ગુજરાતી ભાષાનાં ભાવિની ચિંતા – કવિતાઓનાં પુસ્તકનાં વિમોચન દ્વારા !

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

વિજયાદશમીની સમીસાંજે લેખિકા અને કવિયેત્રી પાર્થિવી અધ્યારુ શાહ લિખિત કાવ્યસંગ્રહ ‘સરયૂ’ તથા ‘તું અને હું ‘ નો વિમોચન પ્રસંગ એક ઉત્સવની જેમ ઉજવાયો એલિસબ્રીજ જીમખાનાને આંગણે ! પ્રિન્ટબોક્સ પબ્લિકેશન્સ દ્વારા સંપાદિત આ બંને પુસ્તકોનું ડો. શ્રી નરેશ વેદનાં વરદ હસ્તે વિમોચન થયું અને લેખિકા સુધા ભટ્ટ દ્વારા જૂના સંસ્મરણોને વાગોળવામાં આવ્યા .
બંને પુસ્તકો પાછળ રહેલો હેતુ એ છે કે જો હવેની પેઢીને ગુજરાતી ભાષા તરફ પ્રેમથી વાળવી હશે તો ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોનાં અમીછાંટણા કરવા જ પડશે , નહીંતર આપણી ભાષા આપણે ખોઈ બેસીશું ! કાવ્યસંગ્રહ ‘સરયૂ’માં ખૂબ સરળ અને સમજાય તેવી રમતિયાળ કવિતાઓથી લઈને અલગ-અલગ વિષયો પર કવિતાઓ લખાઈ છે . ‘જીન્સ પર ખાદીનો કુર્તા’ પહેરાવેલી આ કવિતાઓને ‘લેપટોપ’ જેવાં પુસ્તકનાં આકાર અને ‘ફેસબુક ‘ જેવાં ‘લે-આઉટ્સ’ દ્વારા ‘જનરેશન નેક્સ્ટ’ સુધી પહોંચાડવાનો આ એક નમ્ર પ્રયાસ છે .
‘તું અને હું ‘ માં આલેખાયેસા સંવાદો એ પ્રસંગોપાત વ્યક્ત થતી લાગણીઓ છે કે જે બજારમાં મળતા અંગ્રેજી ભાષામાં લખાયેલા કાર્ડ્સની જેમ હાથે લખીને ભેટ આપી શકાય . જૂની અંગ્રેજી ભાષાનાં કાર્ડ્સ જો બર્થડેઝ , એનિવર્સરીઝ કે વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે આપી શકાતા હોય તો આવી સંવેદનાઓની ભેટ પોતાના પ્રિયજનને ભેટ આપવાનો પ્રયોગ કરવા જેવો તો ખરો – એ સંદેશ આ પુસ્તક દ્વારા અપાયો છે .

‘Poetree’ એ પાર્થિવીએ એની કલ્પનાને આપેલો એક નાજુક આકાર છે , જેમાં સાહિત્ય અને હરિયાળીનાં સગપણનો શબ્દોત્સવ રચાયો છે . આ કલાકૃતિને દિવાલ પર કે ટેબલટોપ પર સજાવી શકાય તેવી
ભેટમાં આપી શકાય તેવી સાહિત્યનો પ્રસાર કરતી કલાકૃતિ છે .

જીમખાનાનાં એન્ટરટેઈનમેન્ટ કમિટિનાં કન્વિનર શ્રી શમિક શાહે પણ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું .
કાર્યક્રમનાં અંતમાં ગુજરાતી રંગમંચનાં જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી અને જાણીતા લેખિકા ડો. અલ્પા શાહે ‘તું અને હું ‘ માં આલેખાયેલા સંવાદોનું ખૂબ સુંદર રીતે ભાવાત્મક વાચિકમ્ કર્યુ હતું .
આ કાર્યક્રમમાં ગુજરાતની ઓળખ સમા લેખક શ્રી રજનીકુમાર પંડ્યા , શ્રી કુનાલ વોરા , શ્રી શૈલેષ પારેખ વગેરે સાહિત્યજગતની હસ્તીઓની ઉપસ્થિતિ રહી હતી .
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી તેજસ દવે દ્વારા કરવામાં આવ્યું હતું .

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •