આજની યુવાપેઢીને સમજાય એવી ભાષામાં અનેક શાસ્ત્રોનાં સારનુ શ્રવણ કરાવે છે ; પૂજ્ય સ્વામીશ્રી ગોવિંદદેવગિરિજી !- પાર્થિવી અધ્યારુ શાહ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

શ્રીમદ્ ભાગવત્ , દેવી ભાગવત્ , શ્રીરામચરિત્ર , ભગવદ્ ગીતા ,મહાભારત , વેદો , જ્ઞાનેશ્વરી , શિવપુરાણ , શાંકર વેદાંત , શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ , યોગવાસિષ્ઠ હોય કે ભારતીય પ્રબંધશાસ્ત્ર … સ્વામીશ્રી ગોવિંદદેવગિરિજી મહારાજ તેમની અદકેરી છટામાં આ બધા જ શાસ્ત્રોનાં ગૂઢ વિષયોનાં મૂલ્યોને ખૂબ સરળતાથી આજની પેઢીનાં મનમાં પ્રસ્થાપિત કરી શકે છે ! તેમનો અસ્ખલિત વહેતો વાણીપ્રવાહ એટલો ધારદાર અને રસપ્રદ છે કે જો આજની યુવાપેઢીનાં કાને એક વાર જો તેમના શબ્દો પડે તો તેઓનું જીવન ધન્ય બની જાય !
માત્ર ૧૫ વર્ષની વયથી ગીતાનાં પ્રવચનો અને ૧૭માં વર્ષથી પારિવારિક પરંપરાગત શ્રીમદ્ ભાગવતની કથાનો પ્રારંભ કરનાર પૂજ્ય સ્વામીશ્રી ગોવિંદ દેવગિરિજી સંસ્કૃત , હિન્દી , મરાઠી ,અંગ્રેજી , મારવાડી અને ગુજરાતી ભાષામાં તેમનાં પ્રવચનો આપે છે અને અત્યાર સુધીમાં તેઓ ૧૨૦૦થી પણ વધારે જ્ઞાનયજ્ઞો કરી ચૂક્યા છે .
તેમના બહુઆયામી કાર્યોની વાત કરીએ તો તેઓએ દેશનાં ૧૬ રાજ્યોમાં ૩૫૦ સંસ્કારકેન્દ્રોની સ્થાપના અને ૬૦૦ જેટલી શિબિરોનું આયોજન કર્યુ છે .
સ્વામીજી દ્વારા કરવામાં આવી રહેલી મહર્ષિ વેદવ્યાસ પ્રતિષ્ઠાનની સ્થાપના એ એક અત્યંત મહાન કાર્ય છે કે જ્યાં ભારતનાં પ્રાચીન ગ્રંથો પર આધારિત અભ્યાસ કરાવવામાં આવે છે અને આજે અનેક ભાગ્યવાન વિદ્યાર્થીઓ આ લાભ લઈ પણ રહ્યાં છે ! પૂનાથી થોડા અંતરે આવેલા આલંદીમાં સ્થાપિત આ ગુરુકુલમ્ સનાતન ધર્મનાં પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત છે .
અનેક મહાન પુરસ્કારોથી સમ્માનિત સ્વામીજીએ અધ્યાત્મ વિદ્યામંદિર ,તત્ત્વતીર્થ આશ્રમ , અમદાવાદ ખાતેનાં તેમનાં વાલ્મિકી પ્રધાન રામાયણનાં પ્રવચન દરમ્યાન કહ્યું હતું કે , આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સદીઓ પહેલાં ભારત વિજ્ઞાન ક્ષેત્રે , રસાયણ ક્ષેત્રે અને બીજા દરેક ક્ષેત્રે કેટલું આગળ હતું ! “
પારિવારિક મૂલ્યોને ખૂબ પ્રાધાન્ય આપતા સ્વામીજી વારંવાર આજની પેઢીને વિવેકબુધ્ધિથી જીવવાની હાકલ કરે છે અને પોતાની જાત સાથે વાત કરીને ખુદને ઓળખવાની નીતિ અપનાવવાનું કહે છે . રાષ્ટ્રભક્તિથી લઈને રામભક્તિનાં વિશેષ પાસાઓની ઊંડી સમજણ તેઓ આજની ડિજિટલ ભાષાની છાંટ દ્વારા ખૂબ માર્મિક પણ હળવી ભાષામાં ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે !
તેમની આગવી શૈલીમાં કથાનું શ્રવણ કરવું એ એક લ્હાવો છે ! યુટ્યુબ પર તેમનાં અનેક ‘ફોલોઅર્સ ‘ છે પણ હવે જ્યારે આવા મૂલ્યોને નવી પેઢી પોતાનાં જીવનમાં ખરેખર’ ફોલો ‘ કરશે ત્યારે રામરાજ્યનું પુન: અવતરણ થશે એમ લાગે છે !

– પાર્થિવી અધ્યારુ શાહ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply