*સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહે ગુજરાતમાં L&T આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સમાંથી 51મી K9 વજ્ર-T ગન રાષ્ટ્રને સોંપી.*- *સંજીવ રાજપુત.*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ધાર્મિક ભારત રમત જગત રાજનીતિ સમાચાર

સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે ગુજરાતમાં હજીરા ખાતે આવેલા લાર્સન એન્ડ ટુર્બો (એલ એન્ડ ટી) આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્સમાંથી 51મી K9 વજ્ર-T ગન રાષ્ટ્રને સોંપી. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી થવી જોઇએ તેમ કહ્યું હતું અને ભારતને શસ્ત્રોના ઉત્પાદનનું હબ બનાવવા તેમજ નેટ (ચોખ્ખા) ડિફેન્સ નિકાસકાર બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં ખાનગી ઇન્ડસ્ટ્રીની વધતી ભાગીદારીને શ્રી રાજનાથસિંહે બિરદાવી હતી અને તેમણે જણાવ્યું હતું કે હજુ પણ ભારતને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવા માટે ઘણું કરવાની જરૂર છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર નવા વિચારો માટે મુક્ત છે અને સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ઇન્ડસ્ટ્રીની ઉર્જા, ઉદ્યમશીલતા, જુસ્સા તેમજ ઉદ્યોગ-સાહસનો ઉપયોગ કરવા માટે નિર્ધાર કરેલો છે.” તેમણે ખાતરી આપી હતી કે, સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે સરકાર કોઇપણ અવરોધો દૂર કરશે અને સાથે મળીને કામ કરશે.

શ્રી રાજનાથસિંહે 2025 સુધીમાં સંરક્ષણ ઉદ્યોગને $26 બિલિયનનું ક્ષેત્ર બનાવવા માટે તેમજ 2-3 મિલિયન લોકોને રોજગારી આપવા માટે ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોરૂપે કરાયેલા વિવિધ સુધારાઓ તેમણે જણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “અમે એવી ઇકોસિસ્ટમ તૈયાર કરવા માંગીએ છીએ જે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેને સાથે મળીને કામ કરવા માટે અને પોતાની શક્તિ તેમજ અનુભવો દ્વારા દેશના નિર્માણમાં યોગદાન આપવા માટે યોગ્ય મંચ પૂરો પાડે.”

સંરક્ષણ મંત્રીએ દર્શાવેલા સુધારાઓમાં ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં તૈયાર કરવામાં આવેલા ડિફેન્સ કોરિડોર; સીધા વિદેશી રોકાણ (FDI)ની વધારવામાં આવેલી મર્યાદા; ડિફેન્સમાં નિકાસને પ્રોત્સાહન માટે લેવામાં આવેલા પગલાં; ડિફેન્સ ઓફસેટ નીતિઓને સૂરેખ કરવાની કામગીરી; ડિફેન્સ રોકાણકાર સેલની રચના; ખાનગી ક્ષેત્રોને સરકારી માલિકીની પરીક્ષણ અને ટેસ્ટિંગ સુવિધાઓ પૂરી પાડવી અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટ અપ તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગો માટેની યોજનાઓ સામેલ છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સંરક્ષણ ઉત્પાદન નીતિમાં વ્યૂહાત્મક ભાગીદારી (SP) મોડેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત, ખાનગી ક્ષેત્રો યુદ્ધ વિમાન, હેલિકોપ્ટર, સબમરીન અને સશસ્ત્ર વાહનોનું ઉત્પાદન કરી શકશે અને વૈશ્વિક માંધાતાઓ તરીકે આગળ આવી શકશે. શ્રી રાજનાથસિંહે SP મોડેલ હેઠળ ભાગીદારી સુનિશ્ચિત કરવા બદલ એલ એન્ડ ટીની પ્રશંસા કરી હતી.

સંરક્ષણ મંત્રીએ આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્સની મુલાકાત દરમિયાન સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, આ સુવિધા ‘નવા ભારતની નવી વિચારધારા’નું મજબૂત દૃશ્ટાંત છે. તેમણે ઉમેર્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ આધુનિકીકરણ અને એકીકરણના લક્ષ્યની પરિકલ્પના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી તેને હવે આકાર મળવા લાગ્યો છે. શ્રી રાજનાથસિંહે K9 VAJRA-T ગનને સંરક્ષણ ક્ષેત્રે ‘મેક ઇન ઇન્ડિયા’નું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “મેં કહ્યું હતું કે, K9 વજ્રના 75 ટકા હિસ્સો ભારતમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ કોમ્પલેક્સ દ્વારા 5,000થી વધુ લોકોને સીધી રોજગારી અને 12,500થી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળી છે. આ ખૂબ જ ગૌરવની વાત છે.” સંરક્ષણ મંત્રીએ K9 વજ્ર માટે 100માંથી 51 ઓર્ડર નિર્ધારિત શિડ્યુલ પહેલાં જ પૂરાં કરવા બદલ એલ એન્ડ ટીને અભિનંદન પાઠવ્યા હતા.

એલ એન્ડ ટી ડિફેન્સ હાલમાં ‘K9 VAJRA-T’ ટ્રેક્ડ, સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝાર ગન પ્રોગ્રામ ચલાવે છે – આ કોન્ટ્રાક્ટ સંરક્ષણ મંત્રાલય દ્વારા વૈશ્વિક સ્પર્ધાત્મક બિડિંગ મારફતે આ કંપનીને આપવામાં આવ્યો છે.

એલ એન્ટ ટી ગ્રૂપના ચેરમેન શ્રી એ.એમ. નાયક અને એલ એન્ડ ટીના અધિકારીઓ તેમજ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply