*કામ કર્યા પછી સ્ફૂર્તિ માટે ટી બ્રેક લઈએ છીએ, તેમ જીવનમાં પણ સમયાંતરે ટી બ્રેક જરૂરી છે. લેખકઃ- સુચિતા ભટ્ટ (અમદાવાદ) કોલમઃ- “કલ્પના ના સૂર”*

સમાચાર

ચા એ એક એવરગ્રીન પીણું કહી શકાય. નાનાથી માંડીને મોટેરાઓ સુધી દરેક વ્યક્તિની મનગમતી અને માનીતી ચા. ગમે તેવું ખરાબ મગજ હોય, ચિંતા, બેચેની, કામનું ભારણ હોય પરંતુ જો એક પ્યાલો જો ચા નો મળી જાય તો ભાઈ ભયો ભયો થઇ જાય. તેમ જ જિંદગીમાં અમુક સમયના અંતરે બ્રેક જરૂરી છે. જિંદગીમાં જન્મથી માંડીને જીવીએ ત્યાં સુધી કામ તો રેવાનું જ. નાની કીડી હોય તે પણ માટી અહીંથી અહીં આખો દિવસ કરતી હોય છે. તો આપણે તો હાલતા ચાલતા મનુષ્ય છીએ. પરંતુ અમુકવાર કામનું ભારણ આટલું વધી જાય છે કે વ્યક્તિ શારીરિક અને માનસિક બન્ને રીતે ખૂબ જ થાકી જાય છે. એવામાં ચા ને અનુરૂપ કોઈ તત્વ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. સતત કામ કરવાથી શરીરના જ્ઞાનતંતુઓ એક જ દિશામાં દોડે છે. વ્યક્તિ ચાહીને પણ પોતાની મનગમતી પ્રવૃત્તિ કરી નથી શકતો. વ્યસ્ત અને ઝડપી જીવનમાં કામ આટોપવાની ઘેલછામાં વ્યક્તિ પોતાના માટે સમય કાઢી નથી શકતો. પરંતુ મારો દરેકને એક નાનકડો સવાલ છે. જિંદગીએ ઈશ્વરે આપેલ અમૂલ્ય ભેટ છે. તેનો અહેસાસ કરવો, તેને અનુભવવી, તેને માણવી, તેની સાથે જીવવુંએ ખરેખર સૌભાગ્યની વાત છે. પણ શું આપણે ખરેખર જિંદગીને જીવીએ છીએ? જવાબ છે હા જીવીએ છીએ. પરંતુ મિત્રો આ જવાબ સાચો છે? પોતાના મનને પૂછો. ના અત્યારે નહિ, હો બસ ત્યારે જયારે એકાંતમાં હોવ અંદરથી નિર્દોષ જવાબ મળશે ના. ના જવાબ મળવાનું મુખ્ય કારણ કહું તો, ઈશ્વરે આપેલ ભેટ. હાસ્ય, તમે ક્યારેય વગર કારણે હસ્યાં? પોતાના હાસ્યથી બીજાના જીવનમાં તમે કેટલા રંગો પૂર્યા? જવાબ મોટા ભાગે ના હશે. આપણે કુદરતે આપેલ ભેટને ક્યારેય દિલથી સ્વીકારી જ નથી. આપણે ટી બ્રેક આપણા કામ અને વિચારોથી લેવો જ નથી. વધુમાં વધુ કકળાટમાં રહેતા માનવી માટે કુદરતે સમજી વિચારીને પક્ષીઓની રચના કરી એમના કલબલાટમાં મધુર સંગીત મૂક્યું પરંતુ આપણી પાસે ડિજિટલ સંગીત જ એટલું છે કે એ આપણને કુદરતની ભેટમાં રસ નથી. થોડામાં વધુ આપણે પક્ષીઓની પ્રજાતિને વધારવા માટે પણ ઉત્સુક નથી. મિત્રો જયારે પણ મગજને આરામ આપવાની ઈચ્છા થાય ત્યારે કુદરતના ખોળે માથું મૂકીને વિચારજો કે શું આ જિંદગી મેં ક્યારેય જીવવાનો પ્રયાસ કર્યો? ક્યારેય મેં ટી બ્રેક લઈને ખાસ એવી જગ્યાએ જવાનો પ્રયત્ન કર્યો? તેનો જવાબ ના હશે. કુદરતે આપેલ સૌથી અનમોલ ભેટ નાના બાળકો. તેમાં તમને પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ જોવા મળે છે તેમની સાથે સમય પસાર કરવો એટલે દુનિયાના સર્વ દુઃખો ભૂલીને બાળક સામે બાળક થઇ જવું એ ખરેખર એક નિર્દોષ લાગણી છે અને કુદરતે આપેલી ઉત્તમ ભેટ છે. નાના બાળકોને કોઈ વસ્તુઓની સમજ નથી હોતી. શું યોગ્ય છે? કે શું યોગ્ય નથી. તેઓ બસ તેમની દુનિયામાં વ્યસ્ત હોય છે. તેમને મનગમતી પ્રવૃત્તિ કરે છે. રમે છે, જમે છે, વિચારે છે પોતાની રીતે, ક્યારેક જીદ કરે છે તો ક્યારેક અચાનક ખુશ થઇ જાય છે. તો ક્યારેક દુઃખી. કહેવાનું તાત્પર્ય એટલું જ કે તેઓ કઈ પણ કરે તે પોતાની મરજીથી કરે છે. તેમની ખુશી કોઈ પર આધારિત નથી હોતી. તો મિત્રો આપણે પણ આપણી આસપાસ રહેતા નાના બાળકો સાથે ટાઈમ પસાર કરીને એક ટી બ્રેક લઇ શકીએ તેમ છીએ. તેમના જેમ જ થોડા સમય સુધી વર્તન કરીએ તો આપણે અનુભવી શકીએ કે આપણને આપણું પોતીકું બાળપણ પાછુ મળ્યું છે અને થોડા સમય સુધી આપણે આપણા મગજને આપણી મન ગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખી શકીએ છીએ. મિત્રો લખવા કે વિચારવા બેસીએ તો બહુ બધી કુદરતી ભેટો છે અને અગણિત છે. આપણે સમય અનુસાર તેમાં ઉડા ઉતરીને જીવનને થોડું વધુ રંગીન બનાવવું જોઈએ અને આવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવું જોઈએ. કેમ કે કામ તો જીવનપર્યન્ત ચાલુ જ રહેવાનું છે. પણ આપણે તેમાંથી થોડા થોડા અંતરે કેટલો ટી બ્રેક લઈએ તેના ઉપર આપણા સુખી અને આનંદમય જીવનનો આધાર છે. મગજને ફ્રેશ કરવા ટી બ્રેક લઈ શકાય તો આ તો જિંદગી છે. શું જિંદગીને એક ટી બ્રેકની જરૂરી નથી?

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •