વિશ્વ વિકલાંગ દિન, તા.૩ ડિસેમ્બરે બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક સમાચાર

દિવ્યાંગ બાળકો વિવિધ કૃતિઓ રજૂ કરશે : કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગરજનોને જાહેર આમંત્રણ

૦ ગુજરાતનું પ્રથમ કાફેટેરિયા પણ બનશે

તા.૩ ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિન છે, તેની વિશિષ્ટ ઉજવણી અમદાવાદમાં બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા થશે. જે અંતર્ગત મંગળવારે બપોરે ૨.૩૦ વાગ્યે ટાગોર હોલ, પાલડી ખાતે ‘ડિવિનિટી-સેલિબ્રેટિંગ એબિલિટીઝ’ નામથી વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

આ અંગે પત્રકારોને વિગતો આપતાં બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થના ચેરમેન પી.કે.લહેરીએ જણાવ્યું હતું કે વર્ષ-૧૯૫૧થી દિવ્યાંગોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને વિકલાંગ પુનર્વસન માટે કાર્યરત્ બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા વિશ્વ વિકલાંગ દિન, તા.૩ ડિસેમ્બરના રોજ દિવ્યાંગ બાળકો વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દેશે. આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડ્યા, ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો.અમીબેન ઉપાધ્યાય, ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી ડો.અંજુ શર્મા ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ દિવ્યાંગ બાળકોની કલા-કૌશલ્યને લોકો સમક્ષ ઉજાગર કરવાનો છે અને તેઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે અંગેનો છે. આ કાર્યક્રમમાં નગરજનોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે.

તેમણે જણાવ્યું કે બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ અનોખું કાફેટેરિયા શરૂ કરવામાં માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે. જેમાં, કાર્યરત્ બધા દિવ્યાંગો હશે. સાથે જ તેઓએ તૈયાર કરેલી કૃતિઓ પણ વેચાણ અર્થે રાખવામાં આવશે. તેઓ દ્વારા લોન્ડ્રી પણ શરૂ કરાય કે જેથી દિવ્યાંગો સ્વરોજગારી મેળવીને સ્વાભિમાન સાથે પોતાનું જીવન જીવી શકે.

તેમણે જણાવ્યું કે હજુ બે દિવસ પહેલાં જ સંસ્થાના ૨૮ મનોદિવ્યાંગ બાળકો આઈઆઈટી-સરસપુર ખાતે પરીક્ષા આપીને ઉત્તીર્ણ થયા છે. આ રીતે દિવ્યાંગ બાળકો શિક્ષિત બને અને જાતે પગભર બને તે માટેનો પ્રયાસ સંસ્થા દ્વારા થઈ રહ્યો છે.

આ પ્રસંગે ટ્રસ્ટી માનાબેન સારાભાઈ, શ્રીમતી મીતા ઝવેરી, શ્રીમતી મહેર મેદારો, સંસ્થાના ડાયરેક્ટર ડો.મધુ સિંઘ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply