*મકરસંક્રાંતિ: ધર્મ ની સાથે વિજ્ઞાન નો અનોખો સંગમ**દેવેન્દ્રકુમાર સોલંકી.*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ધાર્મિક ભારત રાજનીતિ વિશેષ સમાચાર

મકરસંક્રાંતિ પર્વ સમગ્ર દેશમાં ઉજવવામાં આવતો હિંદુ તહેવાર છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસ એટલે મકરસંક્રાંતિ, સૂર્ય જ્યારે ઉત્તર તરફ અયન કરવાની શરૂઆત કરે છે તે દિવસે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. આ તહેવાર નું ધાર્મિક મહત્વ ઘણું છે. આ દિવસે ખાસ કરીને દાન પૂણ્ય નો મહિમા છે. આ દિવસે ગાય ને ખવડાવવાથી અનેકગણું પુણ્ય મળે છે. જોકે હિંદુ સનાતન પરંપરા માં ગાયનું મહાત્મ્ય મકરસંક્રાંતિ પુરતું જ મર્યાદિત નથી પરંતુ દૈનંદિન જીવન સાથે જોડાયેલું છે, જેનું જીવંત ઉદાહરણ એટલે એક રૂઢિ જે કહે છે કે, “પહેલી રોટલી ગાયની”.
મકરસંક્રાંતિ પર્વનું મહત્વ દર્શાવતાં અનેક ઉદાહરણોનો ઉલ્લેખ હિંદુ શાસ્ત્રોમાં મળી આવે છે. જેમાં સૌથી વધુ જાણીતું ઉદાહરણ મહાભારત નાં યુદ્ધ બાણશૈયા પર સુતેલા પિતામહ ભીષ્મ નું છે. પિતામહ ભીષ્મ ને ઈચ્છા મૃત્યુ નું વરદાન હતું,આ કારણે મહારથી પિતામહ ભીષ્મ અમર હતાં. મહાભારત નાં યુદ્ધ માં દુર્યોધને પિતામહ ભીષ્મ ને મહેણું માર્યું કે, ” તમને પાંડવો પ્રતિ સ્નેહ છે તેથી તમે તમારી પુરી તાકાતથી લડતાં નથી.” પોતાની ઉપર લગાવવામાં આવેલાં આરોપથી પિતામહ ભીષ્મ વ્યથિત થઈ ગયા અને વચન આપ્યું કે, “કાલથી હું દરરોજ દસ હજાર સૈનિકો ને મારીશ”. બીજાં દિવસે પિતામહ ભીષ્મએ પોતે આપેલાં વચનનું પાલન કરતાં પાંડવ સૈન્ય માં હાહાકાર મચાવી દીધો. ત્યારે પિતામહ ભીષ્મને જો રોકવામાં નહીં આવે તો પાંડવો નો પરાજય થઈ જાય એવી શક્યતા જોતાં શિખંડી ને આગળ રાખીને અર્જુને પિતામહ ભીષ્મ ઉપર હુમલો કર્યો. સ્ત્રી ઉપર શસ્ત્ર નહીં ચલાવવાની પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરતાં પિતામહ ભીષ્મએ અર્જુન ઉપર એક પણ બાણ ચલાવ્યું નહીં જ્યારે અર્જુને શિખંડીની પાછળ રહીને પિતામહ ભીષ્મ ઉપર બાણોનો વરસાદ વરસાવી દીધો, છેવટે પિતામહ નું સંપૂર્ણ શરીર અર્જુન નાં બાણોથી ભરાઈ ગયું અને પિતામહ ભીષ્મ રથ ઉપર થી નીચે ઢળી પડ્યા પરંતુ શરીર ઉપર એટલાં બધાં બાણ હતાં કે પિતામહ ભીષ્મ નું શરીર જમીનને અડકી શકતું નહોતું. પિતામહ ભીષ્મ ને જોતાં એવું દુઃખદ દ્રશ્ય સર્જાયું જાણે કે પિતામહ બાણો ની પથારી પર સુતેલા હોય. બાણશૈયા પર સુતેલા પિતામહ ભીષ્મ એ પોતાના મૃત્યુ ને મકરસંક્રાંતિ સુધી રોકી રાખ્યું હતું. મકરસંક્રાંતિ પર્વ બાદ પિતામહ ભીષ્મએ પોતાનાં પ્રાણ છોડ્યા.
ધાર્મિક મુહુર્ત શાસ્ત્રોમાં મકરસંક્રાંતિ પર્વ પહેલાં કુમુહુર્ત નાં દિવસો ગણાય છે. આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય, લગ્નાદિ કાર્ય કરવામાં આવતાં નથી. મકરસંક્રાંતિ પર્વ બાદ શુભ કાર્ય ની શરૂઆત કરી શકાય છે.
ધાર્મિક મહત્વ ધરાવતું મકરસંક્રાંતિ અથવા ઉત્તરાયણ પર્વ વૈજ્ઞાનિક મહત્વ પણ ધરાવે છે. મકરસંક્રાંતિ શબ્દ એ સૂચવે છે કે સૂર્ય નું મકર રાશિમાં સંક્રાંત થવું શરૂ થાય છે. ઉત્તરાયણ શબ્દ જ સ્વયં અર્થ દર્શાવે છે કે એ દિવસથી સૂર્ય નું ઉત્તર દિશામાં અયન શરૂ થાય છે. સૂર્ય નું મકર રાશિમાં પ્રવેશવું, સૂર્ય નું ઉત્તર દિશામાં અયન કરવું આ ઘટનાઓથી દિવસ લાંબો થવા માંડે છે અને રાત્રી ટુંકી થાય છે. આ દિવસે તલ ગોળ નાં લાડુ, ચિક્કી ખાવાનો રિવાજ પણ છે. તલ ગોળ ખાવાથી શરીર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જે ઋતુ સંક્રમણ ની સ્થિતિ માં લાભદાયક છે. સૂર્ય નો તડકો ધીરે ધીરે ગરમી આપવા માંડે છે જેથી નદી, નાળા, સમુદ્ર નાં પાણી નું બાષ્પીભવન થવાની પ્રક્રિયા નું વિસ્તરણ થાય છે.
આ દિવસ સૌથી વધુ લોકપ્રિય છે પતંગ મહોત્સવ ને કારણે. ખાસ કરીને ગુજરાતમાં અને એમાં પણ અમદાવાદ અને સુરતમાં પતંગબાજી નું આગવું સ્થાન છે. પતંગ ચગાવવાની પ્રથા પાછળ પણ વિજ્ઞાન છુપાયેલું છે. સૂર્ય નો તડકો વિટામિન ડી નો સૌથી મોટો સ્ત્રોત છે પરંતુ ઠંડીને કારણે લોકો બહાર આવતાં નથી હોતાં ત્યારે પતંગ ચગાવવાની, લુંટવા ની, કાઈપો છે, એ લપ્પેટ ની બુમરાણ તથા પડોશી નો પતંગ ઉઠતાં જ કાપી નાખવાની મજા સૌને ધાબે લઈ આવે છે જેનાથી સૌ વિટામિન ડી મેળવે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •