*આધુનિક માર્શલ આર્ટની જનેતા કલરીપયટ્ટુ*🖌️ દેવેન્દ્ર કુમાર.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી બિઝનેસ ભારત રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

પૂણ્ય ભૂમિ ભારત વિશ્વની પ્રત્યેક કલાઓ નું જન્મસ્થાન છે. કળાઓ ભારતમાં જન્મી, વિકાસ પામી અને વિશ્વ માં વિસ્તરી. ભારત ની વિશ્વ ને આપેલી કળાઓમાં સ્થાપત્ય, નૃત્ય, સંગીત, નાટ્ય, શસ્ત્ર, અસ્ત્ર, યુદ્ધ, યુદ્ધ વ્યુહરચના જેવી કળા ઉદાહરણ છે.

યુદ્ધ ને પણ એક કળા તરીકે સ્વીકારી નિયમો, પ્રશિક્ષણ, વ્યુહરચના, શસ્ત્ર યુદ્ધ, નિ: શસ્ત્ર યુદ્ધ જેવાં આયામો વિકસાવી યુદ્ધ કળા નું એક અલગ જ ક્ષેત્ર ઊભું કર્યું. ભારતીય યુદ્ધ કળા માં આક્રમણ અને સંરક્ષણ નો અદભુત સંગમ થયો છે, આક્રમણ અને સંરક્ષણ બંને નું વિશેષ ધ્યાન કરી ને અનેકવિધ યુદ્ધ વ્યુહરચના ઓનો વિકાસ કરવામાં આવ્યો જેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારત નાં યુદ્ધ માં દ્રોણાચાર્ય દ્વારા રચવામાં આવેલો “ચક્રવ્યૂહ” છે.

વિશ્વભરનાં સંરક્ષણ નિષ્ણાતો, યુદ્ધ કળા જાણકરો, યુદ્ધ વ્યુહરચના કારો, વિદ્યાર્થીઓ પુરાતન ભારતીય યુદ્ધ કળા નો અભ્યાસ કરે છે તથા સમજવા નો પ્રયત્ન કરતા હોય છે.

ભારતીય યુદ્ધ કળા જેમ આક્રમણ અને સંરક્ષણ નો સુભગ સમન્વય છે એવી જ રીતે શસ્ત્ર યુદ્ધ અને નિ: શસ્ત્ર યુદ્ધ નો સુભગ સમન્વય કરી ને ભારતીય યુદ્ધ કળા નાં જનકો એ એક કળા વિકસાવી જે કલરીપયટ્ટુ અથવા કલારીપયટ્ટુ કે કલારી ને નામે ઓળખાય છે. આજે વિશ્વમાં કુંગ-ફૂ નાં નામે ઓળખાતી યુદ્ધ કળા એ ભારતીય માર્શલ આર્ટ કલરીપયટ્ટુ, કલારીપયટ્ટુ કે કલારી નું ચાઈનીઝ સ્વરૂપ છે.

“કલરીપયટ્ટુ, કલારીપયટ્ટુ કે કલારી નિયુદ્ધ કળા “

કલરીપયટ્ટુ, કલારીપયટ્ટુ કે કલારી એ ભારતીય માર્શલ આર્ટ્સ નું સૌથી જુનું સ્વરૂપ તથા સમગ્ર વિશ્વ ની તમામ માર્શલ આર્ટ્સ ની જનની કહેવાય છે. કલરીપયટ્ટુ, કલારીપયટ્ટુ કે કલારી નો જન્મ આજનાં કેરાલા માં થયો છે એવું મનાય છે. કેરાલાનાં યોદ્ધાઓ દ્વારા આ યુદ્ધ કળા નો આવિષ્કાર, વિકાસ તથા ઉપયોગ કરવામાં આવ્યો. આ યુદ્ધ કળા માં દક્ષિણ ભારતીય નૃત્યો, યોગ અને આંગળીઓ નાં વિશિષ્ટ હલનચલન નો ચતુરાઈ પૂર્વક કરવામાં આવ્યો છે. કલરીપયટ્ટુ કે કલારીપયટ્ટુ કે કલારી નાં મુખ્ય આયામો હુમલો, રક્ષણ, લાત, મુષ્ટી પ્રહાર, ક્ષેપ, રોધ- વિરોધ, માર વગેરે નો સમાવેશ થાય છે. કલરીપયટ્ટુ ને દ્વંદ્વ યુદ્ધ ની કળા મલ્લ યુદ્ધ નું વિકસીત સ્વરૂપ માનવામાં કોઈ જ અતિશયોક્તિ નથી.

કલરીપયટ્ટુ કે કલારીપયટ્ટુ સ્વયં અનોખો શબ્દ છે. આ શબ્દ બે જુદાં જુદાં શબ્દો થી બન્યો છે. “કલરી કે કલારી” તથા બીજો શબ્દ ” પયટ્ટુ”. “કલરી કે કલારી” મલયાલી ભાષાનાં શબ્દો છે જેનો અર્થ “વ્યાયામ શાળા” તથા “પયટ્ટુ” નો અર્થ થાય છે “યુદ્ધ કે વ્યાયામ કે ખુબ મહેનત કરવી”.

શૈલીઓ :-

કલરીપયટ્ટુ, કલારીપયટ્ટુ કે કલારી ની મુખ્યતઃ ત્રણ શૈલીઓ છે. 1. ઉત્તરી કલરીપયટ્ટુ, 2. દક્ષિણી કલરીપયટ્ટુ અને 3. મધ્ય કલરીપયટ્ટુ. ત્રણેય શૈલી માં દુશ્મન ઉપર ચાલાકીપૂર્વક હુમલો કરવો, દુશ્મન થી સિફતપૂર્વક સ્વયં ને બચાવવા તથા દુશ્મન નાં મર્મ સ્થાનો ઉપર શક્તિશાળી પ્રહાર કરવો એ સમાન છે. ત્રણેય શૈલી ની વિશેષતાઓ જોવા જેવી છે.

:- દક્ષિણી કલરીપયટ્ટુ :-

દક્ષિણી કલરીપયટ્ટુ નો સંબંધ મોટેભાગે ત્રાવણકોર સાથે માનવામાં આવે છે. આ શૈલીમાં હથિયાર નો ઉપયોગ, પ્રયોગ સંપૂર્ણ પ્રતિબંધિત છે જે આ શૈલી નું મુખ્ય પાસુ છે. આ શૈલી માત્ર હાથ પગ થી યુદ્ધ કરવાની શૈલી છે.

:- ઉત્તરી શૈલી :-

મલાબાર સાથે કલરીપયટ્ટુ ની ઉત્તરી શૈલી નો સંબંધ જોડવામાં આવે છે. આ શૈલી ની વિશેષતા એ છે કે અહીં હાથ પગ ને બદલે શસ્ત્રો નાં ઉપયોગ ને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

:- મધ્ય કલરીપયટ્ટુ શૈલી :-

મધ્ય કલરીપયટ્ટુ શૈલી એ ઉત્તરી શૈલી અને દક્ષિણી કલરીપયટ્ટુ શૈલી નો અદભુત સંગમ છે. મધ્ય કલરીપયટ્ટુ શૈલી નો પાયા કેરાલા નાં કોઝીકોડ, મલપ્પુરમ, પાલક્કડ, ત્રિશુર તથા એર્નાકુલમ માં જોવા મળે છે.

કલરીપયટ્ટુ ની પ્રશિક્ષણ પદ્ધતિ :-

કલરીપયટ્ટુ ની જેમ ત્રણ વિશિષ્ટ શૈલીઓ છે એવી જ રીતે એની વિશિષ્ટ પ્રશિક્ષણ પદ્ધતિ પણ છે. કલરીપયટ્ટુ નાં પ્રશિક્ષણ ને ત્રણ ભાગમાં વિભાજન કરીને આપવામાં આવે છે. 1. મિથારી, 2. કોલ્થારી અને 3.

:- મિથારી -:

કલરીપયટ્ટુ નાં પ્રશિક્ષણ ની શરૂઆત મિથારી થી થાય છે. એક યોદ્ધા માટે મજબુત બને સ્ફુર્તિવાન શરીર અત્યંત આવશ્યક ગણાય છે. મિથારી દરમિયાન યોદ્ધા ને મજબુત, તાકાતવાન તથા સ્ફૂર્તિવાન બનાવવા ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તથા એને માટે પ્રથમ થી જ નક્કી થયેલી શારિરીક તથા માનસિક કસરતો કરાવવામાં આવે છે.

:- કોલ્થારી -:

શિક્ષાર્થી પ્રશિક્ષણ નું પ્રથમ ચરણ સફળતાપૂર્વક પૂર્ણ કરે ત્યારબાદ બીજા ચરણ નું શિક્ષણ જેને કોલ્થારી ને નામે ઓળખવામાં આવે છે તે શરૂ થાય છે. પ્રશિક્ષણ નાં આ બીજા પગથિયે શિક્ષાર્થી ને લાકડાં નાં હથિયાર થી પ્રશિક્ષિત કરવામાં આવે છે. નવાં યોદ્ધા તિક્ષ્ણ હથિયાર વિશે જાણકારી ધરાવતા હોતાં નથી તથા અસલ હથિયાર થી સ્વયં ઈજાગ્રસ્ત નાં થાય એનું ધ્યાન રાખીને લાકડાં નાં હથિયાર નો ઉપયોગ કરવામાં આવે છે. આમ કલરીપયટ્ટુ નાં શિક્ષાર્થી ને બીજાં ચરણમાં હથિયાર ચલાવવા નું શિક્ષણ આપવામાં આવે છે જે લાકડાંથી બનાવવામાં આવેલાં હોય છે.

:- અંક્થરી -:

કલરીપયટ્ટુ નાં પ્રશિક્ષણ નાં પ્રથમ સોપાન મિથારી તથા દ્વિતીય સોપાન કોલ્થારી સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ શિક્ષાર્થી નું ત્રીજાં પગથિયાં અંક્થરી નું પ્રશિક્ષણ શરૂ કરવામાં આવે છે. પ્રારંભિક બંને પગથિયે શિક્ષાર્થી શરીરે મજબુત, તાકાતવાન, સ્ફૂર્તિવાન અને હથિયારો થી સંપૂર્ણપણે માહિતગાર તથા ચલાવવામાં નિપુણ બની ગયા હોય છે તેથી આ અંતિમ પડાવ ઉપર એમને તલવાર, બરછી,ભાલા જેવાં તિક્ષ્ણ શસ્ત્રો નું શિક્ષણ આપવામાં આવે છે. પ્રશિક્ષણ નાં આ અંતિમ તબક્કામાં એ શિક્ષણ અનિવાર્યપણે ઘનિષ્ઠ રીતે આપવામાં આવે છે જ્યારે એનાં હાથમાં શસ્ત્ર ના હોય ત્યારે નિ:શસ્ત્ર હોવાં છતાં સ્વયં નું રક્ષણ કરતાં કરતાં દુશ્મન ને કેવી રીતે હરાવી શકાય. કલરીપયટ્ટુ નાં પ્રશિક્ષણ નો ત્રીજો તબક્કો એ સુનિશ્ચિત કરે છે કે શિક્ષાર્થી યોદ્ધા શરીરે મજબૂત, તાકાતવાન અને સ્ફૂર્તિવાન છે, શસ્ત્ર યુદ્ધ તથા નિ:શસ્ત્ર/ નિયુદ્ધ કળા માં નિપુણ બની જાય.

કલરીપયટ્ટુ યુદ્ધ કળાનાં પ્રશિક્ષણ દરમિયાન યોદ્ધા ને માનવ શરીર નાં મર્મ સ્થાનો નું વિશેષ જ્ઞાન આપવામાં આવે છે. માનવ શરીર નાં મર્મ સ્થાનો ઉપર પ્રહાર કરીને દુશ્મન ને ચિત કરવાની વિશેષ યુક્તિ પ્રયુક્તિઓ શિખવવામાં આવે છે. આ ઉપરાંત માનવ શરીર નાં એવાં ઊર્જા બિંદુ ઓની પણ ઓળખાણ કરાવવા માં આવે છે જેને સક્રિય, વધુ સક્રિય કરવાથી શક્તિ, સ્ફુર્તિ માં વધારો કરી શકાય. માનવ શરીર નાં મર્મ સ્થાનો તથા ઊર્જા બિંદુ ઓની ઓળખ કલરીપયટ્ટુ યુદ્ધ કળાનાં પ્રશિક્ષણ નું અવિભાજ્ય અંગ છે.

કલરીપયટ્ટુ, કલારીપયટ્ટુ કે કલારી નો ઈતિહાસ :

કલરીપયટ્ટુ નો જન્મ સદીઓ પહેલાં થયો હશે એવું માનવામાં આવે છે. વિશેષજ્ઞો તથા અભ્યાસુ ઓની માન્યતા અનુસાર કલરીપયટ્ટુ અથવા કલારીપયટ્ટુ નો ઉલ્લેખ તથા વ્યાખ્યા પૌરાણિક કથાઓ માં આવે છે, આ કળા નો સ્પષ્ટ ઉલ્લેખ ધનુર્વેદ માં છે. એવું કહેવાય છે કે આ કળા, વિદ્યા નો પરિચય વિશ્વ ને કરાવનાર ભગવાન શ્રી પરશુરામ હતાં. આ કળા નો માનવ કલ્યાણ માટે સૌથી શ્રેષ્ઠ ઉપયોગ ભગવાન શ્રીકૃષ્ણ એ વ્રજમાં ગોપીઓ તથા ગોવાળોને શિખવી ને કંસના અત્યાચારી શાસનમાંથી મુક્ત થવા માટે કર્યો હતો એવું પણ કેટલાંક ભગવાન શ્રીકૃષ્ણ નાં જીવન તથા લીલાઓ નાં અભ્યાસુઓ નું માનવું છે.

“કલરીપયટ્ટુ” કે “કલારીપયટ્ટુ” નિયુદ્ધ કળા નું આજનું સ્વરૂપ મહર્ષિ અગસ્ત્ય દ્વારા વિકસાવવામાં આવ્યું છે. મહર્ષિ અગસ્ત્ય સતત ભ્રમણ કરતાં રહેતાં હતાં ત્યારે જંગલ નાં જાનવરો ની હત્યા નાં થાય એ રીતે સ્વ રક્ષણ માટે કલરીપયટ્ટુ નો ઉપયોગ કરતાં હતાં. સતત ઉપયોગ કરતાં મહર્ષિ અગસ્ત્ય કલરીપયટ્ટુ નાં જુદા જુદા આયામો નો તથા લડાઈ ની રીતો નો વિશેષ વિકાસ કર્યો. 11 મી સદીમાં ચેરા અને ચૌલ રાજવંશ વચ્ચે નાં યુદ્ધ દરમિયાન કલરીપયટ્ટુ યુદ્ધ કળા નો વિસ્તાર થવા પામ્યો. આમ તો કલરીપયટ્ટુ નો વિસ્તાર 9 મી સદીથી થવાની શરૂઆત થઇ ગઇ હતી.

કલરીપયટ્ટુ, કલારીપયટ્ટુ કે કલારી નું વિદેશગમન

સમ્રાટ અશોક નાં બૌદ્ધ મતાંતરિત થયાં બાદ ભારતીય ઉપખંડમાં બૌદ્ધ દર્શન નો પ્રચાર તથા પ્રસાર ખુબ જ ઝડપથી થયો. વિશ્વ નાં શ્રેષ્ઠ બૌદ્ધ ભિક્ષુ ઓ માં સ્થાન પામતાં ભિક્ષુ બોધીધર્મન જે કલરીપયટ્ટુ યુદ્ધ કળામાં પારંગત હતાં તે ચીનમાં બૌદ્ધ દર્શન ના પ્રચાર, પ્રસાર માટે ગયા ત્યારે કલરીપયટ્ટુ યુદ્ધ કળા ને પોતાની સાથે લેતાં ગયાં. ચીન માં બૌદ્ધ દર્શન નો સ્વીકાર કરનારાં ભિક્ષુ ઓને સ્થાનિક મત ધરાવતા લોકોથી પોતાની રક્ષા કરવા માટે બોધીધર્મને શિખવી. ચીનના બૌદ્ધ ભિક્ષુ ઓ એ ભારતીય કલરીપયટ્ટુ યુદ્ધ કળામાં ચીનની સ્થિતિ મુજબ ફેરફારો કર્યા અને જ્યાં ગયા ત્યાં કુંગ-ફૂ નામકરણ કરીને પ્રચલિત, પ્રચારિત, અને પ્રસારિત કરતાં ગયા.

દુઃખદ એ છે કે મુળ ભારતીય યુદ્ધ કળા નાં સંવર્ધન, સંરક્ષણ કરવા તરફ ધ્યાન આપવામાં આવ્યું નહીં, સ્વતંત્રતા બાદ પણ કોઈ જ પ્રયત્ન નાં થયાં. કલરીપયટ્ટુ નો વિસ્તાર તથા વિકાસ થાય તે તરફ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને મુળ ભારતીય યુદ્ધ કળા કલરીપયટ્ટુ વિશ્વ માં ચાઈનીઝ કુંગ-ફૂ નાં નામે ચાઈનીઝ બની ગઈ.

🖌️ દેવેન્દ્ર કુમાર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply