાત એ છે કે તમને મળતી ઇમેજના કલર્સ અને તેના સેચ્યુરેશન યાને તીવ્રતામાં કોઇ ફરક પડવા દેતું નથી! દેખાવે તે પોલોરાઇજ ફિલ્ટર જેવું છે પણ તેના જેવું કાર્ય કરતું નથી. આ ફિલ્ટર એક્સ્પોજર ઘટાડે છે એટલે સાથે સાથે ડેપ્થ ઑફ ફિલ્ડ પણ ઘટાડવાનું કામ પણ કરે છે. મતલબ કે કેટલીક વખત વિપરીત સંજોગોમાં ખુલ્લા એટલે ઓપન એપરચરે ફોટોગ્રાફી કરવી હોય ત્યારે ખૂબ ઉપયોગી થઇ પડે છે. કેટલાક જિજ્ઞાસુ મિત્રોને એક પ્રશ્ન થશે જ કે, કેમેરામાં શટરસ્પીડ, એપરચર અને એક્સ્પોજર કોમ્પનશેસન જેવી સુવિધાઓ આપેલી છે પછી આ ફિલ્ટરની શું જરુર? તો જવાબમાં હું કહીશ કે, ધમધમતા તડકામાં તમને 250/11 નું એક્સ્પોજર મળતું હોય અને ગતિમાન વિષયને ગતિમાં જ દર્શાવવા 30/11 કે 30/22 ની જરુર હોય તો શું કરશો? સુર્યને ઝાંખો કરી નાખશો? એપરચર હવે 27 or 32 લેન્સમાં છે જ નહિ! આવા સમયે આ ફિલ્ટર જ કામ લાગે. આ વિશિષ્ટતાને લીધે ધમધમતા ટ્રાફિકવાળા રસ્તાને તમે નિર્જન પણ બતાવી શકો છો! એનડી ફિલ્ટર પહેલાના વખતમાં 1,2 અને 3 સ્ટોપ સુધી મળતા, જે તમારે ત્રણ અલગ અલગ ખરીદવા પડતા હતા. આજે તો એક થી આઠ સ્ટોપ વાળુ એક જ ફિલ્ટર મળે છે! ફિલ્ટરના ઉત્પાદકો ઓળખ માટે ચોક્કસ ધોરણો રાખતા નથી. Kokin અને Kood વાળા એક સ્ટોપવાળા ફિલ્ટરને ND 2, બે સ્ટોપવાળાને ND 4 અને ત્રણ સ્ટોપવાળાને ND 8 ની સંજ્ઞા આપે છે, જ્યારે Lee. અને B+W 1,2 અને 3 સ્ટોપવાળા ફિલ્ટરને અનુક્રમે 0.3 0.6. અને 0.9 ની સંજ્ઞાથી અંકિત કરે છે.

POLARIZER FILTER પોલેરાઇજર ફિલ્ટર
ઑપ્ટીકલ સાયન્સ અને ફોટોજગતનું અદભુત શસ્ત્ર! જેને ટુકાક્ષરીમાં PL ફિલ્ટર કહે છે. KING કહેવાય તેવો દબદબો ધરાવતું ફોટોગ્રાફીનું અભિન્ન અંગ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય. PL ફિલ્ટર બે પ્રકારના આવે છે.(૧) લીનીયર અને(૨) સરક્યુંલર. હાલ ઓટોફોકસ કેમેરાના આગમન સાથે લિનીયર પોલા નો ઉપયોગ સાવ ઘટી ગયો છે. તેનું સ્થાન સરક્યુલર પોલા એ લીધું છે, કારણ કે, લિનીયર પોલા વાપરીએ ત્યારે ઓટોફોકસ સીસ્ટીમ માટે જે પ્રકાશના કિરણો સેની મિરર ( મુખ્ય અરિસાની નીચે ગોઠવાયેલો હોય છે) પર પડે છે તેની માત્રા ઘણી ઓછી તો હોય છે જ પણ તે જે રીતે પરાવર્તિત થઇને આવે છે તેને ઓટોફોકસ સીસ્ટીમ ડીટેક્ટ નથી કરી શક્તિ અને ફોકસ નથી થઇ શકતું. જેથી સરક્યુલર પોલા ફિલ્ટરમાં આ ખામીનો ઉકેલ લાવી દેવામાં આવ્યો. આ ફિલ્ટર મોંઘા હોય છે પણ સરવાળે સસ્તા પડે છે. લિનીયર પોલા હોય તો લેન્સ ફક્ત મેન્યુઅલ ફોકસ પર રાખી જરુરી ઇમેજ મેળવી જ શકાય છે, માટે તેને કાઢી નાખવાની જરુર નથી. આ ફિલ્ટરનું કાર્ય કોઇપણ ઇમેજને સ્પષ્ટ અને સરસ કોન્ટ્રાસવાળી બનાવવાનું છે. એ કેવી રીતે થઇ શકે તે થોડું સમજી લઇએ. તમે કોઇ પણ વસ્તુને પ્રકાશમાં ધરીને જોવાનો પ્રયત્ન કરો. તેના રંગોના શેડ અને ડીટેઇલ્સ બારીકાઈથી જોવો. હવે કાગળની ભૂંગળી બનાવી (શક્ય હોય તો કાળો કાગળ લો) તે વસ્તુને એ જ સ્થિતિમાં જોવો. તેની રંગો અને ડીટેઇલ્સની સાચી ઓળખ હવે મળશે. બીજો હાથવગો પ્રયોગ. તમે પહેરેલ કપડાને ચાર ઇંચ દુરથી જોવાનો પ્રયાસ કરો. બારીકાઈથી જોયા પછી હાથની મૂઠી વાળીને તેમાંથી કપડાંનો એજ ભાગ જોશો તો કપડાંની ટેક્ષ્ચર સ્પષ્ટ દેખાશે. આવું કેમ થયું? થોડું વિચારશો તો ખ્યાલ આવી જશે કે ભૂંગળી બાવીને તમે એટલા વિસ્તારમાંથી આવતા પરાવર્તિત કિરણોને રોકી લીધા. એટલે પ્રકાશના કિરણોમાં જે આસપાસના જુદી જુદી તરંગલંબાઇના બીનજરુરી કિરણોની ભેળસેળ અટકાવી દીધી. આ ભેળસેળને POLARIZATION કહે છે, જેને સીમિત કરવા આ ફિલ્ટર વપરાય છે. જેથી ઇમેજમાં કલર્સ, ડીટેઇલ્સ અને કોન્ટ્રાસ્ટ મળે છે. રણ, પહાડો, સ્નો તેમજ દરિયાની અને તેવી પ્રકાશનું પરાવર્તન વધુ થતું હોય તેવી જગાઓ તેમજ કાચ અને શો કેસમાં રાખેલી વસ્તુઓની સ્પષ્ટ ઇમેજ લેવા માટે આ પોલેરાઇજર વપરાય છે. તેની રચનામાં કાચના ક્રિસ્ટલની ગોઠવણી સામાન્ય કાચ કરતા અલગ પ્રકારે કરવામાં આવેલ હોય છે. જેથી અમુક ચોક્કસ ખૂણા પરથી આવતા જ કિરણો તેમાંથી પસાર થઇ શકે છે. જેથી ઇમેજ પર મળતા કલર્સની ઘેરાશ અને ડીટેઇલ્સ નરી આંખે દેખાતી હોય તેનાથી વધુ આકર્ષક હોય છે.
ફિલ્ટર વાપરવાની પણ ખાસ ટેક્નિક છે. ફિલ્ટરમાં ગોઠવાયેલા ક્રિસ્ટલ્સની પ્રકાશને પ્રવેશવા દેવાની દિશા આપણે જાણતા નથી, તેથી તેને લેન્સ પર લગાવ્યા પછી કોઇ એક દિશામાં ગોળ ફેરવવાનું હોય છે. વ્યુફાઇન્ડરમાં દેખાતી ઇમેજ પર આવતા રિફ્લેક્શનની માત્રા તદ્દન ઓછી થઇ જાય કે સદંતર દેખાતી બંધ થઇ જાય ત્યાં સુધી ફેરવવું. ફિલ્ટરની એક ચોક્કસ મર્યાદા હોય છે. તેના ક્રિસ્ટલ્સની ગોઠવણી 90 ડિગ્રીના ખૂણા સુધી જ સેટ કરેલ હોય છે, એટલે ક્યારેક રિફ્લેક્શન સંપૂર્ણપણે દૂર થઇ શકતું નથી. હવે શાંતિથી વિચારો કે આ ફિલ્ટરો તમારે કામના છે કે નહિ? ફોટોશોપ કેટલું મદદ રુપ થઇ શકે? વિચારજો અને યોગ્ય લાગે તો વસાવી લેજો.
Ashvinpatel50@gmail.com
અશ્વિન પટેલ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •