*🌹 ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹 અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 8. ક્રમશઃ દેવેન્દ્ર કુમાર.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

🌹 ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹

અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 8

“અસ્પૃશ્યો ની સમસ્યાઓ હિમાલય જેવી પ્રચંડ છે. આ હિમાલય સાથે ટકરાઈને મારૂં માથું ફોડવા તૈયાર છું. એવું બની શકે છે કે મારૂં લોહી નીતરતું માથું જોઈને કરોડો અસ્પૃશ્યો એ પ્રચંડ, ઉત્તુંગ હિમાલયને ધરાશાયી કરવા સજ્જ બની જશે. એ વાત નક્કી છે કે તે પોતે પોતાના પ્રાણ આપવા તૈયાર રહેશે.”

સ્વયં ને બલિદાન કરી સમાજ નો ઉદ્ધાર કરવાનો શિરસ્તો ભારત દેશના વાયુમાં જેમનો તેમ જણાતો હતો. અસ્પૃશ્યો એ અસ્પૃશ્ય જ રહેવું જોઈએ એ વિચાર આત્યંતિક વિચિત્ર જ નહીં પરંતુ એક પ્રકારનું વૈચારિક, સામાજિક ગાંડપણ જ છે. એ વિચાર જો સ્પૃશ્ય નો હોય તો પણ અને અસ્પૃશ્ય નો હોય તો પણ વૈચારિક, સામાજિક ગાંડપણ થી વિશેષ કશું જ નથી.

9મી માર્ચ 1924ના રોજ બોમ્બે, દામોદર હૉલ માં મળેલી મીટીંગમાં આગળ નાં અનુભવો, ભવિષ્ય નાં આયોજનો જેવાં ઘણાં વિષયો ઉપર ઘનિષ્ઠ ચર્ચા, વિચારણા બાદ નક્કી થયું કે દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોના પ્રશ્નો સત્તા સુધી પહોંચે, એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે વગેરે બાબતો ને ધ્યાન માં રાખી ને વિચારતા એવું નક્કી થયું હતું કે એક કેન્દ્રસ્થ સંગઠન ની સ્થાપના કરવી જોઈએ.

દામોદર હૉલમાં થયેલી મીટીંગ માં નક્કી થયાં મુજબ અસ્પૃશ્યો નાં પ્રશ્નો ની યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે એવું એક સંગઠન બનાવવું જોઈએ તે વિચાર ને વાસ્તવિકતા નું સ્વરૂપ આપવામાં આવ્યું. તારીખ 20મી જુલાઈ 1924 નાં દિવસે અસ્પૃશ્યો, દબાયેલા, કચડાયેલા વર્ગોનું પ્રતિનિધિત્વ કરતી એક કેન્દ્રસ્થ સંગઠન ની રચના કરવામાં આવી. બહિષ્કૃત ગણાયેલા આ વર્ગોનું પ્રતિનિધિત્વ હવે જે સંગઠન કરવાનું હતું એનું નામકરણ કરવામાં આવ્યું, “બહિષ્કૃત હિતકારીણી સભા”.

નવનિર્મિત સંગઠન “બહિષ્કૃત હિતકારીણી સભા” નાં ઉદ્દેશો અને નિર્દેશો આ પ્રમાણે હતાં,

👉 દબાયેલા, કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોમાં છાત્રાલયો ની સ્થાપના કરીને કે અન્ય યોગ્ય તથા ઈચ્છનીય લાગે તેવાં માધ્યમો દ્વારા શિક્ષણ નો પ્રસાર કરવો, પ્રોત્સાહન આપવું.

👉 પુસ્તકાલયો, સામાજિક કેન્દ્રો અને ક્લાસીસ અથવા સ્ટડી સર્કલ્સ ખોલીને દબાયેલા,કચડાયેલા, અસ્પૃશ્ય વર્ગોમાં સદસંસ્કારો નું સિંચન કરવું.

👉 અસ્પૃશ્યો, દબાયેલા, કચડાયેલા વર્ગોની આર્થિક સ્થિતિને સુધારવા, બહેતર કરવાં માટે ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ શરૂ કરવી.

👉 દબાયેલા વર્ગોની ફરિયાદો, તકલીફો, પ્રશ્નોની યોગ્ય જગ્યાએ રજૂઆત કરી પ્રતિનિધિત્વ કરવું.

દબાયેલા, કચડાયેલા વર્ગોની સામાજિક અને આર્થિક સ્થિતિ ને બહેતર કરવાં માટે સ્થપાયેલી આ સંસ્થા, સંગઠનનાં પ્રમુખ પદે સર શ્રી ચીમનલાલ હરિલાલ શેતલવડ (LLD)ની નિમણૂંક કરવામાં આવી. ઉપપ્રમુખ પદે શ્રી મેયર નિસ્સીમ, શ્રી જે.પી. તથા શ્રી રૂસ્તમજી જીનવાલા ને આરૂઢ કરવામાં આવ્યાં. બહિષ્કૃત હિતકારીણી સભા નાં સોલિસીટર ની જવાબદારી શ્રી જી. કે. નરિમાન, શ્રી આર. પી. પરાંજપે, ડૉ. શ્રી વી. પી. ચવાણ તથા શ્રી બી. જી. ખેરે સ્વીકારી. સભાનાં સોલિસીટર્સ માંના શ્રી બી. જી. ખેર પંદર વર્ષ બાદ બોમ્બે પ્રાંત નાં પ્રથમ વડાપ્રધાન બન્યા હતાં. મેનેજીંગ કમિટી નાં ચેરમેન સ્વયં ડૉ. આંબેડકર હતાં, સેક્રેટરી તરીકે શ્રી એસ. એન. શિવતરકર તથા ખજાનચી નો હવાલો શ્રી એન. ટી. જાધવે સંભાળ્યો.

“બહિષ્કૃત હિતકારીણી સભા” આ કેન્દ્રસ્થ સંગઠને દબાયેલા, અસ્પૃશ્ય વર્ગોને તેમની સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા રાજકીય દારૂણ, અપમાનજનક અને અમાનવીય સ્થિતિમાંથી બહાર લાવવાનાં કાર્યરત રહીને તેમને ભારતીય સમાજમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક તથા રાજકીય ક્ષેત્રે સમાનતાભર્યો દરજ્જો, સ્થાન પ્રાપ્ત થાય એ માટે નાં પ્રયાસ શરૂ કર્યાં.

બહિષ્કૃત હિતકારીણી સભા નાં પ્રથમ રિપોર્ટમાં સભાએ પોતાની સ્થિતિ તથા સભ્યો વિશે જાણકારી ઉપલબ્ધ કરાવી.

ક્રમશઃ

દેવેન્દ્ર કુમાર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply